નક્કી કર્યા મુજબ અનુપ સવારના દસ વાગ્યે ગર્લ્સ હોસ્ટેલ પાસેથી ચા નાસ્તો પતાવી સિગારેટ ફૂંકતો ગાડી લઈને ડોગ હાઉસ તરફ રવાના થયો.
સરફરાઝે શુ કર્યું હશે? કઈ રીતે આટલો જલ્દી સમીરને આપણા ધંધામાં જોડ્યો હશે? એ વિચાર તેને થોડોક અકળાવતો હતો. નહિ સમીર પહેલેથી જ મારા જેવા કામ કરે છે. બસ એ શિકાર નથી કરતો. માત્ર છોકરી ફસાવીને મજા લઈને છોડી દે છે. એ એનું કામ છે. પણ એ વળી ક્યાં ઓછું પાપનું કામ છે? સમીર જરૂર શિકાર કરતો થઈ જશે. અહીંનું બધું કામ પૂરું થઈ ગયું છે બસ કાલે જ વડોદરા જાઉં છું એટલે સમીરને પણ સાથે લઈ લઇશ. આમ પણ આજ કાલ આ ધંધામાં માણસો ક્યાં મળે છે. એમાંય છોકરી ફસાવવામાં એક્સપર્ટ?
સિગારેટના ધુમાડાના ગોટા બંધ ગાડીમાં ફેલાઈ ગયા એટલે એણે કાચ નીચા કર્યા. પવનનું એક ઝાપટું આવીને ધુમાડો હઠાવી ગયું.
જે કામ કરવા માટે મારે આટલા દિવસો બગાડવા પડ્યા એમાં જો સમીર જેવો માણસ પોતે જ સાથે હોય તો આવા કામ આરામથી દસ બાર દિવસોમાં થઇ જાય.
ડોગ હાઉસનું પાટિયું દેખાતા એણે સ્પીડ ઘટાડી. પાટિયું નજીક આવતા ગાડી રોકી. ઉતરીને ખેતરનો મોટો દરવાજો ખોલ્યો. અને ગાડી અંદર લીધી. ફરી ઉતરીને દરવાજો બંધ કર્યો. ફરી ગાડીમાં બેઠો અને બિલ્ડીંગ તરફ હળવેથી ગાડી લીધી.
બિલ્ડીંગ આગળ ગાડી રોકીને અનુપે એક ચાલાક નજરે બધું તાગી લીધું. બિલ્ડીંગ આમ દેશી ઢાળીયા જેવી હતી. ત્રણ કમરા એક લાઈનમાં હતા. એની ઉપર પાકું ધાબુ હતું અને એના ઉપર લોખંડની પાઈપ ઉપર 20 ફૂટના પતરા હતા. બીજો માળ ખુલ્લો અને પતરાવાળો હતો. એમાં જમણી તરફ એક કેબિન જેવી ઓરડી હતી. કદાચ એ ઓરડીમાં જ નીચે ઉતરવાની સીડીઓ હશે.
ત્રણ રૂમની ડાબી તરફ બે માળનું એક બીજું પાક્કું મકાન હતું. એટલે આખીયે રચના એલ આકારે હતી. એ પાક્કા બે માળના મકાનની થોડેક છેટે મહેંદીની વાડથી એક વાડો બનાવેલો હતો જ્યાંથી કુતરાઓના ભસવાનો અવાજ આવતો હતો.
અનુપે આ બધું મિનિટમાં જ જોઈ લીધું. જોકે દૂરથી તો આ બધું જોયું જ હતું. એકાએક ઘેરો અને મોટો કૂતરાનો ઘૂરકાટ સંભળાયો એટલે તેની નજર ઓસરીમાં બાંધેલા કુતરા ઉપર ગઈ. વેંત લાંબા કાળા ધોળા વાળવાળો સાયબેરીયન હસ્કી તેને જોઇને ઉભો થઇ ગયો. પણ તે આવવાનો છે એવી ખબર સુલેમાનને સમીરે આપી હતી એટલે કુતરો બાંધી દીધો હતો. અજાણ્યા અનુપને જોઇને હસ્કીની ખોપરી છટકી. હસ્કી કુતરાને માલિકના એરિયામાં કોઈ આવે તે જરાય પસંદ નથી હોતું. તે ઉભો થઈ ગયો. તેની આંખો ચરબીના થરને લીધે અરધી બિડાયેલી હોય તેમ લાગતું. તેની પૂછડી રીંછ જેવી ભરાવદાર હતી અને ખૂંખાર લાગતો હતો. તેણે લટકતી જીભ મોઢામાં ખેંચી અને ફરીથી ઘૂરક્યો, સાંકળ ખેંચાઈ અને એક મિનીટ માટે અનુપના પગમાં ધ્રુજારી આવી.
"કોણ?" બીડી પીતો શ્યામલ રંગનો પાતળો કિસ્મત આંગણે દોડી આવ્યો.
"હું અનુપ....."
"આવો સાહેબ સમીર ભાઈ હમણાં જ આવશે." અનુપ નામ સાંભળીને તરત જ કિસ્મત એને લીમડા નીચે ઢાળેલી બે ત્રણ ખુરશી અને બે ખાટલા પડયા હતા એ તરફ લઈ ગયો.
“ચુપ હો જા હસીયા... વો ઘરકા આદમી હે...” કિસ્મતે કુતરા પાસે જઈને તેના માથે હાથ ફેરવ્યો એટલે તે શાંત થયો.
અનુપે એક ખુરશીમાં બેઠક લીધી અને સિગારેટ સળગાવી. થોડીવારે ડોગ હાઉસના પાંજરાઓ તરફથી અડીખમ માણસ આવતો દેખાયો. કાળા મુલતાની ઝભ્ભા અને સાંકડી મોરીના પાયજામામાં સજ્જ. લાંબી થોડા સફેદ વાળવાળી દાઢી, લંબગોળ ભરાવદાર ચહેરો અને ચટ્ટાન જેવી છાતીવાળો છ ફૂટનો માણસ. અનુપ એને ઓળખી ગયો. એ સુલેમાન પઠાણ હતા.
સુલેમાન સાથે એક ઢીંગણો આદમી પણ હતો જેને અનુપ ઓળખતો ન હતો. એ યુસુફ હતો. યુસુફના પગ પાસે કાળા ધોળા રુંવાટા વાળું એક હસ્કીનું બચ્ચું ચાલતું હતું. અનુપ તેને જોતા જ સમજી ગયો કે આ પેલા કુતરાનું જ બચ્ચું છે. સુલેમાનને કુતરા ખુબ ગમતા. અને બચ્ચાની મા મરી ગયા પછી તો તેણે બચ્ચાને ખુબ વ્હાલથી ઉછેર્યું હતું. પણ તે તેના બાપ જેમ ગુસ્સેલ નહોતું એટલે છુટ્ટું જ રાખતા.
બંને નજીક આવ્યા એટલે સામાન્ય ઓળખાણથી વાતચીત થઈ.
"યુસુફ તું કડક ચા બનાવી લાવ." સુલેમાને હાથ મો ધોઈને યુસુફને હુકમ કર્યો. ટુવાલથી ચહેરો લૂછતાં સુલેમાન અનુપ સામે ખાટલામાં બેઠા.
કિસ્મત ખાટલામાં આડો પડ્યો પડ્યો ક્રિકેટનો લાઈવ સ્કોર જોવા લાગ્યો. હસ્કી બચ્ચું તેના બાપ પાસે જઈને રમવા લાગ્યું.
યુસુફ ચા લઈ આવ્યો પછી કડક ચા સાથે અનુપે નરમાશથી એક વેપારીની જેમ વાતો કરી અને બંને સમીર અને સરફરાઝની રાહ જોતા સિગારેટના કસ લેતા વાતો કરતા રહ્યા.
*
લગભગ બપોરના એકે નિધિ જાગી. મોબાઈલમાં જોયું તો જુહીના બે મિસડ કોલ હતા. પથારીમાં પડ્યા પડ્યા જ એણીએ જુહીને કોલ જોડ્યો.
"મેડમ અચાનક ક્યાં ગયા હતા?" ફોન ઉપાડતા જ જુહી આતુરતાથી બોલી ઉઠી.
"હું ઘરે ગઈ હતી અને સુઈ ગઈ હતી. ગાડી હું લઈ ગઈ છું."
"ઓહ મને તો એમ વળી પાછો તમને કોઈ ભરમ થયો કે શું?"
નિધિ ઘણા દિવસ પછી પહેલીવાર હસી.
"અરે નહિ એ બધા ભરમ તો હવે મને સમજાઈ ગયા જુહી."
"મતલબ?"
"મતલબ એ કે એ બધું ડિપ્રેશનને લીધે થતું હતું યાર."
"થેન્ક ગોડ તમને ખ્યાલ આવ્યો. પણ હજુ એક કામ કરો તો મેડમ ક્યાંક ફરી આવો."
"ફરી આવું?"
"યસ યુ સુડ ગો ફોર એ પીકનીક."
"અરે બધું જ તો જોયું છે મેં હવે શું બાકી છે?"
"અરે કોઈ એવી જગ્યાએ જ્યાં મન શાંત થઈ જાય. માનસિક આરામ મળે."
"જેમ કે?"
"જેમ કે કોઈ વ્યાખ્યાન કોઈ પ્રવચન કોઈ યોગા કલાસ ચાલતા હોય એવી શાંત જગ્યાએ."
"એવી જગ્યા છે કોઈ તારા ધ્યાનમાં?"
"હમમ... આમ તો ધ્યાનમાં નથી પણ આપણે પેલા આશ્રમે દાન આપવા ગયા ત્યાં ગજબનું વાતાવરણ હતું."
"યસ યુ આર રાઈટ હું એ જ વિચારતી હતી ત્યાં થોડા દિવસ રહી આવું તો મન શાંત થશે. ધેટ વોઝ એટ્રેકટીવ એન્ડ પ્લેજન્ટ. થેંક્યું અગેઇન જુહી."
એણીએ ફોન મુક્યો. મનોમન જુહી કેટલી કેર કરે છે એમ વિચારવા લાગી. આઈ એમ લકી ધેટ આઈ હેવ એ સેક્રેટરી લાઈક જુહી.
*
અનુપ અને સુલેમાન વચ્ચે ખાસ્સી કલાક વાતચીત ચાલી હશે ત્યારે જાંપેથી સમીરની બાઈક આવતી દેખાઈ. અને મુદ્દાની વાત કરવા અનુપ અધીરો થઈ ગયો.
ચોમાસામાં જુના બાઈકમાં બ્રેક મારતા કીચુડાટાનો અવાજ આવ્યો. સમીર અને સરફરાઝ ઉતરીને નજીક આવ્યા અને ખુરશીમાં બેઠક લીધી.
"યુસુફ મિયા ચાય વગેરે કુછ લાઓ યાર..." સમીરે બેસતા જ ઓર્ડર કર્યો પછી અનુપ સાથે હાય હેલો કર્યું.
થોડીવાર ફરી આડા અવળી વાતો ચાલી. ચા પીવાઈ ગઈ એટલે અનુપ સરફરાઝ અને સમીર ખુરશીઓ લઈને દૂર ચાલ્યા ગયા. સમીરે જ એ નક્કી કર્યું હતું.
બિલ્ડીંગથી ખાસ્સે દૂર કોઈને સંભળાય નહિ એટલા અંતરે એમણે બેઠક જમાવી અને વાતચીત કરવા લાગ્યા.
"અનુપ આ સમીરને તો તું ઓળખે જ છે. તારી કોલેજમાં છે." સરફરાઝે શરુઆત કરી.
"હા બરાબર ઓળખું છું." પછી કઈક વધારે બોલાઈ ગયું હોય એમ તરત સુધારી લીધું, "આની પાછળ ઘણી છોકરીઓ દિવાની છે."
"થેન્ક્સ ફોર કોમ્પ્લીમેન્ટ."
"સમીરને આપણા ગ્રુપમાં જોડવાનો છે. એ ઘણું કામ કરી શકવા કાબીલ છે."
"તું કહે છે માની લઉં પણ કેટલીક શરતો છે એ શરતો પળી શકે તો જ ગ્રુપમાં કામ મળશે."
"કેવી શરતો?" સમીરે પૂછ્યું.
"વેલ શરતમાં નંબર વન ગ્રુપનું હેન્ડલિંગ હું કરું છું. નંબર ટુ જે પણ કામ આપું એ જ કરવાનું. નંબર થ્રી બધા જ રિપોર્ટ મને આપવાના પછી જ આગળ કામ લેવાનું."
"મતલબ તું બોસ એમ જ ને?"
"એ બધું પછી પહેલા તો ટ્રેઇન કરવો પડે તને. એકાદ બે શિકાર મારી સાથે રહીને કરવાના. એટલે તને આવડત કામની ગ્રીપ આવે." અનુપ બોસની માફક સૂચનાઓ અને નિયમો સમજાવવા લાગ્યો એ જોઇને સમીર મનમાં મલક્યો.
"અને મળશે શુ?"
"જો તને બધી શરતો મંજુર હોય તો આજથી જ અત્યારથી જ તારો બધો ખર્ચ હું ઉઠાવીશ.” કહીને એક નજર સમીરના બાઈક ઉપર કરીને બોલ્યો, “આ સડેલું બાઈક બદલીને એક નવી ગાડી અપાવીશ."
"અને મારે કરવાનું શુ?" એની ઓફરને ધ્યાનમાં લઈને પણ ધ્યાન ન આપ્યું હોય એવો ડોળ કરતા સમીરે વાત આગળ વધારી.
"એ બધું પહેલેથી કહેવામાં નહિ આવે. મને વિશ્વાસ બેસશે તેમ તેમ તને બધા પ્લાન કહેવામાં આવશે. એ પહેલાં તો તારે બસ હું કહું એમ ડેઇલી કામ કરવાનું."
"ઓકે ડન." સમીરે સસ્મિત હાથ લંબાવ્યો, "પણ ગમે તેનો શિકાર કરતા પહેલા હું મારું કામ કરી લઈશ એમાં તારે વાંધો નહિ ઉઠાવવાનો પછી તમે ગમે તેમ બ્લેકમેઈલ કરીને પૈસા પડાવો એનો મને વાંધો નથી." સમીર બરાબર વાહિયાત ગુંડાઓની જેમ વાત કરવા લાગ્યો તેથી સરફરાઝ ખુશ થયો.
"હા લીલા તું કરી શકે પણ લલચાવાનું નહિ. અને બ્લેકમેઈલ અમે એવી રીતે કરીશું જેથી છોકરીને તો તારા ઉપર શક પણ નહીં જાય." અનુપે હાથ મિલાવ્યો.
"યસ એટલે જ તો તમારી ટિમ જોઈન કરી છે ને. હું મોટા ઘરની પૈસાપાત્ર છોકરીઓને બ્લેકમેઈલ કરી શકતો નથી. કારણ સાલા પૈસાદારની છોકરીઓ ગમે તે કરી શકે. એટલે હું લાખોપતિને જ ફસાવતો હવે તમે છો એટલે કરોડપતિને ફસાવીશ."
અનુપને હવે સમીર બરાબર પોતાના જેવો જ લાગ્યો. છતાં અનુપે એને કહ્યું નહિ કે છોકરીને અમે બ્લેકમેઈલ નથી કરતા પણ એને મુક્તિ આપી દઈએ છીએ. જીવનથી મુક્તિ! કારણ હજુ સમીરને આખીયે વાત કહેવી એને ઉતાવળ જેવું લાગ્યું. એટલે એ બધું પછી કહેવાનું નક્કી કરીને જ એ અહીં આવ્યો હતો.
"ઠીક છે તો મારે થોડા દિવસ વડોદરા કામ છે. હું જઈને એક બે દિવસમાં આવી જાઉં પછી હું તને સાથે લઈ જઈશ. આપણો પહેલો શિકાર ત્યાં જ કરીશું."
"ખુદા હાફિઝ." સમીરે કહ્યું અને ઉભો થયો.
"અરે હા તારા માટે નવી ગાડીનો બંદોબસ્ત કરતો આવીશ." જતા જતા ફરી અનુપે લાલચ આપી.
"થેંક્યું બોસ." સમીરે એને તરત જ બોસ કહીને પોતે ટીમમાં એના હાથ નીચે ખુશ છે એવું બતાવી દીધું.
"સરફરાઝ આપણી ટિમ વધારવા માટે અને સમીર જેવા માસ્ટર માઇન્ડને લાવવા માટે કોંગ્રેટ્સ." અનુપે બંને સાથે ફરી હાથ મિલાવ્યા.
પછી ત્રણેય છુટા પડ્યા. અનુપ વડોદરા જવા નીકળ્યો. યુસુફે જમવાનું બનાવી લીધું હતું. એટલે સમીર અને સરફરાઝ બંને સુલેમાન સાથે જમીને પછી ફ્લેટ તરફ રવાના થયા.
*
બધું બરાબર ધર્યા મુજબ થઇ ગયું. મહેનત બરાબર રંગ લાવી હતી. પણ ફ્લેટ ઉપર પરત ફરીને સમીરને કઈ સુજતુ ન હતું. રૂમમાં ચક્કર મારતા એના મનમાં ઘણા સવાલો ઉભા થતા હતા.
અનુપ વડોદરા જાય છે એટલે સો ટકા લંકેશ ત્યાં ગયો હશે. ત્યાં એ લોકો કોઈ શિકાર પાછળ પડ્યા હશે અને હવે અનુપ જઈ રહ્યો છે એટલે કે ખાતરીબંધ ત્યાં કઈક થવાનું છે. આ ખબર બોસને આપવી પડશે. સમીર સોફામાં બેઠો. હોઠ ઉપર આગળી મૂકી, દાઢીમાં હાથ ફેરવ્યો અને મોબાઈલ હાથમાં લીધો. યસ મનોમન બબડીને નંબર ડાયલ કર્યો.
"હેલો બોસ."
"કેમ એટલો ઉતાવળમાં છે સમીર?" ફોન ઉઠાવતા જ સામે બોસ આટલું જલ્દી મારો તાગ કઈ રીતે મેળવી શકતા હશે એ દેખીને એ સ્તબ્ધ થઇ ગયો. પછી સ્વસ્થ થઈને કહ્યું.
"ઉતાવળ કરવી પડે એવી વાત છે બોસ. વી આર સક્સેફુલ."
"કૉંગેટ્સ ફોર યોર ફર્સ્ટ સક્સેસ પણ કામ હજુ થયું નથી."
"હા, અને લંકેશની ખબર કાઢી છે. એ વડોદરામાં છે."
"વડોદરા?"
"યસ બોસ વડોદરા. અનુપ આજે વડોદરા નીકળ્યો છે એટલે લંકેશ ત્યાં જ હોવો જોઈએ. કદાચ એના સિવાય બીજા માણસો પણ ત્યાં હશે અને ત્યાં પણ કોઈ શિકાર ફસાવ્યો હશે." સમીરના અવાજમાં મક્કમતા હતી એ જોઈ સામેથી ગંભીર અવાજ આવ્યો.
"વડોદરામાં એ લોકો છે તો મારે હવે ત્યાં માણસો મુકવા પડશે."
"જલ્દી મોકલો. અને હા હવે હું અનુપની ટીમમાં છું."
"વેરી ગુડ સમીર વેરી ગુડ."
"પણ બોસ હજુ મને એણે કહ્યું નથી કે એ લોકો શુ પ્લાન કરે છે. કેમ કરે છે. અને બોસ કોણ છે."
"તું સતત એના ઉપર ધ્યાન રાખ એ સૌથી વધારે કોને ફોન કોલ કરે છે એ ખાતરી કર બસ બીજું બધું જ મને મળી ગયું છે."
"ઓહ બોસ તમે કેમ બોસ છો એ હવે સમજાય છે. મને એમ હતું કે અનુપ સાથે રહીને એના બોસ સુધી પહોંચતા મને કદાચ મહિનાઓ લાગશે. ફરી બીજું નાટક ભજવવું પડશે. પણ તમે એક મિનિટમાં જ પ્લાન બનાવી લીધો. ધેટ્સ વ્હાય યુ આર ગ્રેટ એજન્ટ A....." ફોન ઉપર ધ્યાન રાખવાની વાત સાંભળીને સમીર ઉછળી પડ્યો.
"સસસ..... મારુ નામ ઉત્સાહમાં પણ બોલવાનું નથી. એજન્ટ બોલ્યો એટલું પણ બસ છે. બી કેરફુલ." એજન્ટ એ જરાક ઊંચા અવાજે બોલ્યા.
"સો સોરી... સોરી બોસ હું સક્સેસની એક્સાઈટમેન્ટમાં ભૂલી ગયો બધું."
"ઉત્સાહમાં જ માણસ ભૂલ કરે છે સમીર. કેટલી વાર આ ટ્રેનિંગ આપી છે તને મેં? ઉત્સાહમાં જ તો માસ્ટર માઈન્ડ અનુપે આટલી બધી ભૂલો કરી છે ને. એ કેમ ભૂલી જાય છે. એક એજન્ટ હમેશા સાવધાન રહેવો જોઈએ."
સમીરને એજન્ટના લેક્ચર સાંભળવા ગમતા. એટલે એ હસતો હસતો સાંભળે ગયો.
"સાંભળ ત્યારે જ એમ કહેવાય કે બધું કાબુમાં છે જ્યારે બધા દુશ્મન મરી ગયા હોય."
"યસ સર..." ‘એજન્ટ એ’ની આ કાર્યદક્ષતા માટે સમીરે ફોન ઉપર પણ એક સલામ કરી દિધી.
“ઉત્સાહ અને ગુસ્સો આ બે સંવેદના માણસને હાર અને જીત બંને અપાવે છે. ઉત્સાહમાં માણસ ન બોલવાનું બોલી જાય છે અને ગુસ્સામાં ન કરવાનું કરી દે છે. એટલે ઉત્સાહમાં ત્યારે આવવું જયારે સામે કોઈ ન હોય અને ગુસ્સો ત્યારે કરવો જયારે કલાઇમેકસ – ફાઈટ ટુ ફિનીશ હોય.” એજન્ટ એ એટલું બોલ્યા અને ફોન ડિસ્કનેકટ થઇ ગયો.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky