જોહની વોકર
એક વાર કોલકાત્તામાં એક બગીચામાં એક તેલ માલીશવાળાને જોઇને ગુરુદત્તે કહ્યું હતું “જોહની, યે તેલ માલીશવાલે કો ધ્યાનસે દેખ લો. મેરી આનેવાલી ફિલ્મમેં તુમ્હારા યહી કિરદાર હોગા. ” જોહની વોકરે તે તેલ માલીશ વાળાનું બારીક નિરીક્ષણ કરી લીધું અને “પ્યાસા” માં તેના માટે ખાસ રોલ લખવામાં આવ્યો હતો. આજે પણ રફી સાહેબે ગાયેલું “સર જો તેરા ચકરાયે યા દિલ ડુબા જાયે. આજા પ્યારે સાથ હમારે કાહે ગભરાયે . ” એટલું જ જાણીતું ગીત છે. કોમેડિયન માટે ખાસ ગીત લખવાનો ટ્રેન્ડ પણ જોહની વોકરથી જ ચાલુ થયો હતો.
પાંત્રીસ વર્ષની ફિલ્મી કરિયરમાં જોહની વોકરે બસો કરતા પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો. હાસ્ય અભિનેતા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર જોહની વોકરે ક્યારેય દ્વિઅર્થી સંવાદો કે અશ્લીલ હાવભાવને એક્ટિંગમાં સ્થાન આપ્યું નહોતું.
જોહની વોકરનો જન્મ તા. ૧૧/૧૧/૧૯૨૬ ના રોજ મધ્યપ્રદેશના ઉજૈન શહેરમાં થયો હતો. સાચું નામ હતું બદરુદ્દીન જમાંલ્લુદ્દીન કાઝી. પંદર માણસોના બહોળા પરિવારમાં ભારે ગરીબી વચ્ચે તેનું બાળપણ વીત્યું હતું. ઉર્દુ ભાષામાં માત્ર છ ચોપડી ભણેલા જોહની વોકર અને પિતાનો પરિવાર મુંબઈ શિફ્ટ થયો હતો. બદરુદ્દીને મુંબઈ આવ્યા બાદ આર્મી કેન્ટીનમાં વેઈટર તરીકે પ્રથમ નોકરી કરી હતી. ત્યાર બાદ બદરુદ્દીનને “બેસ્ટ” માં બસ કંડકટર તરીકે સ્થાયી નોકરી મળી હતી. ટીકીટ કાપતી વખતે કાયમ પેસેન્જરોનું મનોરંજન કરાવવાનો બદરુદ્દીનનો નિત્યક્રમ હતો. દરરોજ મિમિક્રી કરતો આ બસ કંડકટર બસમાં મુસાફરી કરતા બલરાજ સહાનીના ધ્યાનમાં આવી ગયો હતો. તે દિવસોમાં બલરાજ સહાની “બાઝી” ફિલ્મની સ્ક્રીપ્ટ લખી રહ્યા હતા જેમાં એક શરાબીનો રોલ હતો. બલરાજ સહાનીએ બદરુદ્દીનની મુલાકાત “બાઝી” ફિલ્મના નિર્માતા ગુરુદત્ત સાથે કરાવી હતી. ગુરુદત્તે બદરુદ્દીનને દારૂડિયાની એક્ટિંગ કરી બતાવવાનું ફરમાન કર્યું હતું. સતત દસ મિનીટ સુધી આ બસ કંડકટરે જાણેકે સાચ્ચે જ દારૂ પીધો હોય તે રીતે અદભૂત અભિનય કરી બતાવ્યો હતો. ગુરુદત્ત તેના એ અભિનયથી એટલા બધા પ્રભાવિત થઇ ગયા હતા કે તેને “બાઝી” માં કામ તો આપ્યું પણ સાથે સાથે નામ પણ આપ્યું હતું. ”જોહની વોકર”. વાસ્તવમાં જોહની વોકર વ્હીસ્કીનું બ્રાન્ડ નેઈમ હતું. જે ગુરુદત્તની ફેવરીટ હતી. નવાઈ પમાડે તેવી વાત તો એ હતી કે અઢળક ફિલ્મોમાં શરાબીનો અદભૂત અભિનય કરનાર જોહની વોકરે તો ઝિન્દગીમાં શરાબને ક્યારેય સ્પર્શ પણ નહોતો કર્યો.
ત્યાર પછીના વર્ષો માં ગુરુદત્ત ની લગભગ તમામ ફિલ્મોમાં જોહની વોકરે અભિનય કર્યો હતો. જેમાં સી. આઈ. ડી. આરપાર, મિસ્ટર એન્ડ મીસીસ ૫૫, પ્યાસા, કાગઝ કે ફૂલ અને “ચૌદવી કા ચાંદ” જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સી આઈ. ડી. ને બાદ કરતા તો એ દરેક ફિલ્મોમાં મુખ્ય હીરોની ભૂમિકા પણ ગુરુદત્તે જ નિભાવી હતી. રફી સાહેબે જોહની વોકર માટે ગાયેલા તમામ ગીતો લોકપ્રિય થયા હતા. કેટલાક કિસ્સામાં તો હીરો પર ફિલ્માવાયેલા ગીત કરતા પણ વધારે જોહની વોકર પર શૂટ કરેલા ગીતને પ્રેક્ષકોની વધારે દાદ મળી હતી. યાદ કરો “મિસ્ટર એન્ડ મીસીસ ૫૫” નું રફી સાહેબ અને ગીતા દત્તનું યુગલ ગીત “જાને કહા મેરા જીગર ગયા જી.. અભી અભી ઇધર થા કિધર ગયા જી” ખાસ જોહની વોકરને ધ્યાનમાં રાખીને જ ઓ પી. નૈયરે કોમ્પોઝ કર્યું હતું. તેવી જ રીતે ૧૯૫૬ માં રીલીઝ થયેલી ફિલ્મ “સી આઈ ડી. ’ નું જોહની વોકર પર ફિલ્માવાયેલું ગીત “એ દિલ હૈ મુશ્કિલ જીના યહા. જરા હટકે જરા બચકે યે હૈ બમ્બઈ મેરી જાન “ બિનાકા ગીતમાલા માં તે વર્ષે પ્રથમ પાયદાન પર હતું.
“દેવદાસ” , “મધુમતી” “નયા દૌર” અને “પૈગામ” જેવી અતિ સફળ ફિલ્મોમાં કામ કર્યા બાદ જોહની વોકરની દિલીપકુમાર સાથે પાક્કી દોસ્તી થઇ ગઈ હતી.
ફિલ્મોમાં શમ્મી કપૂર સાથે હાસ્ય કલાકાર તરીકે ભલે રાજેન્દ્રનાથની જોડી જોવા મળતી પણ રીયલ લાઈફમાં શમ્મી કપૂર અને જોહની વોકર અંગત મિત્રો હતા. ગીતાબાલી સાથે લગ્ન કરવાની વાત પણ શમ્મી કપૂરે સૌથી પહેલા જોહનીવોકરને જ કરી હતી.
“આનંદ” માં રાજેશ ખન્ના થોડા દિવસોનો જ મહેમાન છે તેની જાણ થતાં ઈસાભાઈ (જોહની વોકર, જે નાટકનો કલાકાર હોય છે) ઢીલા પડીને કહે છે “યહી મીલુંગા જયચંદ, ઇતની જલ્દી પરદા ગીરને નહિ દુંગા” તે સમયે સિનેમાઘરમાં બેઠેલા તમામ દર્શકોની આંખ ભીની થઇ ગઈ હતી. કદાચ આ જ જોહનીવોકરના અભિનયની ચરમસીમા હતી.
૧૯૮૦ માં રીલીઝ થયેલી અમિતાભ અને શશી કપૂર અભિનીત ફિલ્મ “શાન” માં જોહની વોકરનો પાણી પર ચાલતા ઢોંગી બાબાનો રોલ ખુબ જ વખણાયો હતો.
ઉમર વધતાં જોહની વોકરે કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું. તે અરસામાં કમલ હસનની ફિલ્મ “ચાચી ૪૨૦” માં શરાબી મેક અપ આર્ટીસ્ટના રોલની ઓફર આવી હતી. શરૂઆત માં તો જોહની વોકરે કામ કરવાની ના પાડી દીધી હતી પણ ગુલઝારની સમજાવટ બાદ તેણે તે ભૂમિકા સ્વીકારી હતી. જે તેના અભિનય વાળી છેલ્લી ફિલ્મ હતી.
મશહુર અભિનેત્રી શકીલાની બહેન નૂરબેગમ સાથે જોહની વોકરના નિકાહ થયા હતા. . ત્રણ દીકરા અને ત્રણ દીકરીમાંથી માત્ર એક નાસીરખાનને જ ફિલ્મોમાં રસ હતો. તેણે ૧૯૯૪ માં રીલીઝ થયેલી ફિલ્મ “બેતાજ બાદશાહ” માં અભિનય કર્યો હતો. ત્યાર બાદ ટીવી સીરીયલ “આશીર્વાદ” તથા અનેક જાહેરાતો પણ કરી હતી. જોહની વોકરના અન્ય પાંચ સંતાનો વિદેશમાં સ્થાયી થયા છે.
૨૯ જુલાઈ ૨૦૦૩ ના રોજ એશી વર્ષની ઉમરે જોહની વોકરનું અવસાન થયું હતું.
સમાપ્ત