MANOMANTHAN in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | મનોમંથન

Featured Books
Categories
Share

મનોમંથન

મનોમંથન

ઉનાળાનો ધોમધખતો તાપ જાણે કાળમીંઢ ડામરના અજગરીયા રસ્તાને ઓગળી પી જવા મથતો રહ્યો. દૂર દૂર વગડામાં એકાદ વંટોળીયુ ધૂળની ડમરી ઉડાડતુ આમતેમ એકલતામાં અફળાયા કરતું. રસ્તાની બંને બાજુ માત્ર કાંટાળી ઝાડી સિવાય લીલોતરીનું કાંઇ જ નામોનિશાન ના મળે. કાંટાળી વાડમાં કાળઝાળ ગરમીથી પોતાને ઢાંકી લપાઇ બેઠેલા હોલાનો ‘ઘૂ...ઘૂ...ઘૂ...’ અવાજ વાતાવરણની નીરવ શાંતિને ખાળતો રહ્યો. ઉજ્જડ રસ્તા પર કોઇ કોઇ વાર એકાદ છકડો ભડભડાટ કરતો નીકળી ગયો. કેટલીયે વાર પછી ત્યાંથી એકાદ સરકારી બસ ઝાલાવાડ તરફ જવા નીકળી. બસમાં કાંઇ ખાસ મુસાફરો ન હતા, પરંતુ ગણ્યા ગાંઠ્યા આઠ-દસ મુસાફરો....એમાંયે નવેક તો કોઇ જાત્રાએથી પાછા ફરેલ સંઘના સ્ત્રી-પુરુષો અને અન્ય એક દીકરી.

બસમાં ચીલે પડી ગયેલ ડ્રાઇવર એકાદ બે બીડીના ઠૂંઠા ફૂંકતા એકધારી ગતિએ ખખડતી જતી ખખડધજ બસને આગળ ધપાવ્યે જતો. આ સાથે ટાલીયા માથે નીતરી આવતા પરસેવાના રેલાને પોતાની સીટ પાસે રાખેલા મેલાઘેલા રૂમાલથી લૂંછી મનોમન બબડાટ કરતો રહેતો. આગળ હવે કોઇ સ્ટેશન નજીકમાં આવતું ના હોઇ બસની કટાયેલી ઘંટડીને વિરામ આપતો કંડક્ટર પોતાની સીટ પર જરા વળીને આડો પડ્યો પડ્યો મોંમાં ભરેલા પાનના માવાના ડૂચાને ચાવતો રહ્યો.

જાત્રાથી પરત ફરેલ સંઘમાં મોટાભાગે સાઠી નજીક પહોંચેલા નોકરીયાત સ્ત્રી-પુરુષો હતા. માંડ એકાદ બે ચાળીસી ઉપરના હશે. એક તરફની સીટ પર શાંત બેઠેલી દીકરી માંડ પચીસેક વર્ષની હશે. તેની કાજળભરી તેજ અણિયારી આંખો કોઇનું પણ ધ્યાન ખેંચે તેવી ધારદાર હતી. કાનમાં પહેરેલા બગસરાના ઝૂમખાં બસના આંદોલન સાથે ઝૂમી રહ્યા. તેનું મોહક મંદ સ્મિત જોનાર કોઇપણની આંખોમાં વસી જાય તેવું હતું. બસની બારીમાંથી આવતા ગરમ લૂ મિશ્રિત પવનથી ઘણીવાર તેના માથે ઓઢેલી ઓઢણી જરા અમથી સરકી જતા કાળા રેશમીવાળને સંભાળી લેતા ઓઢણી સરખી ઓઢી લેતી. તેના વર્તનમાં કંઇક અલગ જ નજાકત સાથે સંસ્કાર અને મર્યાદા ભારોભાર નજરે પડતા.

સંઘના બધા સભ્યો અંદરોઅંદર વાતે વળગ્યા હતા. તે સૌની વાતોમાં પેલી દીકરી પણ હા માં હા ભરી ફરી ફરી બારી બહાર નજર કરતી.

“અરે પણ આ જે નવો કાયદો આવ્યો એ ઘણો સારો જ છે...!” એક વાત માંડી.

“હાસ્તો વળી, ‘એ લોકો’ની શું જરૂર અહીં..?” બીજાએ ઉમેર્યું.

“અરે હું તો કહું છું કે એમને આ દેશમાં રહેવાની જરૂર જ શી છે..?” ત્રીજાએ સૂર પૂરાવ્યો.

“પણ આ દેશ તો સૌનો છે ને.... એમના વગર તો આપણા દેશની સાચી ઓળખ જ નથી...!” એક તરફ ટેકો આપી બેઠેલા રીટાયર્ડ માસ્તર બોલ્યા.

“લ્યો બોલ્યા હરકિશન....! છેવટે તો માસ્તરના માસ્તર જ...! ખોટી લપ આદરે છે..!” વાતની શરૂઆત કરનારે રીટાયર્ડ માસ્તર તરફ માથુ ધુણાવતા કહ્યું.

“હાસ્તો વળી, માસ્તરને કાંઇ સમજ જ નથી પડતી ને...!” બીજાએ ઉમેરતા સૌ કોઇ ખડખડાટ હસવા લાગ્યા.

બારી બહારથી આવતા પવનથી એક હાથે પોતાની ઉડી જતી ઓઢણી જાળવી રાખતા બેઠેલી પેલી દીકરીનો બીજા હાથ તરફનો ભાગ હજુ આખી ઓઢેલી મોટી ઓઢણીમાં જ ઢંકાયેલો રહ્યો હતો. તેનું ધ્યાન આ સંઘની વાતો તરફ પણ હતું.

“પણ માસ્તર, તમે હજુ પેલો બનાવ નથી ભૂલ્યા કે શું..?” પહેલાએ હરકિશન માસ્તરને સવાલ કર્યો.

“ના... તે બનાવ મારી જીંદગીનો સૌથી કાળો બનાવ છે...તે કઈ રીતે ભૂલુ..?” માસ્તરે જવાબ આપ્યો. સાથે બેઠેલા સૌ કોઇને તે બનાવ વિશે જાણવાની જીજ્ઞાસા થઈ.

“અરે ભાઇ, એવું તે શું બન્યું હતું તે દિવસે...અમને પણ જણાવો ને...!” સંઘમાં સાથે આવેલા એક બહેને કૂતુહલ વ્યક્ત કર્યું.

“તે મારા જીવનનો ઘણો ખરાબ પ્રસંગ હતો....આજથી વીસ વર્ષ પહેલા થયેલા રાયોટ્સમાં મારા પડોશમાં રહેતા અને મારી શાળામાં પ્યુન તરીકે કામ કરતા અબ્દુલસમદની મારી તરફની તે નજર હું આજેય ભૂલી શકતો નથી....આજે પણ ઊંઘમાં તે વાત યાદ આવે છે તો ધ્રુજી જવાય છે..!” હરકિશન માસ્તરે વાત માંડી.

‘અબ્દુલસમદ’..., ‘શાળામાં પ્યુન’...., ‘રાયોટ્સ’.... આ શબ્દો કાને પડતા જ પેલી શાંત બેઠેલી દીકરીને વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ ઝબકી..!

હરકિશન માસ્તરે વાત આગળ હંકારી – “રાયોટ્સ પહેલા અબ્દુલસમદ સાથે અમારા સારા સંબંધ હતા....તે અમારે ત્યાં દિવાળી કરવા આવતા અને અમે તેને ઇદની શુભેચ્છા આપવા જતા....પણ રાયોટ્સ પછી બધું જ બદલાઇ ગયું. તે પછીથી અમને પણ તે કોઇ ના ગમતા. તે રાતે અચાનક ટોળુ આવી ગયું. ટોળાને અબ્દુલસમદ હજુ અહીં જ રહ્યો છે તે વિશે જાણ ના હતી. અબ્દુલસમદ મારા જ ઘરના વાડામાં પરિવાર સાથે સંતાયો હતો, ત્યારે તેને ખ્યાલ ના આવે તેમ મેં ટોળામાં આવેલા એકાદને ધીમેથી ઇશારો કરી તે બતાવવા કર્યું. મારા ઇશારા વિશે જાણ થઈ જતા અબ્દુલસમદે તરત જ તેની પત્ની ઝરીનાબેગમ અને પાંચેક વર્ષની દીકરી આમનાને વાડાની ઊંચી દિવાલ કૂદાવી ભગાડી દીધા, પણ પોતે ભાગે તે પહેલા ધસી ગયેલા ટોળાના હાથે આવી ગયો. અબ્દુલસમદને લાકડીથી મારતા ઘરની બહાર ઢસડતા લાવ્યા અને મારી નજર સમક્ષ જ એક પછી એક તલવારના ઝટકાથી અબ્દુલસમદને લોહીલુહાણ કરી નાખ્યો. ત્યાં સામેથી એક ડ્રમ લઈ દોડી આવી એકે તેના પર પેટ્રોલ રેડ્યું. પોતાના પરિણામનો ખ્યાલ આવી જતા અબ્દુલસમદે મારી આંખોમાં આંખ પરોવી જે નજરે જોયું તે આજે પણ મને હચમચાવી નાખે છે..! મારા પર સવાર થયેલ પાગલપનને કારણે મને મેં કરેલ વિશ્વાસઘાત નજરે જ નહોતો આવતો..! એક પળવારમાં સળગતી દિવાસળી ભડભડાટ ચિતામાં પરિણમી...! તેની પત્ની અને દીકરી પાછળ પણ ટોળુ દોડ્યું...!” આ વર્ણન કરતા કરતા તો હરકિશન માસ્તરની આંખો સજળ થઈ ગઈ.

હરકિશન માસ્તરના વર્ણનની સાથે શાંત બેસી રહેલી દીકરી ધ્રુજી રહી હતી. તેની આંખો સામે હરકિશન માસ્તરે વર્ણવેલ દરેક દ્રશ્ય તાદર્શ થઈ રહ્યું..! હરકિશન માસ્તરે વર્ણવેલી વાતની આગળની કડી પણ તેને નજરે પડી. પોતાની પાંચ વર્ષની દીકરીને ઊંચકીને ખુલ્લા પગે દોડી રહેલી ઝરીનાબેગમ કેટલીયે વાર પડતા બચ્યા. અચાનક રસ્તામાં આવેલા પથ્થરે અટવાતા નીચે પડી જતા ઊંચકેલી દીકરી રસ્તા પર દૂર ઢસડાઇ પડી. ઝરીનાબેગમના કપાળે પથ્થર વાગતા માથામાંથી લોહીની ધાર વહેવા લાગી. પોતાના કાળજાના કટકાસમી દીકરી નજીક ટોળુ આવેલું જોઇ મા ચીસ પાડી ઊઠી. દૂરથી રસ્તા પર દોડી આવતી પોલીસ વાન તરફ તેણે દોટ મૂકી અને પોલીસને મદદ માટે આવવા આજીજી કરી. પોલીસને આવતા જોઇ ટોળાએ પેલી દીકરીને પડતી મૂકી દોટ મૂકી, પણ જતા જતા એકાદ હાથમાં રહેલ તલવાર દીકરી તરફ વીંઝતો ગયો...! દીકરીની માની કાળચીસની ગૂંજ આજેય બસમાં બેઠેલી દીકરીના કાને પડઘા પાડતી રહી અને સાથે બારી બહારથી આવેલા જોરદાર પવનની ઝાપટે તે છોકરીએ ઓઢણીથી ઢાંકી રાખેલ બીજા હાથ તરફનો ભાગ ખુલ્લો થયો.... ત્યાં કોણી આગળથી હાથ જ ના હતો...! આંખેથી નીતરતી આંસુની ધારની પરવા કર્યા વિના હવામાં ઊડેલી ઓઢણી હાથ પર સરખી કરી. અચાનક શોર્ટ બ્રેક વાગતા ઝાટકા સાથે બસ ઊભી રહી ગઈ અને તેની સાથે આ દીકરી તંદ્રામાંથી જાગી ગઈ..!

બધા પેસેન્જર્સ બસા બહાર નીકળ્યા. બસના ડ્રાઇવરે જોયું કે બસના ટાયરનું પંક્ચર થયું હતું. કંડક્ટર અને ડ્રાઇવરની ચર્ચા પછી નજીકના ડેપોથી બીજી બસ મંગાવવા કૉલ કર્યો. કાળઝાળ ગરમીથી આખું વાતાવરણ ભીષણ બન્યું હતું. ઉજ્જડ હાઇ વે પર કોઇપણ માણસ કે જાનવર સુધ્ધા દેખાતું ના હતું. સંઘના યાત્રાળુઓ પાસે પીવાનું પાણી પણ ખૂટી ગયું હતું અને ચાર પાંચ યાત્રાળુઓ તરસથી વ્યાકુળ બની રહ્યા હતા.

“હજુ કેટલી વાર લાગશે..? બસ ક્યારે આવશે..?” તરસથી વ્યાકુળ બનેલા એક યાત્રાળુએ કંડક્ટરને સવાલ કર્યો.

“હા જ તો ભાઇ, હવે પાણી વગર નહીં રહી શકાય....” હરકિશન માસ્તરે વાત ઉમેરવા કર્યું, પણ તેમની વાત અધવચ્ચે અટકાવી કંડક્ટરે બેફિકરાઇથી જવાબ આપ્યો, “હા તો ફોન લગાવ્યો છે ને....તે આવશે જ ને...!” ઉજ્જડ રસ્તા પર તપતા દિવસની સાથે યાત્રાળુઓની તરસ પણ વધી રહી. હરકિશન માસ્તરની દશા તરસથી ખૂબ દયનીય બની રહી. ડામરના કાળમીંઢ રસ્તા પર દૂર દૂર મૃગજળ ભાસતુ રહ્યું, પણ તે ખાલી મૃગજળ જ...આભાસી જળ....જે તરસ વધારે, તરસ છીપાવે નહીં..!

વૃધ્ધ ઊંમર અને નાદુરસ્ત તબિયતને કારણે તરસ્યા હરકિશન માસ્તરનો શ્વાસ ચઢતો રહ્યો. રોડ સાઇડમાં નીચે બેસી પડેલા હરકિશન માસ્તર આગળ અચાનક પાણીની ભરેલી બોટલ ધરેલો હાથ દેખાયો. આંખે અંધારા આવેલા હરકિશન માસ્તરે ઊંચુ જોયું તો ઓઢણીથી બીજા હાથ તરફ્નો ભાગ ઢાંકી રાખી મૃદુ સ્મિત સાથે બસમાં અલગથી બેસી રહેલી પેલી પચીસેક વર્ષની દીકરી પોતાના પાણીની બોટલ ધરી ઊભી દેખાઇ. ઝડપભેર તે બોટલ લઈ જીવનરસના ઘૂંટડા ભરી હરકિશન માસ્તરના જીવમાં જીવ આવ્યો. પછીથી બધા યાત્રાળુઓએ બચેલું પાણી પીધું અને સૌને નિરાંત વળી. બધાએ પેલી દીકરીને મનોમન મૂંગા આશિષ આપ્યા. પાછળ પેલી દીકરી માટે બોટલમાં જરાય પીવાનું પાણી ના વધ્યું. ત્યાં જ નજીકના ડેપોમાંથી મંગાવેલ બસ આવી પહોંચી. અચાનક પેલી દીકરીના મોબાઇલમાં કૉલ આવ્યો. તે દીકરી પાછળ ઊભેલા હરકિશન માસ્તરનું ધ્યાન તેના મોબાઇલ પર રહ્યું, જેમાં તે દીકરીએ તેના મમ્મીના નામ સાથેનો ફીડ કરેલ ફોટો પણ નજરે પડ્યો. તે ફોટો હરકિશન માસ્તરનો શ્વાસ અધ્ધર થઈ ગયો. તે ફોટો બીજા કોઇનો નહીં પણ વર્ષો પહેલા પોતાના ઘરના વાડેથી રાયોટ્સમાં જીવ બચાવવા દોડેલા ઝરીનાબેગમનો હતો..!

“હા અમ્મી, બીજી બસ આવી ગઈ છે, ચિંતા ના કરજો...એમ કાંઇ તમારી આમનાને કાંઇ નહીં થાય...!” હળવા હાસ્ય સાથે ફોન પર ટૂંકી વાત કરી પેલી દીકરીએ કૉલ કટ કર્યો.

“આજે દીકરીને બાપ વિહોણી મેં કરી, તે જ દીકરીએ મારી વાસ્તવિકતા જાણવા છતાંયે મને તેના ભાગનું પાણી આપી જીવ બચાવ્યો..!” આ મનોમંથન હરકિશન માસ્તરના મનમાં વંટોળ બની ફરતું રહ્યું.

બધા બસમાં બેસી ગયા અને બસ ચાલતી થઈ. ફરી તે જ ઉનાળાનો ધોમધખતો તાપ જાણે કાળમીંઢ ડામરના અજગરીયા રસ્તાને ઓગળી પી જવા મથતો રહ્યો. દૂર દૂર વગડામાં એકાદ વંટોળીયુ ધૂળની ડમરી ઉડાડતુ આમતેમ એકલતામાં અફળાયા કર્યું. કાંટાળી વાડમાં કાળઝાળ ગરમીથી પોતાને ઢાંકી લપાઇ બેઠેલા હોલાનો ‘ઘૂ...ઘૂ...ઘૂ...’ અવાજ વાતાવરણની નીરવ શાંતિને ખાળતો રહ્યો. સમગ્ર વાતાવરણમાં માત્ર પ્રસરી રહ્યું...મનોમંથન..!!

********