તૂટતાં પ્રેમ સંબંધોને બચાવવા શું કરવું જોઈએ?
લે. નીરવ પટેલ "શ્યામ"
આજે આખી દુનિયા આધુનિકતા તરફ વળી ગઈ છે, આજે માણસ પાસે સુખ સુવિધાઓના સાધનો થઇ ગયા છે કે માણસ એકલો પણ જીવી શકે છે, ટેક્નોલોજી અને સુવિધાઓ વધવાની સાથે સંબંધોમાં વિશ્વાસનું સ્તર પણ ઘટવા લાગ્યું છે, આજે આ વિશ્વાસના કારણે જ કયો સંબંધ ક્યારે તૂટી જાય છે કોઈ જાણતું નથી. જેની ઉપર આપણને એક સમયે ગળા સુધી વિશ્વાસ હોય છે એજ વ્યક્તિઓ આપણો વિશ્વાસ તોડતી હોય છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે વિશ્વાસ કોનો કરવો?
આજે દરેક વ્યક્તિના જીવનનો આ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે દુનિયામાં કોઈપણ વ્યક્તિ એવી નહિ હોય એનો જીવનમાં એકવાર પણ વિશ્વાસ નહીં તૂટ્યો હોય. આજે આપણે આવા જ વિશ્વાસ તૂટતાં પ્રેમ સંબંધોની વાત કરીશું.
જો કોઈ સંબંધોમાં સૌથી વધુ વિશ્વાસ તૂટતો હોય તો એ છે પ્રેમ સંબંધોમાં અને આ વિશ્વાસ તૂટવાનું દુઃખ પણ સૌથી વધારે હોય છે. આજ સંબંધોમાં જયારે વિશ્વાસ તૂટે છે એ ઘણાના જીવનમાં પરિણામો પણ ખરાબ લઈને આવતા હોય છે, કોઈ પોતાના જીવથી પણ હાથ ધોઈ બેસતા હોય છે તો કોઈ પોતાના શરીરને જ નુકશાન પહોંચાડે છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આટલો વિશ્વાસ, આટલો પ્રેમ શા માટે? ખરુંને ?
પરંતુ દોસ્તો, જયારે તમે પ્રેમ કરો છો ત્યારે તમને બંનેને એકબીજા ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે, એકબીજા માટે કંઈપણ કરવા તૈયાર થઇ જાવ છો તો પછી સંબંધ બંધાયાના થોડા સમય બાદ કેમ વિશ્વાસ ડગમગવા લાગે છે? શું સંબંધમાં એકબીજાને વફાદાર ના રહી શકાય? તમે એક બીજા સાથે જોડાવવાનું કમિટમેન્ટ આપો છો તો એકબીજા સાથે જે મનદુઃખ થયું હોય, એક બીજા માટે મનમાં જે શંકા જાગી હોય, એ એકબીજાની સાથે જ શૅર કરી તેનું સમાધાન ના મેળવી શકાય? તમે સંબંધોમાં જેટલા વફાદાર રહેશો એટલું જ બંને પક્ષ માટે સારું છે. તમારા કારણે ક્યાંક કોઈનું જીવન પણ બરબાદ થઇ શકે છે, કોઈના એકતરફી પ્રેમ, કે વધુ પડતી લાગણીના કારણે તે વ્યક્તિ પોતાનો જીવ પણ આપી શકે છે, માટે જો તમને સંબંધ નથી પસંદ તો એને સાચી અને સારી રીતે સમજાવી, તેનાથી દૂર પણ થઇ શકાય છે ને? જો તમે આ સંબંધને આગળ જ ના વધારવા માંગતા હોય તો કોઈને ખોટી આશાઓ બંધાવી અને કોઈનું જીવન બરબાદ કરવાનો પણ તમને કોઈ હક નથી, હા ઘણીવાર પ્રેમ એટલી હદ સુધી પણ વધી જાય છે કે કોઈ વ્યક્તિને છોડવું પણ એટલું સહેલું નથી હોતું, પરંતુ જો સાચી સમજણ આપી અને શાંતિથી કોઈ વાતને સમજાવવામાં આવે તો જરૂર સામેની વ્યક્તિ પણ સમજી શકે છે.
વિશ્વાસ તૂટવા ઉપર દુઃખી થતા લોકોએ પણ એક વાત ગાંઠે બાંધવી જોઈએ, કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું, દરેક વ્યક્તિ પોતાના માટે જ જીવતો હોય છે, અને કોઈપણ સંબંધમાં બંધાતા પહેલા આવનાર પરિસ્થિતિઓ માટે પણ તૈયાર થઈને રહેવું પડે છે. ભલે સંબંધ કોઈ દિવસ ના તૂટે છતાં પણ જો કોઈ કારણોસર તૂટે તો આવનાર પરિસ્થિતિ માટે પણ બંને પક્ષે સજાગ રહેવાની જરૂર છે. જે સમયે તમે એકબીજા સાથે જોડાવ છો ત્યારે જિંદગીભર સાથે રહેવાના એકબીજાને વચનો આપો છો ત્યારે એક મુદ્દો શાંતિથી છુટા પાડવાનો પણ ઉમેરવાની જરૂર છે, ભલે તમે છુટા ના પડો, ભલે તમને એકબીજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય છતાં પણ આ બાબતે બંનેએ ચર્ચા કરી અને જો આ પરિસ્થિતિ આવે તો તે સમયે શું કરવું એ પણ નક્કી કરવાની જરૂર છે.
આજે મોટાભાગે પ્રેમ સંબંધોમાં જ વિશ્વાસનું સ્તર ઘટતું જઈ રહ્યું છે ત્યારે બે વ્યક્તિ વચ્ચેની સમજણ તમારા સંબંધને તૂટતો બચાવી શકે છે, અને જો સંબંધ તૂટે તો પણ એકબીજાને એકબીજા વગર જીવતા પણ શીખવી શકે છે.