Devil Return-2.0 - 13 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 13

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 13

ડેવિલ રિટર્ન-2.0

13

જ્યારે અર્જુનનો સંપૂર્ણ વેમ્પાયર પરિવાર સાથે મુકાબલો થયો ત્યારે જનરેટરનું ડીઝલ અચાનક પૂરું થઈ જતાં અર્જુનની બધી યોજના અધૂરી જ રહી ગઈ. પોતાની ચમત્કારિક શક્તિઓથી વેમ્પાયર પરિવારે અર્જુન સમેત બધાં પોલીસકર્મીઓને ઘાયલ કરી મૂક્યાં. અર્જુનને મારી નાંખવાં ક્રિસ આગળ વધી રહ્યો હતો ત્યાં એક ચમત્કાર થયો હોય એમ બધાં જ વેમ્પાયર ભાઈ-બહેનોની પીડાદાયક ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી.

અર્જુનની જ્યારે આંખ ખુલી ત્યારે એને પોતાની જાતને એક પલંગ પર સુતેલી મહેસુસ કરી.. આંખો ખોલતાં જ અર્જુને પોતાની સામે પીનલને જોઈ.. પીનલનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને અર્જુનને ગઈકાલ રાતનો પ્રસંગ યાદ આવ્યો જ્યાં એ મોતનાં મુખમાં પહોંચી ચુક્યો હતો ત્યાં એક ચમત્કારી ઘટનાએ અર્જુનને બચાવી લીધો.

"પીનલ હું ક્યાં છું અને મારાં બધાં સ્ટાફ મેમ્બર.. ?"પીનલની તરફ જોઈ અર્જુને ચિંતાયુક્ત સુરમાં સવાલ કર્યો.

"અર્જુન તું સીટી હોસ્પિટલમાં છે અને તું ચિંતા ના કર બધાં જ પોલીસ અધિકારીઓ સુરક્ષિત છે.. જેમને ઈજાઓ પહોંચી છે એ બધાં આ જ હોસ્પિટલનાં જનરલ વોર્ડમાં દાખલ કરેલાં છે. "પીનલે અર્જુનની વાતનો જવાબ આપતાં કહ્યું.

"પણ હું અહીં કેવી રીતે.. ?"અર્જુને સવાલ પૂછવાનું ચાલુ રાખ્યું.

"હું તને અહીં લઈને આવ્યો છું માય ચાઈલ્ડ.. "અર્જુનનાં સવાલનો જવાબ આપતાં ફાધર વિલિયમ રૂમમાં પ્રવેશ્યાં.

"ફાધર.. મને ખબર હતી કે તમે જ રાતે ત્યાં આવીને મારી અને મારાં સ્ટાફની જીંદગી બચાવી હતી. "અર્જુને પલંગમાં બેઠાં થતાં કહ્યું.

"તું ઉભો થવાની તકલીફ ના લે.. તારે આરામની અને આ શહેરને હજુ તારી જરૂર છે. "ફાધર વિલિયમે અર્જુનની નજીક આવી એનાં માથે હાથ ફેરવતાં કહ્યું.

"ફાધર તમે ત્યાં કઈ રીતે અચાનક પહોંચ્યાં અને ગઈકાલે મારાં બેહોશ થયાં પછી શું બન્યું, શું તમે એ વેમ્પાયરોનો ખાત્મો કરી દીધો.. ?"અર્જુને એકપછી એક સવાલોનો મારો ચલાવતાં કહ્યું.

અર્જુનનાં આ સવાલોનો જવાબ સવિસ્તર આપતાં ફાધર વિલિયમે અર્જુનની જોડે બેસતાં કહ્યું.

"અર્જુન, અમુક વાર ઈશ્વર તમને ક્યાંક દોરી જતો હોય છે.. ઘણીવાર એવું બને પગ તમારાં ચાલે પણ દોરીસંચાર પરમકૃપાળુ પરમાત્માનો હોય છે. ગઈકાલે રાતે મને એક સપનું આવ્યું જેમાં તને કોઈ પાણી ભરેલાં ઊંડા કૂવામાં ખેંચી રહ્યું હતું.. આમ થતાં જ મને અંદેશો આવી ગયો કે તું કોઈ મોટી મુસીબતમાં હોઈશ અને હું ત્યાં આવી પહોંચ્યો. "

"શહેરમાં જે ભયાવહ ઘટનાઓ બની રહી હતી એ પાછળ વેમ્પાયર પરિવાર જ સંકળાયેલો હતો એટલે હું મારી જોડે ચર્ચનું હોલી વોટર, લસણ અને હોલી ક્રોસ લઈને જ આવ્યો હતો.. મેં ત્યાં આવતાં ની સાથે જ એ લોકો ની ઉપર પવિત્ર જળ નો છંટકાવ કરી દીધો જેનાં લીધે એ લોકોની શક્તિ થોડો સમય પૂરતી હણાઈ ગઈ.. આ તકનો લાભ ઉઠાવી મેં એ લોકોની ફરતે લસણથી વર્તુળ બનાવવાનું શરૂ તો કર્યું પણ અચાનક મારી નજર અશોક અને બીજાં ઘાયલ પોલીસકર્મીઓ ઉપર પડી જેમનાં ગરદન અને ખભે આ વેમ્પાયર ભાઈ-બહેનો એ બચકાં ભરેલાં હતાં. "

"એ વેમ્પાયર ભાઈ-બહેનો નો અંત કરવામાં મોડું થઈ જાય તો આ ઇજા પામેલાં પોલીસકર્મીઓ સદાયને માટે વેમ્પાયર બની જવાની ભીતિ હતી એટલે હું એ વેમ્પાયર ભાઈ-બહેનોને પડતાં મૂકી સીધો જ જરૂરિયાતમંદ પોલીસકર્મીઓની મદદે પહોંચ્યો.. હોલી વોટરનો ઉપયોગ અને જીસસ ક્રાઈસને અરજ કરી મેં એ બધાં જ પોલીસકર્મીઓને બચાવી લીધાં.. પણ આ સમયનો લાભ ઉઠાવી અશક્ત બની ચુકેલાં વેમ્પાયર ભાઈ-બહેનો ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યાં. "

ફાધર વિલિયમની વાત સાંભળતાં જ અર્જુન પલંગમાં સરખો બેઠો થયો અને ફાધરની તરફ આભારવશ જોતાં બોલ્યો.

"ફાધર તમે એ સમયે આવીને મારી અને મારાં દરેક સાથી ઓફિસરની જીંદગી બચાવી છે એ બદલ તમારો આભાર માનું એટલો ઓછો છે. "

"અર્જુન, આભાર તો ઉપરવાળા પરમાત્માનો માન જેને મને ખરાં સમયે ત્યાં મોકલી તમને બધાં ને બચાવી લેવામાં મદદ કરી. "

"ફાધર એ લોકો બહુ શક્તિશાળી છે.. મેં એમની સામે ટક્કર લેવામાં ઈશ્વરીય શક્તિઓનો ઉપયોગ ના કરીને મોટી ભૂલ કરી હતી.. લાગે છે એ શૈતાનો ને હરાવવા માટે ઈશ્વરીય શક્તિઓની મદદ લેવી જ પડશે. "અર્જુને ફાધર તરફ જોતાં કહ્યું.

"હા પણ એ માટે તારે સંપૂર્ણ સ્વસ્થ થવું જરૂરી છે.. તારાં સાથી અધિકારીઓને પણ થોડાં સમય આરામની જરૂર છે. આમ પણ મેં એ લોકોની જે હાલત કરી છે એ પરથી એ તો નક્કી છે કે એકાદ-બે દિવસ તો એ લોકો આ તરફ નહીં જ ફરકે. "ફાધરે અર્જુન તરફ જોતાં કહ્યું.

"પણ ફાધર મને સારું જ છે.. "અર્જુન આટલું કહી ઉભો થવાં જતો હતો ત્યાં એનાં પગમાં દુઃખાવો થતાં એ લથડીયું ખાઈ ગયો.. આ તો પીનલે ખરાં સમયે ટેકો આપી અર્જુનને પડતાં બચાવી લીધો.

"અર્જુન તારે આરામની જરૂર છે.. આમ પણ તું આવી હાલતમાં એ દૈત્યોનો મુકાબલો નહીં કરી શકે.. . પીનલ તું અર્જુનનું ધ્યાન રાખ.. હું નીકળું હવે. "આટલું કહી ફાધર વિલિયમે ત્યાંથી ચાલતી પકડી.

ફાધર વિલિયમનાં જતાં જ અર્જુન કંઈક ગહન મનોમંથન કરતાં કરતાં પથારીમાં માથું રાખી સુઈ ગયો.

****

અર્જુન અને એની ટીમને ફાધર વિલિયમે બચાવી તો લીધી હતી પણ હજુ સુધી બ્રાન્ડન સિવાયનો વેમ્પાયર પરિવાર જીવિત હતો જે આગળ જતાં રાધાનગર પર નવું સંકટ બનીને ત્રાટકવાનો હતો એ વાતમાં કોઈ મીનમેખ નહોતો.

ફાધર વિલિયમે જેવો જ હોલી વોટર નો ઉપયોગ વેમ્પાયર ભાઈ-બહેનો પર કર્યો એ સાથે જ એ લોકોની શક્તિ અમુક સમય માટે મંદ થઈ ગઈ અને હોલી વોટરનાં સ્પર્શ માત્રથી એમની ચામડી દાઝી ઉઠી. આ ઉપરાંત ફાધર વિલિયમ જોડે જે લસણ હતું એની તીવ્ર ગંધનાં લીધે પણ વેમ્પાયર ભાઈ-બહેનો થોડો સમય ધ્રુજી ગયાં.

પોતાની જીંદગી પર આવી બની છે એ સમજતાં એ લોકોને વાર ના થઈ.. પોતાની મોત બની આગળ વધી રહેલાં ફાધર વિલિયમ અચાનક અશોક અને અન્ય કોન્સ્ટેબલોની દયનિય હાલત જોઈ જેવાં એ તરફ ગયાં એ સાથે જ ક્રિસનાં કહેવાથી એ બધાં જ રક્તપિશાચ ભાઈ-બહેનો ત્યાંથી પલાયન થઈ ગયાં અને સીધાં પોતાનાં જહાજ પર પહોંચી ગયાં.

એકતરફ જ્યાં અર્જુન સમેત બધાં જ પોલીસકર્મીઓ હોસ્પિટલમાં ભરતી હતાં તો બીજી તરફ હોલી વોટરથી દાઝી ગયેલાં વેમ્પાયર ભાઈ-બહેનો પણ એકબીજાંને ઘા પર કંઈક લેપ લગાવી રહ્યાં હતાં. જેમની ઉપર એ. કે 47 ની ગોળીઓની પણ અસર ના થઇ એવાં આ શૈતાની લોકો ચર્ચનાં હોલી વોટર સામે વામણાં પુરવાર થયાં જે દર્શાવતું હતું કે ઈશ્વર સર્વોપરી છે.

"ભાઈ, આ દાઝવાનું એટલું દુઃખ નથી જેટલું દુઃખ હાથમાં આવેલો શિકાર છટકી જવાનું છે.. "જ્હોનનાં હાથ પર મલમ લગાવતાં ઈવે ક્રિસને ઉદ્દેશીને કહ્યું.

"હા પણ દુઃખ તો એ પાદરીને પણ હશે જેનાં હાથમાંથી આપણે પણ છટકી ગયાં.. "ટ્રીસા બોલી.

"હા એ પણ સત્ય છે કે આપણે પણ શિકાર થતાં રહી જ ગયાં પણ એ અર્જુનને ખતમ નહીં કરી શકવાનો ખેદ વધુ છે. "ડેવિડ ક્રોધાવેશ બોલ્યો.

"ભાઈ, તમે તો કંઈક બોલો.. "ચૂપચાપ બેસેલાં ક્રિસને જોઈ ડેઈઝી બોલી.

ડેઈઝીનાં આમ બોલતાં જ કંઈક ગહન વિચારી રહેલ ક્રિસ અચાનક ભાનમાં આવ્યો હોય એમ પોતાનાં ભાઈ બહેનોનાં સવાલસૂચક ભાવ સાથે પોતાની તરફ મંડાયેલાં ચહેરા જોવાં લાગ્યો.

થોડાં સમયની ચુપ્પી બાદ ક્રિસ બોલ્યો.

"સફળતા ના મળવાનું દુઃખ ત્યારે વધુ થાય જ્યારે એ હાથતાળી આપીને છટકી જાય.. અર્જુનનું બચી જવું એ આપણું દુર્ભાગ્ય ઓછું અને એનું સૌભાગ્ય વધુ છે.. જો અચાનક એ પાદરી ત્યાં ના આવ્યો હોત તો નક્કી આપણે અર્જુન અને એની ટીમનું કામ તમામ કરી શકત અને બ્રાન્ડનની મોતનો બદલો લેવામાં સફળ થાત. "

"પણ સફળ ના થયાં એનું શું.. ?"ડેવિડ નો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો.

"તો આગળ હવે વધુ નક્કર યોજના સાથે આક્રમણ કરવાનું.. "ક્રિસે પોતાનાં દરેક શબ્દ પર ભાર મુકતાં કહ્યું.

"ગઈકાલે જે રીતે આપણે યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો એનાંથી વધુ તો નવું શું કરી શકાય.. ?"જ્હોને બધાં વતી સવાલ કર્યો.

"આજે આપણી વ્હારે પહેલાં તો વેમ્પાયર ગુલામો આવ્યાં અને પછી મારી યોજનાનું એક બીજું મહોરું.. આગળ જતાં મારું એ મહોરું ફરીથી વજીર એવાં અર્જુનને માત આપવામાં કારગર નીવડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.. પણ હવે વધુ ને વધુ વેમ્પાયર ગુલામોની ફૌજ તૈયાર કરવી પડશે જે આપણાં આગળનાં હુમલા વખતે આપણી ઢાલ બનીને આપણું રક્ષણ કરે. "ક્રિસ જ્હોનનાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"ગુલામ વેમ્પાયરોની તો ફૌજ આપણે ગમે ત્યારે બનાવી શકીશું પણ અર્જુનને બચાવનારાં એ પાદરીનું શું કરીશું.. ?"ડેઈઝી એ સવાલ કર્યો.

ડેઈઝીનો આ સવાલ સાંભળી ક્રિસ થોડો સમય લમણે હાથ દઈ કંઈક વિચારવા લાગ્યો.. થોડું વિચાર્યા બાદ ક્રિસે પોતાનાં ભાઈ-બહેનો ને ઉદ્દેશીને કહ્યું.

"એ પાદરીનું ત્યારે જ કંઈક કરી શકાશે જ્યારે એ કોણ છે એની ખબર પડે.. આ કામ તો હું મારી રીતે કરાવી લઈશ. એ પાદરી કોણ છે અને ક્યાં રહે છે એની ખબર પડી જાય પછી એનું શું કરવું એ વિચારીએ.. "

"તો પછી ત્યાં સુધી અમે શું કરીએ.. ?"ડેવિડે પૂછ્યું.

"તમે લોકો ત્યાં સુધી કંઈ નહીં કરો જ્યાં સુધી હું કંઈ ના કહું.. આજે તમે બધાં આરામ કરો ત્યાં સુધી હું એ પાદરી કોણ છે અને ક્યાં રહે છે એની તપાસ કરાવું.. "ક્રિસનાં આમ બોલતાં જ જ્હોન, ડેઈઝી, ટ્રીસા, ડેવિડ અને ઈવ એનાં રૂમમાંથી નીકળી ગયાં

પોતાનાં ભાઈ-બહેનોનાં જતાં જ ક્રિસે પોતાનાં રૂમનો દરવાજો બંધ કર્યો અને આંખો બંધ કરી પોતાનાં કપાળની જમણી તરફ જમણા હાથની વચ્ચેની આંગળી મૂકી કોઈકની જોડે ટેલીપથીથી સંપર્ક સાધવાની કોશિશ શરૂ કરી. !!

*******

વધુ આવતાં ભાગમાં.

ક્રિસનું મોહરુ કોણ હતું.. ?ફાધર વિલિયમ સાથે વેમ્પાયર પરિવાર શું કરશે.. ?વેમ્પાયર પરિવારનાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)