હું એકલો શું કરી શકું?
આવો સવાલ મનમાં ઊઠે ત્યારે લખનઉના શિક્ષક મનોજ સિંહને યાદ કરી લેજો!
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
ત્રણ દાયકા અગાઉની વાત છે. 1991ના શિયાળાની એક રાતે લ્ખનઉનો પ્રમોદ તિવારી નામનો યુવાન મોડી રાત સુધી તેના ઘરે ન પહોંચ્યો એટલે તેના ઘરના બધા ચિંતાતુર બની ગયા. તેમણે પ્રમોદના સૌથી નજીકના મિત્ર મનોજ સિંહને કોલ કર્યો અને પૂછ્યું કે પ્રમોદ તારે ત્યાં આવ્યો છે? મનોજે કહ્યું, ના, મારે ત્યાં નથી આવ્યો.
મનોજ પણ ચિંતામાં મુકાઈ ગયો. પ્રમોદ જે રસ્તે ઘરે આવતો હતો એ રસ્તે એને શોધતો-શોધતો તે જઈ રહ્યો હતો. એ રસ્તે તેને પ્રમોદ મળ્યો તો ખરો, પણ તેણે તેને જોયો ત્યારે તેનું હ્રદય થોડા ધબકારા ચૂકી ગયું. પ્રમોદ બેહોશ અવસ્થામાં પડ્યો હતો. કોઈ વાહને તેને કચડી નાખ્યો હતો. મનોજ પ્રમોદને હોશમાં લાવવા માટે કોશિશ કરી, પણ પ્રમોદના શરીરમાંથી ખૂબ લોહી વહી ચૂકયું હતું. તેણે બે વખત આંખો ખોલી ને બંધ કરી અને તેના સૌથી નજીકના મિત્ર મનોજના ખોળામાં છેલ્લો શ્વાસ લઈ લીધો. જીગરજાન દોસ્તને નજર સામે મરતો જોઈને મનોજ હચમચી ઊઠ્યો. તે ઘણા સમય સુધી એ આઘાતમાંથી બહાર ન આવી શક્યો. તે રાતે સૂવા જાય ત્યારે તેની નજર સામેથી પ્રમોદની આંખો અને તેના લોહીલુહાણ શરીરનું દૃશ્ય તેના માનસપટ પર તરી આવતું હતું.
તે રાતોની રાતો જાગીને વિતાવતો હતો. એક બાજુ તેને મિત્રના મ્રુત્યુનો આઘાત સતાવતો હતો તો બીજી બાજુ તેના મનમાં આક્રોશ જાગતો હતો. તેને થતું હતું કે જો પ્રમોદને સમયસર સારવાર મળી હોત તો તે બચી ગયો હોત. એ વાત તેને રહીરહીને દુ:ખ અને આક્રોશ અપાવતી હતી કે કેટ્લાય લોકોએ પ્રમોદને તેમની નજર સામે તરફડિયા મારતો જોયો હોવા છતાં તેમણે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કોશિશ ન કરી. તેમને કદાચ થયું હશે કે પોલીસના લફરામાં ક્યાં પડવું અને મોટા ભાગના લોકો એમ માનીને પસાર થઈ ગયા હશે કે આને હોસ્પિટલ પહોંચાડવામાં આપણો સમય બગડશે.
આ રીતે મહિનાઓ વીતી ગયા. મનોજ પોતાના મિત્રના મ્રુત્યુને ભૂલી શક્યો નહોતો. એ સમયમાં એક વાર તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક ઘટનાનો સાક્ષી બન્યો. અને એ દિવસથી તેને જીવનનું એક મિશન મળી ગયું.
ઉદાસીભર્યા એ સમય દરમિયાન મનોજ એક વખત તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેણે એક અકસ્માતમાં ઘવાઈને રોડ પર પડેલા એક યુવાનને જોયો. મનોજ તેની પાસે ધસી ગયો. તેને તે ઘાયલ યુવાનના ચહેરામાં પોતાના પ્રિય મિત્ર પ્રમોદનો ચહેરો દેખાયો. તે યુવાનને લોહીલુહાણ હાલતમાં પડેલો જોવા છતાં લોકો આંખ આડા કાન કરીને નીકળી જતા હતા. પણ મનોજ તેની મદદે ગયો.
મનોજ તે યુવાનને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો અને અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા તે યુવાનને સમયસર સારવાર મળવાને કારણે તે બચી ગયો.
એ પછી મનોજ સિંહના જીવનનું એક મિશન બની ગયું. તે કોઈ પણ અક્સ્માતનો સાક્ષી બને ત્યારે કે તેને કોઈ અકસ્માત વિશે ખબર પડે ત્યારે તે અક્સ્માતગ્રસ્ત વ્યક્તિને મદદ કરવા દોડી જવા લાગ્યો. તેણે આ રીતે કેટલીય ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને સારવાર અપાવી. મનોજને કારણે સમયસર સારવાર મળવાને લીધે કેટલીય વ્યક્તિઓના જીવન બચી ગયા. મનોજ અત્યાર સુધીમાં આ રીતે સાઈંઠથી વધુ વ્યક્તિઓના જીવન બચાવી ચૂક્યો છે.
ગાઢ મિત્રના અકાળ મ્રુત્યુને કારણે લાગેલા આઘાતને પચાવીને અને મનમાં જાગેલા આક્રોશને શાંત કરીને તેણે પોઝિટિવ થિંકિંગ શરૂ કર્યું અને અક્સ્માતગ્રસ્ત લોકોની મદદે દોડવાનું ચાલુ કર્યું.
મનોજ એક શિક્ષક છે જે કોચિંગ ક્લાસ ચલાવે છે. તેની પાસે છેલ્લા 28 વર્ષમાં હજારો વિદ્યાર્થીઓ ભણી ગયા છે. તે પોતાના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે કોઈ પણ જગ્યાએ અકસ્માત થયેલો જુઓ તો અકસ્માતમાં ઈજા પામેલી વ્યક્તિને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં પહોંચાડો. તેના કેટલાય વિદ્યાર્થીઓએ પણ તેની પાસેથી પ્રેરણા લઈને અકસ્માતમાં ઘાયલ થયેલી સેંકડો વ્યક્તિઓનાં જીવન બચાવ્યા છે.
કોઈને મદદ કરવાની વાત આવે ત્યારે ઘણા માણસો કહેતા હોય છે હું એકલો શું કરી શકું? તેમણે મનોજ સિંહ જેવા માણસને નજર સામે રાખવો જોઈએ. એક સામાન્ય શિક્ષક હોવા છતાં પણ તે સીધી અને આડકતરી રીતે સેંકડો વ્યક્તિઓના જીવન બચાવી ચૂક્યો છે.
કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ આઘાતજનક ઘટના બને ત્યારે હતાશામાં સરી પડવાને બદલે તે વ્યક્તિ એ ઘટનામાંથી કંઈક બોધ લઈને બીજાઓ માટે કશુંક કરવાનો નિશ્ચય કરે તો ચમત્કારિક પરિણામ લાવી શકે એનો પુરાવો મનોજ સિંહ છે.
કોઈ વ્યક્તિને અકસ્માત નડે ત્યારે ઘણા માણસો તેની મદદે જવાને બદલે તે અકસ્માતનો અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓનો વીડિયો મોબાઈલ ફોન પર ઉતારવામાં વ્યસ્ત થઈ જતા હોય છે અને પછી સોશિયલ મીડિયા પર એ વીડિયો ‘અપલોડ કરતા હોય છે. એવા વખતે વીડિયો રેકોર્ડિંગ કરવાને બદલે અકસ્માતમાં ઈજા પામેલી વ્યક્તિને મદદ કરવા દોડી જવું જોઈએ. અક્સ્માત વખતે રસ્તા પર નજર સામે તરફડિયાં મારતી ઘાયલ વ્યક્તિઓને મદદ કરવાને બદલે એનો વીડિયો ઉતારવાની અને સોશિયલ મીડિયા પર ‘ફીલિંગ સૅડ’ એવા ઠાલા શબ્દો સાથે અને મોઢું લટકેલું હોય એવા ઈમોજી સાથે વીડિયો પોસ્ટ કરવાની ધ્રુષ્ટતા કરતા નમૂનાઓને એક મહિના સુધી નિત્ય પ્રાત:કાળે ઊંધા લટકાવીને, તેની નીચે મરચાની ધૂણી કરીને, મનોજ સિંહ જેવા માણસના નામનું અડધા કલાક સુધી સ્મરણ કરવાની ફરજ પાડવી જોઈએ.
***