નમસ્કાર મિત્રો હું તમન્ના મારી નવી સ્ટોરી તમારી આગળ રજૂ કરું છું.. મને આશા છે કે આગળની સ્ટોરીની જેમ તમને આ સ્ટોરી પણ પસંદ આવશે..તો ચાલો મારી સાથે એક નવા સફર પર.
* * *
તારી યાદોને આમ દૂર કેમ રાખું,, જ્યારે રહેવાનું છે એને જ સહારે,, તો કેમ એને દિલમાં ના વસાવું...
આજ સવારથી વિરાજના દિલ માં રાહીની યાદોએ તોફાન મચાવ્યું હોય છે. ચાર વર્ષ થઈ ગયાં પણ હજુ પણ વિરાજ રાહીને ભૂલી શક્યો નથી..
વિરાજ એક હાર્ટ સર્જન છે. શહેરનાં નામાંકિત ડોક્ટરોમાં એની ગણના થાય છે. નાની ઉમરમાં જ એ ખૂબ સફળ ડોક્ટર બની ગયો હોય છે. શહેરનાં સારા લોકેશનમાં એની હોસ્પિટલ આવી છે. લોકો કહે છે એના હાથમાં જાદુ છે. એ મૃત્યુના મુખે પહોંચેલા વ્યક્તિને પણ પોતાની કાબેલિયતથી પાછા લઈ આવે છે. અને એમાં કોઈ અતિશયોક્તિ નથી એની સાબિતી માટે એવાં ઘણાં ઉદારહણો જોવાં મળ્યાં છે. પ્રોફેશનથી ડોકટર એવો વિરાજ શોખથી એક કવિ પણ છે. એને નોવેલ અને કવિતા વાંચવાનો ખૂબ શોખ હોય છે. જ્યારે પણ એની પાસે સમય હોય ત્યારે એ કોઈને કોઈ નોવેલ લઈને બેસી જાય છે. અને ક્યારેક બહું મન થાય તો કંઈક લખી પણ દે છે.
31 વર્ષનો એ એની મમ્મી સાથે રહે છે. પાંચ ફૂટ આઠ ઈંચની હાઈટ, રંગે ઘઉંવર્ણો, અને હંમેશા સ્વાસ્થ્યપ્રદક ખોરાક અને નિયમિત એક્સરસાઈઝના કારણે એ દેખાવડો લાગતો. એમ તો ઘણો વ્યસ્ત હોય છે. પણ બગીચામાં બેસીને મમ્મી સાથે ચા પિવાનો એનો વણલખ્યો નિયમ છે. રોજ નવ વાગે એ એની મમ્મી સાથે બગીચામાં બેસી ને ચા પીતો હોય છે. છેલ્લા કેટલાક દિવસથી એ જ્યારે પણ એ ચા પીતો હોય ત્યારે એના ઘર પાસેથી એક યુવતી પસાર થતી હોય છે. આમ તો એ ખાસ ધ્યાન ના આપે પણ એ યુવતીનો ત્યાંથી જવાનો અને વિરાજનો બગીચામાં બેસી ચા પિવાનો સમય એક જ હોવાથી અનાયાસે એની નજર બહાર પડે ત્યારે એનું ધ્યાન એ યુવતી પર પડે છે.
વિરાજ આમ નિયતનો એકદમ સાફ. અને એના દિલમા તો રાહી જ વસી હોવાથી એ બીજી કોઈ છોકરી વિશે વિચારી જ ના શકે. પણ જ્યારે જ્યારે એ યુવતી પર નજર પડે ત્યારે વિરાજ એક વાત નોટીસ કરે છે કે એ યુવતીના ચેહરા પર હંમેશા એક ઉદાસી જ છવાયેલી હોય છે. અને આ જ કારણથી વિરાજ એ યુવતી પર વધું ધ્યાન આપે છે. આજે પણ જ્યારે એ ચા પીતા પીતા પેપર વાંચતો હોય છે ત્યારે એની નજર બહાર ગેટ તરફ જાય છે અને ત્યારે જ એ યુવતીનું ત્યાંથી પસાર થવાનું થાય છે. અને આજે પણ એના ચેહરા પર એજ ઉદાસી હોય છે. એ યુવતીને જોઈને વિરાજના મનમાં એક પંક્તિ સ્ફૂરે છે. અને એને એ પોતાની ડાયરીમાં ઉતારી લે છે.
"હસતી આંખોમાં આ તે કેવી ઉદાસી છવાઈ છે,
જાણે સાત સમુન્દરની ગેહરાઈ એમાં સમાઈ છે."
એ છોકરીને જોઈને એનાં મનમાં ઘણાં સવાલો પેદા થાય છે. આમ તો એ એના રૂપ પર વધારે ધ્યાન નથી આપતો પણ એક વાર સાંજે ઘરે આવતી વખતે એ જ યુવતી સામેથી આવતી દેખાય છે. અને એનો ચેહરો જોઈ એની જીજ્ઞાસા વધું તીવ્ર બને છે. કારણકે એનું રુપ જ એવું હોય છે કે, કોઈ પણ એની તરફ આકર્ષિત થયા વગર રહે નહીં. રંગે એકદમ શ્વેત એવી એ જાણે મલાઈથી બની હોય. ગાલ તો એવા કે દુધમા ગુલાબની પાંખડી ભેળવી હોય, અને હોઠ તો એવા રતુંબડા કે જાણે કોઈએ ફૂલોના રસને એના હોઠો પર લિપ્યા હોય. આંખો મોટી મોટી બદામ જેવી અને ભ્રમણો એકદમ કમાન તાણેલી હોય એવી. પલકો એવી એકમેક સાથે જોડાયેલી કે કાજલની પણ જરૂર ના પડે. એને કોઈપણ મેકઅપ કરવાની જરૂર ના પડે..
પણ આ બધું જ એની આંખોમાં રહેલી ઉદાસીને કારણે ઝાંખુ પડે છે. અને એટલે જ વિરાજે એનામાં દિલચશ્પી જાગી. એને એક જ સવાલ થાય છે કે, આટલી સુંદર અને યુવાન છોકરીનાં જીવનમાં એવું તો શું ઘટી ગયું હશે કે એના ચેહરા પર કોઈ ઉત્સાહ નથી દેખાતો. કેમ એના ચેહરા પર હર વક્ત ઉદાસી જ છવાયેલી હોય છે. પછી પોતાને જ કહે છે, વિરાજ કોઈના જીવન સાથે તારે શું લેવા દેવા. કોઈની પર્સનલ લાઈફમાં આપણે શા માટે ડોકિયું કરવું. અને વિરાજ એ યુવતીના વિચારોને મગજમાંથી ખંખેરીને હોસ્પિટલ જવા તૈયાર થાય છે.
બસ આ જ રીતે એનું જીવન ચાલ્યા કરે છે. રોજ ચા પીતા પીતા એ છોકરીને અછડતી જોવાની, ના ચાહતા હોવા છતાં એના વિશે વિચારવું. અને પછી હોસ્પિટલ જવું. હોસ્પિટલમાં જઈ એ પૂરા દિલથી મરીજોની ટ્રીટમેન્ટ કરતો. રાહીના નામથી એણે સ્પેશિયલ વોર્ડ ખોલ્યો છે જેમાં ગરીબ, અસહાય, જરૂરિયાતમંદ દર્દીનો મફતમાં ઈલાજ થતો. આજે પણ એ બધાં વોર્ડમાં જઈ બધાં દર્દીઓને ચેક કરી નર્સને જરૂરી સૂચના આપીને એના કન્સલ્ટન્ટ રૂમમાં આવે છે. અને થોડું રુટીન કામ પતાવે છે.
આજે જ્યારે એ સવારે એની મમ્મી સાથે બેસીને ચા પીતો હોય છે ત્યારે એની નજર બહાર પડે છે અને એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. કેમ કે આજે એ યુવતીના ચેહરા પર હલકી મુસ્કુરાહટ જોવા મળે છે. એ પેલી યુવતી તરફ જુએ છે તો એ એના બગીચાના તાજાં ખીલેલાં ફૂલો તરફ જોઈને હસી રહી હોય છે. વિરાજ પણ એ ફૂલો તરફ જુએ છે એના બગીચામાં સરસ મઝાના ઝૂમખામા ગુલાબના ફૂલો ખીલેલાં હોય છે. એ ફરીથી પેલી યુવતી તરફ જુએ છે. પણ હવે એના ચેહરા પરથી ધીરે ધીરે હસી ગાયબ થતી જાય છે અને ફરીથી ઉદાસી એના ચહેરાને ઘેરી વળે છે. એની થોડી પલની મુસ્કુરાહટ એનો ચેહરો એટલો ખીલી ઊઠે છે કે બોલીવુડની હિરોઈન પણ એની સામે પાણી ભરે. અને એની હસી જોઈને વિરાજના મનમાં એક શાયરી સ્ફૂરે છે.
"ખીલતાં ફૂલોને જોઈ આવી મુખ પર મુસ્કુરાહટ
જાણે એક ફૂલે બીજાં ફૂલનું અભિવાદન કર્યું."
વિરાજ ત્યાં સુધી એ યુવતીને જતાં જુએ છે જ્યાં સુધી એ દેખાય છે. એ તો ક્યારની ચાલી ગઈ હોવા છતા એની નજર હજુ પણ ગેટ તરફ જ હોય છે. એની મમ્મી એને જ્યારે બોલાવે છે ત્યારે એ તંદ્રા માથી બહાર આવે છે.
કાવેરીબેન : (વિરાજના મમ્મી) શું થયું વિરાજ કેમ આમ બહાર જોયા કરે છે. તારી ચા તો ક્યારની ઠંડી થઈ ગઈ.
વિરાજ : nothing mom બસ કંઈક વિચારું છું. અને મનમાં જ કહેવાનો છે, વિરાજ આ તારી over thinking કરવાની આદત ક્યારે છૂટશે. એ યુવતી કેમ ઉદાસ છે એના જીવનમાં શું બન્યું છે, એ બધાં સાથે તારે શું લેવા દેવા.. એ એની પર્સનલ લાઈફ છે. અને ફટાફટ ચા ને એક જ ધૂટમાં પૂરી કરી હોસ્પિટલ જવાં માટે તૈયાર થાય છે.
હોસ્પિટલ પહોંચી એ બધાં દર્દીઓને ચેક કરે છે. અને પછી પોતાના રૂમમાં આવે છે અને થોડો રિલેક્સ થાય છે. એટલાંમા પ્યુન આવીને એને એક લેટર આપે છે. એ એના હાથમાંથી એ લેટર લઈ એને રવાના કરે છે. અને પછી એ લેટર વાંચે છે.
એ લેટર એક NGO માંથી આવ્યો હોય છે. જેમાં એના મમ્મી ટ્રસ્ટી હોય છે. રાહીના મૃત્યુ પછી વિરાજ પણ એ NGO માં સેવા આપે છે. રાહીની જન્મતારીખ, એના મૃત્યુની તારીખ એના પપ્પાના જન્મની તારીખ, મૃત્યુની તારીખ પર એ ત્યાંના બધાં જ સ્ટાફ મેમ્બર્સ ત્યાં આશ્રય પામેલાં વૃદ્ધ, સ્ત્રી, બાળકો બધાં નુ એ ફ્રીમાં મેડીકલ ચેક- અપ કરે છે. અને એના દોસ્તો જે ડોક્ટર હોય છે, એ બધાં સાથે મળી એક મેડીકલ કેમ્પનું આયોજન આ ચાર દિવસે કરે છે. અને ત્યાં સુધી બધી જ જરૂરીયાત મુજબની દવા પણ પ્રોવાઈડ કરે છે. લેટર વાંચી એ એના બધાં દોસ્તોને ફોન કરીને પ્રોગ્રામ ફીક્સ કરી દે છે. પછી પોતાનું કામ પતાવી એ ઘરે જવાં નિકળે છે.
ઘરે પહોંચી ફ્રેસ થઈ એ લેપટોપ લઈ આજનાં મેઈલ ચેક કરતો હોય છે ત્યારે એની મમ્મી આવે છે અને કહે છે,
કાવેરીબેન : બેટા સંસ્થા તરફથી લેટર આવ્યો ?
વિરાજ : હા મોમ આવી ગયો અને મે બધી તૈયારી કરી લીધી છે. અને બીજાં ફ્રેન્ડ્સને પણ કહી દીધું છે.
કાવેરીબેન : એ તો ઘણું સારું કર્યું. ચાલ તો હવે તારું કામ પૂરું કરી લે પછી આપણે જમી લઈએ.
અને વિરાજ બધાં મેઈલ ચેક કરીને જેને રિપ્લાય આપવાનો હોય છે તેને રિપ્લાય આપી એની મમ્મી સાથે બેસી ડીનર કરી લે છે. અને પછી બેડરૂમમાં જઈ એની અધૂરી નોવેલ વાંચવા લાગે છે.
** ** **
વધું આવતાં ભાગમાં...
Tinu Rathod 'Tamanna'