જીવનમાં દરેક વ્યક્તિને કોઈક ને કોઈક મુશ્કેલી તો જરૂર હોય છે, અઢળક સંપત્તિ વચ્ચે પણ લોકોને શાંતિની શોધ હોય છે, ઘણા લોકો જીવનમાં આવતી મુશ્કેલીઓથી ક્યારેક હારી પણ જાય છે, ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવીને મુશ્કેલીઓનો અંત આવશે એમ માનીને સમય પહેલા જ પોતાના જીવનનો ત્યાગ પણ કરતા હોય છે.
મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું હોય તો એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે સમય. દરેક સમયને પસાર થવા દેવો પડે છે, જીવન કરતા મુશ્કેલીઓ ક્યારેય વધારે કિંમતી નથી હોતી, જે લોકો મુશ્કેલીઓથી હારી જઈને મૃત્યુને વહાલું કરે છે તે લોકો એમ કેમ નથી વિચારતા કે જીવતા રહીને મુશ્કેલીઓનો જો સામનો કરીશું તો કદાચ સફળતા મળી પણ શકે છે.
એકવાર એક વ્યક્તિએ ધંધો કરવા માટેનું વિચાર્યું તેની પાસે બચતના થોડા નાણાં હતા તેમાંથી તેને એક નાનો ધંધો શરૂ કર્યો, ધંધો પણ સારો ચાલવા લાગ્યો, એક દિવસ એને વિચાર કર્યો કે થોડા નાણાં વધુ રોકીને મોટો ધંધો શરૂ કરું, તેને બેન્કમાંથી લોન લઈને ધંધો મોટો કર્યો, હવે એજ ધંધાને વધું આગળ લઈ જવા માટે તેને ઘણી જ મોટી રકમની લોન કેટલાક વ્યાજ સાથે નાણાં આપતા લોકો પાસેથી મોટી રકમ વ્યાજ ઉપર લીધી. અચાનક ધંધામાં તેને મોટી ખોટ ગઈ, તેના માથે લાખો રૂપિયાનું દેવું ફરી વળ્યું, શું કરવું તેની તેને કઈ જ ખબર નહોતી, પોતે વસાવેલી તમામ સંપત્તિ વેંચતા પણ માથે મોટું દેવું ચઢી ગયું હતું. પૈસાની માંગણી કરવા વાળા લોકો તેના ઘરે આવી ધાક ધમકી આપતા, તેને વિચાર્યું કે આ બધાથી છુટકારો મેળવવા માટેનો એક જ રસ્તો છે અને તે છે આત્મહત્યા.
પોતાનો જીવ ત્યાગવા માટે તે વ્યક્તિ રેલવે ટ્રેક ઉપર ગયો, થોડીવાર સુધી તે રેલવેના પાટા પાસે જ ઉભો રહ્યો, બે ત્રણ ટ્રેન પસાર થઈ પરંતુ તેની આત્મહત્યા કરવાની હિંમત ના ચાલી, પછી મનથી નક્કી કર્યું કે હવે આંખો બંધ કરીને રેલવેના ટ્રેક ઉપર સુઈ જવું છે, જે થાય એ જોયું જશે, રેલવેના ટ્રેક ઉપર એ સુઈ ગયો ત્યારે ટ્રેકની નીચે પથરાયેલા પથ્થર તેને ખૂંચવા લાગ્યા, ટ્રેન હજુ આવી નહોતી પરંતુ તે પથ્થર તેને પીડા આપી રહ્યા હતા, તે ઉભો થયો અને વિચાર્યું કે જો આ પથ્થર મને આટલી પીડા આપે છે તો જયારે ટ્રેન મારી ઉપરથી પસાર થશે તો કેટલી પીડા થશે? એમ વિચારી એને ટ્રેનની નીચે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો.
રસ્તામાં ચાલતા ચાલતા તેને વિચાર આવ્યો કે દવાની દુકાનેથી ઝેરી દવા ઘરે લઇ જાવ અને એ દવા પી અને સુઈ જઈશ. દવાની દુકાનથી તેને ઝેરી દવા લીધી ઘરે ગયો અને રાત્રે ઘરના બધા સુઈ જાય ત્યારે એ દવા પીવાનું નક્કી કર્યું. ઘરમાં ત્રણ દિવસથી ઉંદર હતા, તેની પત્નીએ ઉંદર મારવા માટેની દવા ઘરમાં મૂકી હતી, રાત્રે જેવો તે દવા પીવા માટે બહાર નીકળ્યો તેવો જ એક ઉંદરને તડફડતા તેને જોયો, તડપી તડપીને તેના પ્રાણ નીકળી રહ્યા હતા. આ જોઈને તેને પોતાના હાથમાં રહેલી દવા પણ નાખી દીધી અને દવા પી અને આત્મહત્યા કરવાનો વિચાર પણ માંડી વાળ્યો.
ઘરમાં પાછો જઈને એ વ્યક્તિ પલંગમાં આડો પડી વિચારવા લાગ્યો, સવારે પૈસા લેવા માટે આવે એને શું જવાબ આપવો એના વિશે, અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો, કામ થોડું જોખમવાળું હતું પરંતુ બીજો કોઈ રસ્તો પણ તેની પાસે હતો નહીં.
સવાર થઇ એટલે જેને પૈસા લેવાના હતા તે લોકોને સામે ચાલીને તે મળવા માટે ગયો, જેને પૈસા આપવાના હતા તેમને તેને કહ્યું: "મારી પાસે પૈસા નથી, તમે મને મારશો કે મારી નાખશો તો પણ મારી પાસેથી પૈસા તો તમને મળવાના જ નથી એના કરતા એક કામ કરો તમે મને હજુ થોડા પૈસા આપો, હું બીજો નાનો ધંધો શરૂ કરું અને એમાંથી કમાણી કરી અને તમારા પૈસા ચુક્વતો જઈશ, કારણ કે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી, જો હું જીવતો હોઈશ તો ગમે તેમ તમારા પૈસા ચૂકવી શકીશ, પરંતુ હું જ નહીં હોઉં તો તમને પૈસા પણ ક્યાંથી મળશે? ભલે થોડું મોડું થશે પરંતુ પૈસા તો મળી જ જશે તમને"
પૈસા આપનાર લોકોએ પણ તે વ્યક્તિની વાત સાંભળી અને વિચાર્યું તેમને પણ આ સિવાય બીજો કોઈ રસ્તો ના દેખાયો અને નવો ધંધો શરૂ કરવા માટે તેને થોડા પૈસા આપ્યા, થોડા જ સમયમાં તે ધંધો પણ સારો ચાલવા લાગ્યો, ધીમે ધીમે તેને બધાના પૈસા ચૂકવી દીધા, અને પોતે પણ સારું જીવન જીવવા લાગ્યો, આ બધા વચ્ચે સમય ઘણો જ વીતી ગયો પરંતુ નવેસરથી એકડો ઘુંટવો મહેનતનું કામ જરૂર છે પરંતુ મુશ્કેલ નથી.
દરેકના જીવનમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ હોય છે તે છતાં પણ તે બહાર નીકળી શકે છે તો આપણે પણ દરેક પરિસ્થિતિનો સામનો કરી અને બહાર નીકળી જ શકીએ છીએ, એક સમયે અમિતાભ બચ્ચન પણ લાખો રૂપિયાના દેવામાં ઉતરી પડ્યો હતો છતાં પણ તેઓ એ પરિસ્થિતિ સામે પણ ટકી રહ્યા, કામ પણ મળતું બંધ થઇ ગયું ત્યારે જે કામ મળતું તે કરીને સંતોષ માનતા રહ્યા, અને આજે તમે એમને જોઈ શકો છો કે કઈ જગ્યા ઉપર છે.
દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે યોગ્ય સમયની જરૂર હોય છે, જો તમે દરેક પરિસ્થિતિને સમય આપશો તો ચોક્કસ બહાર નીકળી શકશો.