Sachi pooja in Gujarati Short Stories by Mohini Atodariya books and stories PDF | સાચી પૂજા

Featured Books
Categories
Share

સાચી પૂજા

‘આજે આવવા દો માધવને ઘરે, વાત છે એની’, આશાબેન આમથી તેમ આંટા મારતા જાય અને બબડતા જાય.

આશાબેનના સાસુ, મણીબેન એમને શાંત પાડવા પ્રયત્ન કરે છે,‘ આવતો જ હશે હવે, મગજ ઠંડું રાખ.’

‘બા, શું તમે પણ. પંડિતજીએ ફોનમાં શું કીધું સાંભળ્યું ને તમે ?’

‘એ જ કે માધવ મંદિર નથી પહોંચ્યો.’

‘બા, એ કાંઈ એટલી નાની વાત નથી જે રીતે તમે કહી રહ્યા છો.એણે ત્યાં પૂજાસામગ્રી આપવા જવાનું હતું. અને એ ભાઈ ખબર નથી ક્યાં ઉપડ્યા હશે.'

‘આવે એટલે પૂછી લેજે. હમણાં શાંત થા.'

એટલામાં મંદ મંદ હસતા માધવ આવે છે.અને આવતાં જ આશાબેનને આમ ગુસ્સામાં જોઈ પૂછે છે, ‘મમ્મી, શું થયું ?’

‘ક્યાં ગયો હતો તું ? પંડિતજીએ કીધું કે માધવ મંદિર આવ્યો જ નથી.તને ખબર છે ને કેટલી જરૂરી પૂજા કરવાની હતી. અને તું ત્યાં સામગ્રી આપવા ગયો જ નહીં.’

‘અરે મમ્મી એ તો......

હજુ તો માધવ કંઈ કહે એ પહેલાં જ આશાબેન વચ્ચે બોલ્યા, ‘ હા, મળી ગયા હશે બે ચાર દોસ્તાર અને ગપ્પાં મારવામાં ભૂલાઈ ગયું હશે.બરાબર ને ?’

એટલામાં મણીબેન બોલ્યા, ‘અરે, સાંભળી તો લે પહેલાં એ શું કહે છે એ. પછી સંભળાવજે.’

એટલે આશાબેને કીધું , ‘સારુ ચાલ બોલ શું વાર્તા છે તારી.’

‘જો, મમ્મી હું કોઈ વાર્તા નથી કહેવાનો.જે હકીકત છે એ જ કહીશ.બન્યું એવું કે હું ઘરેથી મંદિર જવા જ નીકળ્યો. પહોંચવાનો જ હોઈશ, મંદિરથી થોડું આગળ અને મેં ત્યાં એક અનાથઆશ્રમ જોયો.મને થયું ચાલ જરા અંદર જતો આવું.એ અનાથઆશ્રમ વિશે અને એમના સારા કાર્યો વિશે ઘણું સાંભળ્યું હતું.પછી મંદિર જઇ પૂજાસામગ્રી અને ફળફળાદિ ખરીદી પંડિતજીને આપી આવીશ.

‘પહેલાં મંદિર જવું જોઈએ ને પછી ત્યાં જતે.હવે પૂજાનુ શું ?’

‘અરે હું કેટલા દિવસથી જવા ઈચ્છતો હતો, એટલે ગયો. અંદર ગયો બધા બાળકોને મળ્યો, વાતો કરી. એમ સારુ લાગે, મને ગમે.મેનેજમેન્ટ કમિટી સાથે વાત કરી. પછી અચાનક મારી નજર એક બૉર્ડ પર પડી. ત્યાં એક જાહેરાત લગાવવામાં આવી હતી કે, “અનાથ બાળકો માટે તમારો થોડો મૂલ્યવાન સમય અને થોડું દાન,અને બાળકોના અને પોતાના મનમાં સંતોષ”.અને મેં વિચારી લીધું કે હવેથી દર રવિવારે એક કલાક આ બાળકો સાથે જ બસ. એટલે મેં કમિટી સાથે વાત કરી લીધી. પછી ખબર પડી કે બાળકો માટે થોડા પુસ્તકો અને કપડાં ની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. બધાં પોતાના મનથી કંઈક ફાળો આપી રહ્યા હતા. મને થયું કે હું પણ કંઈક કરી શકુ તો.અને એ વ્યવસ્થા આવતી કાલે જ કરવાની હતી. એટલે મેં પૂજાસામગ્રીના જે 500 રૂપિયા હતા એ અને બીજા થોડા ઘણા મારી પાસે હતા એ ત્યાં આપી દીધાં.અને એટલે....l know mummy, મારા વિચારો અલગ છે.પણ એ સમયે મને જે ઠીક લાગ્યું એ કર્યુ. અને મારા મન ને તો ખૂબ સંતોષ થયો.’

‘પણ માધવ, પંડિતજીએ કીધું હતું આજે જ આ પૂજા કરાવવાનું. પૂજા પણ તો ખૂબ જરૂરી હતી ને....
‘મમ્મી, આ પણ તો એક પ્રકારે પૂજા જ થઈ ને.કેટલા અનાથ બાળકોના ચહેરા પર સ્માઈલ આવશે.તો ભગવાન પણ તો ખુશ જ થશે ને મમ્મી, આ નાના ભૂલકા ઓ ના ચહેરા પર સ્મિત જોઈને.શું કેવું છે બા, બરાબર ને ?’

એટલે મણીબેન બોલ્યા,‘વાત તો બરાબર જ છે એની,આશા. જો આ તારો દીકરો,જેને તું હંમેશા બબડતી.હા, આ નવી પેઢીના વિચારો, રીત અલગ તો છે જ.પણ ખોટા નથી.બરાબર રસ્તે જઈ રહ્યો છે આપણો માધવ.ઓય, માધવ હું પણ આવીશ તારી સાથે એ ભૂલકાઓ ને મળવા.એ નાના નાના ફૂલો હસતા રહે એનાથી બીજી કઈ મોટી પૂજા હોય શકે,બરાબર ને આશા?’

‘હા બા, બરાબર છે.વાત તો એકદમ સાચી જ છે.એ પણ તો ભગવાનની પૂજા જ થશે.ચાલો તો હવે તો હું પણ તમારી જોડે આવીશ,એ બાળકોને મળવા. બા, હું એમ કહેતી'તી આપણે લાડું બનાવીને લઈ જઈશું એ ભૂલકાઓ માટે.'

‘હા, ચોક્કસ બનાવી લેજે.એ બહાને મને પણ ખાવા મડી જશે.'

અને બધા હસી પડયા.

તમારા લીધે કોઈક ના ચહેરા પર સ્મિત,
અરે તો છે ખરી પૂજાની રીત.....