વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 150
‘યુનાઈટેડ આરબ અમીરાતે દાઉદ ગેંગના રિયાઝ સિદ્દીકી અને રાજકુમાર શર્મા ઉર્ફે રાજુ ચીકનાને ભારતના હવાલે કરી દીધા. જોકે થોડા સમયમાં એ બંને જામીન પર છૂટી ગયા કારણ કે મુંબઈ પોલીસ તેમની સામે કોર્ટને નક્કર પુરાવા ન આપી શકી. મુંબઈ પોલીસે કહ્યું કે એનાથી દાઉદના સાથીદારો વિરુદ્ધના પુરાવા ખોવાઈ ગયા હતા!
એ પછી કેટલાક ખણખોદિયા પત્રકારો એવી માહિતી બહાર કાઢી લાવ્યા કે દાઉદ 1984માં મુંબઈ છોડીને દુબઈ નાસી ગયો એ પહેલા તેની વિરુદ્ધ છ કેસો નોંધાયા હતા. એ પૈકી પાંચ કેસના ક્રાઈમ રજિસ્ટર ગાયબ થઈ ગયાં છે! એ પછી દાઉદ વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોમાં દાઉદ વિરુદ્ધ માત્ર સાંયોગિક પુરાવાઓ હતા એટલે દાઉદને ભારત પાછો લાવવામાં આવે તો પણ તેને સજા કરાવવામાં મુંબઈ પોલીસને તકલીફ પડે એવી સ્થિતિ હતી.
આ દરમિયાન યુ.એ.ઈ. દ્વારા દાઉદ ગેંગના વધુ ચાર ગુંડાને ભારતને હવાલે કરી દેવાયા. યુ.એ.ઈ. દ્વારા દાઉદ ગુંડાઓને ભારતને હવાલે કરાઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ છોટા રાજન દાઉદને કરાચીમાં જબરદસ્ત ફટકો મારવાની તૈયારી કરી રહ્યો હતો.
યુ.એ.ઈ. દ્વારા દાઉદ ગેંગના ગુંડાઓને ભારતને હવાલે કરી રહ્યા હતા, એમ છતાં મુંબઈમાં દાઉદ ગેંગ અને આઈએસઆઈની પ્રવૃત્તિઓ પર પૂર્ણ વિરામ મૂકાયું નહોતું. મુંબઈમાં આઈએસઆઈએ દાઉદ ગેંગના નેટવર્કની મદદથી ફરી વાર બોમ્બ વિસ્ફોટ શરૂ કરાવ્યા હતા. આઈએસઆઈના નાનાં-નાનાં છમકલાં ચાલુ જ હતાં, પણ 13 માર્ચ, 2003ની રાતે 8.37 કલાકે મુંબઈના છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસથી કર્જત ઉપનગર ભણી જવા નીકળેલી લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ કરાવીને આઈએસઆઈએ મુંબઈગરાઓને ગભરાવી દીધા. એ લોકલ ટ્રેન મુલુંડ સ્ટેશનમાં પ્રવેશી રહી હતી ત્યારે જ તેના એક કોચમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો અને 11 ઉતારુઓ કમોતે માર્યા ગયા તથા 82 ઉતારુઓને ઈજા પહોંચી.
મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ પછી મુંબઈ પોલીસ ઘાંઘી બની ગઈ અને લોકલ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ્સના પખવાડિયા પછી 29 માર્ચ, 2003ની બપોરે મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા અને દયા નાયક તથા સંજીવ ગાવડેએ મુંબઈમાં વિસ્ફોટનું કાવતરું ઘડી રહેલા ત્રણ આંતકવાદીઓને ગોરેગામ ઉપનગરમાં હાઈવે ઉપર ફલાયઓવર પાસે આંતરીને ગોળીએ દીધા. એ આંતકવાદીઓ દાઉદ ગેંગના સહકારથી ભારતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિઓ કરતા ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા હતા. એમાંના ફૈઝલ ખાન અને અનવર અલી પાકિસ્તાની હતા. તથા મોહમ્મદ ઈકબાલ અબ્દુલ રઝાક વાણી કશ્મીરી હતો.
જો કે એ પછી ચારેક મહિનાની શાંતિ બાદ મુંબઈમાં ફરી વાર બોમ્બ વિસ્ફોટ શરૂ થયા. 28 જૂલાઈ, 2003ની રાતે 9-10 કલાકે ઘાટકોપર ઉપનગરમાં ‘બેસ્ટ’ની બસમાં બોમ્બ વિસ્ફોટ થયો એમાં બે ઉતારુઓ માર્યા ગયા અને 60 વ્યક્તિઓને ઈજા થઈ. બેસ્ટની બસના તો ફૂરચા ઊડી ગયા, પણ એની આજુબાજુનાં અનેક વાહનોનો પણ ખો નીકળી ગયો. એ ઘટનાના એક મહિના પછી 25 ઓગસ્ટ, 2003ના દિવસે મુંબાદેવી જેવા ભરચક વિસ્તાર અને ગેટ વે ઓફ ઈન્ડિયાના પાર્કિંગ લોટમાં ટેક્સી બોમ્બ દ્વારા અનુક્રમે બપોરે 1.02 કલાકે અને 1.10 કલાકે પ્રચંડ બોમ્બ વિસ્ફોટો થયા. એમાં 53 નિર્દોષ માણસો માર્યા ગયા અને 150 જેટલી વ્યક્તિઓ હોસ્પિટલ ભેગી થઈ.
ગેટ વે ઓફ ઈન્ડિયા અને મુંબાદેવી વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ્સના પખવાડિયા પછી મુંબઈ પોલીસે 12 સપ્ટેમ્બર, 2003ના દિવસે માટુંગા વિસ્તારમાં રૂપારેલ કોલેજ પાસે લશ્કર-એ-તોયબાના બે આંતકવાદી અબ્દુલ રહેમાન અને અબ્દુલ હસનને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા.
દાઉદ ગેંગના સહકારથી આઈએસઆઈ આંતવાદી સંગઠન દ્વારા ભારતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરી રહી હતી. એ દરમિયાન દાઉદના કટ્ટર દુશ્મન છોટા રાજને કરાચીમાં દાઉદને અને આઈએસઆઈને એમની જ દવાનો કડવો વખ જેવો ડોઝ આપ્યો હતો. દાઉદની હત્યાના પ્રયાસમાં અનેક વાર નિષ્ફળતા મળ્યા પછી છોટા રાજને દાઉદને મુશ્કેલીમાં મૂકવા કરાચીમાં બોમ્બ વિસ્ફોટ શરૂ કરાવ્યા. રાજને 11 જુલાઈ, 2003ના સવારે કરાચીમાં શેર-એ-ફૈઝલ વિસ્તારમાં, દાઉદ તથા મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી ટાઈગર મેમણની માલિકીના, 11 માળના કોમર્શિયલ સેન્ટર ‘કવિશ ક્રાઉન પ્લાઝા’માં બોમ્બ વિસ્ફોટ કરાવ્યો. એ બોમ્બ વિસ્ફોટમાં સિક્યુરિટી ગાર્ડ મોહમ્મદ હનીફ અને બીજો એક અજાણ્યો યુવાન કમોતે માર્યા ગયા. રાજને કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવીને આઈએસઆઈ અને દાઉદ ગેંગમાં ખળભળાટ મચાવી દીધો. અધૂરામાં પૂરું એ બોમ્બ વિસ્ફોટ પછી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગૃહપ્રધાન આફતાબ શેખે પત્રકારો સમક્ષ જીભ કચરી દીધી કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને કરાચીમાં તેની ઢગલાબંધ મિલકતો છે અને એ પ્રોપર્ટીઝ પૈકી એક ‘કવિશ ક્રાઉન પ્લાઝા’ કોમર્શિયલ સેન્ટર છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ થયો છે.
જોકે પાછળથી આફતાબ શેખે તેમનું નિવેદન ફેરવી તોળ્યું. પરંતુ આ દરમિયાન દાઉદને એક અણધાર્યો અને મોટો ફટકો પડ્યો!’
(ક્રમશ:)