Sukh no Password - 10 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 10

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ - 10

અકળાવનારી સ્થિતિ કદાચ આપણા સારા માટે પણ સર્જાઈ હોઈ શકે!

ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિયેશનના પ્રમુખ એન્ટોનિસ માવ્રોપોલસ બે મિનિટ માટે ફ્લાઈટ ચૂકી ગયા એ પછી...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

10 માર્ચ, 2019ના દિવસે ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિયેશનના પ્રમુખ એન્ટોનિસ માવ્રોપોલસ યુનો દ્વારા આયોજિત એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા એડિસ અબાબાથી નૈરોબી જવાના હતા. તેઓ ઍરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા અને તેમણે બોર્ડિંગ પાસ લઈ લીધો હતો. એ પછી તેઓ ઈમિગ્રેશન અને સિક્યુરિટી ચેકિંગ સહિતની બધી વિધિમાંથી પણ પસાર થઈ ચૂક્યા હતા, પરંતુ તેઓ ડિપાર્ચર ગેટ સુધી પહોંચવામાં સહેજ જ મોડા પડ્યા એટલે તેમને ફ્લાઈટમાં પ્રવેશવા ન દેવાયા!

તેમને કહેવાયું કે તમે નૈરોબી જતી ઈથોપિયન એરલાઈનની ફ્લાઇટમાં પ્રવાસ નહીં કરી શકો કારણ કે તમે બે મિનિટ મોડા પડ્યા છો.

એ સાંભળીને એન્ટોનિસ માવ્રોપોલસ અકળાઈ ઊઠ્યા. તેમણે પહેલા ઉગ્ર અવાજે દલીલો કરી, પણ ઍરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ તેમની વાત ન માની એટલે તેઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે બરાડા પાડવા માંડ્યા. તેમણે કહ્યું કે મારી પાસે બોર્ડિંગ પાસ છે, તમે મને આ રીતે ફ્લાઈટમાંથી પડતો ન મૂકી શકો. મારે યુનો દ્વારા આયોજિત ખૂબ જ અગત્યના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચવું જ પડે એમ છે!

તેમણે ધમાલ કરી મૂકી એટલે ઍરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમને ઍરપોર્ટના પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. ત્યાં પણ તેમણે ઉશ્કેરાઈને ખૂબ ઊંચા અવાજે બરાડા પાડ્યા કે તમને ગંભીરતા સમજાય છે કે મારે કેટલા અગત્યના કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું છે?

આ દરમિયાન થોડી મિનિટ્સ વીતી ગઈ હતી અને તેઓ જ ફ્લાઈટમાં જવાના હતા એ ટેક ઓફ થઈ ચૂકી હતી. એન્ટોનિસ માવ્રોપોલસ આક્રોશ ઠાલવી રહ્યા હતા. તેમને બેસવા માટે કહેવાયું, પણ તેઓ બેસવા તૈયાર નહોતા કે કોઈ જ વાત સાંભળવા તૈયાર નહોતા.

એ વખતે ઍરપોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારીને કોઈ ન્યૂઝ મળ્યા. તેમણે માવ્રોપોલસને કહ્યું કે સર તમે ઈશ્વરનો આભાર માનો કે તમે ફ્લાઈટ ચૂકી ગયા છો!

માવ્રોપોલસને સમજાયું નહીં કે ફ્લાઈટ ચૂકી જવાના ઈશ્ર્વરનો આભાર માનવા માટે આ અધિકારી શા માટે કહી રહ્યો છે?

એ વખતે પેલા અધિકારીએ તેમને કહ્યું કે તમે જે ફ્લાઇટમાં જવાના હતા એ ફ્લાઈટ ટેક ઓફ થયા પછી માત્ર છ જ મિનિટમાં તૂટી પડી છે! અને તમે એકમાત્ર એવા પ્રવાસી છો કે જેને ફ્લાઈટમાં બોર્ડિંગની તક મળી નહોતી. જો તમે એ ફ્લાઈટમાં ગયા હોત તો તમે પણ અન્ય 149 પ્રવાસીઓની જેમ માર્યા ગયા હોત!

એ વાત સાંભળીને માવ્રોપોલસના રુંવાડાં ઊભા થઈ ગયા. તેઓ ખુરશી પર ફસડાઈ પડ્યા અને તેમણે ઈશ્વરનો આભાર માન્યો કે પોતાને બે મિનિટનું મોડું થયું એને કારણે પોતે બચી ગયા.

તેમને સમજાયું કે પોતે જેને દુર્ભાગ્ય સમજતા હતા એ વાસ્તવમાં તેમનું સદભાગ્ય હતું!

આપણને કોઈ સ્થિતિ અકળાવી મૂકે એવી લાગે ત્યારે વિચારવું જોઈએ કે એ સ્થિતિ સર્જવા પાછળ કદાચ કુદરતનો કોઈ આશય હશે. શક્ય છે કે જે સ્થિતિ આપણને બહુ જ ખરાબ લાગતી હોય એ જ સ્થિતિ થોડા સમય પછી આશીર્વાદરૂપ લાગે!

***