Nafratni aag ma prem nu khilyu gulaab - 10 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૦

Featured Books
Categories
Share

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૦

(સંધ્યા ને રુકમણી બેન બંને વાતો કરી સુઈ જાય છે.હવે,જોઈએ આગળ.)


સંધ્યા સવારે ઉઠી નાસ્તો કરીને પોતાની એક્ટિવા પર કોલેજ જવા નીકળે છે.મીરા ની ઘરે પહોંચતા જોવે છે, મીરાં આજે ઘરની બહાર ઉભી રહી સંધ્યા ની રાહ જોતી હતી.પહેલા ની જેમ જ મીરાં ને ખુશ જોઈ સંધ્યા ને પણ ખુશી થાય છે.બંને વાતો કરતા કરતા કોલેજ જવા નીકળે છે.કોલેજ એ પહોંચી સંધ્યા ફરી સુરજ ને શોધવા લાગી જાય છે.આમ તેમ નજર કરતા સંધ્યા નું ધ્યાન સુરજની જીપ તરફ જાય છે. જ્યાં,સુરજ, કાર્તિક અને તેના બીજા બે મિત્રો નયન અને ચેતન ઉભા રહીને વાતો કરતા હતા.
સંધ્યા એ તરફ એક નજર કરી પોતાના ક્લાસરૂમમાં જાય છે.સંધ્યા અને મીરાં પોતાની જગ્યાએ બેસે છે, ત્યાં જ,સુરજ અને કાર્તિક બંને આવે છે.સુરજ સંધ્યા સામે સ્માઈલ આપી પોતાની જગ્યાએ બેસે છે.આજ સંધ્યા સુરજ સાથે વાત કરવાના સારા એવા મુડમાં હતી.સામે સુરજ ની પણ‌ એવી જ ઈચ્છા હતી.સુરજ પણ ઘણા સમયથી સંધ્યા સાથે વાત કરવા માંગતો હતો.પણ, સંધ્યા હમણાં થોડા સમયથી સુરજ તરફ ધ્યાન ના આપી શકતી.સુરજને લાગ્યું એ થોડી પરેશાન પણ છે,એટલે તેણે આજ સંધ્યા સાથે વાત કરવાનું નક્કી કરી લીધું હતું.
એક-બે લેક્ચર પુરાં થતાં બ્રેક પડે છે.સંધ્યા સીધી કેન્ટિન તરફ ભાગે છે. જ્યાં,સુરજ પહેલેથી સંધ્યા ની રાહ જોઈને બેઠો હતો.મીરા સંધ્યા ની પાછળ જાય છે. ત્યાં જ પાછળથી કોઈ તેને બોલાવે છે,ને સંધ્યા ને સુરજ સાથે વાત કરવાનો સારો મોકો મળી જાય છે.
સંધ્યા કેન્ટિન માં પ્રવેશતાં ની સાથે જ સુરજને શોધે છે. કેન્ટિન માં છેલ્લા ટેબલ પર ખુણામાં બેસી સુરજ સંધ્યાની રાહ જોતો હતો.જે જોઈ સંધ્યા તેની પાસે જાય છે,સુરજ સંધ્યાને જોઈ ઉભો થઇ,તેની સામે ની ખુરશી ખેંચી સંધ્યાને ત્યાં બેસવા કહે છે,પછી,પોતે તેની સામે ની ખુરશી પર બેસે છે.
સુરજ જેવો બેસે છે,એવી જ સંધ્યા બોલવા લાગે છે,"અરે,તું તો સુધરી ગયો હો.! મેં થોડો સમય વાત ના કરી તો,તારા મનમાં મારા માટે ઈજ્જત વધી ગઈ લાગે.નહીતર,તો પહેલા જ દિવસે કેવો ગુંડા જેવો થઈને ફરતો હતો."
સંધ્યા ની વાત સાંભળી સુરજ હસવા લાગે છે ને કહે છે,"એ તો બીજાના ઝગડામાં ખાલી ખોટાં કારણ વગર પડો.તો સાંભળવુ તો રહ્યું જ ને.!"
સુરજ ની વાત સાંભળી બંને હસવા લાગે છે.પછી,ધીમે રહીને સુરજ વાત શરૂ કરે છે,ને સંધ્યા ને પૂછે છે,"કેમ હમણાં થોડા સમયથી અલગ જ વર્તન કરતી?કોઈ પરેશાની છે?"
"ના,કોઈ પરેશાની નથી.એ તો મીરાં ની તબિયત થોડી ખરાબ હતી.એટલે,તેને લઈને થોડી પરેશાન હતી.બીજુ કાંઈ ખાસ નથી."સુરજના સવાલ નો જવાબ આપતાં સંધ્યા કહે છે.
"હા,તો હવે કેમ છે તારી ફ્રેન્ડ ને?"સુરજ સંધ્યાને મીરાં ની તબિયત વિશે પૂછતાં કહે છે.
"હવે સારું છે."સુરજના સવાલનો ટૂંક માં જવાબ આપતા સંધ્યા કહે છે.
બંને થોડી વાર એમ જ કોલેજ અને ભણવાની વાતો કરે છે. ત્યાં જ બ્રેક પૂરો થઈ જાય છે.બંને ક્લાસરૂમમાં જાય છે.થોડીવાર થાય છે, ત્યાં, પ્રોફેસર આવે છે,ને કોલેજ ટ્રિપ વિશે જાહેરાત કરે છે.જેમા મનાલી નું નામ સાંભળતા સંધ્યા ઉછળી પડે છે.તે મીરાંને પૂછે છે.તુ આવીશ ને ટ્રિપ માં મારી સાથે? પહેલા તો મીરાં ના પાડે છે.આખરે સંધ્યા ની જીદ આગળ તેને ઝૂકવું પડે છે,ને તે પણ સંધ્યા સાથે પોતાનું નામ નોંધાવી દે છે.બંને નામ લખાવી પોતાની જગ્યાએ બેસે છે.સંધ્યા એક નજર સુરજ તરફ કરે છે.સુરજ કોઈ પણ જાતના હાવભાવ વગર બેઠો હતો.જાણે તેને ટ્રિપ વિશે સાંભળી કોઈ આનંદ જ ના થયો હોય એમ.
સંધ્યા તેની તરફ જોતી હતી. ત્યા જ સુરજ ની નજર સંધ્યા પર પડે છે.સંધ્યા આંખ ના ઇશારા દ્વારા સુરજને ટ્રિપ માં આવવાનું છે કે નહીં.એ પૂછી લે છે.સુરજ પણ સંધ્યા ને ડોકું ધુણાવી ના પાડી દે છે.સુરજ નથી આવવાનો એ વિચારી સંધ્યા થોડી ઉદાસ થઈ જાય છે,ને ગુમસુમ રીતે બેસી રહે છે.કોલેજ પૂરી થાય ત્યાં સુધી એકપણ શબ્દ બોલતી નથી.જે વાત સુરજ એ સારી રીતે નોટિસ કરી હતી.કોલેજ પૂરી થતાં બધા ગ્રાઉન્ડ માં ટ્રિપ વિશે ચર્ચા કરવા લાગે છે.પણ, સંધ્યા ના મનમાં સુરજ નથી આવવાનો એ બાબતે થોડો અણગમો હતો.જે સુરજ સમજી ગયો હતો.
સંધ્યા સુરજ તરફ એક ઉદાસી ભરી નજર કરી મીરાં સાથે ઘરે જવા નીકળે છે. સંધ્યા આખા રસ્તે એક જ વાત વિચારે છે,"કેવો છોકરો છે સાવ, ટ્રિપ ની વાત માં પણ કોઈ ખુશી નથી મળતી તેને તો.!કોણ જાણે કંઈ દુનિયા માં રહે છે,એ જ નથી સમજાતું.બધા કેટલા ખુશ છે,મનાલી જવા માટે.પણ,તેને તો કોઈ ફરક જ નથી પડતો.બીજુ તો ઠીક પણ તેના ના આવવાથી મને ફર્ક પડે છે,એટલું પણ નથી સમજી શકતો."
વિચાર માં ને વિચાર માં ક્યારે મીરાં નુ ઘર આવી જાય છે,એ પણ સંધ્યા ને ધ્યાન નથી રહેતું.મીરા સંધ્યા નું નામ લઈને મોટેથી બુમ પાડે છે. ત્યારે સંધ્યા ને ખ્યાલ આવે છે કે મીરાં નુ ઘર તો પાછળ રહી ગયું.મીરા ના અવાજથી સંધ્યા પોતાના વિચારોમાંથી બહાર આવે છે,ને પોતાની ચોરી પકડાઈ ગઈ હોય.એમ જીભ કાઢી પોતાના જ માથા પર હળવેથી ટપલી મારે છે,ને હસવા લાગે છે.પછી એક્ટિવા ને ટર્ન લઈ મીરાં ને તેના ઘરના દરવાજા પાસે ઉતારે છે.મીરા ઉતરી ને સંધ્યા ને પૂછે છે,"યાર,ટ્રિપ બે દિવસ માં જ જવાની છે,તો બધી તૈયારી કેવી રીતે થશે?"
મીરાં ના ટ્રિપ વિશે ના સવાલ થી સંધ્યા ને ફરી સુરજ યાદ આવી જાય છે.તે પોતાના વિચારો પર કંટ્રોલ કરી મીરાં ને કહે છે,"ડોન્ટ વરી,હું છું ને.હુ કાલે તારી ઘરે આવીશ.પછી બંને મળીને તૈયારી કરી લેશું.આમ પણ કાલ બપોર સુધી જ કોલેજ જવાનું છે.એ પણ પ્રોજેક્ટ સબમિટ કરવા.પછી,તો ટ્રિપ ની તૈયારી માટે કોલેજ માં રજા છે,એક દિવસ ની.તો આપણે કાલે બપોરે થી જ આપણી તૈયારી ચાલુ કરી દેશું."
સંધ્યા ની વાત માં મીરાં હામી ભરે છે,ને સંધ્યા ને બાય કહી.પોતે ઘરમાં જાય છે. સંધ્યા પણ બાય કહી પોતાની ઘરે જવા નીકળે છે.ઘરે પહોંચી કાલ જે પ્રોજેક્ટ સબમિટ કરવાનો હતો.તેની તૈયારી માં લાગી જાય છે.સંધ્યા રોજ તેની મમ્મી થી મીરાં ની વાત છુપાવવા જે પ્રોજેક્ટ નું બહાનું બનાવતી એ પ્રોજેક્ટ તો તેણે શરૂ પણ નહોતો કર્યો.કાલે જ પ્રોજેક્ટ આપવાનો હોવાથી તે મોડા સુધી જાગી.ત્રણ દિવસનો પ્રોજેક્ટ એક જ રાત માં પૂરો કરે છે. પ્રોજેક્ટ બનાવતાં બનાવતા જ સંધ્યા ક્યારે સુઈ જાય છે,તેનો તેને પણ ખ્યાલ રહેતો નથી.જયારે સવારે જાગે છે,ને પ્રોજેક્ટ જોવે છે,તો ખબર પડે છે કે, પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો.બસ,થોડું ફાઈનલ ટચ આપવાનું બાકી હતું.જે તે ફ્રેશ થઈને આપી દે છે,ને કોલેજ જવા નીકળે છે.આજે સંધ્યા ના મમ્મી ઘરે ન હોવાથી તેને નાસ્તા માટે રોકવાવાળુ પણ કોઇ નહોતું.તેના પપ્પા તો સવારે સાત વાગ્યે જ ઓફિસ એ ચાલ્યા ગયા હતા.એટલે,સંધ્યા ફટાફટ એક્ટિવા લઇને કોલેજ જવા નીકળે છે. રસ્તામાં જ મીરાં રોજની જેમ તેની રાહ જોતી ઉભી હતી.તેને લઈને બંને કોલેજ એ પહોંચી જાય છે.
કોલેજ પહોંચી સંધ્યા પહેલું કામ સુરજને શોધવાનું કરે છે.તે આજે ગ્રાઉન્ડ માં ક્યાંય દેખાતો નહોતો.પછી, તે કાંઈ વિચાર્યા વગર સીધી પ્રોફેસર ની ઓફીસ માં પ્રોજેક્ટ સબમિટ કરવા જાય છે. જ્યાં કાર્તિક હતો.ને તેના હાથમાં પોતાનો અને સુરજ નો પ્રોજેક્ટ હતો. કાર્તિક પાસે સુરજ નો પ્રોજેક્ટ જોઈ સંધ્યા વિચારવા લાગે છે કે સુરજ કેમ નહીં આવ્યો હોય.તેને કાંઈ થયું તો નહીં હોય ન!? તે કાર્તિક ને પૂછવાનું વિચારે છે, પરંતુ,પૂછી નથી શકતી.તે અને મીરાં પ્રોજેક્ટ સબમિટ કરીને દરવાજા તરફ ફરે છે. ત્યા જ કાર્તિક ટ્રિપ વિશે સર ને પૂછે છે.ટ્રિપ નું નામ સાંભળતા સંધ્યા ના પગ ત્યાં જ રોકાઈ જાય છે,ને કાર્તિક ની વાતો સાંભળવા લાગે છે. કાર્તિક પોતાનું અને સુરજ નું ટ્રિપ માટે નામ નોંધાવે છે.જે સાંભળી સંધ્યા બહુ ખુશ થાય છે.પણ,સાથે સાથે સુરજ કેમ નહીં આવ્યો હોય.એ વાત પણ તેને બેચેન કરી મૂકે છે.મીરા‌ સંધ્યા ને ઘરે જવા માટે પૂછે છે,એટલે સંધ્યા પોતાના વિચારો ને રોકીને ઘરે જવા નીકળે છે.
સંધ્યા ના મમ્મી થોડા દિવસ તેના બહેન ની ઘરે ગયાં હોવાથી ઘરે કોઈ હતું નહીં.મોહનભાઈ તો રાતે દશ વાગે ઓફીસે થી ઘરે આવતાં.એટલે સંધ્યા ફ્રેશ થઈને થોડો નાસ્તો કરી મીરાં ની ઘરે ટ્રીપ ની તૈયારી માટે જાય છે.મીરા સંધ્યા ની જ રાહ જોઈને બેઠી હતી.તેણે બધા કપડા, મેકઅપ નો સામાન ને બીજી ઘણી વસ્તુઓનો બેડ પર ઢગલો કરી રાખ્યો હતો.જે જોઈ સંધ્યા ને થોડું અજીબ લાગે છે.મીરા હંમેશા પોતાનો રૂમ અને બધી વસ્તુઓ ગોઠવીને રાખવાનો આગ્રહ રાખતી.આજે અચાનક રૂમ ની એવી હાલત જોઈ સંધ્યા ને આશ્ચર્ય થાય છે.
સંધ્યા જેવી મીરાં ના રૂમ માં પહોંચે છે.મીરા તેને ભેટી પડે છે,ને કહે છે,"સારું થયું તું આવી ગઈ.મને તો કાંઈ સમજમાં જ નથી આવતું ટ્રીપ માં શું લઈ જવું."
મીરાં ને પહેલીવાર આ રીતે ઉત્સાહીત જોઈ સંધ્યા ને નવાઈ લાગે છે.મીરા ને બહાર જવું બહુ પસંદ નહોતું.આજે મીરાં એક ટ્રીપ માટે આટલી ઉત્સુક હતી.એ પણ તે સંધ્યા ના કહેવાથી ત્યાં જતી હતી.
સંધ્યા વધુ વિચાર ના કરતા ટ્રીપ ની તૈયારી કરવા લાગે છે.બધો સામાન પેક કરી સંધ્યા તેની ઘરે જવા નીકળે છે.ટ્રિપ ને હજુ એક દિવસ ની વાર હોવાથી અને સંધ્યા થાકી ગઈ હોવાથી તે થોડી વાર આરામ કરે છે.ત્યા જ મોહનભાઈ ઓફીસે થી આવે છે.આજે તે વહેલા આવી ગયાં હોવાથી સંધ્યા તેના પપ્પા ને પૂછે છે,"પપ્પા આજે કેમ વહેલા આવી ગયાં? કોઈ તકલીફ તો નથી થઈને ઓફિસ માં?"
સંધ્યા ને તેના પપ્પા ની અને ઓફિસ ની ચિંતા કરતી જોઈ.મોહનભાઈ ને હસવું આવી જાય છે ને તે સંધ્યાને કહે છે,"કાંઈ થયું નથી. ચિંતા ના કર.હુ તો તારી મમ્મી ઘરે નથી.એટલે વહેલો આવી ગયો.તે મને કહીને ગઈ હતી કે હું નહીં હોય તો સંધ્યા નહીં જમે એટલે હું તને બહાર જમવા લઈ જવા વહેલો આવી ગયો."
સંધ્યા બહાર જમવા જવાની વાત થી ખુશ થઈ જાય છે,ને તે અને મોહનભાઈ જમવા જાય છે.જમીને આવી સંધ્યા સુઈ જાય છે.સવારે ઉઠી ટ્રિપ ની બધી તૈયારી કરે છે.આખો દિવસ તૈયારી માં જ પસાર કરે છે,બીજા દિવસે ટ્રિપ માં જવાનું હોવાથી તે બહુ ખુશ હોય છે.



(ક્રમશઃ)