ભાગ ૯
બીજે દિવસે એક ફ્લાઇટ JICAPS રીજનમાં ઉતરી, જેમાંથી ઉતરીને ઇયા બહારની તરફ નીકળી જ્યાં તેની કંપનીની કાર તેની રાહ જોઈ રહી હતી. એ જ ફ્લાઈટમાં શ્રેયસ પણ હતો. કંપનીની કારમાં બેસીને ઇયા ગેસ્ટ હાઉસમાં ગઈ. તે હાથ મોઢું ધોવા બેસીન પાસે ગઈ. હાથ મોઢું ધોઈને કિચનમાં જઈને જ્યુસના બે ગ્લાસ એક ટ્રેમાં લાવી અને ત્યાં તેની રાહ જોઈને બેસેલા વ્યક્તિને એક ગ્લાસ આપ્યો અને બોલી, “મને ખબર હતી કે આપ અહીં પહોંચી જશો, મિસાની સર. તમારા સ્પેશિયલ પર્ફયુમે તમારી હાજરી છતી કરી દીધી.”
મિસાની જોરજોરથી હસવા લાગ્યો અને કહ્યું, “હમમમ, લાગે છે પરફ્યુમ બદલવાનો સમય આવી ગયો છે.”
મિસાનીએ કહ્યું, “હવે મને કહે મને મળવાનો મેસેજ કેમ મોકલ્યો?”
ઇયાએ કહ્યું, “મને લાગે છે સિરમ લેબમાં કોઈ મોટું કામ કરી રહ્યો હતો, જે સફળ પણ થઇ ગયું છે અને તેમાં ડૉ. મેન્યુઅલ સામેલ હતો, જેનું બહુ ભયંકર રીતે મર્ડર થઇ ગયું છે અને જેવી રીતે તેના મર્ડરથી સિરમ વ્યથિત હતો, તે મારા માટે અજુગતું હતું કારણ સિરમ જરાય ઈમોશનલ વ્યક્તિ નથી. મને લાગે છે તેમાં કોઈ રહસ્ય છે અને મને લાગે છે ડૉ. મૅન્યુઅલનું અસલી નામ પણ કંઈક જુદું હોવું જોઈએ, સિરમ તેનું અસલી નામ બોલતાં બોલતાં રહી ગયો.”
મિસાનીએ કહ્યું, “તારા ડો મેન્યુઅલનો કોઈ ફોટો હોય તો મને મોકલ, હું ચેક કરાવું છું અને તે સિવાય બીજી કોઈ મહિતી?”
ઇયાએ કહ્યું, “હમણાં સિરમની નજીદીકી રાજકારણીઓ સાથે વધી રહી છે, તેમાં પણ ખાસ કરીને સિરોકામાં.”
મિસાનીએ નિરાશામાં માથું હલાવ્યું અને કહ્યું, “આ બધી વાતો તો કોલ કરીને પણ કહી શકી હોત! ખોટો મારો ટાઈમ વેસ્ટ કર્યો.”
ઇયાએ પોતાની હેન્ડબેગમાંથી એક નાની સ્ટિક કાઢી અને તેનું ઢાંકણું ખોલ્યું તો તેમાં એક ચિપ હતી. તે ચિપ મિસાનીને આપીને કહ્યું, “આમાં નવા રોબોટ્સની ડિઝાઈનો છે.”
મિસાનીની આંખોમાં ચમક આવી ગઈ, તેણે પોતાના હાથમાંની માળા ફેરવતા કહ્યું, “અલ્લાકસમ, આનાથી આપણા સંગઠનને બહુ પૈસા મળશે.”
ઇયાએ કહ્યું, “હવે હું કોન્ફરન્સમાં જાઉં છું, અમારી કંપનીએ બહુ મોટો ટેબ્લો બનાવ્યો છે, આ એક્ઝિબિશન માટે! આટલું મોટું એક્ઝિબિશન હું પહેલી વાર અટેન્ડ કરવા જઈ રહી છું.”
થોડી ચર્ચા કરીને મિસાની ત્યાંથી નીકળી ગયો અને ઇયા બાથરૂમ તરફ ગઈ.
આ તરફ શ્રેયસ ડો. હેલ્મની શહેરમાં આવેલ ઓફિસની મિટિંગ રૂમમાં ડો. હેલ્મની રાહ જોઈ રહ્યો હતો. ડો. હેલ્મને કોન્ફરન્સમાં હાજરી આપવાના હતા અને બહુ વ્યસ્ત હતા, પણ શ્રેયસના આગ્રહને લીધે તેઓ પાંચ મિનિટ માટે મળવા તૈયાર થયા. ડો. હેલ્મ મીટિંગરૂમમાં પોતાની દીકરી કેલી સાથે પ્રવેશ્યા અને શ્રેયસનું હૃદય ધબકારો ચુકી ગયું. કેલીને જોઈને તે અવાક થઈ ગયો.
કેલી બહુ જ સુંદર હતી પણ શ્રેયસનું હૃદય ધબકારો ચુકી ગયું, તેનું કારણ જુદું હતું. કેલી શ્રેયસની દિવંગત પત્ની રિચા જેવી જ દેખાતી હતી, જરાય ફરક નહોતો બંને વચ્ચે. શ્રેયસ તેને જે રીતે જોઈ રહ્યો હતો તે કેલીને થોડું અજુગતું લાગ્યું, તે સંકોચાઈ ગઈ.
એટલામાં ડો. હેલ્મનો અવાજ તેના કાને પડ્યો, “મી. શ્રેયસ ક્યાં ખોવાઈ ગયા?”
શ્રેયસ તંદ્રામાંથી જાગૃત થયો અને કહ્યું, “ઓહ સોરી સર! આપને પહેલીવાર મળી રહ્યો છું એટલે જરા!”
પછી હસીને તેણે ડો. હેલ્મ અને કેલી સાથે હાથ મેળવ્યા. પછી ડો. હેલ્મે વાતચીત શરુ કરી અને શ્રેયસને પૂછ્યું, “આપ મને મળવા માંગતા હતા?”
શ્રેયસે પોતાનો ફોન ડો. હેલ્મ સામે ધર્યો અને પૂછ્યું, “શું આને ઓળખો છો?”
ફોટો જોઈને ડો. હેલ્મની આંખો પહોળી થઇ ગઈ. સ્ક્રીન ઉપર સાયમંડનો ફોટો હતો, પણ ચહેરો થોડો બદલાયેલો હતો, છતાં ડો. હેલ્મ તેને ઓળખી ગયા.
ડો. હેલ્મે કહ્યું, “આ તો સાયમંડ છે, પણ કેવી રીતે? અને એના અંતિમ સંસ્કાર તો મેં પોતે કર્યા હતાં.”
શ્રેયસે કહ્યું, “તેણે તમારી આંખોમાં ધૂળ નાખી હતી અને તમારી લેબમાં ચોરી થઇ તે સાયમંડે કરાવી હતી.”
ડો. હેલ્મ માટે આ બહુ મોટો આઘાત હતો. તે સાયમંડને પોતાના દીકરો માનતા હતા અને તેની ઉપર કોઈની નજર ન પડે માટે બહુ પ્રોટેક્ટિવ રહ્યા. તેમને સાયમંડના સ્વભાવની કમી ખબર હતી.
તેમણે પૂછ્યું, “અત્યારે ક્યાં છે સાયમંડ?”
શ્રેયસે કહ્યું, “અત્યારે તો ત્યાં જ છે જ્યાં તેણે હોવું જોઈએ, પણ ત્યાં જતા પહેલાં બધા ઉપર મોટું સંકટ નાખીને ગયો છે.”
ડો. હેલ્મે પૂછ્યું, “સંકટ એટલે?”
ત્યારબાદ શ્રેયસે બધી વાત ડો. હેલ્મ અને કેલીને કરી. પાંચ મિનિટની મુલાકાત માટે આવેલા ડો. હેલ્મ કલાક સુધી શ્રેયસની વાત સાંભળતા રહ્યા અને વાતને અંતે કહ્યું, “આ તો બહુ મોટી મુસીબત કહેવાય, પણ હવે એનો ઉપાય શો કરવો?”
જવાબ અત્યાર સુધી શાંતિથી બંનેની વાત સાંભળી રહેલી કેલીએ આપ્યો તેણે કહ્યું, “આનો ઉપાય પ્રતિબ્રહ્માંડમાં મળશે”
શ્રેયસે પૂછ્યું, “પ્રતિબ્રહ્માંડ?”
કેલીએ બ્રહ્માંડ અને પ્રતિબ્રહ્માંડની થિયરી સમજાવી. શ્રેયસ ફક્ત કેલીને જોઈ રહ્યો હતો. કેલી અને રીચાની બોલવાની પદ્ધતિ પણ સરખી હતી. થોડા સમય માટે તો શ્રેયસ ભૂલી ગયો કે તેની સામે કેલી ઉભી છે. તેને લાગ્યું કે તેની પત્ની રિચા તેની સામે ઉભી છે અને તેની સાથે વાત કરી રહી છે.
તેની વાત પૂર્ણ થયા પછી શ્રેયસ ડો. હેલ્મ તરફ ફરીને બોલ્યો, “ડોક્ટર, તમે ક્યારેય હિન્દૂ પુરાણો વાંચ્યા છે?”
ડો. હેલ્મે માથું ધુણાવીને ના પડી. શ્રેયસે કહ્યું, “હું ઇતિહાસકાર છું અને તે મેં વાંચ્યા છે અને હિન્દૂ ધર્મની માન્યતાઓ અંગે વાત કરું છું.”
ડો. હેલ્મે કહ્યું, “હું ધાર્મિક માન્યતાઓ અંગે કોઈ વાતચીત નથી કરવા માંગતો. ધાર્મિક માન્યતાઓને લીધે જગત આંખુ બરબાદીની કગાર પર પહોંચી ગયું હતું.”
શ્રેયસે કહ્યું, “આપ મારી વાતને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મુલવજો.”
ડો. હેલ્મ કંઇ કહેવા જતા હતા, ત્યારે કેલીએ તેમનો હાથ દબાવ્યો.
શ્રેયસે કહ્યું, “હિન્દૂ પુરાણોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવોની વાત છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને મહેશ તે સૃષ્ટિનું વિસર્જન કરે છે અને આ ત્રિદેવો શિવની આજ્ઞામાં રહે છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરીને સુઈ જાય છે અને તે પોતાના સ્વપ્નમાં તેને ફેલાતું જુએ છે અને ખુશ થાય છે. શું તમને ખબર છે બ્રહ્મા તેમના કરાર મુજબ સૃષ્ટિને કેટલા સમય સુધી ફેલાવી શકે છે?”
ડો. હેલ્મ તેની તરફ જોઈ રહ્યા એટલે શ્રેયસે કહ્યું, “બ્રહ્મા સૃષ્ટિને ૮.૬૪ અબજ વર્ષ સુધી ફેલાવી શકે અને જયારે તેનાથી વધારે ફેલાવે ત્યારે શિવની તપસ્યા ભંગ થાય અને તે ડમરુ વગાડીને બ્રહ્માને તેનું વિસર્જન કરવાની સૂચના આપે અને જો તેનું પાલન ન થાય તો તે નટરાજનું રૌદ્ર રૂપ ધારણ કરી લે છે અને આવી એક ધૃષ્ટતા વખતે શિવે બ્રહ્માનું પાંચમું મસ્તક કાપી લીધું હતું.”
ડો. હેલ્મ અને કેલી બહુ ધ્યાનપૂર્વક વધુ સાંભળી રહ્યા હતા.
ક્રમશ: