VISHAD YOG - CHAPTER - 59 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ - 59

Featured Books
Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ - 59

પ્રશાંત આઇ.બીના હેડક્વાર્ટર પર પહોંચ્યો ત્યારે તેની હાલત ખરાબ હતી. તેને સમજાઇ ગયું હતું કે હવે મારો ખેલ ખતમ થઇ ગયો છે. તેની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ, જોયેલા સોનેરી સપના રોળાઇ ગયા હતા. આ બધુ પેલા એક યુવાનને લીધે. તેને અત્યારે ઉર્મિલાદેવી પર ગુસ્સો આવતો હતો. તેણેજ આ યુવાન પાસે આ કામ કરાવવાનું કહ્યું હતું. બાઇઓની બુદ્ધિ પગની પાનીએ જ હોય છે. મે ખોટુ તેનુ માની આ યુવાનને મિશનમાં સામેલ કર્યો, તેના પર વિશ્વાસ કરવા જેવોજ નહોતો. આમને આમ વિચારતો તે અંદર દાખલ થયો ત્યાં સામે જ લોકઅપમાં તેનો માણસ બેઠો હતો. તેને જોઇને પ્રશાંતને સમજાઇ ગયુ કે આખી બાજી પહેલેથીજ ગોઠવાઇ ગઇ હતી. તેણે પેલા માણસ સામે જોયું તો તે શરમથી નીચુ જોઇ ગયો. પ્રશાંતને અંદર ઓફિસમાં લઇ જવામાં આવ્યો. પ્રશાંત અંદર દાખલ થયો અને જોયું તો એક અધેડ વયની વ્યક્તિ ખુરશીમાં બેઠી હતી. તેના ટેબલ પર નેમ પ્લેટ હતી. આઇ. કે મિશ્રા (આસ. ડાઇરેકટર ઓફ આઇ.બી.) તેના ચહેરા પર રહેલ આભા અને રુઆબ જોઇને પ્રશાંતની અડધી હિંમત તુટી ગઇ. મિશ્રા સાહેબ થોડીવાર સુધી કામ કરતા રહ્યા. પ્રશાંત એમજ ઊભો રહી રાહ જોતો રહ્યો. થોડીવારબાદ સાહેબે પ્રશાંત સામે જોયુ અને બોલ્યા “તમારો પ્લાન ફેઇલ થઇ ગયો છે. હવે જેલની હવા ખાઓ અને મજા કરો.” આ સાંભળી પ્રશાંતની હિંમત તુટી ગઇ તે ગળગળો થઇ ગયો અને બોલ્યો “સાહેબ, તમે જે કહો તે કરવા હું તૈયાર છું પ્લીઝ મને આમાથી બચાવી લો.” આ સાંભળી સાહેબ થોડીવાર પ્રશાંત સામે જોઇ રહ્યા અને પછી તેણે બેલ વગાડી એટલે એક માણસ અંદર દાખલ થયો. તેને જોઇને પેલા ડાઇરેક્ટરે કહ્યું “આમને લઇ જાવ અને પુછપરછ કરી લો. જો તે જવાબ ન આપે તો પોલિસને સોપી દેજો. પેલા કૃપાલસિંહના માણસો તેની રાહ જોઇને જ બેઠા છે.” આ સાંભળી પ્રશાંતની રહીસહી હિંમત પણ તુટી ગઇ અને તે મિશ્રા સાહેબના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને બોલ્યો “સાહેબ તમે જે કહેશો તે હું કરીશ પણ પ્લીઝ મને બચાવી લો.” આ સાંભળી ડાયરેક્ટરે પેલા માણસને ઇશારો કર્યો એટલે પેલાએ પ્રશાંતને ઊભો કર્યો અને બહાર લઇ ગયો.

-------------------------****************----------------**********-----------------**********----------

નિશીથ અને સમીર અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. બંને એકદમ મૌન બેઠા હતા. આ પંદર દિવસમાં બંનેની જિંદગી એક પિક્ચર જેવી બની ગઇ હતી. કેવા કેવા વળાંકો આવ્યા હતા. તે લોકોને અત્યારે એમજ લાગતુ હતુ કે આ બધુ સ્વપ્ન છે. બંને આ બધા ઘટનાક્રમના વિચારો કરતા બેઠા હતા અને કાર અમદાવાદ તરફ જતી હતી. તે લોકો કશિશની બહેન દિશાના ઘરે જઇ રહ્યા હતા ત્યાંથી કશિશને લઇ તે રાજકોટ જવાના હતા. નિશીથને ખબર હતી કે હવે કશિશને બધી જ વાત કરવી પડશે. કશિશને વાત કરશે એટલે કશિશ કેવા કેવા સવાલો કરશે અને એના જવાબો પણ આપવા પડશે આ વિચાર કરતો નિશીથ કાર ચલાવતો હતો.

-------------------------*********-----------------************--------------------------------------

ઉર્મિલાદેવી જમીને ફરીથી પોતાની ખુરશી પર ગોઠવાઇ ગયા આજે તેની જિંદગીમાં એવો મોડ આવ્યો હતો કે વારંવાર તે ભુતકાળમાં ખોવાઇ જતા હતા. તે ખુરશીમાં બેઠા અને દિવાલ સામે જોઇ રહ્યા. દિવાલ પર જાણે પ્રોજેક્ટરમાંથી મુવી દેખાતુ હોય તેમ તેના માનસપટ પર દૃશ્યો પસાર થવા લાગ્યા એ સાથેજ ઉર્મિલાદેવીની આંખો બંધ થઇ ગઇ અને તે વિચારમાં ખોવાઇ ગયા.

વર્ષો પહેલા તે રાતે કૃપાલસિંહ તેને મળવા આવ્યો હતો. કૃપાલસિંહે કહ્યું “ભાભી સાહેબ એક એવા સમાચાર સાંભળવા મળ્યા છે જે આપણા માટે સારા નથી.”

“જે કહેવુ હોય તે ચોખ્ખુ કહો .” ઉર્મિલાદેવીએ કહ્યું.

“મને એવી વાત મળી છે કે મોટાભાઇ અને પેલો બ્રાહ્મણ મળીને ખજાનો સરકારમાં જમા કરાવવાનું વિચારી રહ્યા છે અને આ બાબતે તે કાલે દિલ્હી મળવા જવાના છે.” કૃપાલસિંહે ગુસ્સે થતાં કહ્યું.

આ સાંભળતાજ ઉર્મિલાદેવી ઊભા થઇ ગયા અને બોલ્યા “શું વાત કરો છો. શક્તિસિંહની બુદ્ધિ બેર મારી ગઇ છે કે શું? ખજાનો સરકારમાં આપી તેને શું મેળવાનું છે?”

“તેને શું મળશે તે તો મને ખબર નથી પણ આપણને કંઇ નહીં મળે. આપણે રસ્તા પર આવી જઇશું. મને તો લાગે છે કે આ પેલા બ્રાહ્મણની જ ચાલ છે. તે જ મોટાભાઇના કાન ભંભેર્યા કરે છે. તેની બહેન મરી ગઇ તેનો બદલો લેવા માંગતો હોય તેવુ લાગે છે.” કૃપાલસિંહે કહ્યું.

ઉર્મિલાદેવી આખા રુમમાં આટા મારવા લાગ્યા. કૃપાલસિંહ તેને આટા મારતો જોઇ રહ્યો. થોડીવાર બાદ ઉર્મિલાદેવી ઉભા રહ્યા અને બોલ્યા “ના, હું કોઇપણ હિસાબે આ થવા નહીં દઉં. તમે જાઓ હું કંઇક કરુ છું.” આ સાંભળી કૃપાલસિંહ ઊભો થયો અને જતા જતા બોલ્યો “ભાભી, જે પણ કરવુ હોય તે આજેજ કરજો. એકવાર તે દિલ્લી જતા રહેશે પછી બાજી આપણા હાથમાંથી જતી રહેશે.” અને પછી કૃપાલસિંહ ત્યાંથી જતો રહ્યો.

કૃપાલસિંહના ગયા પછી ઉર્મિલાદેવીએ એક માણસને બોલાવ્યો અને શક્તિસિંહને શોધીને બોલાવી લાવવા મોકલ્યો.

તે ગયો એટલે ઉર્મિલાદેવી ઉચાટમાં તેના ખંડમાં આટા મારવા લાગ્યા. તેને શક્તિસિંહ પર પ્રેમ તો ક્યારેય હતો જ નહીં, પણ જ્યારથી તેને સરસ્વતિ સાથેના શક્તિસિંહના સંબંધની જાણ થઇ ત્યારથી તે શક્તિસિંહને નફરત કરવા લાગ્યા હતા. આ વાત જો કે સ્વાભાવિક હતી કોઇપણ સ્ત્રી પોતાના પતિના સંબંધ અન્ય સ્ત્રી સાથે હોય તે સાંખી શકે નહીં, પણ અહી આ નફરત એક જુદો જ ઇતિહાસ રચવાનો હતો. આજે આ વાત સાંભળતા ઉર્મિલાદેવીની આ નફરત ધિક્કારમાં પરાવર્તિત થઇ ગઇ. આજે તેના મગજમાં એક જવાળામુખી સળગી રહ્યો હતો. તે કોઇ પણ હિસાબે શક્તિસિંહને રોકવા માગતા હતા. પણ જો શક્તિસિંહ તેની વાત નહીં માને તો તે શું કરશે? તે વિચાર આવતાજ ઉર્મિલાદેવીના મગજમાં એક ભયાનક વિચાર આવી ગયો. તે હજુ આગળ વિચારે તે પહેલા શક્તિસિંહ ખંડમાં દાખલ થયાં. ઉર્મિલાદેવી જે ખુરશી પર બેઠા હતા તેના પર બેસી શક્તિસિંહે કહ્યું “હા, દેવી બોલો, એવુ શું ઇમર્જન્સી કામ હતુ કે મને આમ રાતોરાત બોલાવવો પડ્યો?” આ સાંભળી ઉર્મિલાદેવીને ખૂબ ગુસ્સો આવ્યો પણ તેણે ગુસ્સાને ગળી જઇ શાંતિથી કહ્યું. “તમને તો મારી સાથે કોઇ ચર્ચા કરવી જરુરી નથી લાગતી. મને બીજા વ્યક્તિ પાસેથી મારા ઘરની માહિતી મળે ત્યારે મારે તમને પુછવુ તો પડેને.” ઉર્મિલાદેવીએ કટાક્ષમાં કહ્યું.

“જો દેવી, હું તમારા જેટલો હોશિયાર માણસ નથી એટલે આ તમારી ગોળ ગોળ વાતોમાં મને કંઇ સમજ પડતી નથી. જે કંઇ કહેવુ હોય તે ચોખ્ખુ કહો.” શક્તિસિંહે કહ્યું.

“તમે આપણો પેલો ખજાનો સરકારમાં જમા કરી દેવાના છો એવી વાત મે સાંભળેલી છે. આ વાત સાચી છે કે ખોટી?”

ઉર્મિલાદેવીએ સીધુ જ કહ્યું.

“હા, દેવી તે વાત સાચી છે. હું અને મહારાજ બંને આ માટે કાલે દિલ્હી જવાના છીએ.” શક્તિસિંહે સ્વીકાર કરતા કહ્યું.

“શું તમને મારી કે આપણા છોકરા પ્રત્યે સહેજ પણ લાગણી નથી કે જેથી તમે આ અમારા હકની મિલકત બીજાને આપી દેવા માંગો છો.” ઉર્મિલાદેવીએ શક્તિસિંહને લાગણીશીલ કરવા માટે કહ્યું.

“દેવી એવુ નથી. તમે સમજો થોડા વર્ષો પહેલા પિતાજીએ પણ ખજાનો સરકારને સુપ્રત કરવાનું વિચાર્યુ હતુ પણ, તે જ સમયે વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ રાજાઓના સાલીયાણા બંધ કરાવ્યા હતા. જેને કારણે પિતાજી ગુસ્સે થયા હતા અને ખજાનો સોંપવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો. મરતી વેળાએ પિતાજીએ આ કામ મને સોપ્યુ છે તો મારે તે પુરુ કરવુ જ પડે ને.” શક્તિસિંહ આ બોલતી વખતે એકદમ લાગણીશીલ થઇ ગયાં.

“પણ તમે એ કેમ નથી સમજતા કે આ પૈસાથી આપણી આગળની પેઢી કેટલી શાંતિથી જીવી શકશે. શું આપણી પેઢી માટે સારો વારસો મુકી જવાની આપણી ફરજ નથી?” ઉર્મિલાદેવી હવે શક્તિસિંહની લાગણીનો પુરો ફાયદો ઉઠાવી લેવા માંગતા હતા.

“પણ દેવી આ ખજાનો આપણો નથી. આ તો કોઇની અમાનત છે. તે આપણે રાખી શકીએ નહીં. જો આપણે આ ખજાનો રાખી લેવાની અનીતિ કરીશું તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહી કરે અને આનુ ફળ આપણી પેઢીઓને ભોગવવુ પડશે.” શક્તિસિંહે તર્કબધ્ધ દલીલ કરી.

હવે ઉર્મિલાદેવીની ધીરજ ખુટી ગઇ હતી ક્યારનો દબાવી રાખેલો ગુસ્સો ઉછળી આવ્યો અને તે બોલ્યા “આ બધી હંબગ વાતો છે. રાજ જતા રહ્યા પણ આ ઇતિહાસમાં અમર થવાની ઇચ્છાઓ ના ગઇ. રાજ તો જતુ રહ્યુ અને હવે જો આ ખજાનો પણ જતો રહેશે તો ગામલોકો થોડુઘણુ માન આપે છે તે પણ જતુ રહેશે. હું તમને આ ખજાનો ક્યારેય પાછો આપવા નહીં દઉં. મને ખબર છે કે આ બધુ તમે પેલા ભામટાના કહેવાથી કરી રહ્યા છો. પેલા તેની બહેને મારી જિંદગી બગાડી અને હવે તેનો ભાઇ મારી અને મારા સંતાનોની જિંદગી ધુળ ધાણી કરી નાખવા માગે છે. પણ આ હું કોઇ કાળે નહી થવા દઉં.” ઉર્મિલાદેવી ખૂબ ગુસ્સે થઇને બોલ્યાં.

આ જોઇ શક્તિસિંહ ઊભા થઇ ગયાં અને ઉર્મિલાદેવી પાસે જઇ ખભે હાથ મુકી બોલ્યાં “દેવી તમે અત્યારે ખૂબ ગુસ્સામાં છો એટલે તમે મારી વાત સમજી નહી શકો. આ ખજાનો લોકોનો છે અને તે લોકોના ભલા માટે જ વપરાવો જોઇએ. મે અત્યાર સુધી ક્યારેય કોઇના હકનું લીધુ નથી અને હવે પણ લઇશ નહીં.” આટલુ બોલી શક્તિસિંહ જવા માટે દરવાજા તરફ આગળ વધ્યા. આ સાંભળી ઉર્મિલાદેવીના મગજમાં ખુન્નસ ચડ્યુ અને તેણે ક્ષણમાં નક્કી કરી લીધુ કે હવે મારે કંઇક કરવુ જ પડશે. તેણે આજુબાજુ નજર ફેરવીતો સામે જ એક લોખંડનો દંડ પડેલો હતો. તેને જોઇને ઉર્મિલાદેવીના મગજમાં શેતાની વિચાર આવ્યો તે ઝડપથી આગળ વધ્યા અને દંડ હાથમાં લીધો. આ દંડ લઇ તે શક્તિસિંહ તરફ ધસ્યા અને પાછળથી શક્તિસિંહના માથામાં વાર કર્યો. પાછળથી માથામાં ઇજા થતા શકિતસિંહ ત્યાં જ ફસડાઇ પડ્યા. તેને એમજ પડ્યા રહેવા દઇ ઉર્મિલાદેવી બહાર નીકળ્યા અને તેણે એક માણસને કૃપાલસિંહને બોલાવવા મોકલ્યો. કૃપાલસિંહ આવ્યો અને તેણે અંદરનું દૃશ્ય જોયુ એ સાથેજ આખો મામલો તેને સમજાઇ ગયો. ત્યારબાદ બંને એ મળીને શક્તિસિંહ પાસે રહેલો એક નકશાનો ટુકડો મેળવી લીધો અને પછી આચાર્યને મારીને તે ટુકડો પણ મેળવવાનું નક્કી કર્યુ પણ તે લોકો કંઇ વિચારે તે પહેલા એક માણસ દોડીને આવ્યો અને બોલ્યો “આચાર્ય આપણા કુવરને ઉંચકીને લઇ ગયાં છે.” આ સાંભળી બંનેને સમજાઇ ગયુ કે આચાર્યને ખબર પડી ગઇ છે કે શક્તિસિંહનું ખૂન થઇ ગયુ છે. કૃપાલસિંહ આચાર્યને પકડવા જતો હતો ત્યાં ઉર્મિલાદેવીએ તેને રોક્યો અને કહ્યું “તમે નહી જાવ આપણે અહીનો મામલો સંભાળવો પડશે નહીતર મુશ્કેલીમાં મુકાઇ જઇશુ. તમે તમારા વિશ્વાસુ માણસોને મોકલો અને તે બ્રાહ્મણ અને પેલા બાળક બંનેને ખતમ કરી નખાવો. તે છોકરાને જ્યારે પણ જોઉ છુ ત્યારે મને ખુન્નસ ચડે છે.” આ સાંભળી કૃપાલસિંહે એક માણસને મોકલી સુરસિંહ અને વિરમને બોલાવવા મોક્લ્યો. તે લોકો આવ્યા એટલે કૃપાલસિંહે તેને કહ્યું “આચાર્ય અને તે છોકરા બંનેને મારી નાખજો અને આચાર્યની તલાસી લેજો તમને એક નકશો મળશે.” સુરસિંહ અને વિરમ ગયા એટલે કૃપાલસિંહ અને ઉર્મિલાદેવીએ મળીને તે કમરામાં આગ લગાડી દીધી અને પછી માણસોને બુમ પાડી બોલાવ્યા અને એવુ સાબીત કર્યુ કે શક્તિસિંહ આગમાં બળી ગયા. આમ છતા અંદર ખાને એવી વાતો વહેતી થઇ ગઇ હતી કે કૃપાલસિંહે જ શક્તિસિંહનું ખૂન કરી નાખ્યુ. ઘણા લોકોએ ઉર્મિલાદેવીને ફરીયાદ કરવા કહ્યું પણ ઉર્મિલાદેવી ક્યાંથી ફરીયાદ કરે? આચાર્યએ નકશાનું લોકેટ છોકરાના ગળામાં પહેરાવી દીધુ હતું. સુરસિંહ અને વિરમે આચાર્યને મારી નાખ્યા પણ છોકરાને છોડી દીધો આ છોકરો એટલે નિશીથ. ઉર્મિલાદેવી ભુતકાળ આંખ સામે જોઇ રહ્યા હતા. શક્તિસિંહ અને સરસ્વતિનો પુત્ર પહેલેથીજ ઉર્મિલાદેવીની આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. જયારે ઉર્મિલાદેવીને ખબર પડી કે કોઇ યુવાન અનાથાશ્રમમાં આવ્યો છે અને તપાસ કરાવી રહ્યો છે. અને પછી તેને ખબર પડી કે તે શક્તિસિંહનોજ પુત્ર છે ત્યારે છુપાયેલી નફરત ફરીથી ઉપર આવી ગઇ. તેણે પ્રશાંતને કહી નિશીથને આ કામમાં સામેલ કરી ફસાવી દેવાનો પ્લાન બનાવ્યો. ઉર્મિલાદેવીના કહેવાથી જ પ્રશાંતે નિશીથને સામેલ કર્યો પણ સંજોગો એવા બન્યા કે પ્રશાંત અને ઉર્મિલાદેવીને નિશીથે ફસાવી દીધા. ભુતકાળના વિચારોનો થાક લાગતા ઉર્મિલાદેવી ખુરશીમાંથી ઊભા થયા ઊંધી ગયા.

-------------************----------------*************------------------*********------------------

પેલો ઓફિસર પ્રશાંતને લઇને ઇન્ટરોગેશન રુમમાં ગયો. ત્યાં એક બીજો માણસ હાજર હતો. રુમમાં એક ટેબલ હતુ અને બે ચાર ખુરશીઓ પડી હતી. ટેબલ પર એક લેમ્પ લટકતો હતો. તે લોકોએ પ્રશાંતને એક ખુરશીમાં બેસાડ્યો અને પછી તે બંને પ્રશાંતની બંને બાજુ પર ખુરશી લઇ બેઠા. એક માણસે પ્રશાંતને કહ્યું “જો મારુ નામ પ્રથમ છે અને આનુ નામ વિનોદ છે. અમે બંને આઇ.બીના એજન્ટ છીએ. અમે બંને જે પણ પ્રશ્ન પુછીએ તેના તારે સાચા અને વ્યવસ્થિત જવાબ આપવાના છે. જો અમને ક્યારેય પણ એવુ લાગ્યુ કે તું કંઇ ખોટુ બોલે છે કે કોઇ માહિતી છુપાવી છે, તો અમે તને લોકલ પોલિશના હવાલે કરી દઇશું. તે લોકો તારા એન્કાઉન્ટરની તૈયારી કરીને જ બેઠા છે.” આટલુ બોલીને તે રોકાયો એટલે વિનોદે બોલવાનું શરુ કર્યુ “જો આમા તારી બધી જ વાત અમે રેકોર્ડ કરીએ છીએ. તે બધુ સાચુ કહ્યું અને અમારી મદદ કરીતો અમે તને છોડી દઇશું. હજુ સુધી તારી માહિતી અમારા સિવાય કોઇ પાસે નથી.” આટલુ કહી તે રોકાયો અને પ્રથમ બોલ્યો “ચાલ હવે તે નિશીથને કહી હતી તે સ્ટોરી તો અમે સાંભળેલી છે પણ તેમા તું ક્યાં ખોટું બોલેલો તે કહેવા માંડ અને ત્યારબાદ શું થયું તે પણ કહે.” આટલુ બોલી તેણે રેકોર્ડીંગની સ્વીચ દબાવી અને પ્રશાંતે બોલવાની શરુઆત કરી.

“નિશીથને મે આમતો બધીવાત સાચી કહી હતી પણ પેલા છોકરાઓને મારવામાં હું પણ સાથે હતો. વિલીએ મને પહેલાથીજ કહી દીધુ હતું કે તે કોઇ બચશે નહીં.” આટલું બોલી તે નીચુ જોઇ ગયો.

“ચાલ હવે પસ્તાવો કર્યે કંઇ નહીં થાય. તારા આ પાપને કારણે જ તને આ કામમા સફળતા મળવા દીધી નથી. પાપનો ઘડો ક્યારેક તો ફૂટે જ. ચાલ આગળ બોલવા માંડ.” પ્રથમે કહ્યું.

આ સાંભળી પ્રશાંત ફરીથી આગળ બોલવા લાગ્યો “આ આખી વાતની શરુઆત ત્યારથી થાય છે જ્યારે વિલીએ મને પૈસા આપ્યા. વિલીએ મને પૈસાતો આપ્યા પણ, ખજાનો જોઇ મારી દાનત બગડી હતી. વિલી અને કૃપાલસિંહ આ આખો ખજાનો લઇ ગયાં તે મને ખુંચતુ હતું. મારે પણ ખજાનામાં ભાગ જોઇતો હતો પણ, જો હું આ વિશે એક હરફ પણ ઉચારુ તો તે લોકો મને જીવતો નહીં છોડે તે હું જાણતો હતો. એટલે મે કંઇ કહ્યાં વિના ખજાનો કંઇ રીતે મળે તે વિચારવા લાગ્યો. થોડા દિવસ પછી અનાયાસે જ એક રસ્તો મને મળ્યો. એક દિવસ વિલીએ મને અજાણતા જ માહિતી આપી કે આ ખજાનો કૃપાલસિંહની ભાભી ઉર્મિલાદેવીને પણ જોઇતો હતો. અને આ બાબતે તે દેવર-ભાભી વચ્ચે વિખવાદ થયો છે. આ સાંભળતા જ મારા દિમાગમાં એક શેતાની વિચાર ઝબક્યો. તે પછી એકાદ દિવસ પછી હું કૃપાલસિંહના ભાભીને મળવા ગયો અને તેને ખજાના વિશે વાત કરી. પહેલા તો તે કંઇ બોલ્યા નહીં પણ જ્યારે તેને ખબર પડી કે મને પણ વિલી અને કૃપાલસિંહ સામે વાંધો છે અને મારે પણ ખજાનામાં ભાગ જોઇએ છે ત્યારે તેણે મને જે કહ્યું તે સાંભળી હું વિચારમાં પડી ગયો કે તેની ઓફરનો મારે સ્વીકાર કરવો કે નહીં?” આટલુ બોલી પ્રશાંત રોકાયો અને ટેબલ પર પડેલ ગ્લાસમાંથી તેણે પાણી પીધુ. બંને એજન્ટ આતુરતાથી હવે શું વાત આવશે તેની રાહ જોતા બેસી રહ્યા હતા.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM