25 illness which you dont know in Gujarati Health by Siddharth Chhaya books and stories PDF | ૨૫ એવી બીમારીઓ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

Featured Books
Categories
Share

૨૫ એવી બીમારીઓ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

‘બીમારી’ શબ્દનો અર્થ અત્યંત વ્યાપક છે. તેમાં તમામ પ્રકારની બીમારીઓનો સમાવેશ થાય છે. આ શબ્દાર્થમાં ડાયાબીટીસ, અસ્થમા, કેન્સર, હાયપરટેન્શન ઉપરાંત કેટલીક એવી બીમારીઓ પણ સામેલ છે જેના વિષે આપણે કદાચ જાણતા નથી.

એવું નથી કે આ અજાણી બીમારીઓથી સામાન્ય માનવીઓ અજાણ હોય, પરંતુ અમુક બીમારીઓ તો એવી છે જેને ડોક્ટરો પણ સારી રીતે ઓળખી શક્યા નથી. આ બીમારીઓના લક્ષણ સમજવા એટલા અઘરાં હોય છે કે ડોક્ટરોને તેના વિષે પૂરતી જાણકારી મેળવતા વર્ષો થઇ જાય છે. જો લક્ષણો જાણવામાં વર્ષો લાગી જતા હોય તો તમે વિચારી શકો છો કે તેનો ઈલાજ કરવામાં કેટલા વર્ષો નીકળી જતા હશે.

આવા સંજોગોમાં આપણા માટે એ જાણવું જરૂરી છે કે એવી કઈ બીમારીઓ છે જેના લક્ષણો જાણવામાં વર્ષો લાગી જાય છે અને તેનો ઈલાજ લગભગ અશક્ય છે. અમે એવી ૨૫ જુદીજુદી બીમારીઓ શોધી છે જે કદાચ તમને એમના વિષે વિસ્તૃત માહિતી આપી શકવા માટે સમર્થ બનશે.

૨૫ – સ્લીપિંગ બ્યુટી સિન્ડ્રોમ

આપણને થાક લાગે એ સામાન્ય છે. ઘણા લોકોને આખા દિવસમાં ઘણી વખત થાક લાગતો હોય છે. કોઇપણ વ્યક્તિ જો દિવસમાં ૨૦ મિનીટ માટે ટૂંકી ઊંઘ લઇ લે તો તેને ફ્રેશ ફિલ થવા લાગતું હોય છે. પરંતુ જે વ્યક્તિ સ્લીપિંગ બ્યુટી સિન્ડ્રોમથી પીડાતો હોય છે તેને દિવસમાં ૨૦ કલાક ઊંઘવા મળે તો પણ સતત થાક મહેસૂસ કરતો હોય છે.

આ રોગથી પીડાતા વ્યક્તિ સતત મુંજાયેલો અને લથડીયાં ખાતો જોવા મળે છે. આ પ્રકારના દર્દીઓ માટે દવાઓ બનાવવામાં આવી છે જેને કારણે તેમની ઊંઘ ઓછી થાય અને વધુ સ્ફૂર્તિ મહેસૂસ કરે પરંતુ આ ઈલાજ કાયમી નથી.

૨૪ – એલેક્ઝાન્ડર ડીસીઝ

વૈજ્ઞાનિકોને અગાઉ એવું લાગ્યું હતું કે એલેક્ઝાન્ડર ડીસીઝ કોઈ વ્યક્તિને તેની યુવાનીમાં જ થાય છે, પરંતુ વધુ સંશોધન બાદ એ સાબિત થયું કે કોઈને પણ આ રોગ કોઇપણ ઉંમરમાં થઇ શકે છે. એવું સાબિત થયું છે કે એલેક્ઝાન્ડર ડીસીઝ દર દસ લાખ લોકોમાંથી કોઈ એક વ્યક્તિને થતો હોય છે. આ રોગના લક્ષણો છે સતત માથું દુઃખવું, હ્રદયના ઓછા ધબકારા, ચક્કર આવવા અને ઉલટીઓ થવી.

૨૩ – કુરુ

સામાન્ય માનવીઓને આ રોગ થતો નથી. કારણકે સામાન્ય માનવીઓ માનવભક્ષી હોતા નથી. ન્યુગીનીના કેટલાક આદિવાસીઓમાં કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના શરીરનું ભક્ષણ કરવાનો રીવાજ છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર માનવ મગજનું સેવન કરનાર વ્યક્તિને આ કુરુ નામનો રોગ થાય છે. કુરુથી ગ્રસિત વ્યક્તિનું મગજ શરીરના અન્ય અંગોને યોગ્ય સંદેશ આપી શકતું નથી તેમજ તે વ્યક્તિનું શારીરિક સંતુલન પણ ઓછું થઇ જતું હોય છે.

૨૨ – મોઈબસ સિન્ડ્રોમ

માણસનો ચહેરો તેના શરીરના સહુથી મહત્ત્વના અંગોમાંથી એક છે. કદાચ ચહેરાને કારણેજ આપણને ભીડમાંથી પણ વ્યક્તિની ઓળખ થઇ જાય છે અને આપણે તેની સાથે સંપર્ક સાધી શકીએ છીએ. કદાચ આ કારણેજ વૈજ્ઞાનિકોને મોઈબસ સિન્ડ્રોમની દવા શોધવાની ફરજ પડી છે.

આ અત્યંત દુર્લભ કિસ્સાઓમાં થતો રોગ છે. આ રોગથી ગ્રસિત વ્યક્તિ પોતાના ચહેરાના મસલ્સ પરનો તેમજ આંખના મસલ્સ પરનો કાબૂ ગુમાવી બેસે છે અને જો આ રોગ કોઈ નવજાત બાળકને થયો હોય તો તેને પુરતું પોષણ આપવા માટે તેને નળી દ્વારા ખોરાક આપવાની પણ કરજ પડતી હોય છે.

૨૧ – પ્રોફેરીયા

આ રોગ એક રીતે જોવા જઈએ તો આનુવંશિક રોગ છે. કોઇપણ માતા કે પિતા પોતાના બાળકને આ રોગ વારસામાં આપતા હોય છે અને આ રોગને પ્રોફેરીયા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ થવાનું કારણ કોઈ એક સમયે વ્યક્તિ કેમિકલ્સના સંપર્કમાં આવ્યો હોય એ હોઈ શકે છે. આ રોગના લક્ષણો છે, પેટમાં દુઃખાવો, ડાયેરિયા, ઉલટી અને ભ્રમ થવો. નસીબજોગે આ રોગના પ્રતિકાર માટે ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યા છે તેમ છતાં વૈજ્ઞાનિકો આ માટે ગોળીની પણ શોધ કરી રહ્યા છે.

૨૦ – એલીસ ઇન ધ વન્ડરલેન્ડ સિન્ડ્રોમ

આ એક અનોખો રોગ છે. જો તમે એલીસ ઇન ધ વન્ડરલેન્ડ વાંચી હશે અથવાતો તેના પર બનેલી ફિલ્મ જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે એલીસ કોઈ એક જાદુઈ પીણું પી લે છે અને તે અચાનક સંકોચાઈ જઈને નાની થઈ જાય છે. આ રોગથી ગ્રસિત વ્યક્તિ સંકોચાતો તો નથી પરંતુ તેને લાગે છે કે શારીરિકદ્રષ્ટિએ તે કાં તો બહુ નાનો થઇ ગયો છે અથવાતો બહુ મોટો થઇ ગયો છે. આ રોગનો કોઈજ ઈલાજ નથી પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તેનો શ્રેષ્ઠ ઈલાજ એક જ છે કે આ પ્રકારના રોગીની સાથે સદાય સારું અને પ્રેમાળ વર્તન કરવું જોઈએ.

૧૯ – પ્રેજોરીયા

આ એક ઘાતક રોગ છે. આપણે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘પા’ માં આ રોગ વિષે જાણ્યું હતું. દુનિયામાં દર ચાલીસ લાખ વ્યક્તિએ એક વ્યક્તિને આ રોગ થાય છે. આ રોગ સાથે જન્મેલા બાળકને એક ખાસ પ્રકારના જેનરિક ડીસઓર્ડર હોય છે જેને કારણે તેનું શરીર તેની ઉંમર કરતા વધુ ઝડપથી વધે છે. પ્રેજોરીયા ગ્રસિત વ્યક્તિ લાંબુ જીવી શકતો નથી. દુનિયામાં પ્રેજોરીયાથી મૃત્યુ પામેલા સહુથી વધુ ઉંમર ધરાવતો વ્યક્તિ ૨૬ વર્ષનો હતો. વિજ્ઞાનીઓ આ રોગના ઈલાજ માટે રાતદિવસ સંશોધનો કરી રહ્યા છે પરંતુ હજી સુધી સફળતા મળી નથી.

૧૮ – મોર્જેલોન્સ

વ્યક્તિની ચામડીમાંથી નાના નાના ફોડલાઓ બહાર આવે છે અને ધીરેધીરે આખા શરીરમાં ફેલાઈ જતા હોય છે જાણેકે આપણે કોઈ હોરર ફિલ્મ જોઈ રહ્યા હોઈએ એવું લાગતું હોય છે. આ પણ અત્યંત દુર્લભ રોગ છે અને જે વ્યક્તિ આ રોગથી ગ્રસિત હોય તેનું જીવન જીવવું દુભર થઇ જતું હોય છે. કારણકે આ વ્યક્તિઓને શરીર પર સતત ખરજ આવતી હોય છે અને ચામડી ખેંચાતી હોય એવું લાગે છે. જો કે આ રોગની દવા તો હજી નથી શોધાઈ પરંતુ કેટલાક ડોક્ટર્સ આ પ્રકારના દર્દીઓને એન્ટીબાયોટીક આપીને રાહત આપવાની કોશિશ કરતા હોય છે.

૧૭ – પાણીની એલર્જી

આ જેટલું વંચાય છે એટલું સરળ નથી. પાણી આપણી આસપાસ દરેક જગ્યાએ જોવા મળે છે. આપણું શરીર મોટેભાગે પાણીથી બનેલું છે એટલુંજ નહીં આપણી પૃથ્વી પર પણ ૭૧% પાણી જ છે. પરંતુ પાણીની એલર્જી ધરાવતો વ્યક્તિ કોઇપણ રીતે પાણીના સંસર્ગમાં આવે એટલે તેને શરીરે ચાંઠા પડી જતા હોય છે. તે પાણી પીવે અથવાતો ન્હાય કે પછી સ્વીમીંગપુલમાં પણ પ્રવેશ કરે કે તેને તરતજ શીળશ જેવા ચાંઠા ઉપસી આવે છે. ડોક્ટરો આ રોગથી ગ્રસિત વ્યક્તિને શીળશની દવાઓ આપીને હાલપૂરતો ઉપચાર કરી રહ્યા છે.

૧૬ – મન્ચોસેન સિન્ડ્રોમ બાય પ્રોક્સી

આ એક અનોખો રોગ છે. જ્યારે કોઈનું બાળક માંદુ પડી જાય ત્યારે માતાપિતા અત્યંત ચિંતિત થઇ જતા હોય છે, પરંતુ મન્ચોસેન સિન્ડ્રોમ બાય પ્રોક્સીથી પીડાતો વ્યક્તિને આ પ્રકારની ચિંતા જરા વધુ જ થતી હોય છે. તેને એવું લાગે છે કે પોતાના બાળકને થયેલો નાનામાં નાનો રોગ પણ અત્યંત ગંભીર છે અને તેનો કોઈજ ઈલાજ નથી. ડોક્ટરો આ પ્રકારના રોગથી પીડાતા વ્યક્તિને કાઉન્સેલિંગ કરાવવાની સલાહ આપતા હોય છે.

૧૫ – લેશ-નેહેન સિન્ડ્રોમ

લોકો પોતાના વંશજો પાસેથી ઘણીબધી વસ્તુઓ વારસામાં મેળવતા હોય છે અને તે લોકો કરતા સાવ જુદી હોય છે. ઘણા વ્યક્તિઓને પોતાના માતાપિતા, દાદાદાદી કે નાનાનાની પાસેથી આંખનો રંગ મળતો હોય છે, વાળ મળતા હોય છે. બદનસીબે લેશ-નેહન સિન્ડ્રોમ પણ વ્યક્તિ પોતાના વંશજો પાસેથી મેળવે છે. આ રોગથી ગ્રસિત વ્યક્તિના શરીરમાં યુરિક એસીડનું મબલખ ઉત્પાદન થાય છે. આને કારણે તેને આર્થરાઇટિસ, કીડનીમાં પથરી ગોલ્ડબ્લેડરમાં પથરી પણ થતી હોય છે. ડોક્ટરો આ પ્રકારના રોગીઓને સામાન્યરીતે ગાઉટની દવા આપતા હોય છે.

૧૪ – મેરી આન્ત્યોનેત સિન્ડ્રોમ

મેરી એન્ત્યોનેત એ ફ્રેંચ ક્રાંતિ અગાઉની છેલ્લી રાણી હતી. મેરી પોતાના ખર્ચાળ સ્વભાવને કારણે તેમજ ફેશનને કારણે અત્યંત અલોકપ્રિય બની હતી. મેરી પોતાના વાળને સતત સફેદ રંગે રંગતી હતી. આથી અત્યંત નાની ઉંમરમાં જે લોકોના તમામ વાળ સફેદ થઇ જાય તેને આ રોગ થયો હોવાનું નિદાન ડોક્ટર કરતા હોય છે. આ રોગનો ઈલાજ માત્ર સ્ટીરોઇડ અને વાળ કાળા કરવાની ડાઈ જ છે!

૧૩ – હાઈપરટ્રાઈકોસીસ

સ્ત્રીઓ કરતા પુરુષોના શરીર પર વાળ વધુ જોવા મળતા હોય છે. પરંતુ જો આખા શરીરે રીંછ જેવા વાળ ઉગી નીકળે તો? આ પરિસ્થિતિને હાઈપરટ્રાઈકોસીસ કહેવામાં આવે છે જે એક બીમારી છે. આ રોગથી ગ્રસિત વ્યક્તિના ચહેરા, ગળા, પીઠ, હાથ અને પગ એમ તમામ જગ્યાએ વાળ ઉગી નીકળ્યા હોય છે. હજી સુધી તેની દવા તો શોધી શકાઈ નથી પરંતુ રોગીઓ વારંવાર આધુનિક પદ્ધતિએ વાળ દૂર કરાવી જરૂર રહ્યા છે.

૧૨ – એલિફન્ટીયાસીસ

ધ એલીફન્ટ મેન કરીને ૧૯૮૦માં હોલિવુડની એક ફિલ્મ આવી હતી. આ નાટકમાં આ રોગથી પીડાતા વ્યક્તિની વાત કરવામાં આવી હતી. આ પણ એક બીમારી છે જે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું એ જ રીતે વ્યક્તિનો દેખાવ બદલી નાખે છે. અન્ય રોગોની ચર્ચા આપણે કરી એ જ રીતે આ રોગ પણ દુર્લભ છે અને માનવીના શરીરમાં આ રોગ મચ્છર દ્વારા પ્રવેશે છે. એક વખત વ્યક્તિને તેનો ચેપ લાગ્યો પછી તેના મસલ્સના ટીસ્યુ જાડાને જાડા થતા જાય છે. વધુમાં આ રોગ ક્રોનિક હોવાથી ઝડપથી આખા શરીરમાં ફેલાઈ જાય છે. જો કે શરૂઆતમાં જ જો આ રોગનું નિદાન થઇ જાય તો તેનો ઈલાજ શક્ય છે.

૧૧ – ઝેરોડેરમા પીગમેન્ટોસમ

સૂર્ય એક અત્યંત શક્તિશાળી તારો છે અને પૃથ્વી પર જીવન હોવાનું મુખ્ય કારણ પણ સૂર્ય જ છે. તે પોતાના અલ્ટ્રાવાયોલેટ કિરણથી છોડ અને વૃક્ષોને ઓક્સીજન આપે છે અને તે ઓક્સીજન આપણને પરત મળે છે. આ ઉપરાંત મનુષ્યો માટે પણ આ કિરણો મહત્ત્વના છે. પરંતુ ઝેરોડેમા પીગમેન્ટોસમથી પીડાતા વ્યક્તિ માટે આ જ સૂર્યના કિરણો દુશ્મન બનીને આવે છે.

આ પણ એક આનુવંશિક રોગ છે જેમાં સૂર્યના કિરણોથી વ્યક્તિના ડીએનએ પર પણ અસર પડતી હોય છે. આ રોગના લક્ષણ ત્વચાનું સુર્યપ્રકાશમાં સુકાઈ જવું, શરીરનો રંગ કાળો પડી જવો અને સૂર્યના પ્રકાશમાં જાણેકે ત્વચા સળગી રહી હોય એવો અનુભવ થવો સામેલ છે.

૧૦ – ફ્રેજાઈલ એક્સ સિન્ડ્રોમ

આનુવંશિક રોગ તરીકે જાણીતા એવા ફ્રેજાઈલ એક્સ સિન્ડ્રોમ જેને FXS તરીકે પણ ઓળખવામાં આવે છે તે FMR1 જનીનમાં રહેલી ખામીને કારણે થાય છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ રોગ મુખ્યત્વે પુરુષોમાં જ જોવા મળે છે. આ રોગથી પીડાતા વ્યક્તિને શીખવામાં તકલીફ થાય છે તેમજ તે ઈશારાઓ પણ સમજી શકતો નથી. હાલમાં તેની એકમાત્ર સારવાર છે અને તે છે માનસિક થેરાપી.

૯ – કોટાર્ડ્સ ડીલ્યુઝન

ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે આપણે આ દુનિયામાં નથી જીવી રહ્યા, એટલેકે મૃત્યુ પામ્યા છે. ખરેખર આ પ્રકારની લાગણી થવી અત્યંત ભયજનક હોય છે. પરંતુ આ રોગથી પીડાતો વ્યક્તિ સતત એવું માને છે કે તે મૃત્યુ પામ્યો છે. આવી વ્યક્તિ સતત નિરાશામાં સપડાયેલી જોવા મળે છે. ઘણાને તો એવું પણ લાગતું હોય છે કે તેઓ આ દુનિયામાં અદ્રશ્ય સ્વરૂપે ફરે છે. ડોક્ટરોનું કહેવું છે કે ડિપ્રેશનમાં સપડાયેલા મોટાભાગના લોકોને આમ થવું સ્વાભાવિક છે.

૮ – માયોસ્ટેટીન રીલેટેડ મસલ હાયપરટ્રોફી

અત્યારસુધીમાં આપણે જેટલા પણ બીમારીઓ વિષે ચર્ચા કરી તેમાં મોટાભાગની દુઃખદાયક અને ખતરનાક હતી. પરંતુ આ રોગ થોડો અલગ પડે છે. આ રોગ શરીરના મસલ્સ સાથે જોડાયેલો છે અને તે પણ દુર્લભ છે.

આ રોગ MSTN જનીનને થતી અસરને કારણે થાય છે. આ રોગને કારણે શરીરની ચરબી અચાનક ઓછી થઇ જાય છે અને મસલ્સ બંધાવા લાગે છે. આ રોગથી ગ્રસિત લોકોના મસલ્સ સામાન્ય વ્યક્તિ કરતા દેખાવમાં અને મજબૂતીની દ્રષ્ટિએ બમણા હોય છે.

૭ – ફાઈબરોડીસ્પલેશીયા ઓસ્સીફીકાન્સ પ્રોગ્રેસીવા

આપણા મસલ્સ નાના ટીસ્યુ જેવા હોય છે અને તે મસલ્સને લચીલાપણું અને વિકસવામાં મદદ કરે છે પરંતુ આ રોગથી પીડાતો વ્યક્તિ જે રોગને FOP તરીકે પણ ઓળખાય છે, તેના મસલ્સ સમય જતાં હાડકામાં પરિવર્તિત થતા જાય છે. આથી એક સમય એવો આવે છે કે વ્યક્તિ બિલકુલ હાલી ચાલી શકતો નથી. પરિણામે તે લગભગ વીસ વર્ષની ઉંમરે આ રોગથી પૂર્ણપણે ઘેરાઈ જતો હોય છે. આ રોગથી પીડાતો વ્યક્તિ વધુમાં વધુ ૪૦ વર્ષ સુધી જીવતો હોય છે.

૬ – કેપગ્રાસ ડીલ્યુઝન

ઘણીવાર આપણને એવો ભ્રમ થતો હોય છે કે આપણા જ કુટુંબના વ્યક્તિઓ કે મિત્રો એ ખરેખર આપણી સમક્ષ નથી ઉભા પરંતુ તેમની જગ્યાએ એમના જેવોજ દેખાતો કોઈ અન્ય વ્યક્તિ આવી ગયો છે. કેપગ્રાસ ડીલ્યુઝનથી પીડિત વ્યક્તિને સતત આવું લાગતું હોય છે અને તે માનસિકરીતે ભાંગી પડતો હોય છે. બદનસીબે આ રોગનો હજીસુધી કોઈજ ઈલાજ શોધી શકાયો નથી.

૫ – પ્રોટીયસ સિન્ડ્રોમ

તમામ અજાણ્યા રોગોમાં સહુથી દુઃખદાયક રોગોમાંથી એક એટલે પ્રોટીયસ સિન્ડ્રોમ છે. આ પ્રકારના રોગીઓના હાડકાં અચાનક જ વધવા લાગે છે. હાડકાં એટલા તો વધે છે કે તેમની લંબાઈ શરીરના વિસ્તાર કરતા પણ વધુ થઇ જતી હોય છે. જો કે આ રોગ જુદીજુદી રીતે દેખાતો હોય છે પરંતુ હવે તેની સર્જરી અને શારીરિક કસરતથી ઈલાજ શક્ય બન્યો છે.

૪ – ફીશ ઓડોર સિન્ડ્રોમ

જો તમારી આસપાસની કોઈ વ્યક્તિમાંથી માછલી જેવી અથવાતો અંત્યંત ભયંકર દુર્ગંધ આવતી હોય તો સમજી લેજો કે તે વ્યક્તિ આ રોગથી પીડાઈ રહી હશે. આવા વ્યક્તિનું શરીર નાઈટ્રોજન યુક્ત પદાર્થોને સરખી રીતે ગ્રહણ કરી શકતું નથી. પરિણામે આ વ્યક્તિના શરીરમાંથી ભારે દુર્ગંધ આવતી હોય છે. આ ઉપરાંત તેના શ્વાસમાં પણ ખરાબ ગંધ આવે છે, તેના પરસેવો કે તેનો યુરીન પણ અત્યંત દુર્ગંધ ધરાવતો હોય છે.

૩ – CIPA

ઉપરોક્ત રોગ કરતા સાવ ઊંધું CIPAમાં થાય છે. અહીં રોગીને પરસેવો બિલકુલ નથી થતો પરંતુ તેને આખું શરીર દુઃખે છે અને શરીર ગરમ થવા લાગે છે. આ રોગ આનુવંશિક હોવાથી તેનો હજીસુધી ઈલાજ શોધી શકાયો નથી, પરંતુ પશ્ચિમના દેશોમાં બોડી ટેમ્પરેચર પર કાબુ મેળવીને દર્દીઓ રાહત જરૂર મેળવતા હોય છે.

૨ – ફટાલ ફમિલીઆલ ઇન્સોમેનીયા

જો તમે ગૂગલ પર રાત્રે પૂરી ઊંઘ કેવી રીતે આવે એ સર્ચ કરતા હોવ તો તમને કદાચ આ રોગ ઓલરેડી લાગુ પડી ચૂક્યો છે. આ રોગ મગજમાં રહેલી ખામીને કારણે છે જેનાથી વ્યક્તિને ઊંઘ આવતી નથી. જો આ રોગની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો રોગીની માનસિક હાલત બગડી શકે છે જેને કારણે તે પાગલ પણ થઇ શકે છે. બદનસીબે આ રોગનો હાલપૂરતો કોઈજ ઈલાજ નથી.

૧ – ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ

આ રોગથી પીડાતા વ્યક્તિમાં ઇથેનોલ અચાનક જ ઉત્પાદિત થવા લાગે છે. જેને કારણે વ્યક્તિને સતત અને ખૂબ થાક લાગે છે, શરીર દૂખે છે અને ફૂલી પણ જાય છે. આ રોગનો ઈલાજ છે કે દર્દીને ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછા આપવામાં આવે છે. આ ઉપરાંત ડોક્ટરો દર્દીને એન્ટી-ફંગલ દવાઓ આપે છે જે ઇથેનોલનું ઉત્પાદન ઓછું કરીને દર્દીની પાચનશક્તિ સુધારે છે.