માણસ આજે ચંદ્ર ઉપર જઇ આવ્યો છે, મંગળ સુધી પોતાના યાન મોકલે છે, ધગધગતા જોઇ પણ ન શકાય તેવા સુર્યનો પણ અભ્યાસ કરી બતાવે છે, અનેક ફીટ ઉંચાઇએ માત્ર દોરડા પર ચાલી બતાવે છે, અનંત આકાશમા ઉડી બતાવે છે, હિમાલય પર ચઢી બતાવે છે, ટુંકમા એવા તમામ કાર્યો કરી બતાવે છે કે જે પ્રથમ નજરેતો બીલકુલ અશક્ય લાગતા હોય. તો આવા કામ કરવાની શક્તી તેનામા ક્યાથી આવી ? તેમને આવુ બધુ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે ? જો તમે આજ પ્રશ્ન આવા સાહસો કરનાર વ્યક્તીઓને પુછશો તો તેઓનો જવાબ એકજ હશે, "ઇચ્છાશક્તી". આમ જો માત્ર મજબુત ઇરાદાઓ દ્વારા ચંદ્ર પર પહોચી શકાતુ હોય, ત્યાં જઇ સફળતા મેળવી શકાતી હોય તો ધરતી ઉપરતો મેળવીજ શકાયને ! જો વ્યક્તી ચંદ્ર ઉપર જવાના અતી જટીલ કાર્યને અંજામ આપી શકતા હોય તો આપણે સામાન્ય વ્યવહારો, સંબંધો કે વ્યવસાયમાતો સફળતા મેળવીજ શકીએને !! આજનો માણસ અશક્ય લાગતા તમામ કાર્યો કરી શકે છે તો તેનો અર્થ એ થયો કે આપણામા પણ અશક્ય લાગતા કાર્યો કરવાની શક્તી છેજ કારણકે આપણે બધા પણ આખરે માનવીજ છીએ ! ઉપરવાળાએ આપણા દરેકમા સરખી શક્તીઓ મુકેલી છે તો પછી શા માટે આપણે તેનો ઉપયોગ ન કરીએ? ઇશ્વરે આપણને સૌને છુપી શક્તીઓ આપેલી છે તો જે વ્યક્તી તેને બહાર લાવી વિકાસ કરતો હોય છે તે વ્યક્તી ધારે તે બધુજ મેળવી શકતો હોય છે. અહી શક્તી તો બધાને સરખીજ મળેલી હોય છે પણ ફર્ક માત્ર એટલોજ હોય છે કે તેને બહાર લાવી કેટલો વિકાસ કરવામા આવ્યો છે. એટલે જરુર માત્ર તેને જગાળવાની, બહાર લાવવાની અને તેનો મહત્તમ ઉપયોગ કરી બતાવવાનો છે. તેના માટે તમારે કઇંક કરી બતાવવાની પ્રબળ ઇચ્છા કરવી જોઇએ, તમે ઇચ્છા કરશો તો તમારી શક્તીઓ કામે લાગશે, તેનો ઉપયોગ થવા લાગશે અને તેમા નોંધપાત્ર વધારો પણ થશે. જ્ઞાન અને માનસીક શક્તીઓ આ બન્ને એવા તત્વો છે કે જેનો જેટલો વધુ ઉપયોગ કરવામા આવે તેટલોજ તેમા વધારો થતો હોય છે, તેટલોજ તેનો વિકાસ થતો હોય છે માટે સફળતા મેળવવા શક્તીઓમા વધારો કરો, શક્તીઓમા વધારો કરવા તેનો ઉપયોગ કરો અને તેનો ઉપયોગ કરવા ઇચ્છા શક્તી મજબુત કરો.
આ વિશ્વમા જે કંઇ પણ મહાન સંશોધનો થયા છે, જે મહાન કાર્યો થયા છે અને જે થઇ રહ્યા છે તે બધા કંઈ અનાયાસેજ નથી થઇ ગયા ! તે તો વ્યક્તીઓની પ્રબળ ઇચ્છાઓ અને ફોલાદી ઇરાદાઓનુ પરીણામ હોય છે. તેના દ્વારા તેઓએ જ્ઞાન મેળવ્યુ હોય છે, તેનો સદ્ઉપયોગ કર્યો હોય છે, ઘણુ બધુ સહન કરી સંઘર્ષ કર્યા હોય છે ત્યારે જતા આટલી ઉચ્ચ કક્ષાએ તેઓ પહોચી શક્યા હોય છે. આવા લોકોના ઇરાદાઓને કરણેજ આજે દુનિયા આટલી બધી સુખ સુવિધાઓ ભોગવી રહી છે, મહાન સાહિત્યોની રચના થઇ રહી છે, રોગીઓ અને દર્દીઓની સચોટ સારવાર થઇ રહી છે અને ગરીબોની સેવા થઇ રહી છે. જરા વિચારો જોઇએ કે આ દુનિયામા નિષ્ક્રિય, આળસુ, વ્યસની અને બેપરવાહ લોકોની સંખ્યા વધી જાય અને બધાજ લોકો મોજશોખની પાછળ પળી જાય તો શું થાય? જવાબ તમને ખબરજ છે !! માટે સતત આગળ વધવાની, ઉંચાઇઓ સર કરતા રહેવાની અપેક્ષા રાખો, પ્રબળ ઇરાદાઓ રાખો અને આ સમગ્ર વિશ્વના વિકાસમા પોતાનુ કીંમતી યોગદાન આપો.
ઇશ્વર આપણને સૌને એકજ વાત કહેવા માગે છે કે જીવનમા મહત્વકાંક્ષા રાખો, ઇચ્છાશક્તી મજબુત રાખો, ઉત્સાહી બનો, પોતાની છુપી અને વેરવિખેર પડેલી શક્તીઓને એકઠી કરો, તેનો વિકાસ કરો અને સક્ષમ બનો. નિરર્થક હતાશાઓને જડમુળમાથી ઉખેળી ફેંકી દો, નાની નાની વાતોમા નિરાશ થવાનુ, ફર્યાદો કરવાનુ કે રોદણા રોવાનુ છોળી દો, આવુ કરવા માટે મે તમને જીંદગી નથી આપી, એટલે મહેરબાની કરી તેનુ અવમુલ્યન ન કરો. જો તમને નિષ્ફળતાઓ મળતી હોય તો દ્રઢ નિશ્ચય કરો, આરામનો ત્યાગ કરી દો અને પોતાને કહો કે મને સફળતા અને આત્મસમ્માન સીવાય બીજુ કશુજ ખપે નહી, હું ગમ્મે તે ભોગે તે મેળવીનેજ રહીશ તેમ પોતાને કહી આજથીજ સખત મહેનત કરવાનુ શરુ કરીદો, જયાં સુધી તમામ પ્રશ્નોના જવાબો ન મળે ત્યાં સુધી મંડ્યા રહો, ખુબ વાંચન કરો, જ્ઞાન મેળવો, સંબંધો બનાવો, સામર્થ્ય વધારો, વિવિધ આવળત-કુશળતાઓ વિકસાવો તેમજ પોતાના તન મનને પોલાદી બનાવી પોતાને એમ કહો કે આ દુનિયામા એવુ કોઇ તત્વ નથી કે જેને હું ન મેળવી શકુ, હું એટલો બધો નબળો પણ નથી કે મારે બધે ફર્યાદો કરતા ફરવુ પડે, બસ હવે બહુ થયુ, હવે તો હું જરાય પાછો નહી પળુ, હવેથી હું ક્યારેય હીંમત નહી હારુ અને એક વખત હાથમા લીધેલુ કામ હું પુર્ણ કરીનેજ બતાવીશ. આ દુનિયામા એવી કોઇ વસ્તુ નથી કે જેને હું ન મેળવી શકુ, મને પણ કુદરતે સરખીજ શક્તી આપેલી છે, સરખુજ તન મન, વિચારો અને બુદ્ધી આપેલી છે તો પછી શા માટે હું મુર્ખાઓની જેમ બેસી રહુ ? મારી શક્તીઓમા તેજ છે તો પછી શા માટે હું તેનો પ્રકાશ ન પાથરુ ! અને જો મારી પાસે પુરતી શક્તીઓ ન જ હોય તો પછી શા માટે હું તેનો વિકાસ ન કરુ ? શુ મને કોઇએ તેનો વિકાસ કરવાની ના પાડી છે ? જો કોઇએ ના ન પાડી હોય તો પછી શા માટે તેનો વિકાસ કરવા માટેના પ્રયત્નો હું નથી કરતો? કુદરતે આપેલા આ શરીરના મુલ્યમા વધારો કરવો એ મારી ફરજ છે તો મારે તેમાથી છટકવુ ના જોઇએ. બસ આવા વિચારોનો ચમકારોજ વ્યક્તીના જીવનમા આમુલ પરીવર્તનો લાવી દેતો હોય છે, હારેલી, થાકેલી, નીરાશ અને ચેતન વગરની વ્યક્તી ફરી પાછા પોતાના માર્ગે દોળવા લાગતા હોય છે, જેમને સરખુ બોલતાય ન’તુ આવળતુ તેઓ જાહેરમા ભાષણો આપતા થઇ જતા હોય છે, ભાષામા વિદ્વાન બની જતા હોય છે, જેઓ પોતાનેજ સંભળી ન’તા શકતા, જેઓને સમાજમા કેમ રહેવુ તેની પણ ખબર ન’તી પળતી તેઓ મોટા મોટા ઉદ્યોગો, કારખાનાઓ અને દેશને સંભાળતા થઇ જતા હોય છે, તેમજ જેમા સદ્ગુણોનો દુષ્કાળ હતો તેનામા ગુણોનો ભંડાર થઇ જતો હોય છે. આમ માત્ર એકજ ઇચ્છા વ્યક્તીને એટલી ઉંડી અસર કરી બતાવતી હોય છે કે થોડાકજ દિવસોમા વ્યક્તીની પરીસ્થીતિઓ જળમુળમાથી બદલાઇ જતી હોય છે. ઘડીભરમાતો વિશ્વાસજ ન આવે કે સ્વપ્નેય વિચાર્યુ ન હોય તેવા કાર્યો તેઓ કરતા થઇ જતા હોય છે અને જે સમાજ તેની કોઇ કીંમત ન’તો કરતો તેજ સમાજ આસ્ચર્યચકીત થઇને બસ જોતોજ રહી જતો હોય છે. તો આ છે ઇચ્છાશક્તીનો ચમત્કાર. માત્ર એકજ ઇચ્છા સમયનુ ચક્ર એવુ તે ફેરવી દેતી હોય છે કે રંક પણ રાજા બની જાય. જો તમે પણ સમયની આવી જાદુઇ શક્તીઓનો લાભ ઉઠાવવા માગતા હોવ તો તમે પણ એટલી પ્રબળ ઇચ્છા કરો, એટલી મહેનત કરો કે સમય અને ભાગ્યએ બદલીને તમારા પક્ષમા આવવુજ પડે.
ઘણા લોકો એવુ કહેતા હોય છે કે આ દુનિયા નકામી છે, તેમા આપણે કશુજ લઇને આવ્યા નથી અને કશુજ લઇને જવાના નથી તો પછી શા માટે ઇચ્છાઓ પુરી કરવા મહેનત કરી દુ:ખી થવુ જોઈએ ? આવા વિચારો ધરાવતા લોકોને હું એક વાત જરુર પુછવા માગીશ કે શું આપણે કંઇક લઇને આવ્યા હોત અને કંઇક લઇને જવાના હોત તોજ આ જીંદગી કામની કહેવાય ? ભગવાને આપણને આટલી સરસ જીંદગી જીવવા માટે આપી છે, આટલી સરસ સુખ સાહ્યબીઓ આપી છે, પ્રકૃતીને માણવા આપી છે તો શું તે બધુ નકામુ છે ? જો આ બધુ નકામુજ હોત તો પછી ભગવાને શા માટે જીવશ્રૃષ્ટીની રચના કરી? શા માટે તમને જીદગી જીવવા માટે આપી ? શું ભગવાન મુર્ખ છે ? શું તમારા મતે તેઓ નાસમજ છે કે આપણે તેઓના વરદાનો, ચમત્કારોને નકામા સમજીએ ? શું આપણને આવી વાતો કરવાનો અધીકાર છે ? હજુ તો આપણે સમગ્ર બ્રહ્માંડને ૦.૦૦૦૦૧ % પણ નથી સમજી શક્યા તો પછી આપણે એવુ કેવી રીતે કહી શકીયે કે આ બધુ નકામુ છે ? શું આપણે બધા મોટા મોટા વૈજ્ઞાનીકો, બુધ્ધીશાળીઓ કે ભગવાનથી પણ વિશેષ મહાન બની બેઠા છીએ તે આ હદ સુધીની નકામી દલીલો આપી શકીએ ? આ શ્રૃષ્ટીને નિરર્થક કહેવા વાળા આપણે વળી કોણ છીએ ? ભગવાન આપણને સમગ્ર બ્રહ્માંડનુ જ્ઞાન આપવા માગે છે, સમગ્ર વિશ્વના દર્શન કરાવવા માગે છે, તેઓ આપણને અલગ અલગ લાગણીઓના અનુભવ કરાવી તેને કાબુમા રાખી મહાન કાર્યો કેમ કરવા તે શીખવવા માગે છે તો પછી તેઓની ઇચ્છાને નિરર્થક, તુચ્છ કે નકામી સમજવાની ભુલ આપણે કેવી રીતે કરી શકીએ ?
આ વાત કહેવાનો અર્થ માત્ર એટલોજ છે કે દુનિયા શું છે ને શું નથી એવી નિરર્થક ચર્ચાઓમા પડી નિષ્ક્રીય બની જવાને બદલે સુર્યના તાપ જેટલી પ્રબળ ઇચ્છા રાખવી જોઇએ, એટલા પ્રબળ હેતુઓ રાખવા જોઇએ, એટલી મહેનત કરવી જોઇએ કે ખુદ ભગવાનને પણ એમ થઇ જાય કે નહી મે એવા વ્યક્તીનુ સર્જન કર્યુ છે કે જે મારુ નામ રોશન કરી બતાવશે. પછી આવા વ્યક્તીઓ પર ઇશ્વરની ક્રૃપા વરસ્યા વગર રહેતી હોતી નથી.
આમ જીવન એવુ જીવો કે ખુદ જીંદગી પણ તમારા નામથી ઓળખાવા લાગે, લોકોને એમ થઇ જાવુ જોઇએ કે જીંદગી જીવતા અને પોતાના કાર્યોને પુર્ણ કરવાની ધગશ, ખુમારી, શૌર્ય અને સાહસ તો કોઇ તમારી પાસેથી શીખે.
વિશ્વના મહાન વૈજ્ઞાનીક થોમસ આલ્વા એડીસન તો એવુ કહેતા કે જ્યાં સુધી તમારામા બદલાવો લાવવાની ઇચ્છા પ્રબળ નહી થાય ત્યાં સુધી તો આ દુનિયાની કોઇ તાકાત તમને પ્રગતી કરાવી શકશે નહી. આ દુનિયાની દરેક વ્યક્તી પોતાના જીવન અને તેની પ્રગતી માટે પોતેજ જવાબદાર હોય છે, એટલે જયાં સુધી વ્યક્તી આવી જવાબદારીઓ સ્વીકારતા હોતા નથી ત્યાં સુધી તેઓ દુનિયાનુ કોઇ પણ તત્વ પામી શકતા હોતા નથી અને જો કદાચ તેને મેળવી લે તો તેને લાંબા સમય સુધી ટકાવી રાખી કે પોતાના હિતમા ઉપયોગ કરી શકતા હોતા નથી. આ રીતે તો તેઓ મળેલી તકોને પણ ગુમાવતા રહેતા હોય છે અને બદથી બદ્તર જીવન ગુજારવા મજબુર બનતા હોય છે. જો પોતાની સુખ સમૃધ્ધી માટે વ્યક્તી પોતેજ જવાબદાર હોય અને અન્ય કોઇ વ્યક્તીને સહારે જીવન જીવી શકાય તેમ ન હોય તો પછી દરેક વ્યક્તીએ પોતાના જીવનની જવાબદારી ઉઠાવી તેને વધુને વધુ સમૃધ્ધ બનાવવાની પ્રબળ ઇચ્છા કરવી જોઇએ. આવી ઇચ્છા શક્તી દ્વારાજ વ્યક્તી સમૃધ્ધી પ્રાપ્ત કરી જીવનને વધુ સાર્થક બનાવી શકતા હોય છે.
મોટા ભગના લોકો નશીબના જોરે જીવન જીવ્યે જતા હોય છે, નશીબ જે દિશામા લઈ જાય અથવા તો જેવા નશીબ હશે તેવુજ થશે તેમ માનીને જીવન રૂપી ગાડી જાણે અજાણ્યે ગબડાવ્યે જતા હોય છે, પણ તેઓ એટલુ સમજતા હોતા નથી કે પ્રયત્નો દ્વારા પોતાના જીવનમા પણ સુખદ પરીવર્તનો લાવી શકાતા હોય છે. મોટે ભગે આવા લોકો આસપાસનુ વાતાવરણ, નિરાશ–નકારાત્મક લોકોની વાતો સાંભળી સંભળીને એવુ માની બેઠા હોય છે કે પોતાનો જન્મ ગરીબી, અપમાન અને અવગણનાઓ સહન કરવા માટેજ થયો છે એટલે હવે આપણી ગરીબી દુર કરી શકાય તેમ નથી. આવા વિચારો કરી કરીને તેઓ કશુક પ્રાપ્ત કરવાની તમામ પ્રકારની ઇચ્છાઓ પર પુર્ણવિરામ મુકી જેવુ છે તેવુ ભાંગેલુ તુટેલુ જીવન સ્વીકારી જીંદગીને ઢસળ્યે જતા હોય છે અને તેવી મથામણમાજ મૃત્યુ પામતા હોય છે. આવી કંટાળાજનક જીંદગીને પણ સુધારી શકાતી હોય છે તેવુ લોકો એક સેકંડ માટે પણ વિચારતા હોતા નથી. વિચારોની આવી કંગાળીયતને કારણેજ લોકોમા કશુક પ્રાપ્ત કરવાની ઇચ્છા જગૃત થતી હોતી નથી અને પરીણામે સફળતા, સુખ, સાહ્યબી એ બધુ તેઓને માટે કલ્પના માત્રજ બનીને રહી જતુ હોય છે. આવા લોકો સુખી સંપન્ન લોકોને જોઇને એવી કલ્પનાઓ કરતા હોય છે કે આવુ બધુ મને મળ્યુ હોત તો કેવુ સારુ થાત ! ભગવાનને શું અમારી કદર નહી હોય ? અમે એવા તે ક્યા પાપ કર્યા હશે તે આવા દિવસો જોવાનો વારો આવ્યો છે ? શું અમારા નશીબ ક્યારેય નહી ચમકે? લોકો આવા એકને એક વિચારો કરવામા આખી જીંદગી પસાર કરી નાખતા હોય છે પણ એક મીનીટ માટેય એમ વિચારતા હોતા નથી કે જો હું પણ બીજાઓની જેમ કંઇક કરી બતાવવાનો પ્રયત્ન કરુ, કાર્યને લગતી તમામે તમામ બાબતોને સમજી તેના નિવારણ લાવી બતાવુ તો ૧૦૦% સફળતા મેળવી શકુ તેમ છુ. જો લોકો આવા વિચાર કરવાનુ શરુ કરી દે તો ધીરે ધીરે તેઓ વૈચારીક પરીપક્વતા કે વૈચારીક શક્તીઓ પ્રાપ્ત કરી વહેલા કે મોળા સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે.
મોટા ભાગના લોકો બીજાઓની સુખ સાહ્યબીઓ કે સફળતાને જોઇને પોતાના નશીબને કોસતા હોય છે પણ તેઓએ આ બધુ કેવી રીતે મેળવ્યુ છે, કેવી કેવી તકલીફો સહન કરી છે, પોતાના વિચારો–દ્રષ્ટીકોણમા કેવા કેવા ફેરફારો કર્યા છે તે બધુતો કોઇ જોતાજ નથી. લોકોના આવા અધુરા દ્રષ્ટીકોણને કારણેજ તેઓ સફળ થવાની હિંમત અને રહસ્યો પામી શકતા હોતા નથી અને આખી જીંદગી માત્ર ચમત્કારોની રાહ જોવામાજ પસાર કરી નાખતા હોય છે. આમ સફળ અને નિષ્ફળ લોકો વચ્ચે ભેદ માત્ર એટલોજ હોય છે કે નિષ્ફળ લોકો પોતાના નશીબ અને દુ:ખોના રોદણા રોવામાથીજ બહાર આવતા હોતા નથી, તેઓ બીજાઓ ઉપર આધાર રાખીને બેસી ગયા હોય છે જ્યારે સફળ લોકો આવા બધાજ પ્રકારના બંધનો તોડીને પોતાની જીંદગીની દોર પોતાના હાથમા લઈને કામે લાગી જતા હોય છે.
પોતાનો વિકાસ થાય, પ્રગતી થાય અને દુનિયાભરની સુખ સમૃધ્ધીઓ ભોગવવા મળે એવા સપનાઓતો બધા લોકો જોતાજ હોય છે પણ જ્યારે તેને પુરા કરવાનો પ્રશ્ન આવે છે ત્યારે લોકો ઉંચા હાથ કરી બેસી જતા હોય છે અને એવુ કહેતા હોય છે કે નહી ભાઇ..... એ બધુ મારુ કામ નથી !
શું , તમારુ કામ નથી ?
કેમ ભાઇ ! એ બધુ તમારુ કામ કેમ નથી ? તમે બધા શું કીડી મકોળા છો ? ભગવાને તમને બે હાથ-પગ અને મગજ નથી આપ્યા ? તમે બધા અહી શું માત્ર સપનાઓ જોવા અને ગુલામી કરવા માટેજ આવ્યા છો ? શું સપનાઓ પુરા કરવા એ તમારો અધીકાર નથી ? શું તમે એટલુય વિચારી નથી શકતા કે આ દુનિયામા કંઇ પણ કામ કરવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે, થોડીક ગણતરીઓ કરી સંઘર્ષ કરવો પડે, બલીદાનો આપવા પડે ! તમારી આસપાસની બધી વસ્તુઓ શું પ્રયત્નો કર્યા વગરજ ખસી જાય છે ? શું તમારા ઘરમા રસોઇ માત્ર ચપટી વગાળતાજ બની જાય છે ? જો તમે આ બધી વાત સમજતા હોવ તો પછી એમ કેમ કહો છો કે હું આ કામ નહી કરી શકુ ? કેમ તમે પ્રબળ ઇચ્છા નથી કરતા ?
એક મીનીટ જરા થોભો !
તમે એમ કહો છો કે આ કામ મારુ નથી એટલે હું તે નહી કરી શકુ તો એનો મતલબ એમ થયો કે જો આ કામ તમારુ હોત તો તમે તે કામ કરી શકેત !!!
ખરુ !!
જો આ વાત સાચી હોય તો પછી સુખ સાહ્યબીઓ કે સફળતા મેળવવાના કામનેજ તમારુ કામ બનાવી દો ને !!!
તમને કોણે રોક્યા છે ?
જે દિવસે તમે એમ વિચારતા થઈ જશો કે નહી આ મારુજ કામ છે, હું બધાજ પ્રકારના કામ કરવા માટે લાયક છુ અને હું તેમ કરીને પણ બતાવીશ, તે દિવસથી તમારો સમય બદલાવા લાગી જશે, બીજાઓનેતો શું ખુદ તમનેય વિચાર નહી આવ્યો હોય તેવી સફળતાઓ તમને મળવા લાગશે અને લોકો કાયમને માટે તમારી સફળતાના ઉદાહરણો આપતા થઇ જશે.
જ્યારે તમે નક્કી કરશો કે મારે આ વસ્તુ મેળવવી છે કે કોઇ કામ પાર પાળવુ છે ત્યારે તરતજ તમારા મનમા પ્રશ્ન ઉદ્ભવશે કે મારે આ કામ કેવી રીતે કરવુ જોઈએ ? આ પ્રશ્નનો વિચાર કરશો એટલે તરતજ તમારુ મન તે કામ કરવાની પદ્ધતીઓ ગોતવા લાગી જશે. આ પદ્ધતીઓની જાણકારી કે સમસ્યાઓના ઉપાયો હાથ લાગતાજ તમારુ મન તેનો અમલ કરવાનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અનુભવવા લાગશે જેથી તમે આપોઆપ નકી કરેલા સ્ટેપ પ્રમાણે આગળ વધવા લાગશો અને સારુ પરીણામ પ્રાપ્ત કરી બતાવશો.
હવે જરા વિચારો જોઇએ કે તમારે જે મેળવવુ હતુ તે નક્કીજ ન કર્યુ હોત તો તેને લગતી પદ્ધતીઓ અને માહિતીઓ મેળવી કામ કરવાનો ઉત્સાહ કેવી રીતે જન્માવી શક્યા હોત ? જો તમને કામ કરવાનો ઉત્સાહ જ ન હોત તો પછી પ્રયત્નો કરવાનોતો પ્રશ્નજ ક્યાં આવતો હતો? આમ સફળ થવાની શરુઆત એ એક ઇચ્છાથી થતી હોય છે, આ શરુઆત જેટલી પ્રબળ હોય, જયાં સુધી તે જળવાઇ રહેતી હોય ત્યાં સુધીનુ લાંબુ અંતર કાપી શકાતુ હોય છે.
ક્રમશઃ