કમલ હસન
૧૯૮૧ માં રીલીઝ થયેલી કમલ હસનની પ્રથમ હિન્દી ફિલ્મ એટલે “એક દૂજે કે લિયે” ફિલ્મના ડીરેક્ટર કે. બલાચંદરે તે ફિલ્મ સૌથી પહેલા રાજ કપૂરને બતાવી હતી. ફિલ્મ જોઇને રાજ સાબ બોલી ઉઠ્યા હતા “ અચ્છી લવ સ્ટોરી હૈ. સિર્ફ અંત બદલના હોગા. સુખાંત કર દો”. એ વાત તો ખૂબ જાણીતી છે કે ખુદ રાજ કપૂરે પણ “બોબી” માં બે અંતનું શૂટિંગ કર્યું હતું પરંતુ પ્રેમનાથના સૂચનને ધ્યાન માં લઈને રિશી અને ડિમ્પલને અંતમાં પાણીના ધોધમાંથી બચી જતા બતાવ્યા હતા.
“એક દૂજે કે લિયે” તેના ત્રણ વર્ષ પહેલા બનેલી તેલુગુ ફિલ્મ “મારો ચરિત્ર”ની રીમેક હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ એ જ હતી. માત્ર તમિલ અભિનેત્રી સરિતાની જગ્યાએ રતી અગ્નિહોત્રીને લેવામાં આવી હતી. રતી અગ્નિહોત્રીની ઉમર તે સમયે ૧૬ વર્ષની હતી. રાજ કપૂરના અંત બદલવાના સૂચનને દિગ્દર્શક કે. બાલા ચંદરે અને નિર્માતા લક્ષ્મણ પ્રસાદે માન્ય નહોતું રાખ્યું. બંને સ્પષ્ટપણે માનતા હતા કે હીરો અને હિરોઈનના મૃત્યુને કારણે જ સમગ્ર ફિલ્મ દર્શકોની સહાનુભૂતિ મેળવી જશે. જોકે ખરી મુશ્કેલી તો ત્યારે શરુ થઇ હતી જયારે ફિલ્મના કરુણ અંતને કારણે જ એક પણ વિતરક ફિલ્મને હાથ લગાડવા તૈયાર નહોતો થતો. આખરે ખુદ પ્રોડ્યુસર લક્ષ્મણપ્રસાદે જ નાના પાયે ફિલ્મનું વિતરણ કરવાનું શરુ કર્યું હતું.. ખુબ જ ઓછા સિનેમાઘરમાં રીલીઝ થયેલી આ ફિલ્મને બે વિક સુધી ખુબ જ મોળો પ્રતિસાદ સાંપડયો હતો. જેમ જેમ દર્શકો ફિલ્મ નિહાળતા ગયા અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું કર્ણપ્રિય સંગીત ઘરે ઘરે ગુંજતું થયું તેમ તેમ અન્ય સિનેમાઘરોમાં ફિલ્મની રજૂઆત કરાતી ગઈ. તે જમાનામાં માત્ર ૧૦ લાખમાં બનેલી આ ફિલ્મે ૧૦ કરોડનો કારોબાર કર્યો હતો. ગાયક તરીકે એસ. પી. બાલાસુબ્રમનીયમની તે પહેલી જ હિન્દી ફિલ્મ હતી. દેશભરમાં હાઉસ ફૂલના પાટિયા ઝૂલાવતી ‘એક દૂજે કે લિયે” ના અંતથી પ્રેરાઈને અનેક પ્રેમીઓએ આપઘાત કર્યાના સમાચાર પણ તે દિવસોમાં મીડિયામાં ખુબ જ ચગ્યા હતા. જેનો પરોક્ષ ફાયદો ફિલ્મને જ થયો હતો.
કમલ હસનનો જન્મ તા ૭/૧૧/૧૯૫૪ ના રોજ પરમકુડી મદ્રાસમાં થયો હતો. પિતા ડી. શ્રીનિવાસન ક્રિમીનલ વકીલ હતા. માતાનું નામ રાજલક્ષ્મી. કમલના પરિવારને સીનેજગત સાથે કોઈ જ નાતો નહોતો. કમલની ફિલ્મી કરિયરની શરૂઆત માત્ર છ વર્ષની ઉમરે બાળ કલાકાર તરીકે થઇ હતી. ૧૯૬૦માં રીલીઝ થયેલી તમિલ ફિલ્મ “કલસુર કન્નામાં” ફિલ્મ માટે બેસ્ટ બાળકલાકારનો એવોર્ડ કમલ જીતી ગયો હતો. ત્યાર બાદ પાંચેક ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કરીને તેણે ભણવા માટે બ્રેક લીધો હતો. સ્નાતક થયા બાદ કમલે બમણા જોશથી ફિલ્મક્ષેત્રે ઝંપલાવ્યું હતું જેમાં તેના પિતાનો ભરપુર સપોર્ટ હતો. કમલ હસને તેની કરિયર માત્ર અભિનેતા તરીકે જ સીમિત નથી રાખી. તેણે સિંગર ,કોરિયોગ્રાફર ,સ્ક્રીનપ્લે રાઈટર, નિર્માતા અને નિર્દેશક તરીકે પણ આગવી ઓળખ ઉભી કરી છે. તેની ફિલ્મ નિર્માણ કંપની એટલે રાજ કમલ ઇન્ટરનેશનલ. જેના બેનર હેઠળ તેણે અનેક સફળ ફિલ્મો બનાવી છે. કમલ હસને મલયાલમ, તેલુગુ, કન્નડ, બંગાળી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
કમલ હસનની હિન્દી ફિલ્મોમાં સદમા,જરા સી ઝીંદગી,સાગર. પુષ્પક, ગિરફ્તાર, રાજતિલક, હિન્દુસ્તાની, હેરામ, દશાવતાર, વિશ્વરૂપમ વિગેરેનો સમાવેશ થાય છે.
૧૯૮૯ માં રીલીઝ થયેલી અને કમલ હસન દિગ્દર્શિત તથા અભીનિત ફિલ્મ “અપ્પુરાજા” માં કમલ હસન’ ને દર્શકોએ સારો આવકાર આપ્યો હતો.
૨૦૦૦ની સાલમાં રીલીઝ થયેલી ફિલ્મ “હે રામ” માં નિર્માતા ,નિર્દેશક અને સ્ક્રીનપ્લે રાઈટર તરીકે કમલ હસને ત્રેવડી જવાબદારી નિભાવી હતી. ઉપરાંત હીરો તરીકેનો લીડ રોલ તો ખરો જ. “હે રામ” માં તેની સાથે શાહરૂખ ખાન રાણી મુખર્જી ,હેમા માલિની ,નસીરુદ્દીન શાહ તથા ગીરીશ કર્નાડ જેવા કલાકારો હતા. વળી શાહરુખ ખાને તો એક પણ પૈસો લીધા વગર તેમાં અભિનય કર્યો હતો તે દિવસોમાં શાહરૂખે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું “મુઝે કમલજી કે સાથ કામ કરને કા મૌકા મિલા હૈ યહી મેરે લિયે સબ સે બડા રીવોર્ડ હૈ. ” ઓસ્કાર માટે સિલેક્ટ થયેલી “હે રામ” નોમીનેશનના ફાઈનલ લીસ્ટ સુધી પહોંચી શકી નહોતી.
૧૯૯૭ મા રીલીઝ થયેલી “ચાચી ૪૨૦” માં કમલ હસને ચાચીનો પડકારજનક રોલ કર્યો હતો. ચાચીની ફિલ્મમાં એન્ટ્રી થયાની પાંચ જ મિનીટમાં દર્શકો ભૂલી જાય છે કે આ ભૂમિકા કમલ હસને ભજવી છે તેટલી હદે કમલે તે પાત્રમાં પ્રાણ રેડી દીધો હતો.
કમલ હસનને તમિલ ફિલ્મ “નાયકન” (સાચો ઉચાર નાયગન)માટે ૧૯૮૮માં બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો જેના પરથી ફિરોઝખાને ૧૯૮૮માં જ હિન્દી ફિલ્મ “દયાવાન” બનાવી હતી. ”દયાવાન” માં માધુરી દિક્ષિતે તેનાથી ૨૧ વર્ષ મોટા વિનોદ ખન્ના સાથે આપેલા લીપ્સ ટુ લીપ્સ કિસના લાંબા દ્રશ્યો તે જમનામાં ચર્ચાસ્પદ રહ્યા હતા.
ચાર નેશનલ એવોર્ડ અને ૧૯ ફિલ્મફેર એવોર્ડ વિજેતા વર્સેટાઈલ કલાકાર કમલહસનને ભારત સરકારે ૧૯૯૦ માં પદ્મશ્રી તથા ૨૦૧૪ માં પદ્મભૂષણથી સન્માનિત કરેલ છે. કમલ હસનની અંગત જીંદગીમાં ડોકિયું કરીએ તો તેણે ૨૩ વર્ષની ઉમરે સાઉથની ડાન્સર વાણી ગણપતિ સાથે કર્યા હતા જે દસ વર્ષ ચાલ્યા હતા. તેની સાથે ડિવોર્સ બાદ ૧૯૮૮ માં જ કમલે સારિકા સાથે લગ્ન કર્યા હતાં જે ૧૪ વર્ષ બાદ ૨૦૦૨ માં ડિવોર્સમાં પરિણમ્યા હતા. સારિકા તેની બે દીકરીઓ શ્રુતિ હસન અને અક્ષરા હસન સાથે રહે છે. શ્રુતિ હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.
સમાપ્ત