Sol Sankar - Hindi sanskruti in Gujarati Moral Stories by NituNita નિતા પટેલ books and stories PDF | હિન્દૂ સંસ્કૃતિ - સોળ સંસ્કાર

Featured Books
Categories
Share

હિન્દૂ સંસ્કૃતિ - સોળ સંસ્કાર

સંસ્કાર.....
◆◆◆◆◆◆

હિન્દૂ ધર્મમાં જુદા જુદા સોળ પ્રકારના સંસ્કારોની વાત કરી છે. એમાં જન્મથી લઇને મૃત્યુ સુધીની મનુષ્યની અવસ્થાનો સમાવેશ થઈ જાય છે. ‘संस्क्रियते अनेन इति संस्कारः’ મનુષ્યજીવનને મન, કર્મ, વચને પવિત્ર બનાવવું એ જ સંસ્કાર છે. આપણા દરેક વિચારો તથા પ્રવૃત્તિઓ મન દ્વારા ઉઠતા તરંગોને આધારે હોય છે, માટે મનને સંસ્કારિત કરવાની ખૂબ જરુર રહે છે. આપણા ઋષિમુનિઓએ માનવજીવનનું ઉંડું અધ્યયન કરી તેનો પૂર્ણ વિકાસ થાય, શરીર-મન-આત્માની સર્વાગી ઉન્નતિ થાય એ માટે શાસ્ત્રોમાં સોનેરી સૂચનો કર્યા છે. હિન્દૂ ધર્મમાં જુદા જુદા સોળ પ્રકારના સંસ્કારોની વાત કરી છે. એમાં (૧) ગર્ભાધાન સંસ્કાર (૨) પુંસવન સંસ્કાર (૩) સીમંત સંસ્કાર (૪) જાતકર્મ સંસ્કાર (૫) નામકરણ સંસ્કાર (૬) નિષ્ક્રમણ સંસ્કાર (૭) અન્નપ્રાશન સંસ્કાર (૮) ચૂડાકર્મ(ચૌલ) સંસ્કાર (૯) કર્ણવેધ સંસ્કાર (૧૦) ઉપનયન સંસ્કાર (૧૧) વેદારંભ સંસ્કાર (૧૨) સમાવર્તન સંસ્કાર (૧૩) વિવાહ સંસ્કાર (૧૪) ગૃહસ્થાશ્રમ સંસ્કાર (૧૫) વાનપ્રસ્થાશ્રમ સંસ્કાર અને (૧૬) અંત્યેષ્ઠિ સંસ્કાર.
આ તમામ સંસ્કાર આજે પણ આપણા જીવનનો એક ભાગ છે. પરંતું એ કરવા પાછળનું કારણ અને સમાજ માટે એનું શું મહત્વ છે એ જાણતા નથી. માત્ર અનુકરણ કરતા આવ્યાં છીએ. આ સંસ્કારો પેઢી દર પેઢી વારસામાં મળે છે જે ધર્મ સાથે જોડાયેલ છે અને વ્યક્તિઓ એને એક માત્ર વિધિ અથવા તો કર્મકાંડ તરીકે કરતા હોય છે. એટલે એની અસર પોતાની કે સામાજિક જિંદગીમાં નહિવત હોય છે. આવા સંસ્કારોનું લિસ્ટ કદાચ દરેક ધર્મમાં હોય શકે છે. કારણ કે ધર્મનું કામ જ વ્યક્તિને સાચો માર્ગ બતાવવાનું છે. કોઈ પણ ધર્મ વ્યક્તિને ખરાબ કર્મ કરવાની પરમિશન ક્યારેય આપતો નથી અને જો ધર્મની આડમાં એવા કર્મ આચરતા હોય તો એ કામ મેલી મુરાદ ધરાવતાં અમુક ચોકકસ લોકોની માનસિકતાનું કારણ હોય શકે.
‘ગર્ભ સંસ્કાર દરેક જીવને કુદરતે સોંપેલ કાર્ય એ છે કે, "પોતાના જેવો એક જીવ મૂકતા જવાનું". આહાર, નિદ્રા, ભય, મૈથુન એ દરેક જીવની શારીરિક જરૂરીયાતો છે અને આ ઈંસ્તિન્ગ દરેક જીવમાં કુદરતે બાય ડિફોલ્ટ મુકેલ છે. એટલે જ તો એક વાયરસને પણ ખબર છે કે પોતાના જેવો જીવ મૂકતા જવા માટે શું કરવું જોઈએ!
પુંસવન સંસ્કાર ગર્ભના બીજાથી ચોથા માસે કરવામાં આવે છે. જયારે ભૃણ આકૃતિ ગ્રહણ કરે છે અને માતાના પોતાના સંસ્કારોની અસર પણ ગર્ભસ્થ ભૃણ પર પડવા માંડે છે. સોનોગ્રાફી દ્રારા સંતાન નર છે કે માદા એ ગર્ભના ચાર મહિને જાણી શકાય છે. હવે લિંગપરીક્ષણને કાયદા દ્રારા અમાન્ય જાહેર કરેલ છે અને લાયસન્સ રદ કરવા સુધીની સજા નક્કી કરેલ છે. એ સિવાય ચાર મહિને ગર્ભસ્થ શિશુના શરીરના અંગોમાં કોઈ ખામી છે કે નહીં એ પણ ખબર પડી જાય છે. મતલબ ચાર મહિને શરીરની સંપુર્ણ રચના થઈ જાય છે. આજથી હજારો વર્ષ પહેલાં હિન્દૂ શાસ્ત્રોમાં આ સંસ્કાર વિશે લખાયું હોય, એનો મતલબ એ થાય કે આપણે એ વિશેનું જ્ઞાન ધરાવતાં હતા! જે આપણાં માટે ગર્વ લેવાની વાત છે.
સીમંત સંસ્કાર કુદરતે જન્મના અતિમહત્વના કાર્યને પૂર્ણ કરવા માટે નારીજાતિને પસંદ કરવામાં આવી છે. જયારે એના અવતરણનો સમય નજીક હોય છે ત્યારે સીમંત સંસ્કાર કરવામાં આવે છે અને આ સંસ્કારની વિધીમાં સ્ત્રીને જ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે એનું સામાજિક મહત્વ પણ રહેલું છે. લોકોને જાણ થાય કે કોના ઘરે બાળક પેદા થવાનું છે. જેથી એને એક સામાજિક સ્વીકૃતિ મળે છે. પહેલાં કાયદા કાનૂન કે dna જેવી તપાસ પધ્ધતિ ઉપલબ્ધ નહતી એટલે આ જરુરી પણ હતુ. સીમંત સંસ્કાર પછી સ્ત્રીને એના મા-બાપના ઘરે મોકલવામાં આવે છે, કારણ કે જયાં એ પોતે રહી હોય એ માહોલમાં એ સહજતાથી એડજસ્ટ થઈ શકે છે અને સાસરીમાં એના માથે જવાબદારીઓનો બોજ હોય છે. જેથી એ સતત ટેન્શનવાળા માહોલની ખરાબ માનસિક અસર એના આવનાર બાળક ઉપર થતી હોય છે. આવનાર બાળક કોઇપણ પ્રકારની વિકૃતિ વગર જન્મી શકે એ માટે યોગ્ય વાતાવરણનું ખાસ મહત્વ રહેલું છે. કદાચ એ કારણસર આપણાં પૂર્વજોએ આ વ્યવસ્થા ગોઠવી હશે. બાળક સવા મહિનાનું થાય પછી જ એને સાસરે મોકલવામાં આવે છે જેથી પ્રસુતિ પછી માતાને શારિરીક આરામ પણ મળી રહે છે.
વિવાહ સંસ્કાર એ સમાજીક જીવનની નીવ છે. એ દ્રારા બે અજાણી વ્યક્તિ હવે પછીની સમગ્ર જિંદગી એકબીજા સાથે જીવવા માટેની શરૂઆત કરે છે. સૌથી છેલ્લે આવે છે અંત્યેષ્ઠિ સંસ્કાર જેમાં વ્યક્તિના મૃત્યુ બાદની વિધી કરવામાં આવે છે. મૃત્યુ એતો જીવનનું સનાતન સત્ય છે. પરંતું જે વ્યક્તિના જીવનમાંથી પોતાની વ્હાલસોયી વ્યક્તિની બાદબાકી થાય છે એ ઘડી કોઇપણ માનવી માટે ખૂબ જ નાજુક અને અસહ્ય ક્ષણ હોય છે. એ સમયે તેર દિવસ સુધી અલગ અલગ વિધી કરવામાં આવે છે. જે માધ્યમ દ્રારા સમાજનાં તથા ઘર પરિવારના સદસ્યની સતત હાજરી વ્યક્તિને અચાનક આવેલા દુઃખદ પ્રસંગમાંથી ફરીથી સામાન્ય જીવન જીવવા માટે માનસિક રીતે મોરલ સપોર્ટનું કામ કરે છે. ઘણાં બુદ્ધિજીવી લોકો વિરોધ કરતા હોય છે કે માણસના મર્યા પછી કરવામાં આવતી વિધિનો કોઈ અર્થ નથી એ એક પ્રકારની અંધશ્રધ્ધા જ છે. તો મારે એવા લોકોને એટલું જ કહેવું છે કે એ તમામ વિધિ મરનાર માટે નથી પરંતું એના જીવતા સંબંધીઓ માટે છે જે જીવે છે. કોઈ વિધિ જ ન હોય તો કોઈ આપણાં ઘરે આવે જ શા માટે? એટલે તો કહેવાય છે કે કોઇના લગ્નમાં ન જઇએ તો ચાલે પણ મરણમાં જવાનું ન ચૂકવુ જોઈએ.
આતો થઈ પેઢી દર પેઢી મળતા સંસ્કારની વાત. પરંતું જ્યારે લોકોના મોઢે સમાજમાં એવા ડાયલોગ સાંભળવા મળતાં હોય છે કે,
"જો વ્યક્તિ સંસ્કારી હોય તો ક્યારેય ખરાબ કામ આચરે નહી કે કાયદાની જરૂર ન પડે" અથવા
"સમાજને કાયદાની નહી સંસ્કારની જરૂર છે" ત્યારે વિચાર આવે કે આ પાછા ક્યા સંસ્કારની વાત છે ને આ સંસ્કારો આપે કોણ, ને ક્યાંથી મળે? આ એવા સંસ્કાર છે કે જયાં સમાજ લોકો પાસેથી યોગ્ય વર્તન, સત્ય, અનુશાષન, નિઃસ્વાર્થ કર્મો, સેવા, મદદ, દાન જેવા વધારાના માનવીય ગુણો અને સારા વર્તનની આશા રાખે છે. જે વ્યક્તિ પોતે પોતાના સામાજિક વર્તુળ, શિક્ષણ, બુદ્ધિ, જ્ઞાન અને સમજણ થકી જીવનના અનુભવ દ્રારા પ્રાપ્ત કરે છે. ટુંકમાં, સંસ્કાર એટલે યોગ્ય રીતે વર્તન કરવાની રીત, કેળવણી, અસર, શુદ્ધિ કે વિધિ. ખીણમાંથી મળેલું સોનું કુદરતી છે, પરંતુ તેને અલંકારિત કરવાની પ્રક્રિયાને સંસ્કાર કહેવામાં આવે છે. કપાસમાંથી કપાસિયા દૂર કરી, કાપડ વણવું તથા દરજી પાસે સિલાઇ કરાવી વસ્ત્રો બનાવવા એ સંસ્કારની પ્રક્રિયા છે. દરેકની પોતાની અંગત ચૉઇઝ હોય છે કે એને એની જાતને કેવી રીતે કેળવવી અને સમાજમાં કેવા પ્રકારનો વ્યવહાર કરવો. જરૂરી નથી કે દરેક વ્યક્તિ સુઘડ અને સારુ જ વર્તન કરે અને એવું સો ટકા વર્તન કરવું દરેક વ્યક્તિ માટે શકય પણ નથી. જયાં ચારેકોર જુઠ, દંભ, ભ્રષ્ટ આચરણ અને નકલી જીવન જ જીવાતું કે અનુભવાતું હોય ત્યાં વ્યક્તિ પોતે એકલો એના શુદ્ધ સંસ્કાર દ્રારા કેવી રીતે જીવી શકે! ક્યાં તો એ એકલો પડી જાય અથવા તો કોઈ પણ પ્રકારના વાંક ગુના વગર ઘણું સહન કરવું પડે એ ડર ના કારણે જ ઘણીવાર વ્યક્તિ અંદરથી તો સંત જેવો હોય છતાં દુન્યવી મ્હોરું ટકાવી રાખતો હોય છે!
સમાજનો દરેક વ્યક્તિ સુસાશન અને સુઘડ વ્યવસ્થાની આશા રાખે છે પરંતું એ માટે એને પોતે ભોગ નથી આપવો એ તમામ આશા બીજા પાસેથી રાખે છે. એટલે જ સમાજમાં કોઈ સુધાર આવતો નથી. મારા એકલા સુધરવાથી શું ફરક પડવાનો છે? એવું તમામ લોકો વિચારે ત્યારે એ વ્યક્તિગત નેગેટિવ સૂર આખા સમાજનો સૂર બની જતો હોય છે. લોકો એ ભૂલી જાય છે કે સમાજ મારા તમારા જેવા વ્યક્તિઓનો સમૂહ જ છે. મિત્રો, પેલી રાજાવાળી વાર્તાની યાદ છે ને? જેમાં રાત્રે એક મોટા હૉઝમાં દરેક વ્યક્તિને દૂધ નાંખવા કહ્યું હતુ. સવારે જોયું તો એમાં છલોછલ પાણી જ હતુ! દરેક વ્યક્તિ એવું વિચારી પાણી નાંખી ગ્યો કે બીજા દૂધ નાંખવાના જ છે આપણે એકલા પાણી નાંખશુ તો શું ફરક પડી જશે!

કબીરજીના પ્રસિદ્ધ દોહાની જેમ.....
બુરા જો દેખન મેઁ ચલા, બુરા ન મિલિયા કોય,
જો દિલ ખોજા આપના, મુજસા બુરા ન કોય.

વરસાદની બુંદ તો ટીપાંના સ્વરૂપમાં જ હોય છે પરંતું હજારો ડેમ, નદીઓ અને સમુદ્ર ભરવાની તાકાત ધરાવે છે. કારણ કે એ તમામ બુંદ એકત્રિત થઇને પડે છે. એવી જ રીતે દરેક વ્યક્તિના નાના નાના સારા કર્મો થકી એક સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ થતું હોય છે. સંસ્કાર વ્યક્તિ અને સમાજનું ઘડતર કરે છે. જો આપણને કોઈ માન આપે એ ગમતું હોય તો બીજાને પણ માન મેળવવાની આશા હોય ને? જેવું વાવીશુ એવું જ લણસુ ને? બાવળ ઉપર ક્યારેય કેરી લાગવાની નથી. સંસ્કાર સિંચનનું મૂળ તો વ્યક્તિનું પોતાનું ઘર છે. જ્યાંથી એના જીવનની શરૂઆત થાય છે.
સંસ્કારના નામે કોઇના ઉપર અત્યાચાર કરવો જોઈએ નહીં કે એને જડ રીતે વળગી રહેવું જોઈએ નહી. સમય સાથે એમાં પણ પોઝીટીવ પરિવર્તન આવકાર્ય છે. જેથી વ્યક્તિ સહજતાથી એનું પાલન કરી શકે. જેમ કે આપણી સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા પ્રમાણે અંગ પ્રદર્શિત કરતા કપડા પહેરવા યોગ્ય નથી. એનો મતલબ એપણ નથી કે આજના આધુનિક અને ફાસ્ટ જમાનામાં પણ વર્ષો જુના બે ફુટ ઘૂંઘટની પ્રથાને વળગી રહેવું. સાડી કરતા વ્યવસાયિક સ્ત્રી માટે પંજાબી કે પેન્ટ શર્ટ વધારે કમ્ફર્ટ છે. કારણ કે ટુ વ્હીલર ચલાવવા, ટ્રાફિક અને સતત ભીડવાળા માહોલમાં સાડી કમ્ફર્ટ પોશાક નથી. એવી જ રીતે હાલ ધોતી પહેરવી પણ કમ્ફર્ટ નથી. એવી જ રીતે જાતિવાદના નામે પ્રેમીઓની હત્યા કરવી એ પણ પશુતા જ કહેવાય! હવે આવા બધાં અર્થહીન કાર્યો બંધ થવા જોઈએ. આપણે ટેક્નોલોજીથી નહીં મગજથી આધુનિક થવાની જરૂર છે. માત્ર બાહ્ય નહીં આંતરિક બદલાવાની જરૂર છે. જો કોઈ પોતાના સંસ્કારથી ભટકી જાય તો એને તરછૉડવા ને બદલે સમાજની મુખ્ય ધારામાં લાવવા પ્રયાસ કરવો જોઈએ. એને સુધરવાની એક ટક તો આપવી જ જોઈએ અથવા વિકૃત મગજના ભોગ બનેલી વ્યક્તિ સાથે પણ સહાનુભૂતિ રાખવી સમાજ ફરજ છે. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી માટે લોકો અજીબ પ્રકારની ધૃણા રાખતા હોય છે. એને કોઈ ટેકો આપવા તૈયાર હોતું નથી. ફરીથી એ માનભેર જીવી શકે એવો કોઈ માહોલ એને આપવામાં આવતો નથી. ઘણીવાર આજ કારણસર ભોગ બનેલી સ્ત્રી આત્મહત્યા કરી લેતી હોય છે! ફાયદો હોય ત્યાં ટોળાં ઉમટી પડે છે અને ભોગ આપવાનો હોય ત્યારે લોકો ગાયબ થઈ જતા હોય છે. આ આપણાં સમાજની આ વરવી વાસ્તવિકતા છે.

ચાંદ સુધી પહોંચી જનાર માનવી,
વ્યક્તિના મન સુધી પહોંચી ન શક્યો!

દરેક વ્યક્તિ પાસે સારા વર્તનની આશા રાખીએ પણ હકીકતે એવું વર્તન શકય નથી. માટે કોઇના ખરાબ કૃત્યથી સમાજનાં નિર્દોષ લોકોને ભોગવવાનું ન થાય, લોકો શાંતિથી જીવી શકે, ભોગવી શકે એ માટે કાયદો અને વ્યવસ્થા જરૂરી છે. નહીં તો અરાજકતા ફેલાય જાય. સંસ્કાર એ વ્યક્તિગત બદલાવનું કાર્ય છે. એ કોઈ ગણિતનું સૂત્ર નથી કે મોઢે કરી લેવાય, નથી કોઈ દવાની ટીકડી કે ગળી લેવાય કે નથી રસી કે સામુહિક રસીકરણ કરવાથી બધાં સંસ્કારી બની જાય! એવું હોય તો કાયદો, જજ, અદાલત, પોલીસ , વકીલ આ બધી વ્યવસ્થાની જરૂર શું હતી? "ભય વિના પ્રીત નહીં" કાયદા અને સજાનો ડર વ્યક્તિને જંગલી અને અમાનુષી બનતા રોકે છે અને સામાજિક વ્યવસ્થા જળવાય રહે છે. ટુંકમાં, સુવ્યવસ્થિત સમાજની વ્યવસ્થા માટે સંસ્કાર અને કાયદો બન્નેની સરખી ભૂમિકા છે, બન્ને એકબીજાના વિરોધી નહીં પરન્તુ પૂરક છે.

ઐસી કરણી કર કી
નર સે નારાયણ હોઁ જાયે..

આ સૂત્ર યોગ્ય વર્તન અને કર્મનું મહત્વ સમજાવે છે. એટલે તો સારા વ્યક્તિ અને મહાત્માના મૃત્યુ પછી પણ હજારો વર્ષો એમને લોકો ભૂલતા નથી કે એમની ખોટ પૂરાતી નથી. ભલે, પછી જીવતેં જીવ એને માણસ જ નડ્યો હોય!

શબ્દ અને વિચાર..
©નિતુનિતા(નિતા પટેલ)
#હિન્દૂસંસ્કૃતિ# #સોળસંસ્કાર#