આજથી લગભગ સાત-આંઠ વરસ પહેલાની વાત છે. રાતના દસ વાગે સ્ટાફને રજા આપી, વ્યવસાયે તબિબ એવા પતિ- પત્ની બન્ને એકલા ક્લિનિકમાં એક દર્દીની રાહ જોઇને બેઠેલા. જશુભાઇ એમના જુના દર્દી હતા. એ એમના દિકરાના લગ્ન એક છોકરી સાથે કરાવવા કે નહિં એ બાબતે દાક્તરનો અભિપ્રાય લેવા આવવાના હતા. છોકરીને પગે સફેદ ડાધ હતો, કોઢનો!
છોકરીવાળાએ જણાવેલુ કે, એમણે છોકરીની સારવાર કરાવેલી છે, ફક્ત એક ડાઘ રહી ગયો છે જે, હવે મોટો નથી થતો અને એ ચેપી પણ નથી! જશુભાઇને ચામડીના દાક્તર તરીકે ડો. અમિત શાહ પર પુરો વિશ્વાસ એટલે, એમણે આ વિષે દાક્તરને ફોન ઉપર વાત કરેલી, ને છેલ્લે એમ નક્કિ થયેલુ કે, ડૉ. અમિત જાતે જ એ છોકરીનો સફેદ-ડાઘ તપાસીને કહે કે, એની સાથે એમના બચુડાના લગ્ન કરવામાં કંઇ જોખમ નથી તોજ એ લગ્ન માટે હા કહેશે!
આખરે એ લોકો આવી ગયા. જશુભાઇ, એમનો બચુડો, છોકરીના પપ્પા અને એ છોકરી પોતે.
એ લોકો અંદર દાકતર અમિત સાથે ચર્ચા કરતા હતા, ડૉ. ગરિમા ઘરે જવાની ઉતાવળ હતી. એ બહાર દર્દીઓને બેસવાના ઓરડામાં લગાવેલા ટીવીની ચેનલો બદલી સમય પસાર કરી રહ્યા હતા. પાંચજ મિનિટમાં એ છોકરી બહાર આવીને એક ખાલી ખુર્સી પર નીચું માથું કરીને બેસી. એ થોડી ઢીલી હોય એમ લાગયુ.
હવેજ ગરીમાનું ધ્યાન એ છોકરી પર ગયુ. આગળની વાત ડૉ. ગરીમા જ આપણને જણાવશે .
બાપરે! યામી ગૌતમીની જુડવા બેન અહિં બેઠી હતી. અદ્દલ એના જેવોજ દેખાવ ! એને જોઇ રહી છું એમ લાગતા એણે મારા તરફ નજર ફેરવી. હું હસી. એ પણ હસી જરાક.
“ શું થયુ? આટલી ઉદાસ કેમ છે?” મેં બસ એમજ સ્ત્રીસહજ ભાવે પુછેલું . ત્યારે સપનેય ખબર ન હતી કે એક, આટલો નાનકડો સવાલ કેવડું મોટુ પરિવર્તન લાવશે.
“મને કોઢનો ડાઘ છે. અહિં, આ પગની એડી પર,” એણે એનો પગ મારા તરફ ફેરવીને ડાઘ બતાવ્યો. ગોરી ચામડી પર આછા ગુલાબી રંગનો, લિસો, ચમકતો ગુજરાતના નકશા જેવા આકારનો, ચારેક ઇંચનો એ ડાઘ બીજી ચામડી કરતા અલગ તરી આવતો હતો.
“એનીજ બધી મોકાણ છે. કોઇ છોકરો મારી સાથે લગ્ન કરવા રાજી થતો નથી. મારું રુપ, મારું ભણતર, મારા સંસ્કાર એ કોઇ જોતુ નથી. બધાને દેખાય છે તો આ સફેદ ડાઘ માત્ર ! મુંબઈના દાક્તરે કહેલું કે, કોઢ હવે એટલી ભયાનક બિમારી નથી. એ ચેપી નથી તોયે અહિં વડોદરા સુંધી એમના વિશ્વાસુ દાકતરને બતાવવા લાંબા થવુ પડ્યુ. મારે તો લગ્ન જ નથી કરવા. ” એના મનમાં ચાલતી હતી એ બધી અકળામણ એક સાથે બહાર આવી ગઈ.
“પણ સફેદ ડાઘનો ઇલાજ કેમ નથી કરાવતી?”
“કરાવ્યો, વરસોથી કરાવુ છું. ક્રીમ લગાવીને બીજા ડાઘ તો જતા રહ્યા પણ આ,” એણે ડાઘવાળો પગ પછાડ્યો.
“તું એક વાર ડૉ. અમિતને એ બાબતે પુછી જો. ડાઘ મટી શકે છે! "
બધા અંદરથી બહાર આવ્યાને અમારી વાતો અટકી. મેં મુરતીયાને જોયો સાવ સામાન્ય દેખાવનો હતો.
રસ્તામાં અમિતે મને જણાવ્યું કે, એ છોકરાને વધારે વાંધો છે, કાલે કદાચ એમના બાળકોને પણ એ બિમારી વારસામા મળે તો? મેં તો એને સમજાવ્યો કે બાળકોમાં મમ્મીની બિમારી આવે પણ ખરી અને ના પણ આવે! સિવાય ભગવાન એ કોઇ કહી ના શકે. અને જો કદાચ બચ્ચાઓમાં કોઢ દેખાય તો એ જ વખતે સારવાર આપીને ઠીક કરી શકાય.
“પણ, આ ડાઘો કોઇ રીતે ના મટે?”
“મટેને, એના માટેની ક્રીમ છે, લેસર છે, ને છેલ્લે સર્જરીથી તો ભલભલા ડાઘ નીકળી જાય.”
“એણે એ વિશે પુછ્યું ન હતું.”
“જો પુછે તો? એનો ડાઘ જતો રહેશેને?” હું મનોમન મલકાઇ
ડાઘ જઈ શકે છે એવુ તો મેં એ છોકરીને જણાવીજ દીધેલું હવે એ પાછી આવે એની રાહ જોવાની હતી. બહું રાહ ના જોવી પડી. બે દિવસ રહીને એ પાછી આવી.
“હલ્લો મેમ! એક્ચુઅલી મારે તમારી સાથે જ થોડી વાત કરવી હતી.”
સુંદર સ્મિત સાથે એણે વાત શરું કરી.
“હું સ્વાતી. તે દિવસે રાત્રે આપણે વાત થયેલી.”
“ મને બધુજ યાદ છે, હું ડોક્ટર ગરીમા, હું ડેન્ટિસ્ટ છું. ” મેં સામે ઓળખાણ આપી. “જો સ્વાતી રીસેપ્શન પર જઈને તારી ફાઇલ કઢાવી લે પછી અંદર જાય એટલે દાક્તરને એક જ સવાલ પુછજે. આ ડાઘ નીકળી શકે? બસ, પછી એ તને વિગતવાર બધુંજ સમજાવી દેશે. ઓકે ? ”
થોડાક દિવસ રહીને એની, એટલેકે એના સફેદ ડાઘની સર્જરી કરવાનું નક્કિ થયુ. એને શું શું તકેદારી રાખવાની છે એ એને અને એના પપ્પાને બરોબર સમજાવી દીધુ.
મને બરોબર યાદ છે. આ અમિતની પોતાના ક્લિનિક પર પહેલી આવી સર્જરી હતી. ચામડી પર નિશાન ના રહી જાય એવા, એકદમ ઝિણા ટાંકા લેવાની એમણે ખાસ પ્રેક્ટિસ કરેલી, . એમના સર્જન મિત્ર સાથે નાનામાં નાની વાતની ચર્ચા રાતે અગીયાર વાગયા પછી ફોન પર થતી.
આખરે એ દિવસ આવી ગયો! સવારે એમના પપ્પાના આશિર્વાદ અને પપ્પા બેઉને સાથે લઈને એ ક્લિનિક પર ગયેલા. એનો ડાઘ સર્જરી કરીને(ગ્રાફ મુકીને) કાઢી નખાયો. ચાર કલાક સુંધી સર્જરી ચાલેલી. સાંજના દર્દીઓ આવીને દાક્તર ક્યારે આવશે? સાહેબ ક્યાં ગયા? દાક્તર શું કરે છે અંદર? મારે મોડું થાય છે, વગેરે સવાલોનો મારો કરવા લાગેલા જેનો પપ્પાએ (મારા સસરા) રિસેપ્શન આગળની છોકરીની સાથે મળી બરોબર સામનો કરેલો!
એક મહિનાની રજા લઈને સ્વાતી અહિં અમદાવાદમાં જ એના ફોઇના ઘરે રોકાઇ હતી. ત્રણેક વખત સ્વાતીને ડ્રેસિંગ કરાવવા આવવુ પડેલુ. જે પરીણામ છેલ્લે આવ્યુ એ જોઇને બધાને સંતોષ થયેલો.
એ પછી સ્વાતી મુંબઈ પાછી ચાલી ગયેલી. થોડોક સમય ગયો હશે, ત્યારે જશુભાઇનો બચુડો એના લગ્નની કંકોતરી આપવા આવેલો. મને કંકોતરીમા છોકરીનું નામ જોઇને નવાઇ લાગી, સ્વાતીને બદલે બીજુ જ નામ હતું. મારા મોંઢા સામે જોઇને બચુએ કહેલું,
“મુંબઈ ગયા પછી એણે લગ્નની ના કહેવડાવેલી! ”
“બહુ ખરાબ થયુ, એણે આમ ના કરવું જોઇએ. તે એની મુશ્કેલ ઘડીમાં એને સાથ આપેલો.”
“ના,ના જે થયુ એ એકદમ બરાબર છે. હુંતો હવે ખુશ છું.” બચુ ખરેખર ખુશ હતો.
“એના જેટલી રુપાળી છોકરી આગળ હું તો એના ડ્રાઇવર જેવો લાગુ! પાછી એ હોંશિયાર પણ એટલી હતી. અહિં માંડ માંડ કોમર્સમાં કોલેજ પુરી કરેલી ને એ એમ.બી.એ.માં ગોલ્ડમેડાલિસ્ટ! બેંકમાંયે એ મારાથી સારી જગાએ છે. જો અમારા લગ્ન થયા હોત ને તો પણ ટકત નહિં! મને તો એવી બૈરી જોઇએ જેને હું જે કહું એ માની લે. એની આગળ મારી કઈ વેલ્યુ છે એવું માને લાગે. એની નજરમાં મારા માટે ઇજ્જત જોઇએ! સીધી-સાદી ઘરરખ્ખું, સીધુ કહું તો મારી મમ્મી જેવી.” એ હસી પડેલો ને સાથે સાથે હું પણ.
વરસ રહીને સ્વાતી ફરી આવેલી. એના લગ્ન ગોઠવાઇ ગયેલા. એ ખુશ હતી . મુરતીયો એની પસંદનો હતો. એના લાયક અને સમજદાર! મને થયુ, એક ડાઘ એના જીવનમાંથી ગાયબ શું થયો એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવી ગયો! આંસુ ભરી આંખે એણે અમિતનો આભાર માનેલો ને એના લગ્નમાં અમને સપરીવાર આવવા આમંત્રણ આપેલું.
ગયા રવીવારે સાંજે મેં બચુને એના દીકરા સાથે પાર્કમાં રમતો જોયેલો અને યોગાનુયોગ એજ વખતે સ્વાતીનો મારા મોબાઇલ પર મેસેજ આવ્યો. આખો ભુતકાળ મારી નજર સામેથી જાણે કોઇ પિક્ચર જોતી હોવ એમ પસાર થઈ ગયો. બન્ને જણા એમના જિવનમાં ખુશ હતા ને એમને ખુશ જોઇને અમે પણ ખુશ થયા....