Chokhvat in Gujarati Short Stories by Prafull shah books and stories PDF | ચોખવટ

Featured Books
Categories
Share

ચોખવટ

- ચોખવટ-
આખરે મારી સાથે આવ્યાં.રોજની મારી કચકચ
“ તમારું શરીર તો જુઓ! દિવસે ને દિવસે ઉતરતું જાય છે. આટલી બધી બેદરકારી શરીર પ્રત્યે રાખો છો તે સારું નહીં.”
ડોક્ટર સાહેબે સૌ પ્રથમ મને શાંતિથી સાંભળી લીધી.પછી મલકાઈને મારા પતિ સામે જોઈને પૂછયું, “ દાસભાઈ, તમારે કશું કહેવું છે?”
“ સાહેબ, એ બોલતાં હોત તો મારે તેમને લઈને આવવું ન પડત.બસ, એક જ વાત, ધંધામાં નુકશાની થઈ ગઈ છે એટલે આ શરીર ઊતરી ગયું છે.. પણ મારો જીવ જાય તેની તેમને ક્યાં ખબર છે.”
ડોક્ટર સાહેબે હસતાં હસતાં મને સમજાય એ રીતે કહ્યું, “ સુધા બહેન, દાસભાઈને આમ તો સારું છે.છતાં પચાસ વર્ષ પછીની ઉંમર પછી બધાં રિપોર્ટ કઢાવી લઈએ તો આપણા મનનું સમાધાન થાય.” અને તેમનાં લેટર હેડની કોપી મને આપી રિપોર્ટ ક્યાં અને કેવી રીતે કઢાવવો તેની સૂચના આપી અમને વિદાય કર્યાં.
રિપોર્ટની ફાઈલ લઈ અમે ફરીથી તેમનાં ક્લીનીક પર ગયાં.ચિંતાતુર નજરે હું ડોક્ટર સાહેબનાં ચહેરાનું નિરીક્ષણ કરવા લાગી.એક પછી એક રિપોર્ટ વાંચી ટેબલ પર મૂકવા લાગ્યાં. બાકી રહેલો એક રિપોર્ટ હાથમાં લીધો અને તેમનાં ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ.રિપોર્ટ નાં કાગળિયા ફાઈલમાં સરખી રીતે મૂકી ડોક્ટર મારા પતિની સામે જોઈ ને મારી સામે જોઈ રહ્યાં.મારાથી રહેવાયું નહીં.મેં અધીરાથી પૂછ્યું, “ સાહેબ , રિપોર્ટતો સારાં છે ને?”
“ હા સુધા બહેન.એક સિવાય બધાં રિપોર્ટ સારાં છે.”
“ એટલે?”
“ એટલે કે દાસભાઈને એઈડ્સ છે.”
“ એઈડ્સ?” મારા પતિથી ઉશ્કેરાટમાં બોલી જવાયું.
“ દાસભાઈ,પ્લીઝ રિલેક્સ. આ રિપોર્ટ એમ કહે છે. આપણે રીચેક કરી લઈશું.”
“ સાહેબ હાઉ ઈટ પોસીબલ? મેં ક્યારે ય ઘરનો ઊંબરો ઓળંગ્યો નથી! “
“ હા સાહેબ કદાચ રિપોર્ટમાં ગડબડ થઈ હોય?”
“ જરૂર. આપણા મનનું સમાધાન થાય તે માટે રીચેક કરીશું.બીજું એડ્રેસ થવાનાં ધણાં કારણો છે. શેવીંગ કરવા સલૂનમાં જઈએ અને બારબર વાપરેલી બ્લેડ આપણા ફેસ પર લગાવે અને કાપો પડે તો પણ આવું થાય.કોઈ બિમારીમાં બ્લડ ટ્રાન્સફર વખતે બાય ચાન્સ ભૂલથી એઈડ્સ દર્દીનું બ્લડ આવી જાય તો પણ થાય.અને હવે તો આવા રોગ સામે દવા શોધાઈ રહી છે.”
“ પણ.. મને સમજાતું નથી મને આ રોગ લાગુ કેવી રીતે પડ્યો..” મારા પતિએ ચિંચિત સ્વરે પૂછયું.”
“ એક રિપોર્ટ ફરીથી કઢાવીએ. પછી વિચારીશું. તમે આરામથી ઘરે જાવ. કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી.અને કોઈને જણાવવાનું નથી.” ડોક્ટર સાહેબે રિપોર્ટની ફાઈલ અમારા હાથમાં આપતાં કહ્યું.
અમારા બંનેનાં માથાં પર અકલ્પનીય ભાર તથા ડર તથા ચિંતા સવાર થઈ ગઈ હતી.કોઈ પણ વાતચીત વગર ઘરે પહોંચ્યા.મેં હિંમત આપતાં કહ્યું , “ આમ મૂંઝાઈ કેમ ગયા છો.મને તમારા પર વિશ્વાસ છે.”
પણ આ તો મન મનાવાની રમત હતી.રાત્રિ ભોજન કર્યું ના કર્યું અને હું ઠાકોરજી માટે ફૂલની માળા બનાવવા બેઠી. તેઓ આંખો મીંચી ચૂપચાપ પથારીમાં આડા પડ્યા હતા.
અચાનક મને છાતીમાં દુખાવો ઊપડ્યો.મારાં હાથમાંથી થાળી પડી ગઈ. પગ ભારે ભારે જડ જેવાં થઈ ગયાં.થાળી પડી જવાથી તે ઊભા થઈ મને પૂછવા લાગ્યા કે મને શું થાય છે. ડોક્ટરને બોલાવો માંડ માંડ શબ્દો મારાં મુખમાંથી ઢોળાયાં. હું આળોટવા લાગી.માથામાં પાણીનો રેલો ફૂટ્યો છે એવો અહેસાસ થવા લાગ્યો. આંખે અંધારાં ફરી વળ્યાં અને....
એક સ્રી ને પ્રસુતિ વખતે જે પીડા થાય તેવી વ્યથા હું અનુભવી રહી હતી.હું જાણી ચૂકી હતી કે
મોત માથે સવાર છે.યમદૂતો નાં બે ચાકરો મને એટલે કે મારા જીવ ને આ શરીરથી દૂર કરવાં મથામણ કરી રહ્યાં હતાં.મારી આંખેથી અંધારાંનું આવરણ દૂર થઈ રહ્યું હતું .સફેદ વાયુમંડળ મારી આસપાસ રચાઈ ગયું હતું. યમદૂત નાં બે ચાકરો મને રથમાં બેસાડી ને લઈ જાય છે એવો અનુભવ થવા લાગ્યો.અચાનક એક પ્રકાશીત પટ્ટો જોઈ યમદૂતનાં બે ચાકરો ભયભીત થઈ ગયાં. જ્યાં હતાં ત્યાં જ ઊભા રહ્યાં.સામે સાક્ષાત યમરાજા ઊભાં હતાં.એમની ભવ્યતા જોઈ હું એમનાં શરણમાં નમી પડી.બે હાથે પકડી વાત્સલ્ય ભાવથી કહ્યું, “ મને માફ કર.અમારા કારોબારમાં પૃથ્વીલોકની જેમ કોમ્પ્યુટર સીસ્ટમ આવી ગઈ છે.આ સીસ્ટમમાં ફાવટ ન આવવાને કારણે ગડબડ થઈ ગઈ છે.તને પૃથ્વીલોકમાં પાછી મોકલવામાં આવે છે.”
“ મને પાછી મોકલો છો યમરાજા!”
“ હા.”
“ સાચું કહો છો રાજા! મને માન્યામાં નથી આવતું !”
“ હા.પણ એક શરત છે.”
“ શરત? કઈ શરત? મને સમજાય તેવું તો કહો.”
“ કહું છું.પૃથ્વીલોકમાં જવાનીવાત સાંભળી તું બેબાકળી થઈ ગઈ છે..” યમરાજાનાં મોં પર ઝરણાંની જેમ સ્મિત પથરાઈ ગયું. હું યમરાજાનાં રુપ પર મોહિત થઈ ગઈ અને સાથે સાથે શરમાઈ પણ ખરી.યમરાજાએ મારા મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે મારે પૃથ્વીલોક પર જવાનું છે. પણ એક શરતે..મેં ઉત્સાહથી પૂછ્યું , “ કઈ શરત?”
“ શાંત થા ,શાંત થા..શરત સાંભળ.અમારાથી ભૂલ થઈ છે.તું ચોવીસ કલાક વહેલી આવી ગઈ છે.તું પાછી જા.સમય થતાં તને લઈ જઈશું.”
વળી એક અંધાર પટ રચાઈ ગયો.
મારી આસપાસ ઠંડક ફરી વળી હતી.હું મારી આંખોનાં પોપચાં ખોલવા પ્રયત્ન કરી રહી હતી.મારું શરીર કશાકથી વીંટળાયેલું છે એવો આછો આછો અનુભવ થઈ રહ્યો હતો.માંડ માંડ મારી આંખોનાં પોપચાં ખૂલે છે.ઝાંખો ઝાંખો પ્રકાશ નજરે ચડે છે.મારી આસપાસ સફેદ કપડાંથી સજ્જ એવી તસ્વીરઊભી છે એવું દેખાય છે અને અચાનક આ તસ્વીરમાં ગતિ આવે છે.. દોડાદોડ, ચિચિયારીઓ સંભળાય છે, મારાં હાથની નશોમાં કશું ક ભોકાયાનો અનુભવ થતાં હું ચીસ પાડી ઊઠું છું. મારી છાતી કોઈ દબાવી રહ્યું છે એ ખયાલ આવે છે.મારી આંખો ખૂલે છે.આ શું? હું હોસ્પિટલમાં છું! આઈસીયુ માં! ડોક્ટરો, નર્સ દોડાદોડી કરી રહ્યાં છે. એમનાં ચહેરાં પર આનંદનો પ્રકાશ નજરે ચડે છે. હું સ્વસ્થ છું.પણ ચિંચિત છું. ઈશારાથી પૂછયું, “ મારા પતિ ક્યાં છે?”
બે જણ પકડીને મારાં પતિને મારી પાસે લાવે છે.એમની આંખો રડી રડીને લાલ થઇ ગઈ છે. જે કોઈ વારાફરતી આવે છે તેમને જોતાં ખ્યાલ આવી જાય છે કે ડોક્ટરોએ મારા મૃત્યુની જાણ કરી દીધી હશે અથવા કહ્યું હશે કે મારી આવરદા પૂરી થવા આવી છે.
ડોક્ટર અને નર્સને મેં વિનંતી કરી કે મને બેઠી કરે.મેં જિદ કરી. આખરે મને બેઠી કરી.મારાં પતિને મારી બાજુમાં બેસાડી હિંમત આપી.મેં મારાં ભાઈભાભી અને મારી બહેનને બોલાવી દીધાં.રિપોર્ટ અમારા ફેમીલી ડોક્ટરે કઢાવ્યા હતાં તેમને પણ બોલાવી દીધાં. મારી આસપાસ સૌ ઊભાં રહ્યાં. મેં ધીમેથી કહ્યું કે મારે બેએક વાત કરવી છે શાંતિથી સાંભળી લો.સૌ ચૂપ હતા,અસ્વસ્થ હતાં.મારાં પતિ ધ્રૂજી રહ્યાં હતાં.એક નજર સૌ પર નાંખીને વંદન કર્યાં. અને ધીમેથી કહ્યું, “ બોલ્યુંચાલ્યું માફ કરજો. હું વધુ દિવસો કાઢીનહીં શકું.સૌ પ્રથમ મારાં મૃત્યુ પછી મારું શરીર હોસ્પિટલમાં દાન કરજો. બીજી વાત ડોક્ટર સાહેબે મારાં પતિનો જે રિપોર્ટ જોયો છે તે કદાચ સાચો હોઈ શકે . મારાં પતિને એઈડ્સ થયો છે તે કદાચ મારે કારણે હોઈ શકે.કોઈ વચ્ચે ના બોલશો. મારી પાસે સમય નથી. હું મોતનાં મુખમાંથી પાછી આવી છું. વાત એમ છે કે હું ગયારામ બાપુની આશક્ત હતી . તેમનાં આર્શીવાદથી અમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરી હતી. વર્ષો પછી અમારી પડતી આવી.આ વાત મેં ગયારામ બાપુને કરી. બાપુએ એક સમાધિ લગાવી. પછી કહ્યું કે હું જો મારાં પતિનો આર્થિક વિકાસ ચાહતી હોઉં તો મારે મારી મલીનતા દૂર કરવી પડશે.એ માટે મારે તેમની જોડે શય્યાસુખ માણવું પડશે. અંધશ્રદ્ધામાં અંધ એવી હું તેમનાંમાં મોહિત થઈ ગઈ અને...
માટે આપ સૌને હાથ જોડીને વિનંતિ કરું છું કે મારાં પતિને જે એઈડ્સ થયો છે તેનું કારણ હું છું હું છું.કોઈ પણ વ્યક્તિએ એમનાં પર આંગળી ચીંધીને તેમને બદનામ ના કરવાં . મારી પાસે સમય નથી મને હોસ્પિટલમાંથી રજા આપો છેલ્લી ઘડી પ્રભુ ભજનમાં જાય એમ હું ઈચ્છું છું.”
એક સન્નાટો છવાઈ ગયો. અચાનક ડોક્ટરોની દોડાદોડ શરું થઈ ગઈ અને હું ફરી પાછી અંધકારમાં પ્રવેશી રહી છું એવું લાગી રહ્યું છે.
સમાપ્ત.
પ્રફુલ્લ આર શાહ.