ગર્લ્સ હોસ્ટેલમાં એક ભયાનક હોબાળો મચ્યો હતો. વહેલી સવારે આખી હોસ્ટેલમાં હાહાકાર થઈ ગઈ હતી. હોસ્ટેલના ગૃહમાતા કમ કેર ટેકર મેડમ મિસિસ ચૌહાણે નવરંગપુરા પોલીસ સ્ટેશન ફોન કરીને પોલીસને બોલાવી હતી.
નવરંગપુરાના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર વિરાજ કાળોત્રા અને સબ ઇન્સ્પેકટર ધીરુ મેવાણી બંને મારતી જીપે આવ્યા ત્યારે બધાના ચહેરા ઉપર દુ:ખના ભાવ થીજેલા હતા.
"મેવાણી ત્રીજો માળ ખાલી કરાવ જલ્દી." બધાના ચહેરા ઉપર એક નજર કરીને તરત જ વિરાજે મેવાણીને સુચના આપી.
"જી સર." મેવાણીએ કામ હાથે લીધું. બે કોન્સ્ટેબલને ત્રીજા માળની સીડીઓ પાસે ગોઠવ્યા અને કડક સૂચના આપી.
"જ્યાં સુધી ફોટોગ્રાફર ન આવે ત્યાં સુધી બોડી આપણે હટાવી શકવાના નથી એટલે કોઈ ઉપર આવવું જોઈએ નહીં."
"યસ સર." બંને કોન્સ્ટેબલ્સ એક સાથે બોલ્યા એટલે તરત મેવાણી વિરાજ પાસે પાછા ફર્યા. ઇન્સ્પેકટર વિરાજ મૃતકના હાથમાંની ચિઠ્ઠી વાંચતા હતા.
"સર મૃતક કોણ છે?" સ્ટેશનથી આ પ્રશ્ન પૂછવાનો હવે જ મોકો મળ્યો હતો.
બેડમાં પડી છોકરીની બોડી તરફ જોઈને વિરાજ બોલ્યા, "સોનિયા... સોનિયા ગંગવાણી."
થોડી જ વારે ફોટોગ્રાફર આવ્યો. ફોટા ખેંચી લીધા અને પછી મીડિયા વાળામાંથી એક બેને ફોટા ખેંચવા અંદર આવવા દીધા. મીડિયાવાળા પત્રકારોએ છેક છાતી સુધી રજાઈ ઓઢેલી સોનિયાની બોડીના ફોટા લીધા ત્યારે વિરાજે એક રહસ્યમય સ્માઈલ કરી પણ એ કોઈના ધ્યાનમાં આવી નહિ.
ફોટા લેવાઈ ગયા એટલે તરત જ મીડિયાને હટાવી લેવાયું.
રૂમની બહાર નીકળીને મીડિયાવાળાને ઇન્સ્ટંટ ઇન્ટરવ્યૂ આપવા વિરાજ બહાર આવ્યા અને મેવાણીને અંદર જ રાખ્યા.
"સર આ આત્મહત્યા ક્યારે થઈ?"
"વહેલી સવારે થઈ હોય એવી માહિતી અમને મિસિસ ચૌહાણ પાસેથી મળી છે. મિસિસ ચૌહાણ અહીંના ઓપરેટર મેડમ છે."
"સર મૃતકનું નામ ઉંમર ગામ વગેરે માહિતી આપને મળી છે?"
"ઓફ કોર્સ મૃતક સોનિયા ગંગવાણી બાવીસ વર્ષની છે." વિરાજે અટકીને ઉમેર્યું, "આઈ મીન હતી. એન.પી. કોલેજમાં અભ્યાસ કરતી હતી. થોડાક દિવસોથી એ કોલેજ જતી ન હતી. આજે સવારે લગભગ વહેલી સવારે જ એણીએ આત્મહત્યા કરી છે."
"સર છેલ્લે એને કોણ મળ્યું હતું?"
"હોસ્ટેલનો ચાર્જ સબ ઇન્સ્પેકટર મેવાણી સંભાળે છે. બાકીના બધા જ રિપોર્ટ પછી આપીશું. અત્યારે મળેલી માહિતી બસ આટલી જ છે. થેંક્યું." કહીને વિરાજ અંદર ગયા.
"મેવાણી આ હડકાયા કૂતરાઓને અહીંથી ભગાડ." મેવાણીને કાનમાં ધીરેથી કહ્યું અને મેવાણીએ ડોકું ધુણાવી ચહેરા ઉપર કડક રેખાઓ ઉપસાવી બહાર ગયા.
થોડીવારે મેવાણી અંદર આવ્યા.
"સર એવરીથિંગ ઇઝ ઓકે."
એ પછી એમ્બ્યુલન્સ આવી અને બોડી પી.એમ. માટે ખસેડવામાં આવી. બોડીને પુરી ઢાંકીને એમ્બ્યુલન્સમાં ગોઠવી. એમ્બ્યુલન્સ નીકળી એ પછી ઇન્સ્પેકટર વિરાજ અને એના ડાબા હાથ સમા સબ ઇન્સ્પેકટર મેવાણી પણ ગયા.
રસ્તામાં મેવાણીએ એક હોટેલ આગળ જીપ રોકી. કેન્ટીનમાં જઈને એ બે કપ ચા લઈ આવ્યા. ચાના ઘૂંટ લેતા મૂછોને વળ દેતા વિરાજે મોબાઈલ નીકાળી એક નંબર લગાવ્યો.
"હેલો એજન્ટ એ કામ થઈ ગયું છે."
"ગુડ અને એમ્બ્યુલન્સ?"
"સર એમ્બ્યુલન્સ પણ ઓકે."
"ઓકે બીજો કોઈ રિપોર્ટ?”
"યસ સર હવે પ્રુફ છે. હું આજે જ છાપો મારું?"
"નહિ. એ બધું પછી, અત્યારે નહિ. એ પ્રુફ ચોક્કસ ન કહેવાય. એજન્ટ એસ બીજા પ્રુફ લેવા ગયો છે ચારેક દિવસમાં મળી જશે. પછી બધું પ્લાન સેટ છે."
"ઓહ એજન્ટ એસ 1 કે 2?"
"એજન્ટ એસ 2."
"માય ગોડ એ સાલો..." પછી વધારે બોલાઈ ગયું હોય એમ ઝડપથી સુધારી લીધું, "સોરી સર એ અહીં હતો અને મને ખબર પણ નથી?"
"મારો કામ કરવાનો ત્રિકોણ અત્યાર સુધી કોઈ જાણી નથી શક્યું કાળોત્રા. હું બધું કામ ગૂંચવાડો ઉભો કરીને કરું છું."
"એ હું ક્યાં નથી જાણતો?" વિરાજે હસીને સ્વીકાર્યુ.
"વિરાજ તારે હમણાં કશું જ કરવાનું નથી. જરૂર પડ્યે હું તને કોન્ટેક્ટ કરીશ."
"જય હિન્દ સર."
"જય હિન્દ." એજન્ટ એ’નો અવાજ આવ્યો અને ફોન કટ થઈ ગયો.
*
નિધિએ સાંજ સુધી આરામ જ કર્યો. જમ્યા પછી પણ લગભગ ચાર વખત એ ચા પી ગઈ. પણ એને ક્યાંય આશ્રમમાં જવું ઠીક ન લાગ્યું. ત્યાં તો બહુ બધા રુલ્સ હોય એ રુલ્સ આપણાથી ફોલો ન થાય એમ વિચારી એ બેસી રહી.
પણ એનું મન હજુય દુઃખી હતું. મનમાંથી એન્જીની યાદો ખંખેરી લેવા એ રિડીગ રૂમમાં ગઈ. પણ ત્યાં તો એને એન્જીની ડાયરી દેખાઈ.
ઘડીભર રેડ ડાયરી એ જોતી રહી પછી એકાએક યાદ આવ્યું આગળ એન્જીએ શુ લખ્યું હશે? જાણવાની જિજ્ઞાસા સાથે એણીએ ડાયરી લીધી. વાળેલું પાનું ખોલ્યું અને આગળ વાંચવા લાગી. એન્જીએ બધું અંગ્રેજીમાં લખેલું હતું. નિધિને અંગ્રેજી વિલીશ અને મેરીએ શીખવ્યુ હતું એટલે તેને તેમાં કોઈ સમસ્યા ન થઈ.
પણ છેલ્લા કેટલાક દિવસોથી પ્યારી નિધિ મારી મોમ મેરી અને ફાધર વિલિશ સિવાય મારી લાઈફમાં કોઈ આવ્યું હતું. એ હતો દર્શન. દર્શન સોની.
મારી મોમ મેરી ઘણી વાર મારા ડેડીને મજાકમાં કહેતી હું કોઈ ઇન્ડિયન જોડે પરણી હોત તો સુખી હોત. કમસેકમ અહીં ગામડામાં ન રહેવું પડયું હોત. પણ મોમ જાણતી હતી કે એ ગામમાં અમે ખુશ હતા. મને એક ઇન્ડિયન છોકરો ગમ્યો. એની સાથે હું મેરેજ કરવાની હતી.
મેં કોઈને કહ્યું ન હતું. કારણ મને ખાતરી થઇ જાય કે દર્શન ચોખ્ખો છે પછી જ હું નિધિને અને મોમ ડેડને બધું કહેવા માંગતી હતી. કેમ કે તેની સાથે મારે આગળ જતા કેમેસ્ટ્રી ન બેસે તો મોમ ડેડ અને નિધિ પણ દુખી થાય.
અને થયું પણ એવું જ. હું તેની સાથે મેરેજ કરવાની હતી....
પણ.....
એટલું વાંચીને પણ ઉપર પેજ પૂરું થઈ ગયું એટલે નિધિની આગળ વાંચવાની જિજ્ઞાસા વધી ગઈ. ઝડપથી એણીએ પેજ ફેરવી લીધું.
પણ..... ઘેર વોઝ એ ફોલ્ટ ઇન માય સ્ટાર...... અમારું બ્રેક અપ થઈ ગયું. દર્શન અમદાવાદ છોડીને ચાલ્યો ગયો. મને છોડીને ચાલ્યો ગયો.....!
દિવસો સુધી હું દુઃખી રહી. પછી મને જીવનના સત્યો સમજાઈ ગયા. હું અમદવાદના સ્વીકાર આશ્રમે ચાલી ગઈ. ત્યાં મને સમજાયું કે આ જીવન કઈ જ નથી. આ તો મોહમાયા છે. એક દિવસ આ શરીર અહીં પડ્યું રહેશે. આત્મા એની સફર ઉપર નીકળી પડશે. પછી માત્ર આનંદ જ આનંદ.
સ્વીકાર આશ્રમના આચાર્ય પ્રમોદ મહારાજ કહેતા હતા કે માનવ જન્મ માત્ર દુઃખી થવા માટે જ મળે છે. કોઈ હિંમતથી એનો રસ્તો કરી શકે છે. અને મેં પણ એનો રસ્તો કરી લીધો... સ્વેચ્છાએ મારુ મૃત્યુ મેં સ્વીકારી લીધું...
આટલું વાંચતા નિધિની આંખો છલકાઈ ગઈ. એન્જી આવું લખે? એન્જી આવા નકામા વિચારો કરી શકે? એવું તો એને શુ દુઃખ લાગ્યું હશે કે હસતી ખેલતી એન્જી સાવ આવી બદલાઈ ગઈ?
પણ આગળ વાંચ્યા વગર એ રહી ન શકી.
મેં તો મૃત્યુ સ્વીકારી લીધું. પણ એ પહેલાં મને ઘણા વિચાર આવ્યા. મેં સાંભળેલા વ્યાખ્યાનો પ્રવચનોમાં મને એ જાણવા મળ્યું કે આટલી સંપત્તિ મારી પાસે હતી તોય હું એક સુખ ન મેળવી શકી તો જેની પાસે ખાવા પીવા રહેવા નથી એ બિચારા કઈ રીતે જીવતા હશે? એમની પાસે ક્યાં એટલું ઉચ્ચ જ્ઞાન હોય છે કે એ લોકો મારી જેમ આત્માને મુક્ત કરી શકે? બસ એટલા માટે હું મારી બધી સંપત્તિ દાન કરીને જાઉં છું.
નિધિ જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ એનું હૃદય ભરાઈ આવ્યું. એ રડતી રહી. આંખો લૂછતી રહી. વચ્ચે વચ્ચે એન્જીની સ્મૃતિઓ યાદ આવતી રહી. અને ડુસકા નીકળતા રહ્યા.
*
અનુપ બીજા જ દિવસે અમદાવાદ આવ્યો. આખી રાત એણે ગાડી હંકારી હતી. સવારે સાત વાગ્યે તો સમીરના ફ્લેટ પર એ હાજર થઈ ગયો.
સમીરે દરવાજો ખોલ્યો અનુપને જોઇને પહેલા તો તે વિચારમાં પડ્યો. આ વડોદરાથી આટલો વહેલો કેમ આવ્યો હશે? તેની આંખોમાં ઉજાગરો દેખાતો હતો.
સમીર તેને જોઈ રહ્યો એટલે એ તરત જ બોલી ઉઠ્યો, "સરફરાઝને હું કહીને આવ્યો છું. તું જલ્દી તૈયાર થઈ જા પછી આપણે સરફરાઝને લઈને વડોદરા જવાનું છે."
સમીર જાણે આ વાતની રાહ જ જોઈ રહ્યો હોય એમ તરત તૈયાર થવા લાગ્યો. તૈયાર થઈને એણે ચા બનાવી.
"એક મિનિટ આવું." હાથની આંગળીનો ઈશારો કરીને અનુપ બાથરૂમ ગયો અને એ જ સમયે ‘એજન્ટ એ’ના શબ્દો સમીરના મનમાં તાજા થયા.
એ કોને સૌથી વધારે ફોન કરે છે એ જાણી લેજે.
પણ અનુપના મોબાઈલમાં લોક ન હોય એ શક્ય ન હતું. એટલે એવો વ્યર્થ પ્રયત્ન કરવાનો કોઈ અર્થ ન હતો. તેણે અરધી જ મીનીટમાં મગજ દોડાવ્યું.
"અરે અનુપ વડોદરા જવું હોય તો મારે ડોગ હાઉસ પર સુલેમાન ચાચાને જાણ કરવી પડશે."
"કરી દે."
"પણ મારા મોબાઈલમાં બેલેન્સ નથી. તારે મોબાઈલમાં લોક છે."
"B...."
તરત જ સમીરે પેટર્ન લોકમાં B ડિજાઇન કરી. લોક ખુલી ગયું પણ એ સાથે જ બાથરૂમનો દરવાજો પણ ખુલ્યો. અનુપ બહાર આવી ગયો હતો. જોકે સમીરને હવે ખાસ કામ ન હતું.
એણે કોલ લોગ જોયો. લગભગ બે ત્રણ દિવસના કોલ્સ બતાવતું હતું. એમાં હમણાં જ એક કોલ બાપુને કરેલો હતો. ગઈ કાલે સાંજે પણ એક કોલ બાપૂનો આવ્યો હતો.
સમીરે સેકંડોમાં આ બધું નોંધીને તરત જ નંબર ડાયલ કર્યો. સુલેમાન ખેતરમાં ક્યાંક અડાઅવળા જ હોય એટલે ફોન લેતા સમય લાગ્યો.
"સુલેમાન મિયા બે ત્રણ દિવસ હું નહિ આવું હમણાં બહાર જવાનું છે."
"કેમ?"
"મિત્રો સાથે ફરવા જાઉં છું. પણ આ તો બે ત્રણ દિવસ હું આવીશ નહિ એટલે કદાચ તમે લોકો ફિકર કરો એટલે જાણ કરી."
"ધેટ્સ ગુડ ખુદા હાફિઝ."
"ખુદા હાફિઝ."
"વડોદરામાં કોઈ શિકાર મળ્યો કે શું?" ફોન મૂકીને અનુપને મોબાઈલ આપતા એણે પૂછ્યું.
"એમ જ સમજ ને." અનુપે ચાનો કપ ઉઠાવ્યો અને ગરમ ગરમ ચા પીને ઊંઘ ઉડાવી. જેને મગજથી વિચારવાનું હોય એ લોકોને ચાનું એક પ્રકારનું વ્યસન થઇ જાય છે, આ બધા શિકારીઓનું કામ પણ માઈન્ડ પ્લેયરનું હતું.
બંને એ સિગારેટ સળગાવી. સિગારેટ પીને બંને નીચે ઉતર્યા. સીડીઓ ઉતરીને સામેના ફ્લેટ તરફ જતા સમીર અટક્યો.
"તું સરફરાઝને લઈ આવ હું સામે બેલેન્સ કરાવી લઉં."
અનુપે વિચારોમાં માત્ર હકારમાં માથું હલાવી દીધું અને સામેના ફ્લેટમાં ચાલ્યો ગયો. સમીરે ઝડપભેર પગ ઉપડ્યા. સામેની એક મોબાઈલ શોપ જઈને દુકાનદાર સામે જોયું.
"એક કુપન આપો તો આઈડિયાની."
"કેટલાવાળી?"
"જે હાથમાં આવે તે...."
"50 વાળી આપી દઉં."
"ઠીક છે...." સમીરે જલ્દી પર્સમાંથી 50ની એક નોટ કાઢીને ટેબલ ઉપર સરકાવી. એવી જ રીતે પેલાએ કુપન સરકાવી.
સમીરને અત્યારે કોઈ બેલેન્સ કરવાનું ન હતું પણ એ ઉતાવળમાં કોઈ ભૂલ કરવા માંગતો ન હતો એટલે જ બસ કુપન લીધી હતી.
તરત એ દુકાનની પાછળના ભાગે ગયો જેથી ફ્લેટમાંથી કઈ દેખી ન શકાય. દુકાનની પાછળના ભાગે રોડ હતો. ત્યાં બીજી ઘણી દુકાનો હતી અને એક બે મોબાઈલ શોપ પણ હતી.
તરત એણે એક નંબર ડાયલ કર્યો.
"હેલો."
"યસ ખાન."
"બોસ હું વડોદરા જાઉં છું. કદાચ મને મેસેજ મોકલવાનો કોઈ મોકો ન મળે તો તમે મારી પાછળ કોઈ..."
"અલરેડી માણસો વડોદરા પહોંચી ગયા છે, તું ક્યારે નીકળે છે?"
"હું હમણાં જ નીકળું છું. અને અનુપ આજે જ અમદાવાદ પરત આવ્યો છે. હવે અમને બધાને લઈને વડોદરા જાય છે એટલે મારા ધાર્યા મુજબ કામ થઈ ગયું હશે."
"ઠીક છે હું વ્યવસ્થા કરી દઉં છું. અને તે હજુ છાપું નથી વાંચ્યું?"
"નહિ સવારે બાથરૂમ જાઉં એ પહેલાં અનુપ આવી ગયો હતો."
"ઠીક છે રિપોર્ટ?"
"સર કોઈ બાપુ છે એને અનુપ સૌથી વધારે ફોન કોલ કરતો હોય એમ લાગે છે. પણ મને એટલો સમય મળ્યો નથી કે હું એ બાપુનો નંબર જોઈ શકું. નેક્સ્ટ ટાઈમ કરી લઈશ. મારા અંદાજે કોઈ રાજપૂત હશે જેને આ લોકો બાપુ કહેતા હશે."
"નહિ સમીર એવી ઉતાવળ કરવાની જરૂર નથી. મહિનાઓની મહેનત એક શંકાને લીધે બેકાર જશે. બાકીનું હું જોઈ લઈશ. તારે મરણિયા થઈને કશું જ કરવાનું નથી. ધેટ્સ માય ઓડર. અને એ બાપુ કોણ છે તેની તારે ફિકર કરવાની નથી દીકરા એ કામ અલગથી ચાલે છે. તે જે પણ હશે ઝડપાઈ જવાનો છે."
"ઓકે સર. આઈ હેવ ટુ ગો."
"બેસ્ટ લક."
એજન્ટ એ બેસ્ટ લક બોલ્યા એ સાથે જ સમીરે ફોન મુક્યો અને ઝડપથી ફ્લેટ તરફ ગયો. સમીર જાણતો હતો કે સરફરાઝને તૈયાર થતા સમય તો લાગવાનો છે જ.
ફ્લેટ પાસે આવીને જોયું તો હજુ એ લોકો નીચે આવ્યા ન હતા. સમીર જ ફ્લેટની સીડીઓ ચડીને સરફરાઝના ફ્લેટમાં ગયો.
"સલામ માલેઈકુમ."
"માલેઈકુમ અસલ્લામ ભાઈ જાન." બાથરૂમમાંથી બહાર આવીને ટુવાલથી માથું ઘસતો સરફરાઝ બોલ્યો. સમીરે નોંધ્યું એ આજે ખુશ હતો. તાજી કરેલી દાઢીમાં તે વધુ માસુમ અને હેન્ડસમ લાગતો હતો.
"અનુપ મારે ચા પી લેવી પડશે."
"નહિ એ બધું હવે રસ્તામાં અહીં નહિ."
"અરે પણ....."
"ઠીક છે તમે ઝઘડો નહિ સરફરાઝ તૈયાર થાય ત્યાં સુધી હું બનાવી લઉં."
સમીર જાણતો હતો મગજ કસવાનું હોય એ લોકોને ચાની ભયંકર આદત હોય છે. બીજા બધા જ વ્યસન કરતા ચા વધારે ઇફેક્ટિવ છે. સમીર પોતે પણ આ લતમાંથી બાદ ન હતો.
સમીરે ચા બનાવી ત્યાં સુધી સરફરાઝ તૈયાર થયો. ત્રણેય પી લીધી પછી સીડીઓ ઉતરી નીચે ગયા. ત્રણેય જણ અનુપની ગાડીમાં ગોઠવાયા. અનુપે ચાવી ઘુમાવી. ધૃગ... ધૃગ... ધૃગ..... કરતું આખી રાત ચાલેલું એન્જીન સ્ટાર્ટ થયું. અનુપે સિગારેટ સળગાવી એક ઊંડો કસ લઈને વિજય સ્મિત ફરકાવ્યું. ધુમાડાનો એક મોટો ગોટો છોડ્યો અને ગાડી હંકારી. કેટલીયે વાર સુધી ગાડી ગયા પછી પેલો ધૂમ્ર વલય રસ્તા પર આમ તેમ દોડતો રહ્યો અને અંતે વિખરાઈને હવામાં ઓગળી ગયો ત્યાં સુધી ગાડી ખાસ્સી દૂર નીકળી ગઈ....!
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky