Aamun : egypshiyan Krushn - 1 in Gujarati Spiritual Stories by Parakh Bhatt books and stories PDF | આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ! - 1

Featured Books
Categories
Share

આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ! - 1

આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ!

(ભાગ-૧)

તાજેતરમાં અમુક ઇજિપ્શીયન સાહિત્યનાં પુસ્તકોમાંથી પસાર થતી વખતે એમનાં દેવી-દેવતાઓનાં વર્ણન સામે આવ્યા. ધ્યાનાકર્ષક નામ હતું : એમન (કે આમુન)! દર વર્ષે ઇજિપ્તનાં કર્નાક ખાતેનાં મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ ઓર્ગેનાઇઝ થાય છે, જેમાં એક સંવાદ લાઉડસ્પીકર પર સાંભળવા મળે છે, “હું એમન-રા, મારા પગરખામાંથી નાઇલનું પાણી વહે છે!” ઇજિપ્શીયન માયથોલોજીમાં અપાયેલું આ વર્ણન ત્રિદેવોમાંના એક ભગવાન વિષ્ણુનાં અવતાર શ્રીકૃષ્ણ સાથે ઘણું મેળ ખાય છે. બંનેની સરખામણી કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે ઇજિપ્શીયન દેવ એમન કોણ છે?

ઇસૂ પૂર્વનાં બે હજાર વર્ષો પહેલા થઈ ચૂકેલા એમનને બ્રહ્માંડનાં સર્જકદેવ તથા ઇજિપ્તનાં મૂળ દેવતા તરીકે પૂજવામાં આવે છે. ‘એમન-રે-કામુતેફ’ તરીકે જાણીતાં એમનને અમૌનેટ (વાયુની દેવી)નાં પતિ તરીકે આલેખવામાં આવ્યા છે. સોનેરી રંગનો લાંબો સુંદર તાજ, માથામાં ખોસેલા ઓસ્ટ્રિચ પક્ષીનાં બે પીંછા, ગળાથી પેટ સુધીનો નેકલેસ અને શરીરને ચપોચપ બંધ બેસતાં કપડાંમાં તેઓ પોતાનાં સિંહાસન પર હાથમાં એક લાંબુ અસ્ત્ર (સેપ્ટર) લઈને બેઠેલા જોવા મળે છે. એમનનો અર્થ થાય છે, અદ્રશ્ય હોય એવું! ફેરો રાજાની માફક એમની તસ્વીરમાં પણ તેઓ પોતાનાં રાજસિંહાસન પર પરિવારની સાથે બેસેલા જોઇ શકાય છે. પત્ની ‘મટ’ અને પુત્ર ‘ખોંસુ’ને એમનાં પરિવારજન તરીકે સ્વીકારાયા છે. ઇજિપ્શીયન સાહિત્યોમાં એવું પણ વર્ણન વાંચવા મળે છે કે સૂર્યનાં દેવતા ‘રા’ સાથે એક થઈને તેઓ ‘એમન-રા’ તરીકે ઓળખાયા. ઇસૂપૂર્વે ૧૭૦૦માં ઇજિપ્તનાં રાજા હીકસોસે ઉત્તર ઇજિપ્ત પર આક્રમણ કર્યુ. ત્યાં સુધી એમનનું ધાર્મિક મહત્વ ફક્ત દક્ષિણ ઇજિપ્તની પ્રજાતિ સુધી મર્યાદિત હતું, પરંતુ ૧૫૦૦ ઇસૂપૂર્વેની સાલમાં ઇજિપ્શીયન પ્રજાએ હીકસોસને યુદ્ધમાં હરાવ્યા બાદ સમગ્ર ઇજિપ્તમાં એમન દેવની પૂજા થવા લાગી. લોકો એમને પોતાનાં આરાધ્યદેવ તરીકે પૂજવા લાગ્યા. આજની તારીખે પણ ઇજિપ્તનાં બે સૌથી મોટા મંદિરો ‘લક્ષોર’ અને ‘કર્નાક’માં એમન દેવની પૂજા થાય છે.

એમન અને કૃષ્ણ વચ્ચેની સામ્યતા

એમનનાં દેહનો રંગ ભૂરો, એમનાં માથામાં ઓસ્ટ્રિચ પક્ષીનાં બે પીંછા હોવાને લીધે ઘણા પુરાતત્વશાસ્ત્રીઓ અને સંસ્કૃત-ઇજિપ્શીયન સાહિત્યનાં વિદ્વાનોએ એમને ભગવાન કૃષ્ણ સાથે સરખાવ્યા છે! મહાભારતમાં અપાયેલા વર્ણનને ચકાસતાં સમજાય કે ઇસૂપૂર્વે ૩૧૦૨ની સાલમાં ભગવાન કૃષ્ણનો દેહાંત થયો હોવો જોઇએ. અને એમનને ઇજિપ્તનાં લોકોએ પૂજવાનાં શરૂ કર્યા એ સમય એટલે ઇસૂપૂર્વ ૨૦૦૦ની સાલ! એનો સીધો મતલબ એમ થયો કે કૃષ્ણની લીલા અને ગાથાનું વર્ણન જ્યાં સુધીમાં ઇજિપ્તનાં લોકોનાં કાને પડ્યું એ બે ઘટના વચ્ચે લગભગ ૧૦૦૦ વર્ષોનો સમય વીતી ચૂક્યો હોવો જોઇએ. (પુરાતવશાસ્ત્રીઓએ ઇજિપ્તનાં લક્ષોર અને એમનનાં મંદિરોની છાનબીન દરમિયાન એ સાબિત કર્યુ છે કે તેમનું નિર્માણ ઇસુપૂર્વે ૨૦૫૫ થી ૧૬૫૦ની વચ્ચે થયું છે!) ઇજિપ્ત ભાષામાં એમનને ‘યમન’ પણ કહે છે. આજે ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક એવી ‘યમુના’ સાથે તે મળતું આવે છે. ગોકુળ (વૃંદાવન)માં આવેલી યમુનાનાં કાંઠે શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું! બની શકે કે યમુનાનું નામ બદલીને ઇજિપ્તમાં એમન થઈ ગયું અને લોકો એને પોતાનાં દેવ સમજીને પૂજવા લાગ્યા!

એમ છતાં આશ્ચર્ય એ વાતનું છે કે, એમનની પત્ની તથા પુત્ર ‘મટ’ અને ‘ખોંસુ’નાં વર્ણનો શ્રીકૃષ્ણની પત્ની તેમજ બાળકો સાથે ક્યાંય મેળ નથી ખાતાં! ઇજિપ્શીયન સાહિત્યમાં એમન દેવ પોતાનાં વાહન ‘હોરસ’ પર સવાર થઈને વિહરતાં હોવાનું વર્ણન છે. બીજી બાજુ, ભગવાન વિષ્ણુ પણ ગરૂડ પર સવાર થઈને દર્શન આપતાં હોવાની કથા આપણા પુરાણોમાં કહેવામાં આવી છે. સદીઓ જૂના ‘બૌલક’ નામનાં હસ્તલિખિત કાગળ (ઇસુપૂર્વે ૧૫૫૨-૧૨૯૫)માં જણાવ્યા મુજબ, એમનને સમગ્ર સૃષ્ટિનાં સર્જક તરીકે દર્શાવાયા છે. ગરીબોનાં રક્ષક અને ભક્તોનાં આધાર એવા દેવતા એમનને ઇજિપ્ત લોકો પોતાનાં સર્વોચ્ચ દેવ તરીકે વ્યાખ્યાયિત કરે છે. શ્રીમદ ભગવદગીતા વાંચીએ તો સમજાય કે, કૃષ્ણને પણ આ જ પ્રકારે સૃષ્ટિનાં સર્જનકર્તા અને પાલનકર્તા દેવ તરીકે સ્વીકારાયા છે.

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥

ભાવાર્થ : સાધુપુરૂષોનાં ઉદ્ધાર કરવા માટે અને પાપકર્મ કરનારનો વિનાશ કરવા માટે તથા ધર્મની પુનઃસ્થાપના કરવાનાં હેતુસર હું દરેક યુગમાં પ્રગટ થયો છું!

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com