સમય- સાંજના સાત.
કોલેજ ક્યારનીય છૂટી ગઈ હતી. કોલેજ છૂટી એ વખતે કૌશલ અને કૃશાલ મુતરડીમાં સંતાઈ રહયા હતા. પ્યુન બધું બંધ કરીને બહાર નીકળ્યા ત્યારે ધવલ અને સેજલ એક મોટા ઓટલા પાછળ લપાઈ ગયા હતા. એમણે કૌશલને ફોન કરીને કહી દીધું હતું કે હવે કોલેજ ખાલી થઈ ગઈ છે. બહાર નીકળવાની રાહ જોઇને બેઠેલા આ બંને સડસડાટ મુતરડીની બહાર આવી ગયા હતા. ઘણો બધો સમય પસાર કરવાનો હતો.
લગભગ દોઢ કલાકથી કૌશલ અને કૃશાલ કોલેજમાં હતાં. આખીય કોલેજમાં એકદમ સન્નાટો હતો. ભયાનક શાંતિ હતી. જાતજાતના વિદ્યાર્થીઓથી ખદબદતી રહેતી અને એમના કોલાહલથી ગૂંજતી રહેતી કોલેજનું આટલું શાંત સ્વરૂપ આ બંનેને એકદમ નવું લાગતું હતું, કંટાળાજનક લાગતું હતું. મોટાં અને ખાલીખમ ક્લાસરૂમોમાં કાવતરાખોરોના આગમની રાહ ઘૂમરાતી હતી અને અજંપામાં પરિણમતી હતી. ખાલીખમ ઓરડાઓમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી બેન્ચો પર સન્નાટાઓ ભૂસકાં મારતાં હતાં. સૂરજ ડૂબતો જતો હતો અને અંધકારનું સ્રામાજ્ય ફેલાતું જતું હતું. એ બંને આખી કોલેજમાં આમથી તેમ ભટકતા હતાં. એમને થિયેટર નવમાં જવાની બીક લાગતી હતી. લાશ તો ક્યારનીય ત્યાંથી હટાઈ લેવાઈ હતી, પણ એ માણસ કમોત મર્યો હતો. ખબર નહીં એના આત્માને શાંતિ મળી હશે કે નહીં.
અહીંયા બહાર સેજલ અને ધવલ ધ્વજસ્તંભના ઓટલા પાછળ લપાઈને બેઠાં હતાં. વારેવારે બેમાંથી કોઈ એક ઓટલા પરથી માથું સહેજ ઊંચું કરીને કોલેજના દરવાજે નજર ફેંકી લેતાં હતા. સામેના વિશાળ ખાલી મેદાનના આછા ઘાસ પર સૂનકાર પથરાયેલો હતો. ડૂબતો સૂરજ પોતાનું અજવાળું પાછું ખેંચી રહ્યો હતો અને મેદાનમાં અંધારું પથરાતું હતું, વધતું હતું. સેજલે અને ધવલે હજી સુધી તો કોઈને કોલેજની આજુબાજુ ફરકતું જોયું નહોતું. એમને પણ કંટાળો આવવા લાગ્યો હતો. કોલેજનું ગાર્ડન આટલું શાંત પહેલાં ક્યારે જોયું નહોતું. વળી, એ બંને એક ઓટલા પાછળ સંતાઈને બેસી રહ્યા હતા એટલે અકળાયા જતા. મન તો ઘણું થતું હતું બીજે ક્યાંક જવાનું પણ બીક લાગતી હતી.
સમય વીતતો ગયો. કૌશલે આઠમી વખત પોતાના મોબાઈલમાં સમય જોયો- રાતના 10:01. સાડા ચાર કલાકથી તેઓ અંધારીયા, ભયાનક શાંતિ ધરાવતા કલાસ નં.8માં હતાં. બાજુમાં જ નવમા નંબરનું થિયેટર હતું. કૃશાલે કૌશલને સમય પસાર કરવા મોબાઈલમાં ગેઈમ રમવાનું સૂચન કર્યું હતું, પણ મોબાઈલનું ચાર્જિંગ જાળવી રાખવાનું હોવાથી કૌશલે એ સૂચન નકારી કાઢ્યું હતું. ગાઢ અંધકારને કારણે હવે સેજલ કે ધવલને ઓટલા પાછળ સંતાઈ રહેવાની જરૂર ન હતી. તે બંને ઓટલાની આસપાસમાં જ આમતેમ આંટા મારતાં હતાં. અંધકાર વધુ હતો. ચંદ્ર ઊગવાને હજી વાર હતી. ઝાડના પાંદડા ફરફરાવતો પવન બંનેના હૃદયમાં ભય જન્માવતો હતો.
દરવાજા પર ચોંટેલી કૌશલની નજર એકાએક ફાટી રહી ગઈ... દરવાજા આગળથી કોઈ કાળી આકૃતિ દોડતી જતી તેણે જોઈ... તરત જ તેણે ફોન લગાડ્યો સેજલને. સેજલે જણાવ્યું કે હજી તો કૉલેજનો દરવાજો બંધ છે. કોઈ આવ્યું નથી. કૌશલના મનમાં એક થડકારો થયો. ધીમા અવાજે કૃશાલે તેને પૂછ્યું કે શું વાત છે. કૌશલે ગભરાતાં સ્વરે કહ્યું- “ભૂત છે કોલેજમાં...”
“રાહ જોઈજોઈને ગાંડો થઈ ગયો છે કે શું?” કૃશાલે જરા હસીને કહ્યું... પણ... ક્યાંક બારણું અથડાયું... કૃશાલ પણ ચોંકી ગયો... સહેજ ડર્યો...
“ઈની માને... ભૂતિયા કોલેજ સે આપણી!” કૃશાલથી બોલાઈ ગયું.
“પણ હવે આપણું શું થશે?” કૌશલે પૂછ્યું- “કાલે સવારે આપણી લાશ મળશે કો’કને.... ”
કૃશાલ કંઈ બોલે એ પહેલાં એમનાં જ થીએટરના બારણે એ કાળી આકૃતિ આવીને ઊભી રહી ગઈ...
કૌશલ અને કૃશાલ ફાટી આંખે એ કાળી આકૃતિને.... એ ભૂતને જોઈ રહ્યા.... એમના હોશ ઉડી ગયા હતા....
(વધુ આવતા અંકે)