Incpector Thakorni Dairy - 7 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૭

Featured Books
Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૭

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું સાતમું

ઇન્સ્પેક્ટર ઠાકોરે જ્યારે એક ભિખારીના મરણની તપાસ કરવાનો આદેશ કર્યો ત્યારે તેની હાથ નીચેના ધીરાજી સહિતના બધા જ કર્મચારીઓને નવાઇ લાગી. એટલું જ નહીં શહેરના અન્ય પોલીસ મથકના ઇન્સ્પેક્ટરોને પણ ઇન્સ્પેક્ટર ઠાકોરની આ વાત હસવા જેવી લાગી. ધીરાજીને પણ આ વખતે થયું કે સાહેબે બહુ નાના કેસમાં હાથ નાખ્યો છે. આવા મામૂલી કેસ પર કામ કરવાનો કોઇ અર્થ ન હતો. મોતના બધા કેસને શંકાની નજરથી જોવાનું યોગ્ય નથી.

વાત એમ બની હતી કે ઇન્સ્પેક્ટર ઠાકોર ફુરસદમાં બેઠા હતા ત્યારે રોડ પર એક ભિખારી મૃત હાલતમાં પડ્યો હોવાનો કોઇનો કોલ આવ્યો ત્યારે ધીરાજીને લઇને ઇન્સ્પેક્ટર ઠાકોર જાતે જ નીકળી પડ્યા.

શહેરના વાહનોની ઓછી અવરજવરવાળા હિલટોપ રોડ પર તે પહોંચ્યા ત્યારે રોડની બાજુની ફૂટપાથ પર એક ચિંથરેહાલ ભિખારી મૃત અવસ્થામાં ચત્તો પડ્યો હતો. ધીરાજીએ બુક કાઢી વિગત લખવાની શરૂઆત કરી. ઇન્સ્પેક્ટર ઠાકોરે આદત મુજબ લાશનું નિરીક્ષણ શરૂ કર્યું. મરનારનું શરીર સાવ સુકાઇ ગયું હતું. તે મરવાના વાંકે જીવતો હતો એવું સ્પષ્ટ દેખાતું હતું. તેના લાંબા થયેલા વાળ વિખરાયેલા અને દિવસોથી ઓળ્યા વગરના લાગતા હતા. તેના ફાટેલા કપડાં કે ચીંથરા જેવા કપડાં મેલાંઘેલાં હતા. તેને ઘણા દિવસોથી ભોજન મળ્યું નહીં હોય અને ભૂખથી તડપીને મરી ગયો હોય એવી પૂરી શક્યતા હતા. લાશની બાજુમાં તેની ભીખ માગવાની ભંગાર થઇ ગયેલી ગોબાવાળી થાળી હતી. તેમાં રૂપિયાના બે-ત્રણ સિક્કા હતા. લોકો ભીખ પણ આપતા નહીં હોય એવું લાગતું હતું. ભિખારીના હાથ-પગ અને મોંનું બારીકાઇથી નિરીક્ષણ કરવા ઇન્સ્પેક્ટર ઠાકોરે મોં પર રૂમાલ બાંધ્યો અને નજીક ગયા. તેના શરીર પર મેલ જામી ગયો હતો. દિવસોથી નાહ્યો ન હતો. પણ તેના શરીરમાંથી હજુ ખરાબ વાસ આવતી ન હતી. મતલબ કે થોડા સમય પહેલાં જ તેણે દેહ છોડ્યો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોર વધુ નિરીક્ષણ કરે ત્યાં એમ્બ્યુલન્સ આવી. ડોક્ટરે એક જ મિનિટમાં તપાસીને ભિખારી મૃત હોવાનો રીપોર્ટ આપી દીધો. ઇન્સ્પેક્ટર ઠાકોરે થોડો વિચાર કર્યો અને ધીરાજીને કહ્યું કે આ લાશનું પોસ્ટમોર્ટમ કરાવજો. ધીરાજીને નવાઇ લાગી. સાહેબ એક સામાન્ય ભિખારીના મોત અંગે આટલો રસ શું કામ લઇ રહ્યા હશે. આજકાલ બીજો કોઇ મહત્વનો કેસ નથી એનો અર્થ એ તો નથી કે ખોટો સમય બગાડવો. ભિખારીનું શરીર અને સ્થિતિ જ કહે છે કે તેનું મોત કુદરતી હશે. ધીરાજીએ જાહેરમાં ઇન્સ્પેક્ટર ઠાકોર સાથે કોઇ દલીલ ના કરી અને હા કહી દીધી.

ઇન્સ્પેક્ટર ઠાકોર પોલીસ મથકમાં પહોંચ્યા ત્યાં તેમની પાછળ ધીરાજી આવ્યા. એટલે ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીની આંખમાં ડોકાતો સવાલ વાંચી લીધો હોય એમ કહ્યું:"ધીરાજી, તમારે જે કહેવું હોય એ કહી શકો છો પણ ભિખારીની લાશને પોસ્ટમોર્ટમ માટે હમણાં જ મોકલી આપો..."

"જી સાહેબ, પણ નરી આંખે ભિખારીનું મોત ભૂખથી થયાનું દેખાય છે. પીએમમાં પણ એ જ કારણ આવવાનું છે."

"ધીરાજી.... એ ભલે ભિખારી હશે. એક માનવી તો ખરો ને? કોઇ ઢોર વાહનની અડફટે આવી જાય કે કોઇ રોગથી મરી જાય તો તેનું પીએમ ના કરાવીએ....."

"સાહેબ, મારો કહેવાનો મતલબ એ છે કે આવા સામાન્ય કેસમાં સમય બગાડવાની જરૂર લાગતી નથી. અને માની લો કે પીએમ રીપોર્ટમાં તેની હત્યા થયાનું બહાર આવશે તો પણ આપણે શું કરી શકવાના? ભિખારીની હત્યાનું કારણ જાણીને કોઇ અર્થ સરવાનો નથી. આમ પણ તેની ઓળખના કોઇ પુરાવા આપણાને મળ્યા નથી. ભિખારીઓ તો આજે અહીં અને કાલે બીજે ફરતા રહે છે...."

ધીરાજીની વાતને બહુ મહત્વ આપતા ના હોય એમ ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"અને હા ધીરાજી, તેનું પોસ્ટમોર્ટમ કર્યા પછી લાવારિસ લાશ તરીકે અંતિમ સંસ્કાર કરી દેતા નહીં. મને ભિખારીના માથાના અને દાઢીના વાળ કાઢ્યા પછીના ચહેરાનો ફોટો જોઇશે..."

ધીરાજીની નવાઇ વધતી ગઇ. ઇન્સ્પેક્ટર ઠાકોરને કોઇપણ લાશની હત્યા થઇ હોવાની શંકા ઊભી થાય ત્યારે તે અનેક રીતે તપાસ કરતા હોય છે. તે જે રીતે આગળ વધી રહ્યા છે એ જોતાં તો એવું જ લાગે છે કે લાંબી તપાસ ચાલશે. પણ કોથળામાંથી બિલાડું જ નીકળવાનું છે. ધીરાજી ઇન્સ્પેક્ટર ઠાકોરને હજુ અટકાવવા માગતા હોય એમ બોલ્યા:"હું શું કહું છું સાહેબ, એક ભિખારીના મોતની આપણે તપાસ કરીશું તો..."

"લોકો આપણા પર હસશે, એમ જ કહેવા માગો છો ને?" બોલી ઇન્સ્પેક્ટર ઠાકોર હસવા લાગ્યા.

"ના, ના આપણે બીજો મોટો કેસ આવશે તો જલદી તપાસ હાથ ધરી શકીશું નહી." કહી ધીરાજી પાછા ઇન્સ્પેક્ટર ઠાકોરને સમજાવવા લાગ્યા:"સાહેબ, દેશમાં રોજ કેટલાયે ભિખારીઓ મરે છે. આપણ શહેરમાં જ ન જાણે કેટલી લાવારિસ લાશ મળે છે. એ બધા પર શંકા કરતા રહીએ તો કેવી રીતે પહોંચી વળીએ..."

"ધીરાજી, તમને મારા પર વિશ્વાસ છે ને? હું માનું છું કે આપની મહેનત બેકાર નહીં જાય. મને પાકી શંકા છે કે ભિખારીની હત્યા થઇ છે... અને ભિખારીને મારવાથી કોઇને લાભ થતો હોવો જોઇએ. બાકી તેની પાસે કશું હતું નહીં. ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જ ગયો છે. પરંતુ આપણે એ વાતની તપાસ કરવી છે કે તે ખરેખર ભિખારી હતો કે નહીં...એટલે હવે સમય બગાડ્યા વગર આગળની કાર્યવાહી ઝડપથી હાથ ધરો...અને ચા મંગાવી લો." ઇન્સ્પેક્ટર ઠાકોર આટલું બોલીને આંખો મીંચી બેસી ગયા.

ધીરાજીને થયું કે ઇન્સ્પેક્ટર ઠાકોરને હવે સમજાવી શકાય એમ નથી. તે આ કેસ પર ધ્યાન ધરી રહ્યા છે.

ભિખારીના પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી ગયો. તેને હાથમાં લઇ ધીરાજી ઇન્સ્પેક્ટર ઠાકોર પાસે ખુશ થતા આવ્યા:"સાહેબ, પેલા અજાણ્યા ભિખારીનો પીએમ રીપોર્ટ આવી ગયો છે...."

ઇન્સ્પેક્ટર ઠાકોર હસીને બોલ્યા:"ધીરાજી તમારા ચહેરા પરની ખુશી જોતાં રીપોર્ટ વાંચવાની જરૂર લાગતી નથી. તેનું મોત કુદરતી નીકળ્યું છે. ખરું ને?"

"હા સાહેબ, મારા અગાઉના અનુમાન માટેનું તમારું હાલનું અનુમાન સાચું છે. મારી માન્યતા પ્રમાણે જ ભિખારીનું મોત ભૂખ અને બીમારીથી થયું હોવાનું આવ્યું છે. કેસ ફાઇલ કરી દઉં?" ધીરાજી ઇન્સ્પેક્ટર ઠાકોરનો જવાબ સાંભળવા ઉત્સુક હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરનો જવાબ ધીરાજીની કલ્પના બહારનો આવ્યો:"ધીરાજી, રીપોર્ટ પહેલાં મને જોવા દો. વિગતવાર રીપોર્ટ વાંચીને તમને જવાબ આપીશ..."

ધીરાજીએ રીપોર્ટ વાંચવા આપ્યો અને મનોમન બબડ્યા:"સાહેબને, પાણીમાંથી પોરા કાઢવાની આદત પડી ગઇ છે."

ઇન્સ્પેક્ટર ઠાકોર રીપોર્ટ વાંચવા લાગ્યા. આખો રીપોર્ટ વાંચી તે બોલ્યા:"ધીરાજી, આ હત્યાનો જ કેસ છે. ભલે પીએમ રીપોર્ટમાં મરણ કુદરતી બતાવે છે પણ બીમારીમાં શ્વાસ ન લેવાવાથી પણ મોત થયું હોય શકે એવું પણ લખ્યું છે..."

"વાત સાચી જ ને. ભૂખથી પીડાતા માણસને શ્વાસ લેવાની પણ શક્તિ હોય તો લે ને?" ધીરાજી પોતાનું જ્ઞાન પ્રગટ કરતા હોય એમ બોલ્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોર હવે ધીરાજી સાથે સવાલ-જવાબ કરવાના કે બહસ કરવાનાં મૂડમાં ન હતા.
"ધીરાજી, મેં લેવા કહ્યા હતા એ ફોટા લાવો."

ધીરાજીએ રીપોર્ટવાળી થેલીમાંથી બે ફોટા કાઢ્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે જોયું કે ભિખારીનો ચહેરો મર્યા પછી પણ ચમકતો હતો. તેમણે આદેશ આપતાં કહ્યું:"લાશ મળી એ વિસ્તારમાંથી જે પણ ગૂમ થયું હોય તેની ફરિયાદની બુક લઇ આવો."

ધીરાજી હવે સમજી ગયા કે ઇન્સ્પેક્ટર ઠાકોર મજાક કરવાના મૂડમાં નથી. કંઇક તો છે જેના લીધે તે આટલી તપાસ કરી રહ્યા છે.

ધીરાજીએ ગૂમ થયેલામાંથી માત્ર પુરુષોના જ ફોટા તેમની સામે મૂકી દીધા.

"ધીરાજી, તમે હોંશિયાર છો. મારી મહેનત ઓછી કરી દીધી." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર એક એક ફોટાને ધ્યાનથી જોવા લાગ્યા. કોઇ ફોટા સાથે ભિખારીનો ચહેરો કોઇ રીતે મેચ થતો ન હતો. બીજા પોલીસ મથકોમાંથી પણ ગૂમ થયેલા પુરુષોના ફોટા મંગાવીને જોયા. પણ મરનાર સાથે ગૂમ થયેલા કોઇ પુરુષનો ચહેરો મળતો આવતો ન હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર એમ કેસ છોડી દે એવા ન હતા. તેમણે ધીરાજીને કહ્યું કે ભિખારીના આ ફોટાને કોમ્પ્યુટરમાં નાખી માથા પર વાળ લગાવો. એક ફોટામાં મૂછ રાખો અને બીજા ફોટામાં મૂછ ના રાખો. આ ફોટા સાથે શહેરના બધા જ અખબારોમાં લાશ મળી હોવાની જાહેરાત આપી દો...."

અખબારમાં ભિખારીના ફોટા આવ્યા પછી શહેરના પોલીસ મથકોમાં આ કેસ ચર્ચાનો વિષય બની ગયો. ઇન્સ્પેક્ટર ઠાકોરને કેટલાક પોલીસ અધિકારીઓ મૂરખ માનવા લાગ્યા. "હવે તો ભિખારીઓના પણ દિવસો ફરી ગયા. મર્યા પછી અખબારોમાં ચમકવા લાગ્યા" કહી હસવા લાગ્યા. ઇન્સ્પેક્ટર ઠાકોરને કોઇના હસવા કે મજાક કરવાથી કોઇ ફરક પડતો ન હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોરનું તીર નિશાના પર લાગી ગયું. એક ધનાઢ્ય મહિલા આવી. તેના કપડાં અને ઘરેણાં પરથી એમણે અંદાજ લગાવ્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરે અનુમાન લગાવ્યું કે મરનારની પત્ની છે.

મહિલાએ આવીને અખબારમાં આવેલ જાહેરાત વિશે રડમસ અવાજે પૂછ્યુ:"સાહેબ, આપે જે જાહેરાત આપી છે એમની લાશ બતાવશો? એ મારા પતિ જેવા દેખાય છે. છ મહિનાથી ગૂમ થયા છે...."

ઇન્સ્પેક્ટર ઠાકોર સમજી ગયા કે પંખી સામે ચાલીને જાતે જ જાળમાં આવી ગયું છે.

"બેસો, પહેલા આપણે વાત કરી લઇએ. તમે થોડી માહિતી આપો...." ઇન્સ્પેક્ટર ઠાકોરે બેસવાનો ઇશારો કર્યો.

"સાહેબ, અમે છ મહિના પહેલાં નિશાપુરા પોલીસ મથકમાં મારા પતિ સુમેરુ ગુપ્તા ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હા, હું મારો પરિચય આપી દઉં. મારું નામ મંજવારી ગુપ્તા છે. મારા લગ્ન સુમેરુ સાથે બે વર્ષ પહેલાં થયા હતા. એક કાર્યક્રમમાં અમારી મુલાકાત થઇ અને પ્રેમ થઇ ગયો. પછી તરત જ લગ્ન કરી લીધા. અમારું લગ્નજીવન સરસ ચાલતું હતું. છ મહિના પહેલાં સુમેરુ એક દિવસ ઓફિસેથી ઘરે આવવા નીકળ્યા અને અચાનક ગૂમ થઇ ગયા. ઘણી શોધખોળ કરી પણ કોઇ પત્તો લાગ્યો ન હતો. પણ ભગવાન કરે એમની લાશ ના હોય."

ઇન્સ્પેક્ટર ઠાકોર ઊભા થતા બોલ્યા:"ચાલો...."

ઇન્સ્પેક્ટર ઠાકોર નજીકની એક બિલ્ડિંગમાં આવેલા શબઘરમાં મંજવારીને લઇ ગયા. અને ભિખારીની લાશ બતાવી કહ્યું:"બરાબર જોઇને જવાબ આપજો. અમારી પાસે ઓળખનો કોઇ પુરાવો નથી..."

મંજવારીએ ભિખારીનો ચહેરો જોઇ ઠૂઠવો મૂક્યો:"સુમેરુ..... સુમેરુ.... મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા...?"

ઇન્સ્પેક્ટર ઠાકોરે રડતી મંજવારીને શાંત કરતાં કહ્યું:"બેન, જે થઇ ગયું એ થઇ ગયું....કુદરત સામે ક્યાં કોઇનું ચાલે છે?"

થોડીવારે મંજવારી શાંત થઇ. અને પતિની લાશની અંતિમવિધિ માટે માગણી કરી. ઇન્સ્પેક્ટર ઠાકોરે કાર્યવાહી કરી એક દિવસ પછી લાશ સોંપવામાં આવશે એમ જણાવી તેની સાથે સુમેરુની ઓફિસ જવાની વાત કરી. સુમેરુ છેલ્લી વખત ઓફિસથી નીકળ્યા બાદ મળ્યો ન હતો એટલે ત્યાં તપાસની જરૂર હોવાનું ઇન્સ્પેક્ટર ઠાકોરે જણાવ્યું. મંજવારી ના પાડી શકે એમ ન હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે સુમેરુની કંપનીની મુલાકાત લીધી. સુમેરુની ઓફિસ આલિશાન હતી. મંજવારી ઓફિસમાં પણ રડવા લાગી. કંપનીના મેનેજર હાજર હતા. ઇન્સ્પેક્ટર ઠાકોર મંજવારીને ત્યાં બેસવાનું કહી કંપનીના મેનેજરને સાથે લઇ કંપની જોઇ આવ્યા. તેમણે જોઇ લીધું કે કંપની મોટી છે. કરોડોનો કારોબાર ચાલતો હશે. સુમેરુ ગયા પછી મંજવારી જ કંપની ચલાવી રહી છે. આટલી મોટી કંપનીનો માલિક ગાયબ થાય એનો અર્થ કે દાળમાં કાળું છે.

ઇન્સ્પેક્ટર ઠાકોરે કંપનીની મુલાકાત લઇને આવ્યા પછી મંજવારીને પૂછ્યું:"તમને શું લાગે છે? સુમેરુનું ભિખારી બનીને મરવું કોઇ હરિફ કંપનીની ચાલ છે? તમારો બિઝનેસ ઠપ કરવા તેની હત્યા કરાવી હોય?"

મંજવારી રડવાનું ભૂલી એકદમ બોલી ઊઠી:"હા સાહેબ, તમારી શંકા સાચી લાગી છે. અમારી કંપનીની પ્રોડક્ટનું વેચાણ વધી ગયું હોવાથી બે-ત્રણ કંપનીનો ધંધો બેસી ગયો છે. તમે તપાસ શરૂ કરો..."

ઇન્સ્પેક્ટર ઠાકોરે સ્ટાફને જે તપાસ કરવા કહ્યું હતું તેના અનુસંધાને મોબાઇલમાં વોટસએપમાં આવેલા ફોટાની વિગત વાંચી મંજવારીને કહ્યું:"મંજવારી, તપાસ તો પૂરી થઇ ગઇ છે. કાતિલનો પતો લાગી ગયો છે. વધારે સ્પષ્ટ કહું તો તારો ખેલ ખતમ થઇ ગયો છે...."

"શું બકવાસ કરો છો ઇન્સ્પેક્ટર?" મંજવારી ઉકળી ઊઠી.

"બકવાસ તો તેં કર્યો છે અત્યાર સુધી. સુમેરુ સાથે પ્રેમ કરવાનું નાટક કરી લગ્ન કર્યા અને પ્રેમી સાથે આખી જિંદગી જલસા કરવા પતિને પતાવી દીધો...." ઇન્સ્પેક્ટર ઠાકોર કડક અવાજે બોલ્યા.

મંજવારી કોઇને ફોન કરવા ગઇ પણ ઇન્સ્પેક્ટર ઠાકોરે તેનો ફોન ઝૂંટવી લીધો. અને સાથે આવેલી લેડી કોન્સ્ટેબલને તેની ધરપકડ કરવા ઇશારો કર્યો. ધીરાજીને હવે ખબર પડી કે સાહેબે લેડી કોન્સ્ટેબલને કેમ સાથે લીધી હતી. અને શરમ એ વાતની થઇ કે ઇન્સ્પેક્ટર ઠાકોરની ભિખારીની હત્યાની વાતને ગંભીરતાથી લીધી ન હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"સતપાલને ચેતવવાની જરૂર નથી. થોડી જ મિનિટોમાં તે પોલીસની પકડમાં હશે. તારા મોબાઇલના કોલ રેકોર્ડ પરથી તમારા બંને વચ્ચે કેવો સંબંધ છે એની ખબર પડી ગઇ છે. હવે જેલમાં બેસીને ભીંતો સાથે જે વાત કરવી હોય તે કરજે. પણ હું એટલું જ જાણવા માગું છું કે તેં સુમેરુને ભિખારી કેવી રીતે બનાવ્યો અને હત્યા કેવી રીતે કરી?"

મંજવારીને ખ્યાલ આવી ગયો કે પોતાનો ઘડો ફૂટી ગયો છે. તે હવે રડવા લાગી. આ આંસુ પતિના મોતના શોકના ન હતા. આખી જિંદગી જેલમાં સબડવાનું છે એના દુ:ખના હતા. તેણે પોતાની વાત કહી દીધી:"અસલમાં હું અને સરતાલ પ્રેમમાં હતા. તેની પાસે નોકરી ન હતી. હું ગરીબ હતી પણ સુંદરતામાં અમીર હતી. અમે કુંવારા ઉદ્યોગપતિ સુમેરુને ફસાવવાની યોજના બનાવી. એક કાર્યક્રમમાં તેની સાથે ભૂલથી અથડાઇને મુલાકાત કરી. તે મારા રૂપ પર મોહિત થઇ ગયો. અને અમે લગ્ન કરી લીધા. મેં દોઢ વર્ષ સુધી અમારો ઇરાદો કળાવા ન દીધો. પછી એક દિવસ હું એને મારી મિત્રને ત્યાં લઇ જવાના બહાને ભાડે લીધેલા એક બંગલામાં લઇ ગઇ. ત્યાં સરતાલ સાથે મળીને તેને બંધક બનાવી દીધો. તેને છ મહિના સુધી પૂરી રાખ્યો. તેને ભોજન નામનું જ આપ્યું. ભૂખ અને તરસથી તેને એવો તડપાવ્યો કે મરવાની અણી પર આવી ગયો. એટલે તેને ભિખારી જેવો બનાવી ઓશિકાથી તેના શ્વાસ રુંધાવી મારી નાખ્યો અને ભિખારીના રૂપમાં ચોરીછૂપી રોડની બાજુમાં મૂકી આવ્યા. કોઇને શંકા ના પડે એટલે મેં તેના ગૂમ થવાની ફરિયાદ નોંધાવી દીધી. અમને એમ કે તેના ભિખારીના રૂપમાં મોત થયા પછી અજાણી લાશ તરીકે પોલીસ અંતિમ સંસ્કાર કરી દેશે અને હું તેની મિલકત પર કબ્જો જમાવીને સરતાલ સાથે રાજ કરીશ. પણ તમે કેવી રીતે ભિખારીના મોતની તપાસ હાથ ધરી એ સમજાતું નથી...."

આ સવાલનો જવાબ જાણવા તો ધીરાજી પણ અધીરા બન્યા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"આ તો સંયોગ જ હતો કે કોઇ કામ ન હતું એટલે સમય પસાર કરવા ભિખારીના મોતના સમાચાર મળ્યા પછી જાતે ગયો. મેં જઇને જોયું કે મરનાર બધી રીતે ભિખારી જ લાગતો હતો. પણ તેના ડાબા હાથની અંગૂઠા સિવાયની આંગળીઓમાં વીંટી પહેરવાની જગ્યાની ચામડી હાથના અન્ય ભાગ જેટલી કાળી કે મેલી ન હતી. મને થયું કે મરનાર આંગળીઓમાં વીંટીઓ પહેરતો હશે. અને ભિખારીની એટલી ઓકાત ના હોય કે તે આટલી બધી વીંટીઓ પહેરે. મતલબ કે આ કોઇ રંક નહીં રાજા માણસ હોવો જોઇએ. પીએમમાં મોતના કારણમાં ભૂખ સાથે શ્વાસ બંધ થવાથી આમ બન્યું હતું. એટલે મને એવી શંકા હતી જ કે તેના શ્વાસ રુંધાવી મોત નિપજાવવામાં આવ્યું હોય શકે. મેં લાશને નવડાવી તેના વાળ-દાઢી કઢાવ્યા ત્યારે પણ એવું લાગ્યું કે ભલે ભૂખને કારણે મર્યો પણ મરનારનો ચહેરો સારા માણસનો લાગે છે. છ મહિનાથી તે ગૂમ હતો એટલે અમને બે-ત્રણ મહિનામાં ગૂમ થયેલાના રેકોર્ડમાં તેનો ચહેરો દેખાયો નહીં. મેં તેના પરિવારનો સંપર્ક કરવા એટલે અખબારમાં જાહેરાત અપાવી કે જો દોલત માટે હત્યા થઇ હશે તો તેના મરણનો પુરાવો મળવાની ગણતરીએ કોઇક તો આવશે. અને તું આવી ગઇ....."

"તમારી વાત સાચી છે. અમે કોઇ પુરાવો છોડ્યો ન હતો. પણ તમારી નજરમાં વીંટી પહેરવાથી આંગળી પર તેની છાપ પડતી એ વાત આવી ગઇ. સુમેરુને વીંટીઓનો બહુ શોખ હતો. તે વર્ષોથી દરેક આંગળીમાં સોનાની જાડી વીંટી પહેરતો હતો. અમે તેના હાથમાંની સોનાની બધી વીંટીઓ અને ઘરેણા કાઢી લીધા હતા. આંગળીઓ પરની વીંટીની છાપ અમારા પર પોલીસનો છાપો પડાવશે એની કલ્પના ન હતી...અમે જાહેરાત ના જોઇ હોત તો કદાચ બચી જાત..." મંજવારીને સુમેરુના હત્યાનો પસ્તાવો નહીં પણ પોતે હત્યા છુપાવવામાં ભૂલ કરી હોય એવો અહેસાસ ચહેરા પર હતો.

"તેં વીંટી તો કાઢી લીધી પણ હવે તારા ગળામાં ફંદો પડી શકે છે..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે મંજવારીને પોલીસ મથક પર લઇ જવા ધીરાજીને ઇશારો કર્યો.

પોલીસ મથક પર પહોંચીને ધીરાજીએ કહ્યું:"સાહેબ, માફ કરજો પહેલી વખત મને તમારા પર વિશ્વાસ ન આવ્યો."

"ધીરાજી, એમાં તમારો વાંક નથી. એવું તો ચાલ્યા કરે. હવે મારો એવો વિચાર છે કે સુમેરુની સંપત્તિ ભિખારીઓના ઉધ્ધાર માટે ખર્ચવામાં આવે. હું સરકારમાં આ જપ્ત થનારી સંપત્તિના સદઉપયોગ માટે સૂચન કરીશ. હવે ચા મંગાવો..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની ખુરશીમાં આરામથી બેઠા.

*

આપ વાચકોના મારી બુક્સ માટેના પ્રેમને કારણે જ મને ૨૬/૧/૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે.

મિત્રો, મારી તમામ બુક્સના ૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ફેબ્રુઆરી-૨૦૨૦ માં ડાઉનલોડ ૨ લાખ પર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***