Pratisrushti - A Space Story - 12 in Gujarati Fiction Stories by Jyotindra Mehta books and stories PDF | પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૨

Featured Books
Categories
Share

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૨

ભાગ ૧૨

ગુરુજીએ વીરને ઈશારો કર્યો એટલે તે થોડીવારમાં એક ડિવાઇસ લઇ આવ્યો જે ટેબ્લેટ કરતા મોટું, પણ લેપટોપ કરતા નાનું હતું. તેમાં તેમણે થોડા બટન દબાવ્યા એટલે એક કુંડળી ખુલી.

તેમણે કહ્યું, “આ હાલના જગતની કુંડળી છે અને તેના અનુસાર હવે મંગળ પ્રભાવી થઇ રહ્યો છે અને તેના લીધે અત્યારસુધી છવાઈ રહેલી શાંતિનો ભંગ થવાનો છે અને યુરેનસ સાથેની યુતિને લીધે જગત ઉપર મોટું સંકટ આવવાનું છે. યુદ્ધ તો નહિ થાય, પણ આખા જગતની શાંતિ ભંગ થાય તેવા યોગો રચાઈ રહ્યા છે.”

શ્રેયસે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, “તમે આમાં માનો છો!” 

ગુરુજીએ કહ્યું, “મેં જગતના બધા ધર્મોનો અભ્યાસ કર્યો છે અને હું ધર્મગ્રંથોની અંદર રહેલ વિજ્ઞાનને શોધું છું. કુંડળી એ પણ વિજ્ઞાન છે, આમાં ક્યાંય અંધશ્રદ્ધા નથી. પહેલાંના સમયના જે ઋષિઓ હતા તે ખરેખર વૈજ્ઞાનિકો હતા, તેમણે ઘણીબધી શોધો કરી અને તેનો વેદ અને પુરાણોમાં સમાવેશ કર્યો છે. જરૂર હતી તેને યોગ્ય દ્રષ્ટિકોણથી જોવાની. મેં મારા સોફ્ટવેરનો ઉપયોગ કરીને સંસ્કૃત ભાષાના મંત્રોનું અર્થઘટન કર્યું છે. ઘણી વખત એક જ મંત્રના અનેક અર્થો થતા હોય છે, તે મેં જુદા તારવ્યા છે.”

શ્રેયસ સમજી રહ્યો હોય તેમ માથું હલાવ્યું અને કહ્યું, “ઠીક છે, તો હવે આગળ.”

હું જુદા જુદા લોકોની કુંડળી તપાસી રહ્યો હતો. તેમાં એક તમારી કુંડળી પણ હતી, બહુ અદભુત છે તમારી કુંડળી આવી કુંડળી દર દસ કરોડે એક વ્યક્તિની હોય છે. તમારી કુંડળી કહે છે તમે એક યોદ્ધા છો અને આખું જીવન એક લક્ષ્ય માટે હોમી દીધું છે. છતાં તે કાર્ય માટે તમે કોઈ જાતનું શ્રેય લઇ શકતા નથી.”

શ્રેયસ આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહ્યો. તમારા જેવી બીજી ચાળીસ વ્યક્તિઓ પણ છે, પણ તે ચાળીસમાંથી તમને પસંદ કરવામાં આવ્યા.”

શ્રેયસ અપલક નેત્રે તેમને જોઈ રહ્યો. દુનિયા ઉપર આવનારી મુસીબતની જાણકારી મને પાંચ વર્ષ પહેલાં જ મળી ગઈ હતી એટલે છેલ્લા પાંચ વર્ષથી હું એવા યોદ્ધાની તલાશમાં હતો જે આ મુસીબતનો સામનો કરી શકે અને તેને ટાળી શકે. એક્ઝિબિશનના છેલ્લા દિવસે થયેલી હત્યા તો ફક્ત શરૂઆત છે, આ સિલસિલો ભયંકર રીતે આગળ વધશે અને તેને રોકવામાં નહિ આવે તો જગતનો સર્વનાશ નક્કી છે.”

શ્રેયસે પૂછ્યું, “મારે શું કરવાનું છે?”

ગુરુજીએ કહ્યું, “તમારે પ્રતિસૃષ્ટિની શોધમાં જવાનું છે, પણ તમે તરત નહિ જઈ શકો. તમારી સામે સૌથી મોટો પડકાર છે તમારી ઉમર, પણ તેનો ઉપાય છે મારી પાસે. પહેલાં તમે અહીં રહીને ત્રીસ દિવસ સુધી યોગાભ્યાસ કરશો, જેનાથી તમારું શરીર સ્પેસ ટ્રેઇનિંગ માટે સક્ષમ બની જશે અને પછી બે વર્ષની સ્પેસ ટ્રેઇનિંગ ત્યાર બાદ તમે અવકાશમાં જવા માટે સક્ષમ હશો.”

શ્રેયસે હકારમાં માથું હલાવ્યું અને તે યોગ વિષે સવાલો પૂછવા લાગ્યો, જેના ગુરુજીએ સંતોષજનક જવાબો આપ્યા, પછી પાછો તેમની ચર્ચાનો વિષય ઈશ્વર બન્યો.

શ્રેયસે પૂછ્યું, “અત્યારે જગત ઈશ્વરના અસ્તિત્વમાં માનતું નથી, ધર્મમાં માનતું નથી તે શું ગંભીર સ્થિતિ નથી?”

ગુરુજીએ ડોકું ધુણાવીને ના પાડી અને કહ્યું, “જરાય ચિંતાજનક નથી, ઉલટું જગતની સ્થિતિ પહેલાં કરતાં સુધરી છે. પહેલાં લોકો ધર્મ અને દેશના નામે ખુવાર થતા હતા તે ખુવારી અટકી છે, જે એક સારી વાત છે. અત્યારનો માનવતાવાદી અભિગમ ખરેખર સારો છે અને દેશોના એકત્રીકરણને લીધે યુદ્ધો બંધ થયા છે. ધર્મ એ તો જીવન જીવવાની કળા છે. તમે પશુઓને ક્યાંય પૂજા કરતા જોયા છે, તેઓ તેમની રીતે શાંતિથી જીવે છે. આ ધરતી ઉપર ડાયનાસોર પછી મનુષ્ય જ એવો જીવ છે, જે સત્તાપ્રાપ્તિ માટે ગમે તે સ્તર ઉપર જવા તૈયાર થાય છે. જોકે મનુષ્યની સત્તાએષ્ણા સંપૂર્ણ રીતે નાબૂદ થઇ નથી, તેનું પરિણામ છે સિરમ અને સિરોકામાં.

પછી ગુરુજીએ શ્રેયસને આરામ કરવા કહ્યું અને તે માટે તેને એક નાની ગુફા આપવામાં આવી જેને નાની ઓરડીનું રૂપ આપવામાં આવ્યું હતું, જેમાં સુવા માટે ફક્ત એક ચટાઈ હતી. તે પછીના દિવસથી તેને નિયમિત યોગાભ્યાસ કરાવવામાં આવ્યો, જેમાં શ્વસન પ્રણાલીથી લઈને જુદા જુદા અંગોનું નિયમન કરવાનો અભ્યાસ સામેલ હતો. યોગાભ્યાસ ઉપરાંત ગુરુજીએ જાતે તેને ઘણી બધી વાતોનું જ્ઞાન આપ્યું જેમાં ગ્રહ, નક્ષત્રો, જુદી જુદી આકાશગંગાઓ વિષે માહિતી આપી જેના લીધે તેને બ્રહ્માંડના ઘણા બધા રહસ્યોની જાણકારી મળી.

ત્રીસ દિવસ પછી જયારે તે ત્યાંથી નીકળ્યો ત્યારે પોતાને દસ વર્ષ યુવા અનુભવી રહ્યો હતો. કેટમંડની વળતી સફરમાં તેને ક્યાંય આરામ કરવાની જરૂર ન પડી. તે વીર સાથે સડસડાટ ઉતરી ગયો, જે વિષે તેને પોતાને આશ્ચર્ય થઇ રહ્યું હતું. તે પોતે એક સારો સ્પોર્ટ્સમેન હતો અને આખું જીવન ભાટ્કવામાં વિતાવ્યું હતું, પણ છેલ્લા બે ત્રણ વર્ષથી બહુ જલ્દી થાકી જતો હતો, પણ હવે લાગવા લાગ્યું કે તેની યુવાની પછી ફરી છે.

કેટમંડ પહોંચ્યા પછી શ્રેયસ એક હોટેલમાં રોકાયો અને વીર પાછો વળી ગયો. શ્રેયસની ફ્લાઇટ બીજા દિવસની હતી તેથી તે ત્યાંની બજારમાં નીકળ્યો અને બધું રસપૂર્વક બધું નિહાળ્યું. એક કલાકને અંતે તેણે થોડી ઘણી ખરીદી કરી જેમાં તેણે કેલી માટે એક ડ્રેસ ખરીદ્યો, પણ તે વિચારવા લાગ્યો કે શું હું આ કેલીને આપી શકીશ. સાંજ પડી ગઈ હતી એટલે પાછો હોટેલમાં જઈ રહ્યો હતો તે વખતે તેણે જોયું કે બે વ્યક્તિ તેની તરફ ધસી આવી તેમાંથી એકના હાથમાં ચાકુ હતું જેનાથી તેણે શ્રેયસ ઉપર વાર કર્યો.

શ્રેયસે તેનો વાર ચૂકવીને તેની કલાઈ પકડી અને મરોડી દીધી અને તે વ્યક્તિને દૂર ધકેલ્યો. બીજાએ ઉછળીને શ્રેયસને લાત મારી એટલે શ્રેયસ નીચે પડી ગયો, પણ સ્ફૂર્તિથી ઉભા થઈને શ્રેયસે તેના પગ પર ચોપ મારી જે તેણે શ્રેયસને મારવા માટે ઉપાડ્યો હતો. પછી શ્રેયસે તેમને કોઈ વાર કરવાનો મોકો આપ્યા વગર લાત અને હાથથી ઠમઠોરી દીધા. સુમસામ જગ્યા હોવાથી કોઈ હોબાળો મચ્યો ન હતો.

એટલામાં તેના કાન ઉપર અવાજ પડ્યો, “બસ કરો.”

આવનાર વ્યક્તિને ને શ્રેયસે જોયો અને તે શાંત થઇ ગયો. તે વીર હતો.

વીરે તાળી વગાડતા કહ્યું, “આ તમારી પરીક્ષા હતી અને તેમાં તમે સફળ થયો છો. તમે અનુભવ્યું હશે તમારા શરીરના રિફ્લેક્સ બહુ ઝડપી થઇ ગયા છે.” અને હસીને શ્રેયસ સાથે હાથ મિલાવ્યા અને તે બંને વ્યક્તિઓને લઈને વીર નીકળી ગયો અને શ્રેયસ તેમની પીઠ તરફ તાકી રહ્યો.

શ્રેયસે વિચાર્યું જો તેઓ મારી હકીકત જાણતા હોત તો આવી હિમાકત કરી ન હોત. તેણે પોતાનું માથું ધુણાવ્યું અને નીચે પડી ગયેલી ગીફ્ટો ઉપાડી અને હોટેલ તરફ રવાના થયો.      

ક્રમશ: