Pal Pal Dil Ke Paas - Jitendra - 22 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - જીતેન્દ્ર - 22

Featured Books
Categories
Share

પલ પલ દિલ કે પાસ - જીતેન્દ્ર - 22

જીતેન્દ્ર

જીતેન્દ્ર ની પ્રથમ ફિલ્મ “ગીત ગયા પત્થરો ને” હતી. બહુ ઓછા લોકો જાણેછે કે ૧૯૫૯ માં રીલીઝ થયેલી વી શાંતારામની “નવરંગ” માં સત્તર વર્ષના જીતેન્દ્રએ સંધ્યાના બોડી ડબલ તરીકે કેમેરાનો સામનો કર્યો હતો. અન્ય એક ફિલ્મમાં તેણે સાવ એકસ્ટ્રા રોલ પણ કર્યો હતો. ભલે તે રોલ રાજા નો હતો પણ માત્ર ત્રીસ સેકન્ડમાં રાજા ક્યારે સ્ક્રીન પર આવીને જતો રહે છે તેનો સામાન્ય દર્શકને તો ખ્યાલ પણ ના આવે.

જીતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર. તેનો જન્મ તા. ૭/૪/૧૯૪૨ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. પિતા અમરનાથ કપૂર અને માતા કૃષ્ણાકપૂર નાનકડા રવિને અને તેના ભાઈ પ્રસન્નને લઈને મુંબઈમાં સ્થાયી થયા હતા. જીતેન્દ્રનું બાળપણ ગિરગાંવની એક ચાલમાં વીત્યું હતું. તેણે સ્કૂલનો અભ્યાસ ગિરગાંવની જ સેન્ટ સેબેસ્ટિયન સ્કૂલમાં કર્યો હતો. સિધાર્થ કોલેજમાં સ્નાતક થનાર જીતેન્દ્રને ભણતી વખતે જ જતિન ખન્ના (રાજેશ ખન્ના) સાથે દોસ્તી થઇ ગઈ હતી. પિતાને એમીટેશન જ્વેલરીનો નાના પાયે બીઝનેસ હતો. ફિલ્મોના શૂટિંગ માટે તેઓ સ્ટુડીયોમાં જ્વેલરી ભાડે આપતાં. પિતાને હાર્ટએટેક આવતાં કોલેજીયન જીતેન્દ્રએ તેમને બીઝનેસમાં મદદ કરવાનું શરુ કર્યું હતું. એક વાર સત્તર વર્ષનો જીતેન્દ્ર રાજકમલ સ્ટુડિયોમાં જ્વેલરી ભાડે આપવા ગયો હતો. શૂટિંગ જોવામાં તેને રસ પડયો હતો. તે દિવસોમાં “નવરંગ” નું શૂટિંગ ચાલતું હતું. જીતેન્દ્રએ વી. શાંતારામને ફિલ્મમાં કામ આપવા માટે વિનંતી કરી હતી. સંધ્યાના ડબલ તરીકે એક નૃત્ય ગીતના શૂટિંગમાં વી. શાંતારામે જીતેન્દ્ર પાસે કામ લીધું હતું. ત્યાર બાદ વી. શાંતારામે જીતેન્દ્રને દરરોજ સ્ટુડિયોમાં આવવા માટે જણાવ્યું હતું. જે દિવસે કોઈ એકસ્ટ્રા કલાકાર ન આવે ત્યારે તેની અવેજીમાં જીતેન્દ્રનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક વાર રાજાના પાત્ર માટે જીતેન્દ્રને ફરીથી ચાન્સ મળ્યો હતો. સ્ક્રીન પર રાજા માત્ર ત્રીસ સેકન્ડ માટે જ દેખાવાનો હતો. ખાસ્સાં વર્ષોની તપસ્યા બાદ આખરે વી. શાંતારામે તેમની પુત્રી રાજશ્રીની સામે જીતેન્દ્રને મુખ્ય હીરો તરીકે ચાન્સ આપ્યો હતો. ફિલ્મ હતી. “ગીત ગાયા પત્થરો ને” અહી પણ જીતેન્દ્રનું નસીબ બે ડગલાં પાછળ હતું. ઓડીશન ટેસ્ટમાં તે ડાયલોગ બરાબર બોલી શક્યો નહોતો. માંડ માંડ મળેલી તક હાથમાંથી જતી રહે તેવા સંજોગો ઉભા થયા હતા. આખરે જીતેન્દ્રએ ડાયલોગ કઈ રીતે બોલવા જોઈએ તે માટે રાજેશ ખન્નાની મદદ લીધી હતી. ખૂબ જ પ્રેક્ટીસ કરવા છતાં પણ જીતેન્દ્રને ત્રીસ જેટલાં ઓડીશન ટેસ્ટ આપવા પડયા હતા અને આખરે તેનું સિલેકશન થયું હતું. માસિક પગાર હતો ૧૦૦ રૂપિયા. વાસ્તવમાં એકસ્ટ્રા તરીકે તેને ૧૫૦ રૂપિયા મળતા હતા. જીતેન્દ્રને નવાઈ લાગી કે આમ કેમ? જીતેન્દ્રને કહેવામાં આવ્યું કે તેને મુખ્ય હીરો તરીકે બ્રેક આપવામાં આવી રહ્યો છે તેથી આટલો ભોગ તો તેણે આપવો જ પડશે. જોકે જીતેન્દ્રને વધારે નવાઈ તો ત્યારે લાગી કે પહેલા ત્રણ મહિના તો તેને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ વી. શાંતારામે જીતેન્દ્રને “બુંદ જો બન ગઈ મોતી” માટે કરારબધ્ધ કર્યો હતો. જોકે ૧૯૬૭ માં જીતેન્દ્રના નસીબ આડેનું પાંદડું ખસી ગયું હતું. જેમ્સબોન્ડ જેવા રોલ વાળી ફિલ્મ “ફર્ઝ” તેની ઝોળીમાં આવી પડી હતી. જે અનેક હીરોએ રીજેક્ટ કરેલી હતી. “ફર્ઝ” ફિલ્મે આખા દેશના તમામ સિનેમાઘરોમાં મહિનાઓ સુધી સતત હાઉસફૂલના પાટિયા ઝુલાવ્યા હતા. તે દિવસોમાં લાલ ટીશર્ટ, સફેદ પેન્ટની નીચે સફેદ બુટની ફેશન જીતેન્દ્રને કારણે જ આવી હતી. ત્યારબાદ “જીને કી રાહ” (૧૯૬૯) હમજોલી(૧૯૭૦)અને કારવાં(૧૯૭૧ )એમ એક પછી એક સફળ ફિલ્મ ધ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જીતેન્દ્રનું સ્થાન મજબુત બની ગયું. “આનંદ” ના પ્રીમિયર શો માં જીતેન્દ્રનો પરિચય ગુલઝાર સાથે થયો. તે પરિચયને કારણે જ જીતેન્દ્રની વધુ એક સફળ ફિલ્મ આવી. ફિલ્મનું નામ પણ “પરિચય”. ત્યાર બાદ જીતેન્દ્ર સાથે ગુલઝારને ગોઠી ગયું. “પરિચય” ની જેમ જ ”ખુશ્બૂ” અને “કિનારા’ પણ જીતેન્દ્રની તે સમયની તેની ડાન્સિંગ ઈમેજ કરતા હટકે ફિલ્મો હતી. ૧૯૭૭ માં “પ્રિયતમા” અને ૧૯૭૮ માં “અપનાપન” ની સફળતા બાદ ૧૯૮૦ માં રીનારોય સાથેની ફિલ્મ “આશા” એ તો બોક્ષ ઓફીસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ૧૯૮૨ માં જીતેન્દ્ર એ “દીદારે યાર” બનાવવાનું જીવનનું સૌથી મોટું જોખમ ખેડ્યું હતું. જીતેન્દ્રએ તેની તમામ કમાણી દાવ પર લગાડી દીધી હતી. ફિલ્મ તદ્દન ફ્લોપ નીવડી હતી. આખરે જીતેન્દ્રએ સાઉથ તરફ નજર દોડાવી હતી. સાઉથની ફિલ્મો હીટ જવા લાગી. જેમાં તોહફા, મવાલી, હિંમતવાલા, જસ્ટીસ ચૌધરી જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તે દિવસોમાં ફિલ્મમાં શ્રીદેવી હોય કે જયાપ્રદા પણ તેની સાથે હીરો તો જીતેન્દ્ર જ હોવો જોઈએ તેવો માહોલ સર્જાઈ ગયો હતો. એકતાકપૂરે એક વાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું “મૈ જબ સ્કૂલમેં થી તબ એક લડકીને મુઝે તાના મારા થા કી તેરે ડેડી કા તો શ્રીદેવી કે સાથ એફેર ચલ રહા હૈ. મૈને ઉસે જવાબ દિયા થા તેરે ડેડી તો સિર્ફ શ્રીદેવીકે સપને હી દેખ શકતે હૈ મેરે ડેડી તો રીયલ મેં હીરો હૈ. ”આ એક જ પ્રસંગ જીતેન્દ્રનું તેની દીકરી એકતા સાથેનું બોન્ડીંગ સમજવા માટે કાફી છે.

૨૦૦ કરતા પણ વધારે ફિલ્મોમાં અભિનય કરનાર જીતેન્દ્રનું ૨૦૦૨માં ફિલ્મફેરના લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જીતેન્દ્રની પત્ની શોભા જયારે પંદર વર્ષની હતી ત્યારથી જીતેન્દ્ર સાથે સંપર્કમાં હતી. જોકે શોભા સાથેના લગ્ન પહેલાં જીતેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવાની પુરેપુરી તૈયારી દર્શાવી હતી. તે પછીનો ઈતિહાસ ખૂબ જાણીતો છે. હાલમાં નિવૃત્તિને માણી રહેલાં જિતેન્દ્રનો પુત્ર તુષારકપૂર ફિલ્મોમાં અને પુત્રી એકતાકપૂર ટીવી સીરીયલોમાં વ્યસ્ત છે.

સમાપ્ત