Jadui Chirag in Gujarati Moral Stories by Dr.Sharadkumar K Trivedi books and stories PDF | જાદુઈ ચિરાગ

Featured Books
Categories
Share

જાદુઈ ચિરાગ

અમદાવાદ બસ સ્ટેશન ઉપર તમને અકાળે વૃદ્ધ થયેલો એક યુવાન આવીને પૂછે છે
'મને ઓળખ્યો?'
તમે થોડો વિચાર કરીને કહ્યું
'ના,અવાજ પરિચિત લાગે છે પણ ચહેરો ઓળખાતો નથી.'
એણે નિસાસો નાંખીને કહ્યું
'હા,સાચી વાત છે,મારા ડોળ જોઈને હવે મને કોઈ ઓળખી શકતું નથી,તું પણ શાનો ઓળખે?'
પછી 'રુસ્વા'મઝલૂમીની જાણીતી પંક્તિઓ તમને સંભળાવી.
મોહતાજ ના કશાનો હતો,કોણ માનશે?
મારોય એક જમાનો હતો,કોણ માનશે?
તમે ચમકીને કહયું
'અરે,ચિરાગ,જાદુઈ ચિરાગ તું!અરે,યાર તું ઓળખાય એવો જ રહ્યો નથી,કયાંથી ઓળખું?'
એણે કહ્યું'હા,યાર તારી વાત સાચી છે,મરવાના વાંકે જીવું છું'
પછી તમે બંને એ બસ સ્ટેન્ડની કેન્ટીનમાં ચા પીધો.બંને ઘણા સમયે મળ્યાં હતા એટલે એકબીજાના પરિવાર વિશે જાણ્યું.ચિરાગે એની જિદંગી વિશે વાત કરી,વાત કરતી વખતે એની આંખના આંસુઓ પાંપણે આવીને રોકાઈ ગયેલાં તમે જોઈ શક્યા હતાં.બંને જણાએ મોબાઈલ નંબરની આપલે કરી.એ એના ગામની છેલ્લી લૉકલમાં બેસી એના ગામડે જવા નીકળ્યો.
એ પછી તમે પણ બસમાં બેસી તમારા શહેર તરફ નીકળી ગયેલાં,રાઘવ.ખાસા બે કલાકનો રસ્તો હતો અમદાવાદથી તમારા શહેરનો.તમારા સ્મૃતિપટ પરથી ચિરાગ ખસતો ન હતો.
ચિરાગ એ વખતે તમારી કૉલેજમાં નવો આવેલો.બીજા વર્ષની શરુઆતમાં એ તમારી કૉલેજમાં દાખલ થયેલો.આકર્ષક ચહેરો,સપ્રમાણ શરીર,નીલી આંખો,મોહક વ્યક્તિત્વ,મદદ કરવાની ભાવના,પરગજુ સ્વભાવ,હસમુખા હોઠ,હાજર જવાબીપણું કેટકેટલી ખાસિયતો હતી એનામાં. થોડાં જ સમયમાં એ કૉલેજના આચાર્યથી માંડીને પટાવાળા સુધી સૌનો પ્રિય થઈ પડેલો.કૉલેજમાં એનું વિશાળ મિત્ર વર્તુળ બની ગયેલું.ચારેબાજુ ચિરાગ,ચિરાગ અને ચિરાગ થઈ પડેલું.કૉલેજની છોકરીઓ પણ એની દીવાની હતી.દરેક છોકરીને ચિરાગ ગમતો.છોકરીઓ ચિરાગ પાછળ-પાછળ ફરતી.એની ઝૂલ્ફો ઊડતી અને કુંવારીઓના દિલ ધડકતા.ચંપલ ઘસી ઘસીને થાકેલાં છોકરાઓને ભાવ ન આપતી છોકરીઓ ચિરાગના એક 'હાય'થી પાણી પાણી થઈ જતી.
એકવાર અપડાઊન કરતી એક છોકરી સાથે અપડાઊન કરતાં છોકરાઓએ ચિરાગને કહ્યું બધી છોકરીઓ તને જોઈને પાણી-પાણી થઈ જાય છે,પણ અમારા સાથે બસમાં અપડાઊન કરતી કોમલને તારી સાથે વાત કરતી કરે તો માનીએ.એ કયારેય કોઈ છોકરા સાથે વાત નથી કરતી.સતી સાવિત્રી જોઈ લો.ચિરાગે બીડું ઝડપેલું.કોમલના ગામમાં રહેતાં એક મિત્રને ત્યાંથી એણે અપડાઊન ચાલું કરેલું.કોમલ જે બસમાં આવે એ બસમાં આવવાનું અને એ જે બસમાં જાય ત્યારે જવાનું.ત્રીજા દિવસે તો કોમલ અને ચિરાગ બસમાં એક જ સીટમાં બેસીને કૉલેજ આવેલા.એની સાથે અપડાઉન કરતાં છોકરાઓએ પહેલી વખત કોમલની દંતપંક્તિઓને જોયેલી.ચિરાગ સાથે વાત કરતી વખતે એ ખૂબ ખુશ હતી અને ખડખડાટ હસતી હતી. કોમલ સાથે અપડાઉન કરતાં છોકરાઓ ચિરાગને માની ગયા હતા.
ચિરાગ જે વ્યકતિને ઈચ્છે તે વ્યકતિને પોતાની બનાવી લેતો.એના વ્યક્તિત્વમાં જાદું હતુ.કૉલેજમાં એ જાદુઈ ચિરાગ તરીકે ઓળખાતો થઈ ગયેલો.
કેટલીય છોકરીઓ સાથે એને પ્રેમ પ્રકરણ હતાં.દરેક છોકરીને એમ લાગતું કે ચિરાગ એનો છે પણ ચિરાગ કોઈનો ન હતો.
કૉલેજ કાળ દરમિયાન ચિરાગ કેટલીય ગોપીઓનો કિશન હતો.કોઈ સુપર સ્ટારની જેમ યુવતીઓ એની પાછળ પાગલ થઈ જતી.એ પણ એનો આનંદ ઉઠાવતો.ચિરાગ એની જાદુગીરી આ એક બાબતમાં વાપરતો.એમ સમજો કે જાદુઈ ચિરાગની યુવાનીને યુવતીઓનું વ્યસન થઈ ગયું હતું.ગોપીઓ પણ આ કાનકુંવર પાછળ ધેલી હતી.
જાદુઈ ચિરાગે એના જાદુથી કેટલીય કાચી કળીઓને પુષ્પ બનાવી દીધેલી.એના જાદુનો ભોગ બનેલી યુવતીઓનું એ લીસ્ટ રાખતો અને પોતાના જાદુની વાત કરતાં કરતાં ગૌરવ અનુભવતો.
કૉલેજ પુરી થઈ ગઈ.એની જાદુ પાથરવાની જીદના કારણે અભ્યાસમાં કંઈ ઉકાળી શકેલો નહી.એવામાં એના પિતાજીનું મૃત્યું થયું.એના પિતાજી વતનમાં આવેલી એક સહકારી બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતાં હતાં અને થોડી ખેતી હતી.એ તમારા શહેરમાં એની બેનને ત્યાં રહીને ભણતો હતો.પિતાનું મૃત્યું થતાં એને વતનમાં જતાં રહેવું પડ્યું.એના ભાગ્ય ગણો તો ભાગ્ય અને કમભાગ્ય ગણો તો કમભાગ્ય એને સહકારી બેન્કે એના પપ્પાની જગ્યાએ પટાવાળાની નોકરી મળી ગઈ.એના સમાજમાં સાટા પ્રથાના કારણે એની બેન સાથે સાટામાં એના લગ્ન થયેલાં.એને કાળી અને કજીયાળી ભાર્યાના પતિ બનવાનું થયું.સાટા પ્રથાના કારણે એનું કોઈ પણ પગલું એની બેનના સંસારને પણ અસર કરે એના કારણે એણે પડયું પાનું નિભાવી લેવાનું આવ્યું.
પટાવાળાની નોકરી,ખેતીનું કામ અને કજીયાળી પત્નીએ ચિરાગનો જાદુ ખતમ કરી નાંખ્યો. સંસાર સાગરનો વડવાનલ એને દઝાડવા લાગ્યો.બીડી પીવાની પણ એને લત વળગી.બધુ ભેગું થતાં એ ક્ષયનો દર્દી બની ગયો.
કૉલેજકાળનો જાદુઈ ચિરાગ અને બસ સ્ટેન્ડ પર હમણાં મળેલા ચિરાગ વચ્ચે રાત દિવસનો ફરક હતો. બેસી ગયેલું ડાચું,નંખાઈ ગયેલા ખભા, હાડપિંજર જેવું શરીર,ઉદાસ આંખો,હતાશ ચહેરો જાદુઈ ચિરાગ સાથે સહેજ પણ મેળ ખાતાં ન હતાં, એટલે તમે તમારા કૉલેજ કાળના એ જાદુઈ છોકરાને ઓળખી શકેલાં નહી,રાધવ.
માણસ શું હોય છે ને શું બની જાય છે,કોણ જાણી શક્યું છે કાળને?