શ્રાપ
પ્રતાપગઢના મહેલમાં ચારે બાજુ જોનાર જોતું જ રહી જાય એવો વૈભવી ભભકો હિલોળા લઈ રહ્યો હતો. રાજસાહેબની એક માત્ર કુંવરી પ્રિયાએ એના લગ્ન શહેરને બદલે અહીં એમના મહેલમાં આવીને કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કુટુંબના દરેક સભ્યએ એની વાતને ખુશીથી વધાવી લીધી હતી. કુંવરીના લગ્નનો આખું નગર આનંદ મનાવી રહ્યું હતું. સતત પાંચ દિવસ સુધી ચાલનારા લગ્નના જલસામાં સાંજે ગામમાં કોઈને ત્યાં ચૂલો સળગવાનો નહતો, આખા ગામને રાજાસાહેબનું ભાવભીનું આમંત્રણ હતું.
રાજકુમારી પ્રિયા એના હાથોમાં મહેંદી મુકાવવાની હતી અને એ મહેંદીનો રંગ કેવો આવશે, એ સાવ સામાન્ય લાગે એવી વાત ઉપર ત્રણ જણાની નજર ચોંટેલી હતી. રાજસાહેબ પોતે, એમના પિતરાઇ ભાઈ વિક્રમસિંહ અને ગુરુજી, આ ત્રણેયને કુંવરીના લગ્ન કરતાં એના લગ્નની મહેંદીના રંગની ચિંતા એ જન્મી એ દિવસની સતાવી રહી હતી...
“પ્રિયા તારા હાથોમાં જલદી જ મહેંદીનો લાલ રંગ ચઢી જશે, તારી હથેળીઓની ગરમી ઉપરથી હું એ કહી શકું છું.” પ્રિયાની હથેળીમાં મહેંદી મૂકવાની શરૂઆત કરતાં પહેલા એનો હાથ હાથમાં લઈ મહેંદી મૂકવાવાળી છોકરીએ કહ્યું હતું.
“રંગ તો લાલ ચટ્ટાક આવશે જ ને, અમારી કુંવરીબાના લગ્ન એમના સપનાના રાજકુમાર સાથે થઈ રહ્યા છે, ખૂબ નસીબદાર છે અમારાં પ્રિયાબા!” બીજી એક સખી હસીને કહ્યું હતું.
રાત્રે દોઢ વાગે મહેંદી મૂકવાનો કાર્યક્રમ સમાપ્ત થયો પછી બધા સુવા માટે ગયા હતા. પ્રિયા એના બીજે માળે આવેલા વિશાળ ઓરડામાં સૂતી હતી. એના રૂમની બહાર એક આધેડ ઉંમરની, વરસોથી હવેલીની દેખરેખ રાખી રહેલી સ્ત્રી ચોકી કરી રહી હતી. સવારના ચાર વાગતા જ એ સ્ત્રી ઓરડાની અંદર ગઈ હતી અને ફાનસના આછા અજવાળે એણે પ્રિયાની નાજુક હથેળીના વચ્ચેના ભાગેથી થોડીક મહેંદી ઉખેડી હતી... એ સ્ત્રી પછી રાજાસાહેબના ઓરડામાં દાખલ થઈ હતી જ્યાં રાજાસાહેબ સાથે વિક્રમસિંહ અને ગુરુજી પણ જાગતા બેઠા હતા.
“ખમ્મા ઘણી,” એ સ્ત્રીએ માથું નીચે નમાવી, હાથ જોડીને કહ્યું, “કુંવરીબાના હાથ પર મહેંદીનો જરાક સરખો પણ રંગ નથી ચઢ્યો!” આટલું કહીને એ જેવી આવી હતી એવી જ પાછી ફરી ગઈ.
“હે ભગવાન! ગુરુજી તમે જ કોઈ રસ્તો બતાવો. મારી પ્રિયા સાથે હું કોઈ અનહોની નહીં થવા દઉં.” રાજાસાહેબ સાવ લાચાર પડી ગયા હોય એવા અવાજે બોલ્યા.
“એનો એક જ રસ્તો છે, કુંવરીજીના લગ્ન રોકવા પડશે. વરસોથી આપના કુળની દીકરી જ્યારે એના મનગમતા યુવકને પરણવાની હોય ત્યારે એ શ્રાપ જાગી ઊઠે છે અને કન્યાની શું હાલત થાય છે એ આપથી ક્યાં અજાણ્યું છે!”
“પણ ગુરુજી હવે જમાનો બદલાઈ ગયો છે. આજના જમાનામાં આવી વાતો પર કોણ વિશ્વાસ કરી શકે? પ્રિયાને અમારે સમજાવવી કેમની?” વિક્રમસિંહ પોતાની લાડકી ભત્રીજી વિષે વિચારીને કહી રહ્યા હતા, એમને પોતાનું સંતાન નહતું અને પ્રિયા એમને મન એમની દીકરી કરતાય વિશેષ હતી, “કોઈ તો ઉપાય હશે, હોમ, હવન, પુજા...?”
“આપણે પ્રયત્ન કરી શકીએ જે થવાનું છે એ તો થઈને જ રહેશે. હું મારાથી બનતા બધા જ પ્રયત્ન કરી જોઈશ પછી જેવી નિયતિની મરજી.” ગુરુજીએ એમના હોઠ સીવી લીધા. આવનારી અમંગળ ઘડીઓને એ રોકી શકશે કે કેમ? એમને પોતાને જ થોડો થોડો ભય લાગી રહ્યો હતો.
સવારે પ્રિયા વહેલી ઉઠી ગયેલી. આજે એની પિંઠી ચોળવાની વિધી થવાની હતી અને સાંજે વરરાજા જાન લઈને આંગણે આવી પહોંચવાના હતા. છેલ્લા કેટલાક દિવસોથી એ દેવને મળી નહતી. એને જોવા માટે એ અધીરી થઈ રહી હતી. બાથરૂમમાં જઈને સૌથી પહેલા એણે એના હાથ ઉપર નજર નાખી, મોટા ભાગની મહેંદી ઉખડીને પલંગ પર ચોંટી ગયેલી, બાકીનીને એ ઉખાડવા જ જતી હતી પણ... આ શું? એના હાથ સાવ કોરા હતાં! પ્રિયાએ આગળ પાછળ બંને બાજું હથેળીઓને ફેરવી ફેરવીને જોઈ પણ એના હાથ પર સહેજ પીળાશ પડતો રંગ પણ નહતો આવ્યો! અચાનક એને કોઈનું ભયંકર અટ્ટહાસ્ય સંભળાયું કોઈ સ્ત્રીના હસવાનો એ અવાજ હતો. પ્રિયાની નજર એની સામેના દર્પણમાં ગઈ, ત્યાં એની જગ્યાએ કોઈ બીજો જ ચહેરો દેખાયો, એક છોકરી એની સામે જોઈને હસી રહી હતી. સુંદર લાગતી એ છોકરીએ રાજકુમારી જેવા કપડાં પહેર્યા હતા, જરીનું કામ કરેલી ચણિયાચોળી અને ભારે ઘરેણાં, એ પ્રિયાની મજાક ઉડાવતી હોય એમ એની સામે જોઈને હસી રહી હતી.
“કોણ છો તમે? મારી મહેંદીનો રંગ કેમ ના ચઢ્યો? શું રહસ્ય છે આ બધુ?” પ્રિયાએ ગભરાતાં ગભરાતાં પૂછી લીધું.
“હું કોણ છું એ ખબર પડી જશે પહેલાં હું શું કરી શકું છું એ જો,” ફરીથી ભયંકર અટ્ટહાસ્ય કરતી એ સ્ત્રીએ દર્પણમાંથી એનો હાથ બહાર કાઢ્યો અને પ્રિયાનું ગળું પકડી લીધું. પ્રિયા થર થર ધ્રૂજતી એ હાથને એની ગરદન પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી હતી... ઓચિંતો જ એને એક ધક્કો વાગ્યો અને એ દર્પણમાંની પેલી યુવતી તરફ ખેંચાઈ ગઈ, એના હોઠ પર દર્પણમાંની યુવતીએ પોતાના હોઠ મૂકીને એને એક ઘાઢ ચુંબન કર્યું. તરફડતી, ડરેલી પ્રિયા પર એ ચુંબનની જાણે જાદુઇ અસર થઈ હતી, એક જ ક્ષણ બાદ પ્રિયા પણ એ અજાણી યુવતીના હોઠ આવેગથી ચૂસી રહી હતી...
રાજકુંવરી લગ્ન માટે તૈયાર હતી. લાલસાડી અને ઘરેણામાં એ સુંદર લાગી રહી હતી. પંડીતે “કન્યા પધરાવો સાવધાન” એવું કહેતા જ રાજાસાહેબે ઈશારો કરીને કુંવરીને લઈ આવવા એની સખીઓને જણાવ્યું હતું. એ બધી હસતી હસતી પ્રિયાનાં ઓરડામાં પ્રવેશી ત્યારે પ્રિયા ત્યાં નહતી. થોડી બૂમાબૂમ અને શોધખોળને અંતે એ મહેલનાં એક બંધ રહેતાં ઓરડાનાં પલંગ પર આળોટી રહેલી દેખાઈ હતી. એની સાડી અને મેકઅપ અસ્તવ્યસ્ત થઈ ગયા હતાં, એને જોઈને ત્યાં હાજર દરેક જણ ડઘાઈ ગયું હતું.
“અરે પ્રિયાબા આ તમે શું કરો છો? આ કેવી હાલત કરી મૂકી છે! તમને નીચે લગ્ન મંડપમાં બોલાવે છે.” એક છોકરીએ પ્રિયાને ઊભી થવામાં સહાય કરતાં કહ્યું. પ્રિયા એ છોકરી સામે જોઈને હસી હતી અને કહ્યું,
“મારે લગ્ન કરવાં છે પણ આની સાથે...” એણે હાથ લાંબો કરીને દીવાલ ઉપર લટકતી એક તસવીર બતાવી. ત્યાં એક સુંદર છોકરીની આદમકદની તસવીર લટકી રહી હતી. એ એજ છોકરી હતી જે પ્રિયાને દર્પણમાં દેખાયેલી.
“આ તમે શું કહો છો? તમારા વરરાજા નીચે તમારી રાહ જોવે છે.” બીજી એક છોકરીએ શાંતિથી સમજાવતી હોય એમ કહેલું.
“એકવાર કહ્યું ને મારા લગ્ન આની સાથે જ થશે, તારી સમજમાં નથી આવતું?” એકાએક પ્રિયા ઊભી થઈ ગઈ હતી અને એને સમજાવનારી છોકરીનાં વાળ પકડી એને, ખેંચીને કહી રહી હતી. એ અવાજ પ્રિયાનો નહતો. ઘોઘરો એ અવાજ કોઈ શેતાનનો હતો. બધી છોકરીઓ ડરીને નીચે ભાગી ગઈ. તરત જ બધાને કંઈક અઘટિત ઘટી ગયાની ગંધ આવી અને ગુરુજી, રાજાસાહેબ સાથે ઉપર પ્રિયા પાસે દોડ્યા હતાં. બીજા મહેમાનોને વિક્રમસિંહે પ્રિયાની તબિયત અચાનક બગડી ગઈ હોવાથી હાલ લગ્ન મુલતવી રાખવા પડશે એમ સમજાવી દીધું.
“પ્રિયાબા.. તમારા લગ્ન છે આજે, અત્યારે... ચાલો દેવ તમારી રાહ જોઈ રહ્યો છે.” પહેલા ઘાંટો પાડ્યા બાદ પ્રિયાની માસૂમ આંખો સામે જોઈ રાજાસાહેબે નરમ અવાજે કહ્યું.
“દેવ કોણ દેવ? મારે તો રૂપકુંવર સાથે લગ્ન કરવા છે! બોલો કરાવી આપશો મારા લગ્ન એની સાથે? પછી હું કોઈને હેરાન નહીં કરું ચૂપચાપ મારો સંસાર માણવાં ચાલી જઈશ, સદાને માટે...!”
“આ તમે કેવી વાત કરો છો રાજકુમારી? એક કન્યાના લગ્ન બીજી કન્યા સાથે કેવી રીતે થઈ શકે? આ સાસ્ત્રોની વિરુધ્ધ છે!” ગુરૂજીએ સમજાવવાનો પ્રયાસ કરતાં કહેલું પણ એમની વાત સાંભળી પ્રિયા ભડકી હતી.
“સાસ્ત્રો? કોણે લખ્યા છે એને? તારા જેવા જ પાખંડી પુરૂષોએ ને! એક સ્ત્રીની મરજી, એની લાગણી તમે લોકો શું સમજવાના?”
પ્રિયા બોલી રહી હતી એ તકનો લાભ લઈને ગુરૂજીએ એમના ઝભ્ભાના ગજવમાથી એક નાની ચોપડી જેવું કંઈ કાઢી રહ્યા હતા અને એ જ વખતે એમના ગજવામાં આગ લાગી ગઈ, એ ચોપડી પર પણ આગની જ્વાળાઓ ફરી વળી. ગુરૂજીએ ગભરાઈને એ ચોપડી દૂર ફેંકી અને એમના ઝભ્ભા પર હાથથી ઝાપટ મારી આગ રોકવાનો પ્રયત્ન કર્યો. એમના આશ્ચર્ય વચ્ચે ત્યાં કોઈ આગ નહતી, આ પ્રિયાનું છળ હતું જેમાં એ છેતરાઈ ગયા, એમની ચોપડી જ્યાં એમણે ફેંકી હતી ત્યાંથી ગાયબ થઈ ગયેલી...
“તમારી કોઈ ચાલાકી સફળ નહીં થાય એક એક કરીને તમારા બધાનું મોત નિશ્ચિત છે!” ભયંકર રીતે હસીને પ્રિયાએ આકાશમાં જોઈને એના બંને હાથ ઉપર ઉઠાવ્યાં અને અચાનક ક્યાંકથી વાદળોનું ટોળું મહેલ તરફ ધસી આવ્યું, જોરથી પવન આવી રહ્યો અને મહેલને શણગારવા લગાડેલી ફૂલોની શેર, સુશોભન માટેની લાઇટ્સ અને મંડપના કાપડને એની સાથે ઉડાડી રહ્યો. મહેલનાં બધા બારી બારણાં આપોઆપ ઉઘાડ બંધ થવા લાગ્યાં, ઘડી પહેલાનો સુંદર દેખાતો મહેલ અત્યારે ભયાવહ ભાસી રહ્યો હતો. નીચે બધા ગામવાળા અને મહેમાનો મહેલ છોડીને ભાગી રહ્યા હતા. વરરાજા બનીને આવેલ દેવના ગળાનો હાર એના ગળામાં વીંટળાઇ વળ્યો હતો અને એના ગળા પર ભીંસ વધારે જતો હતો. નાજુક ફૂલોની માળા જ એના મોતનું કારણ બનશે એવું વિચારી એના મિત્રો એ માળાને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
“ભાગી જાઓ... બધા ભાગી જાઓ... જે પણ આ મહેલમાં રોકશે એનું મોત બોલાશે.”
આકાશવાણી થઈ હોય એમ એક ઘોઘરો અવાજ કહી રહ્યો હતો અને બચ્યા કૂચ્યા માણસો પણ એ અવાજ સાંભળી ભાગી ગયા. દેવના બંને હાથ પકડીને એના દોસ્ત ભાગ્યા અને મહેલની બહાર જતાં જ જાણે જાદું પૂરું થયું હોય એમ ફૂલોની માળા દેવના ગળામાંથી છૂટીને નીચે પડી ગઈ. અવાચક થઈને દેવ મહેલ તરફ જોઈ રહ્યો હતો, એનો હાથ હજી એનું ગળું પંપાળી રહ્યો હતો.
“જો ભાઈ જાન હૈ તો જહાન છે! તું પ્રિયાને ભૂલી જા અને નીકળ અહીંથી.” દેવના મોટાભાઈએ કહ્યું અને દેવનો હાથ પકડી એને મહેલથી દૂર ખેંચી ગયા. દેવને પ્રિયાની ચિંતા હતી પણ આ બધું એટલી ઝડપથી બની ગયેલું કે એ કંઈ જ ના કરી શક્યો.
ગુરૂજીએ એમના ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા કાઢીને પ્રિયા તરફ એવી રીતે ફેંકી કે એ પ્રિયાનાં ગળામાં ભેરવાઈ ગઈ અને રાડો નાંખતી, હસી રહેલી પ્રિયા ચક્કર ખાઈને નીચે પડી ગઈ. તરત જ રાજાસાહેબ અને વિક્રમસિંહે એને ઉઠાવી અને પલંગ ઉપર સુવડાવી. એ હજી બબડી રહી હતી, “તમને બધાને મારી નાખીશ... આ અંત નથી...”
પ્રિયાની પાસે બે બાઈ માણસને રાખી બધા લોકો નીચે ગયા. હવે આગળ શું કરવું એ કોઈને સમજાતું નહતું. આ બધું શું છે, આ શાપ શું છે એ જાણવા રાજાસાહેબ વરસોથી ઉત્સુક હતા પણ ગુરૂજીએ એમને વખત આવે બધું જણાવીશ કહીને રોકી રાખેલા આજે એ વખત આવી ગયો હતો અને એમણે એ વાત કહેવી શરૂ કરી.
આ ઘટનાની શરૂઆત આજથી સો વરસ પહેલા થયેલી. મારા પિતાજી પાસેથી જે મેં જાણેલું એ હું તમને કહી રહ્યો છું. એ વખતે તમારા પરદાદા રાજ્ય સંભાળતા હતા. ચાર દીકરાઓ ઉપર એમના ઘરે રાજકુંવરી જનમી ત્યારે બધા ખૂબ ખુશ થયેલા અને એને પ્રેમથી વધાવી લીધેલી. મહારાજ દીકરી રૂપકુંવરને પણ એમના ચાર દીકરા સમાન જ ઉછેરી રહ્યા હતા, એને જે ગમે એ વિષયમાં પારંગત થવાની છૂટ હતી. રૂપકુંવરબા પણ અનોખી બાઈ હતાં. રૂપની સાથે સાથે રાજરાણીને શોભે એવો ઠસ્સો અને બુધ્ધિ એમની શોભામાં ચાર ચાંદ લગાડતાં હતાં. એમની યુવાન વયે એમનાં લાયક યુવરાજ શોધવો મહારાજ માટે લોઢાના ચણા ચાવવા જેવુ કપરું થઈ પડેલું. દૂર દૂરથી રાજકુમારી માટે માંગા આવતાં અને રાજકુમારી પળ ભરમાં એમને ‘ના’ કહી દેતી. મહારાજના એ એટલાં લાડકા હતાં કે કોઈ કશું જ કહી શકતું નહતું પણ દીકરીની વધતી ઉંમર જોઈને મહારાજને ચિંતા થવા લાગી હતી. એક દિવસ રૂપકુંવરબાએ સામેથી મહારાજને જણાવ્યું કે એમણે એમનાં લાયક પાત્ર શોધી લીધું છે અને એ એની સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે. બીજે દિવસે કુંવરીબા એમણે પસંદ કરેલ વ્યક્તિને લઈને મહારાજ પાસે ગયાં ત્યારે મહારાજ સહિત એમનાં ચારે ભાઈઓ ક્રોધથી લાલચોળ થઈ ગયાં હતા.
રૂપકુંવરબાએ લગ્ન માટે પસંદ કરેલ વ્યક્તિ એક સ્રી હતી! એક સ્ત્રીનાં લગ્ન બીજી સ્ત્રી સાથે કરાવવાનું કોઈ વિચારી પણ કેમ શકે? એ પણ આજથી સો વરસ પહેલા! બધાએ એમનો વિરોધ કર્યો. એમની તેજ બુધ્ધિ પ્રતિભાને કારણે એમણે દરેકના વાંધાનો યોગ્ય ઉત્તર આપેલો, એમનાં મત મુજબ એમને પૂરો હક હતો એમને લાયક જીવનસાથી પસંદ કરવાનો અને એ એમને હવે એમીલી નામની ખ્રિસ્તી બાઈ સિવાય બીજી કોઈ વ્યક્તિમાં રસ નહતો.
એમનાં સૌથી નાનાભાઇએ તપાસ કરાવતા જાણ થયેલી કે એમીલી એક જાદુગરની હતી. લોકોનું ભવિષ્ય જોવાનો અને બૂરી બલાઓથી બચાવવાનું એ કામ કરતી. વાંકળીયા સોનેરી વાળ, વાદળી આંખો અને ઘેરદાર ફ્રૉક ઉપર એ કેટલીયે પથ્થરની બનેલી માળાઓ પહેરતી હતી. બધાને વિશ્વાસ થઈ ગયો કે નક્કી એણે રાજકુમારી પર વશીકરણ કર્યું છે. એના જાદુનો તોડ લાવવાનો એક સૌથી આસાન રસ્તો ચારે ભાઈઓએ વિચારી લીધો અને એને તરત અમલમાં પણ મૂકી દીધો.
એ લોકોએ એમીલીનાં ઘર ઉપર હુમલો કર્યો અને એ એક ડાકણ છે એમ કહીને એને ગામના ચોરાં વચ્ચે થાંભલા સાથે બાંધીને ગામવાળા પાસે પથ્થર મરાવ્યા અને પછી એને જીવતી સળગાવી નાખી. મરતી વખતે એણે બધાનો આભાર માનતા કહેલું કે હવે એને રૂપકુંવરથી કોઈ અલગ નહીં કરી શકે...
આ બીનાથી છેડાયેલી કુંવરીએ ત્રણ દિવસ સુધી પોતાને એક ઓરડામાં પૂરી રાખેલી અને અન્નજળનો ત્યાગ કરેલો. રાજાસાહેબ દીકરીને મનાવવાના પ્રયત્ન કરતાં રહેલા પણ હવે ભાઈઓની નજરમાંથી બેન ઉતરી ગયેલી. એમનું ચાલત તો કુંવરીને પણ ખતમ કરી નાખત. છેવટે બાપના હેત આગળ કુંવરીબા પીગળી ગયેલાં અને એ દિવસે એમણે એમનાં હાથે બધા માટે ખીર બનાવેલી. ખીર ખાતા જ ત્રણે ભાઈઓને ગળામાં બળતરા બળવાની ચાલું થયેલી અને થોડીક જ પળોમાં એ મૃત્યું પામેલા. સૌથી નાનાભાઇએ ખીર નહતી ખાધી એટલે એ બચી ગયેલો, પોતાના ભાઈઓનો આ કરૂણ અંત જોઈને એને ક્રોધ આવેલો અને એણે તલવારના એક જ ઘાએ રૂપકુંવરબાનુ મસ્તક એમનાં ધડથી જુદું કરી નાખેલું. એમનું કપાયેલું મસ્તક કહે છે કે હસતું હતું અને એણે શ્રાપ આપેલો કે આ કુળમાં ક્યારેય કોઈ છોકરીનાં લગ્ન એની મરજી મુજબ નહીં થાય! જેવી રીતે એમણે એમનો પ્રેમ ગુમાવ્યો એવી જ રીતે આ કુળમાં જન્મ લેનારી દરેક સ્ત્રીએ એના પ્રેમીને ગુમાવીને એના માટે તડપવું પડશે!
એ દિવસે જે બન્યું એ ઘટના, એ શ્રાપ જ જવાબદાર છે આ કુળની દીકરીના લગ્ન એના મરજીના યુવક સાથે ના દેવા પાછળ. આજે આટલા બધા વરસો બાદ પણ આપણે એ શ્રાપમાથી મુક્ત નથી થઈ શક્યા.
“મને લાગે છે હવે આપણે એ શ્રાપમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે.” વિક્રમસિંહ જે ક્યારનાં ચૂપ રહી બધુ સાંભળી રહ્યા હતા એમણે કહેવાનું ચાલુ કર્યું, “આપણે રૂપકુંવરબાની ઈચ્છા પૂરી કરી એમની વરસોથી ભટકી રહેલી આત્માને મુક્તિ અપાવશું.”
“પણ વિક્રમ એ કેવી રીતે શક્ય છે!”
“એનો રસ્તો આપણને એ જ બતાવશે મોટાભાઇ.”
બધા ફરીથી પ્રિયાના રૂમમાં ગયાં ત્યારે એ પલંગ પર બેઠી શણગાર સજી રહી હતી. એના ગળામાં નાખેલી રુદ્રાક્ષની માળા નીચે જમીન ઉપર પડી હતી. આ બધાને જોઈને એણે હસીને કહ્યું, “શું વિચાર્યું? આ પ્રિયા પણ મારી રૂપકુંવર જેવી જ છે એની સાથે મારા લગ્ન કરાવી દો પછી હું ચાલી જઈશ.”
“પહેલા એ કહે તું કોણ છે?” વિક્રમસિંહે પુછ્યું.
“હું એમીલી છું. હું કુંવરીને સાચો પ્રેમ કરતી હતી, એ કોઈ વશીકરણ નહતું પણ તમે લોકોએ સમજ્યા વગર મને મારી નાખી અને પછીથી મારી કુંવરીને પણ... તમે બધા પાપી છો અને તમને સજા કરવા જ હું કુંવરીએ આપેલાં શ્રાપને સાચો કરી રહી છું!”
“એમીલી તારી સાથે જે થયું એ બદલ અમે દિલગીર છીએ, અમારા વડવાઓ વતી અમે તારી માફી માંગીએ છીએ તું આ તારી માયા સંકેલી લે.” રાજાસાહેબ શાંતિથી બોલ્યા.
“માફી નહીં લગ્ન. મારાં લગ્ન પ્રિયા સાથે.” પ્રિયાના શરીરમાં રહેલો એમીલીનો આત્મા કહી રહ્યો.
“અમને મંજૂર છે.” વિક્રમસિંહે કહી દીધું અને પૂજારી સાથે રાજાસાહેબ પણ એની સામે પુચ્છાભરી નજરે જોઈ રહ્યા. “તું રૂપકુંવરને ચાહતી હતી, એના શ્રાપને જીવતો રાખવાં તે આટલાં વરસ ભટકતી આત્મા તરીકે ગાળ્યા અને હવે જો તું પ્રિયા સાથે લગ્ન કરીશ તો રૂપકુંવરને દુખ નહીં થાય?”
“તું મને વાતોમાં ગોળ ગોળ ફેરવવા માંગે છે?” એક ભયાનક અટ્ટહાસ્ય કરીને પ્રિયાએ કહ્યું, “મારી રૂપકુંવર અહીં જ છે મારી પાસે...” અને બરોબર એ જ વખતે દિવાલ ઉપર રૂપકુંવરબાનો પડછાયો દેખાયો.
“તમારી અધૂરી ઈચ્છા અમે લોકો પૂરી કરીશું, તમારાં બંનેના લગ્ન કરાવીને, બંને આત્માઓનું મિલન કરાવીને પણ પ્રિયાબાનાં શરીરને છોડી દો.” ગુરૂજીએ મક્કમ અવાજે કહ્યું.
એક આંચકો ખાઈને પ્રિયા પલંગ ઉપર ઢળી પડી. હવે છત ઉપર બે પડછાયા દેખાઈ રહ્યાં હતા, એક રૂપકુંવરનો અને બીજો એમીલીનો!
“અમારે બસ તમારાં લોકોની સહમતી જોઈતી હતી, અમારાં સંબંધ માટે. અમારો પ્રેમ પવિત્ર છે જેમ એક સ્ત્રી અને પુરુષ એકબીજાને ચાહી શકે એમ જ બે સ્ત્રીઓ પણ એકબીજીને પ્રેમ કરી શકે છે. જીવનભર એકમેકને સાથ આપી શકે છે! હવે મારાં દિલમાં તમારાં લોકો માટે કોઈ દ્વેષ નથી. હું મારો શ્રાપ પાછો લઉં છું અને અમારાં આશીર્વાદ છે આ કુળની દરેક દીકરીને એનો ઇચ્છિત વર મળે.” રૂપકુંવરબાએ કહ્યું અને એમીલીનો હાથ પકડી આકાશ તરફ પ્રયાણ કર્યું. થોડીક જ સેકંડમાં એ બંને આત્મા અલોપ થઈ ગઈ અને પ્રિયાબાને ભાન આવી ગયું. એ હવે સંપૂર્ણ સ્વસ્થ હતી.
નિયતી કાપડિયા.