Shikar - 17 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 17

Featured Books
Categories
Share

શિકાર : પ્રકરણ 17

ધોધમાર વરસાદ ફરી એકવાર ઝીંકાવા લાગ્યો. મધરાત્રે બે વાગ્યે વીજળીના ભયાનક કડાકા અને ગિરનો રાજા ગુફામાં ભરાઈ જાય એવી ડરાવણી મેઘ ગર્જનાથી નિધિની આંખ ખુલી ગઈ.

ઓઢવાનું હઠાવીને નિધીએ રૂમમાં નજર કરી. બાજુના રૂમમાં જુહી ઊંઘી હતી એ તરફ એક આછો બલ્બ જળતો હતો એનું સાવ આછું પાતળું અજવાળું જુહીના ઘરમાં રેલાતું હતું.

નિધિએ પાણીની બોટલ માટે હાથ લંબાવ્યો. પણ બોટલ ખાલી નીકળી. કિચનમાં ફ્રીઝમાં બીજી બોટલ હતી એટલે એને નાછૂટકે ઉભા થવું પડ્યું.

એ દરવાજે ગઈ. થોડીવાર આંખો ચોળીને ઉભી રહી. અને પછી એકાએક એનાથી ચીસ પડી ગઈ. પણ ગળામાંથી અવાજ નીકળ્યો નહિ. ભૂત જોયું હોય અને માણસના પગ અને જીભ ખોટા પડી જાય એમ જુહીના રૂમ પાસેથી આવતા બલ્બના સાવ આછા પાતળા પ્રકાશમાં હોલના સોફામાં બેઠી એક માનવ આકૃતિ જોઈને બંને હાથ મોઢા ઉપર દબાવીને. ચીસ ન પડી જાય એટલે માટે નિધિ હળવેકથી રૂમમાં સરકી અને દરવાજો બંધ કરી દીધો. બંને સ્ટોપર લગાવી લીધી. રૂમની બારીઓને પણ બબ્બે સ્ટોપર લગાવી લીધી.

વીજળીના કડાકા અને મેઘ ગર્જના સાથે લયબદ્ધ એની છાતીના ધબકારા વધી ગયા. આંખો પહોળી જ રહી ગઈ. આખા શરીરે પરસેવો વળવા લાગ્યો.

એકાએક કઈક યાદ આવ્યું હોય એમ મોબાઈલ લઈને જુહીનો નંબર મેળવ્યો. થોડીવાર રિંગ વાગી જુહી ઊંઘી હતી એણીએ ફોન લીધો નહિ. ફરી નંબર જોડ્યો. થોડીવાર રિંગ વાગી. અને સામેથી અવાજ આવ્યો.

"મેડમ શુ થયું ? અત્યારે ફોન? એ પણ ઘરમાં?"

"સસસસસસ... તું ધીરે બોલ જુહી. બહાર હોલમાં કોઈ માણસ છે.” હજુ પણ એની છાતીના ધબકારા સ્પસ્ટ સંભળાય એટલા જોરથી એની છાતી ધબકતી હતી.

"વોટ? ઘરમાં માણસ?"

"હા જુહી હું હમણાં પાણી લેવા કિચન તરફ જતી હતી ત્યારે હોલમાં એકાએક નજર પડી. કોઈ માણસ ઘરમાં ઘુસી આવ્યો છે અને સોફા પર બેઠો છે.... પગ લંબાવીને." એ પાછળનું વાક્ય બોલતા ફરી એના અવાજમાં ધ્રુજારી ભળી ગઈ.

"ઇમ્પોશીબલ, બધા દરવાજા બારીઓ બંધ છે કોઈ અંદર ક્યાંથી આવે. તમેં વેઇટ કરો હું હમણાં જ આવું છું."

"નહિ જુહી.... એ તને....." પણ નિધિ બોલે એ પહેલાં જ જુહીએ ફોન રાખી દીધો.

નિધીએ તરત બે વાર પ્રયત્ન કર્યો પણ જુહીએ ફોન લીધો જ નહીં.

તે ફાટી આંખે દરવાજાને તાકી રહી. બહાર કશુંક અવાજ થયો અને ફરી નિધીએ બંને હાથ મોઢા ઉપર દબાવી દેવા પડ્યા. છતાંય એક આછી ચીસ નીકળી ગઈ.

અને એ જ સમયે દરવાજો ખખડયો. રાતના સન્નાટામાં એ દરવાજા પર થતા ટકોરા જાણે મોતના ટકોરા હોય એમ પલંગમાં બેઠી બેઠી પણ નિધિ પાછી ખસવા લાગી એટલી ભયાનક બીક એને લાગી. હમણાં દરવાજા પાછળથી કોઈ આવશે જુહીની લાસ બહાર પડી હશે અને સવારે મારી લાશ પણ મળી આવશે...! એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તે પરસેવે રેબઝેબ થઇ ગઈ.

"મેડમ દરવાજો ખોલો હું છું જુહી..." બહાર ઉભી જુહી નિધીનો ભય પારખી ગઈ હોય એમ બોલી.

પણ નિધિની કંપારી હજુય શાંત થઈ નહિ. એ ખુબ મહેનતે ઉભી થઇ. દરવાજે જઈને એક એક સ્ટોપર ખોલતા પણ એને ખાસ્સી અર્ધી મિનીટ થઈ ગઈ. તેની શક્તિ ખલાસ થઇ ગઈ હોય તેમ તે અશક્ત બની ગઈ.

"ઘરમાં કોઈ નથી મેડમ તમને ભ્રમ થયો હશે." જુહીએ હસીને તેને સમજાવી, "દેખો મેં બધી જ બત્તીઓ ઓન કરી દીધી છે."

"પણ હમણાં......." નિધીએ દરવાજા બહાર જઈને હોલમાં જોયુ. હજુય એની આંખો પહોળી જ રહી.

"હમણાં અહીં કોઈક હતું. મને ખાતરી છે અહીં કોઈક હતું....." આંખો ફાડી ફાડીને એ ઘડીક હોલમાં અને ઘડીક જુહી સામે તાકતી બોલી.

"અરે કોઈ નથી... તમને એન્જીના મૃત્યુનો આઘાત લાગ્યો છે એટલે ખાલી એવી ભ્રમણા થાય છે."

જુહીએ એનો હાથ પકડીને એને કિચન હોલ અને ત્રણેય રૂમ તેમજ ઉપરના માળે પણ બધા જ રૂમમાં ફેરવી.

"લુક બધા જ બારી બારણાં બંધ છે. કોઈ અંદર આવે જ કઈ રીતે? અને બાય ચાન્સ કોઈ આવે તો બહાર કઈ રીતે જાય?"

નિધિ પાસે કોઈ વ્યાજબી જવાબ હતો જ નહીં. જુહીની વાત સાચી હતી દરવાજો તોડીને કે બારી તોડીને કોઈ અંદર આવી શકે એના સિવાય કોઈ રસ્તો ન હતો. ઉપર છત પરથી અંદર આવવાનો સીડીઓનો દરવાજો પણ બંધ હતો. એક પણ બારી કે દરવાજો તૂટેલો નહોતો. તેણીએ મોઢું લુછ્યું પણ તેનો ભય ઓસર્યો નહી.

તે સોફામાં ફસડાઈ પડી. જુહી કિચનમાં જઈને ચા બનાવી લાવી ત્યાં સુધી એ ફાટેલી આંખે હોલમાં જ્યાં એણે માણસ જોયો હતો ત્યાં જોઈ રહી. અરે એ સોફા ઉપર જ્યાં પેલો માનવ આકાર બેઠો હતો ત્યાં એ બેસી પણ ન શકી.

"મેડમ તમારે ડોકટરની જરૂર છે."

"હ...." ગરમ કપ હોઠ પર અડકતા એ ચમકી કે પછી ડોક્ટરની વાતથી એ જુહીને સમજાયું નહીં.

"યસ યુ આર ઇન ડિપ્રેશન મેમ. યુ મસ્ટ કન્સલ્ટ એ ગુડ ડોકટર." એની પાસે ગોઠવાતા જુહીએ કહ્યું.

નિધિ કઈ બોલ્યા વગર ચા પીતી રહી. બહાર દોડતા વાદળો કરતા પણ વધારે ઝડપથી એના વિચાર ચાલવા લાગ્યા. બહાર વર્ષાઋતુએ જે તોફાન મચાવ્યું એના કરતાં વધારે મોટો ઝંઝાવાત એના મગજમાં ઉમટયો.

ચા પુરી કરીને જુહી ત્યાં જ સોફામાં સુઈ ગઈ પણ નિધીને ઊંઘ ન આવી. રેડ રોઝ રેડ ફ્રોક પેલો પીછો કરતો માણસ બધું એક પછી એક એના આંખના પરદામાં પસાર થવા લાગ્યું.

પોતે એન્જીના અને મેરીના મૃત્યુ તેમજ વિલીના સન્યાસના આઘાતથી પાગલ થઈ ગઈ છે એવું એને મનમાં થવા લાગ્યું. એને કઈ જ સમજાતું નહોતું. એ એમ જ બેસી રહી. વિચારતી રહી...

*

સરફરાઝ બરાબર ગીન્નાયો હતો. સમીરના આ કામથી મનોમન ધુવપુવા થઈ ગયો પણ એ કશું કરી શકે એમ ન હતો. કૌશલ નામની એ છોકરીને સમીર ફસાવવાનો હતો. અને બ્લેકમેઈલ કરવાનો હતો એ એનાથી સહન થતું ન હતું. પણ પોતાના જેવો જ કાબીલ સાથી મળ્યો એને ખોવા પણ એ માંગતો ન હતો.

આખી રાત - તોફાની રાત એણે ભયાનક અસમંજસમાં ગુજારી. સવાર પડતા જ એ તૈયાર થઈને સમીર પાસે ગયો.

દરવાજો ખખડાવીને આતુરતાથી ઉભો રહ્યો. સમીર જાણે તેના હાલ જાણતો હોય તેમ થોડીવાર પછી દરવાજો ખોલ્યો.

"ગુડ મોર્નિંગ ભાઈ જાન." સમીરે હસીને કહ્યું પણ સરફરાઝ કઈ જ બોલ્યા વગર ઘરમાં જઈને સોફા ઉપર બેસી ગયો.

"શુ થયું?" સમીરે અજાણ બનવાનો આબેહૂબ અભિનય કરવાનું શરૂ કર્યું.

છતાય સરફરાઝ કઈ જ બોલ્યા વગર ઉભો થયો. કબાટ ઉપર મુકેલ સિગારેટનું પેકેટ લીધું અને સિગારેટ સળગાવી. બે ત્રણ ઊંડા કસ લગાવી એ ફરી સોફામાં બેઠો. સમીર એની આ ભયાનક અકળામણ બરાબર પામી ગયો. પોતાની મરેલી બહેનનું જે નામ હતું તે જ નામની કોઈ છોકરીને તેણે ‘માલ’ કહ્યું હતું અને સમીર તેને ફસાવવાનો હતો એ બધું અસહ્ય હતું.

"શુ થયું સરફરાઝ?" નજીક જઈ એના ખભા પર હાથ મૂકીને સમીરે પૂછ્યું.

"તું મારો દોસ્ત છે ને સમીર?" તેણે સમીરની આંખોમાં જોયું. તેની આંખોમાં ઊંડું દર્દ હતું એ સમીરે નોધ્યું.

"એ શું બોલ્યો યાર? ડોન્ટ યુ ટ્રસ્ટ મી? તારે એવું પૂછવાની જરૂર નથી હુકમ કર દોસ્ત."

"વિશ્વાસ છે એટલે જ તો આવ્યો છું. સમીર, તું મારું એક કામ કર." સમીરની આંખોમાં એમ જ જોતો રહી એ બોલ્યો.

"શુ?" હવે સમીરના હાથમાં બાજી આવવા લાગી. સરફરાઝની આંખમાં તાગી ન શકાય એવા ભાવ દેખાયા.

"પેલી છોકરી....." એ કૌશલ નામ પણ બોલી ન શક્યો.

"કોણ? કઈ છોકરી?" સમીરે એની પાસે બેઠક લીધી. એનો હાથ હાથમાં પકડીને કહ્યું, “તને થયું છે શું દોસ્ત?”

"એ જ જેને તે ફેસબુક પર ફસાવી છે."

"અચ્છા કૌશલ? તે તેનું અત્યારે શુ હતું?" એકાએક ગંભીર થયેલો સમીર હસીને બોલ્યો, “એ બહુ રૂપાળી છે નહી? કેમ તને એમ તો નથી ને કે એ પંખી સમીર લઇ જશે?” સમીર ચાહતો ન હતો છતાં તેને નાટકમાં પાત્ર તરીકે એવું બોલવું જ પડ્યું.

“સ્ટોપ ઈટ..........” સરફરાઝ બંને કાન ઉપર હાથ મુકીને રાડ પાડી ઉઠ્યો. સમીરે બરાબર એના હ્રદયના કોમળ ભાગે તીર માર્યું હતું.

"એને છોડી દે. આપણે બીજો શિકાર પકડીએ."

"વ્હોટ? મેં એક મહિનો મહેનત કરી છે એની પાછળ અને એમ ને એમ છોડી દઉં?"

"પ્લીઝ સમીર એનું નામ કૌશલ છે."

"તે મને ખબર છે."

"પણ તને એ ખબર નથી મારી બહેનનું નામ પણ કૌશલ હતું..." અને હતું કહેતા જાણે જીભ કપાઈ ગઈ હોય એવી વેદના સાથે એની આંખોમાં પાણી તરવરવા લાગ્યું. ઘડીભર સન્નાટો છવાઈ ગયો. સમીરે પણ ખુબ અભીનય કર્યો.

"ઓહ આઈ એમ સોરી. પણ તારે એમાં ક્યાં કશું કરવાનું છે? બધું હું જ કરવાનો છું ને?"

"તું કરે કે હું કરું મૂળ તો એ બ્લેકમેઇલ થવાની ને?"

"એટલે તું એમ ઈચ્છે છે કે હું એને છોડી દઉં? એક મહિનો જે ખર્ચ કર્યો એ બધો બેકાર?" સમીરને પણ આ નાટક ખૂંચતું હતું પણ જ્યાં સુધી ટાર્ગેટ એચીવ ન થાય ત્યાં સુધી સરફરાઝના હ્રદય ઉપર ઘા કરવા એ એની મજબુરી હતી.

"એના બદલે હું તને અનુપની ટીમમાં જોઈન કરીશ બસ. એમાં તને જોઈએ એટલા રૂપિયા મળશે. ખબર નહિ અનુપનો બોસ કોણ છે પણ ગાડી ખાવું પીવું રહેવું અરે દારૂ વગેરે બધો જ ખર્ચ બોસ આપે છે. અલબત્ત મને પણ જ્યારે કામ હોય ત્યારે આખા મહિનાના દિવસે બે હજાર લેખે 60 હજાર રૂપિયા મળે છે."

"તું તો કાબિલે તારીફ છે. તને એ લોકો કાયમી વર્ક આપશે. હું રિકવેસ્ટ કરીશ." સરફરાઝે વિનંતી કરી.

આ વાત જાણે કઈ મહત્વની જ ન હોય એમ સમીર બેપરવાહ બનીને, સાંભળ્યું જ ન હોય એમ સિગારેટ સળગાવીને ફૂંકવા લાગ્યો જેથી સરફરાઝને અણસાર પણ ન આવે કે આ કામ માટે જ તો તે અહી છે.

"તું ચૂપ કેમ છે? કઈ બોલતો કેમ નથી?"

"હું વિચારીશ....." સાવ ઉડાઉ જવાબ આપતા સમીરે સરફરાઝ સામે પણ જોયું નહિ.

"એટલે તું કૌશલને?"

"નહિ, દોસ્તી અને પૈસામાં હું દોસ્તીને વધારે મહત્વ આપું છું. કૌશલને હું છોડી દઈશ. પણ અનુપ શુ કામ કરે છે? એ તો મારી કોલેજમાં જ છે. અનુપ અને લંકેશ બેય. એ તો સાવ સીધા છે." સમીરે કહ્યું.

"અમે બધા અલગ રસ્તે છીએ. હું છોકરીઓને બ્લેક મેઈલ કરું છું. તું ખાલી લીલા કરવા માટે ફસાવે છે જ્યારે અનુપ અને લંકેશ તેમજ એમની આખી ટોળકી ગમે તેનો શિકાર કરે છે."

"એટલે?" હવે જાણે સરફરાઝની વાતમાં રસ પડ્યો હોય એમ સમીરે એની સામે દેખીને આંખો ઝીણી કરી.

"વેલ એટલે આમ તો આ બધું સિક્રેટ છે પણ તું દોસ્ત છે એટલે કહી દઉં છું કે અનુપ અને એની ટોળકી લોકોના શિકાર કરે છે. ટૂંકમાં કહું તો મર્ડર જ સમજી લે ને. પણ કોઈ હથિયાર વાપર્યા વગર જ મર્ડર કરે છે. જેની ક્યારેય કોઈ તપાસ થતી જ નથી."

"એટલે હું કઈ સમજ્યો નહિ."

"એ બધું તું સમજી જઈશ. બસ અનુપ કહે એમ કરવાનું પછી તારા ઉપર એને વિશ્વાસ બેસશે એટલે એ તને બધા પ્લાન કહેશે. અને બે ત્રણ વર્ષ આમ તું કામનો માણસ લાગીશ તો તને બોસ સાથે પણ મુલાકાત કરાવશે."

"ઓહ! મને તો અનુપ સીધો દેખાતો હતો." બે ત્રણ વર્ષ બોસને ઓળખવા રાહ જોવી પડે એ વાત તેને ખટકી પણ તેણે એ દેખાવા ન દીધું.

"હમમ..." સરફરાઝ કહેવા તો માંગતો હતો કે તારું અને સોનિયાનું પત્તુ કાપવાવાળો આ અનુપ જ છે પણ એમાં પોતેય સામેલ હતો એટલે એ વાત ઉપર પરદો ઢાંકી દેવો પડ્યો.

“વેલ, તું એના બોસને મળ્યો છે?” સમીરે પૂછ્યું.

“નહિ યાર, હું અનુપ સાથે કાયમી કામમાં નથી રહેતો એટલે મારે એના બોસથી કોઈ મુલાકાત હજુ થઇ નથી.”

“ઠીક છે પણ પૈસા તો ઇનફ મળશે ને?” સમીરે અસલ લાલચુ બ્લેક મેઈલરની અદામાં પૂછ્યું.

“નોટ ઈનફ મોર ધેન ઈનફ....” કહીને સરફરાઝ ઉભો થયો અને જાણે પોતાની બહેનને ભૂતકાળમાં જઈને ઉગારી લીધી હોય એવા આનંદ સાથે બહાર નીકળી ગયો.

સમીરે એની પીઠ પાછળ વિજયી સ્મિત વેર્યું એ જોયા વગર જ તે નીકળ્યો..!

*

નિધિ સવાર સુધી વિચારતી જ રહી. એને પણ હવે ખાતરી થવા લાગી કે આ બધા જ ભ્રમ હતા. તો હવે અહીં રહેવાનો કોઈ અર્થ નથી. જુહી જાગે એ પહેલાં જ નિધિ એના મકાનની ચાવી અને ગાડીની ચાવી લઈને પોતાના મકાને ચાલી ગઈ.

દરવાજો ખોલીને એ અંદર ગઈ. ફરી એને પેલું ફ્રોક અને ગુલાબ યાદ આવ્યાં. રૂમમાં કપડાંનું વોર્ડરોબ જે રૂમમાં હતું એમાં ગઈ. વોર્ડરોબનું ખાનું ખોલ્યું એટલે એને જાણે તમમર આવી ગયા. પેલું રેડ ફ્રોક જે એણીએ ખાનામાં મૂક્યું હતું એ ગાયબ હતું.

નિધીને સચોસાચ ચક્કર આવવા લાગયા. ફ્રોક ગાયબ કઈ રીતે થાય? તો શું ખરેખર જુહી કહે એમ મને બધા ભ્રમ થતા હશે? ખરેખર કોઈ ફ્રોક હશે જ નહીં? મને બસ એન્જીની યાદમાં એ બધા ભ્રમ થયા હશે? એન્જીને જે ગમતું એ બધું મને દેખાય છે?

એક મિનિટ પેલો કુરિયર બોય અને ફૂલ? એ કઈ કંપનીનો કુરિયર બોય હતો? સંજીવની કુરિયર યસ એની કેપ ઉપર સંજીવની કુરિયર સર્વિસ લખેલું હતું.

એણીએ તરત જ મોબાઈલમાં નેટ ઓન કર્યું. ગૂગલમાં સંજીવની કુરિયર વડોદરા સર્ચ કરી. નંબર મેળવ્યો. અને તરત જ ફોન લગાવ્યો.

"હેલો સંજીવની કુરિયર?"

"યસ પ્લીઝ."

"તમે મને પ્લીઝ એક સર્ચ કરી આપશો?"

"જી મેડમ, ટ્રેકિંગ નંબર આપો."

"નહિ મારી પાસે ટ્રેકિંગ નંબર નથી."

"તો પછી ટ્રેકિંગ કરવું અશક્ય છે."

"નહિ નહિ, હું તમને વિગત સમજાવું. " નિધીએ ગોટા વળ્યાં એમાં જે કહેવું હતું તે કહી ન શકી. એણીએ બે ઊંડા શ્વાસ લીધા.

"મારી પાસે બે ત્રણ દિવસ પહેલા સંજીવનીમાંથી કુરિયર આવ્યું હતું. તમે મારા એડ્રેસ પરથી એ કહી શકો કે એ કુરિયર કયા દિવસે કઈ તારીખે ડિલિવર થયું હતું?"

"પણ મેડમ તમને કુરિયર મળી ગયું હોય તો હવે તેનું શું છે?"

"નહિ હું ઘરે હાજર નહોતી. પડોશીએ લીધું છે અને એ લોકોએ ભૂલથી ખોઈ નાખ્યું. એ કુરિયર જરૂરી છે. કોણે મૂક્યું છે એ મારે જોવું છે. જેથી હું મોકલનાર પાર્ટીને ફરી એ કુરિયર મોકલવા વિનંતી કરી શકું." નિધીએ વાત ઉપજાવી કાઢી.

"તમે સમજો છો ને હું શું કહું છું? મારી પાસે ઘણી પાર્ટીના કુરિયર આવે છે. મારો બિઝનેસ એ પ્રકારનો છે. એમાં દસ્તાસજોની નકલો હતી. એટલે મારે મોકલનારને જાણ કરવી પડશે જેથી એ ફરી બીજી નકલો મોકલે."

"ઓકે મેડમ તમારું એડ્રેસ બોલો હું ડેસ્ટિનેશન સર્ચ કરી લઉં."

“થેંક્યું સો મચ.....” કહીને નિધીએ પોતાનું એડ્રેસ આપ્યું. અને રાહ જોવા લાગી. સામેથી જવાબ આવે ત્યાં સુધી એણીએ હોલમાં બે ચક્કર લગાવી દીધા.

"હેલો મેડમ, આ એડ્રેસ પર કોઈ કુરિયર નથી આવ્યું આ મહિનામાં."

"આર યુ સ્યોર?"

"જી મેડમ."

"ઓકે થેંક્યું." કહીને નિધીએ ફોન ડિસ્કનેક્ટ કર્યો.

ફરી બે ચક્કર લગાવી ખુરશીમાં બેઠી. ચોક્કસ મને ભ્રમ જ થયો હશે. સંજીવની કુરિયરની કેપ મેં એટલા માટે ઇમેજીનેશન કરી લીધી કેમ કે ઓફિસે ઘણીવાર એ કુરિયરનો છોકરો એવી ટોપી પહેરીને કુરિયર આપવા આવે છે.

ફ્રોક મેં એટલા માટે ઇમેજીનેશન કર્યું કેમ કે એન્જી એ ફ્રોક પહેરતી હતી. અને પેલો માણસ બિચારો એમ જ જોતો હશે અને મેં નાહકની એના ઉપર શંકા કરી. અને પેલા દિવસે સમાચાર જોયા ક્યાંકથી એક મહિલાની લાશ મળી આવી એવા સમાચાર એટલે મારા મન ઉપર વધારે અસર થઈ હશે.

પેલા તો બંને ચોર હતા. રોજ મારુ પર્સ જોતા હશે એટલે એમણે મને એકલી ચાલતી જોઈને પીછો કર્યો. ઓડીના કાચ મેં જ તોડ્યા હશે અથવા કોઈ ઝઘડતી રખડતી ગાયો કે આખલા આવીને તોડી ગયા હશે. કદાચ વરસાદમાં સંતાવા માટે ઘરમાં આખલા કે ગાયો આવી હોય. અને કુંડા અને ગાડી તોડી હોય એવું બને. બીજું કે માર્બલ નાખેલા ઘરમાં કે બગીચામાં કઈ પગના નિશાન પડે નહીં. અને પડ્યા હોય તો પણ આવા ધોધમાર વરસાદમાં નિશાન રહે નહીં. પેલા ઇન્સ્પેકટર મનું એ બચાવી લીધી. હાશ! અરે હા બિચારા ઇન્સ્પેક્ટરે તો કાર્ડ પણ આપ્યું હતું.

આખરે નિધિ એક ચોક્કસ નિર્ણય પર આવી શકી. એ બધી જ એની ભ્રમણા હતી એની ખાતરી કરી લીધી. અને પછી રાતની ઉજાગરાવાળી આંખો ઘેરાવા લાગી. માણસનું મન ગજબનું હોય છે. જરાક ભય લાગે એટલે ઊંઘ ઉડી જાય અને જરાક શાંતિ થાય એટલે સુઈ જાય પછી ભલેને એ શાંતિ સાવ ખોટી જ કેમ ન હોય?

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky