તુલસી
“અરે પણ, તુલસીનો રોપો કાંઇ વગડે ઉગાડાય..?”
“ઇ તો ભગાબાપાએ વિચારવાનું હતું કે તુલસીને તો રુડા આંગણામાં રોપાય... કાંઇ બાવળીયાની વાડ્યમાં નો નાખી દેવાય..?”
“ને ઓલ્યો મૂકલો તો આ બેય બાપ દીકરીને પડત્યા મૂકીને વયો ગ્યો... ભોગવવાનું તો આ બેઉને આય્વુ ને..!”
રસ્તા પાસેથી હળવા પગલે પસાર થતા ભગાબાપાના કાને આ શબ્દો અથડાયા અને એના પડઘા ક્યાંય સુધી પડતા રહી ભગાબાપાની આંખોમાં ઝળહળીયા નીતરાવતા રહ્યા. પોતે કયા કામે બહાર જવા નીકળ્યા’તા ઇ ભૂલી જઈ કે પડતુ મૂકી ભગાબાપા નીચું માથું નાખી પાછા પોતાના ડેલાબંધ ખોરડે હાલતા થયા. આસપાસ ઊભા રહી ભગાબાપાને સંભળાવી દીધાનું હળવું હળવું દુ:ખ ભેળા થયેલા સૌ કોઇને થયું, પણ હંધાય જ્યારે કોઇની વાતો ખોદવામાં વળગ્યા હોય, તો પછી કોઇ પાછી પાની કરે ખરાં..!
“પણ બાપુ, ભગાબાપાને આ વાતનું બહુ લાગી આવ્યું..!”
“હા ભાઇ, વાત તો હાવ હાચી, પણ આમાં ખોટુંયે હું કીધું...? એકની એક દીકરીને કૂવામાં ધકેલતા જરાય કાળજુ નો કાંપ્યું..!”
“આ મોટા ડેલાબંધ ખોરડા હાટું થઇને કળજાનો કટકો આમ ઉઝેટી દેવાય..?”
“બાપલા...આ તો કળજુગ હાલે છે...! મા’ભારતમાં ઓલ્યા પાંડવોએ એની બાયડીને જુગારના દાવે લગાવી ઇમ આ મૂકલાએ એની બેનને...!”
“અરે પણ ઇ ક્યાં આની હગી બેન થાતી’તી... સાવકી માની જણેલી’તી.... પણ ઓલ્યા ડોસલાની તો હગી પેટની ઓલાદ થાતી’તી ને... તોયે એણે કાંઇ નો કર્યું..?”
“આ જો છોકરીને હવે ઘરમાં પાછી લાવી રાખી છે..!”
“આજ સાંજ સુધીમાં તો સરપંચ ગમે તેમ કરી ભગાબાપાની તુલસીને એના આંગણે ખેંચી લાવશે..!”
ગામના ચોકથી દૂર દૂર પોતાના ખોરતા તરફ જતા ભગાબાપાના કાને આ વાક્યો ગૂંજતા રહ્યા અને હ્રદય સોંસરવા આરપાર નીકળી રહ્યા..!
“વાત તો હાચી જ ને... ઇ મારી તુલસી ઓલ્યા કપાતર મૂકલાની કાંઇ હગલી નો’તી થાતી, પણ ઇની માએ ઇનો હાથ મરતા મને સોંપ્યો’તો ઇ હું જ કેમ ભૂલી ગ્યો..!” ભગાબાપાનો અંતરાત્મા તેમને કોસી રહ્યો. આગળ ભરતા દરેક ડગલે ભૂતકાળની વસમી પળ અડફેટે આવતી રહી.
જૂના ગામબહારના ખોરડામાં તો જરા અમથા વરસાદમાં ઘરમાં પાણીની રેલમછેલ આવી જાતી. તુલસીની માના કારજ પાછળ સરપંચ પાસેથી વ્યાજે લીધેલ પચીસ હજારનો ઉપાડ ભગાબાપા અને મૂકલાની આવક કરતા કેટલાયે ગણો વધતો રહ્યો. એમાં ને એમાં ખેતર પણ વયા ગ્યા અને તોયે માથે દેવું તો ઊભુ ને ઊભુ જ...! એમાં વળી મૂકલાની ઊઠબેસ સરપંચ સાથે વધવા લાગી અને સંગતને કારણે હવે મૂકલો રોજ રાતે દારૂ પી ઘરમાં રમખાણ મચાવવા લાગ્યો. શરૂઆતમાં તો સરપંચે પોતાના ખર્ચે દારૂ પીવડાવી મૂકલાને દારૂને રવાડે હેળવ્યો, પણ પછીથી દારૂ માટેય વ્યાજે પૈસા આપવા માંડ્યા..! ગામ આખુંયે અચરજમાં હતું કે પોતાના મરવા પડેલા બાપાને એક કાણી કોડીયે ના પરખાવનાર સરપંચ આ ભૂખડીબારશ મૂકલા પર આટલા મહેરબાન શીદને થાય છે..! એમાં વળી પાછલી જન્માષ્ઠમીનો એ ‘દી ભગાબાપાને કોઇ દી’ નો ભૂલાય એવો આવ્યો. ગામના ચોરે સરપંચ અને મૂકલો જુગટુ રમવા બેઠા. એ જુગટુ રમવા હાટું પણ સરપંચે જ મૂકલાને ઉધાર રૂપિયા દીધા. એક પછી એક બધા દાવ મૂકલો હારતો ગ્યો. આજે સરપંચે મૂકલા પાસે આકરી ઉઘરાણી કરી. અત્યાર સુધીના આપેલા બધા રૂપિયા વ્યાજસમેત અબઘડી માંગ્યા. મૂકલાના હાંજા ગગડી ગ્યા. સરપંચના રાખેલા લાકડીધારીએ મૂકલાને આડુઅવળુ બોલતા સાંભળતા ધડાધડ ફટકાર્યો.
“તારી માના.... તને હું લાગે કે મારા રૂપિયા મફતીયામાં મળશે..? મારા હંધાય રૂપિયા કાઢ નૈં તો તારા બાપાનેય આંઇ ઢહડી બોલાવું..!” સરપંચે લાલચોળ આંખ મોટી કરી જમીન પર પડેલા મૂકલાને ધમકી આપી.
“પણ બાપલા, અતારે મારી કને એટલા રૂપિયા નથ તે ક્યાંથી આપું...?” હાથ જોડી આજીજી કરતા મૂકલાએ જવાબ આપ્યો.
બે ઘડી કાંઇ વિચાર કરતા સરપંચે મૂકલા આગળ પોતાની મનખા રજૂ કરી.
“જો મૂકલા, તુયે જાણે છે અને તારો બાપ પણ કે તમે આખો જન્મારો કામ કરો તોયે મારું લેણું ચૂકવી શકો એમ નથ...તો એક મારગ છે આનો...” અધૂરી વાતે સરપંચના ચહેરા પર લુચ્ચાઇ અને હલકાપણું નીતરવા લાગ્યું.
“હું મારગ છે બાપુ..?” મૂકલાએ ઉતાવળે સવાલ કર્યો.
“જો મૂકલા, તુયે જાણે છે કે આ ગઈ સાલ મારી ત્રીજીવારની કરેલી પણ ભગવાનને ત્યાં વઈ ગઈ...અને હુંયે કોઇ હારા ઘરની છોકરી હોધ્યા કરું છું, તો...!” સરપંચે અધૂરી વાતમાં બધું સમજાવી દીધું.
મૂકલાએ મનોમન વિચાર્યું, ‘ક્યાં આ આધેડ વયનો સરપંચ અને ક્યાં તેની ફૂલ જેવી બહેન તુલસી..?’ “બાપુ, ઇ મેળ કંઇથી થાય...?” મૂકલાએ સરપંચના પ્રસ્તાવને નકારવા પૃષ્ઠભૂમિ બાંધવાના પ્રયત્ને કહ્યું.
“તારી માના..... હું તે કાંઇ તારી આગળ ભીખ નથ માંગતો કે આમ બોલ્યે છે..! અને તારી બેન પણ પણ સુખી જ થાશે ને..? તારા ભૂખડીબારશ ઘર હામે જોતા કોણ એનો હાથ ઝાલવા આવશે ઇ બોલ..? અને જો તુ તારી બેન મને વરાવે તો તારુ અને તારા બાપા પરનું હંધુયે લેણુ હું માફ કરવા હા ભણું છું અને ભેળું તને અલ્યા તૂટેલા ખોરડા કરતા ડેલીબંધ ખોરડું પણ આલુ....હવે બોલ્ય..!” સરપંચે ગુસ્સા મિશ્રીત અવાજે મૂકલા આગળ સ્પષ્ટતા કરતા કહ્યું.
ઇ કાળરાતે મૂકલાએ ભગાબાપાના મનમાં પણ આ લાલચનું બીજ રોપ્યુ અને કોણ જાણે ભગાબાપા પણ આ લેણા માફ અને ડેલીબંધ ખોરડાવાળી વાતમાં ભરમાઇ ગયા. ગામ આખુંયે આ જોઇ અચરજ પામ્યું કે રૂપિયા ખાતર પોતાની ફૂલ જેવી લાડકવાયી દીકરીને આવા કાળમુખાને ત્યાં ચોથીવારની વરાવી...! લગનના બીજા દી’ જ ફૂલ જેવી તુલસી સાવ પીંખાયેલી રોતી રોતી ભગાબાપાને ડેલે આવી. એક રાતમાં સરપંચના જુલમની વાત સાંભળી ભગાબાપાના રોમેરોમમાં આગ લાગી. પાછલી રાતનો રૂપિયાની લાલચનો નશો ઊતરી ગ્યો, હવે ફરી પોતાની વહાલસોયી દીકરીને એ કપાતર સરપંચને ત્યાં ફરી ક્યારેય ના મોકલવાનો પોતાનો અડગ નિર્ણય ભગાબાપાએ સંભળાવી તો દીધો, પણ પોતાની દીકરીને હવે ઘરમાં રાખવી એ એમના સમાજ અને ગામની નજરે ભગાબાપાને ખૂબ વસમુ પડવાનું હતું. આધા ઉછીના કરી સમાજને દંડની રકમ તો ભગાબાપાએ ચૂકવી દીધી, પણ હવે ભૂરાયા થયેલા સરપંચે પાછલી લેણી રકમ અને સાથે લગનમાં કરેલ ખર્ચની રકમ ભેળવી ખાસ્સુ મોટુ લેણુ બહાર કાઢ્યું. મૂકલાને આ લેણાની રકમની ઉઘરાણી પેટે ગામમાં આવતા જતા કેટલીયે વાર માર માર્યો હશે. જમાદારના થાણા અને ચોકીયુના ખર્ચા તો સરપંચની ડેલીએથી આવતા, તો એની હામે કયો પોલીસવાળો કાંઇ ચોપડે ફરિયાદ નોંધવાનો..? મૂકલો તો બધાની નજર ચૂકવી ગામમાંથી પલાયન થઈ ગ્યો, પણ પાછળ સરપંચે ભગાબાપા અને એની દીકરી તુલસીના ખોરડે ચાપતી નજરબંધી રખાવી જેથી બાપ-દીકરી ક્યાંય છટકી શકે નહીં..!
ભગાબાપા ખોરડાનો ડેલો ખોલતા પહેલા ડેલા બહાર પહેરો ભરતા સરપંચના લાકડીધારી ચોકીયાત આગળ નજર કરી ભગાબાપા ખોરડામાં પ્રવેશ્યા. ફળીયામાં જ રાખેલા મોટા તુલસીક્યારે દીવો કરી રહેલી વહાલસોયી દીકરી તુલસીની નજર ભગાબાપાની આંસુભરી આંખે પડી.
“આજ સાંજ સુધીમાં તો સરપંચ ગમે તેમ કરી ભગાબાપાની તુલસીને એના આંગણે ખેંચી લાવશે..!” ભગાબાપાના કાનમાં આ શબ્દો ફરી ફરી ગૂંજી રહ્યા.
આજે સાંજે શું થશે તેની ચિંતા ભગાબાપાના ચહેરા પર તુલસીને સાફ નજરે આવી. તુલસીના ચહેરા પર જરાય વિષાદની કોઇપણ રેખા દેખાતી ના હતી. ભગાબાપાની આંખોમાં આંસુ ભાળી તુલસીની આંખો પણ સજળ થઈ. તેણે ખૂબ હળવેથી ભગાબાપાની આંખોને પોતાની નજર વડે ઓંસરીમાં રાખેલ ખેતરમાં છાંટવાની દવા તરફ દોરવણી કરી. આટલા વર્ષો સુધી પોતાની વહાલસોયી દીકરીની કોઇપણ બાબતે સંમતિ ના આપનાર ભગાબાપાએ આજે પહેલી અને છેલ્લી વાર પોતાની દીકરીની વાત આંખોની પાંપણ ઢાંકી આંખે ઊભરાયેલા આંસુના ટીપાને સરી જવા મોકળો મારગ આપી સ્વીકારી.
ભગાબાપા તો ઘડીભર તુલસીક્યારા તરફ જુએ, તો પાછા પોતાની તુલસી તરફ..! ભગાબાપાને ફરી ફરી સવારે સાંભળેલા શબ્દોના ભણકારા વાગ્યા.... “અરે પણ, તુલસીનો રોપો કાંઇ વગડે ઉગાડાય..?” “ઇ તો ભગાબાપાએ વિચારવાનું હતું કે તુલસીને તો રુડા આંગણામાં રોપાય... કાંઇ બાવળીયાની વાડ્યમાં નો નાખી દેવાય..?”
“હવે કોઇ દી’ તુલસી વગડે કે બાવળીયાની વાડ્યમાં નહીં જાય..!” ભગાબાપા મનોમન બબડ્યા.
આ શબ્દો પછી ખોરડે મૌન સંભળાયું....ફરી મૌન.... ફરી પણ મૌન.....મૌનના ભણકારા....મૌનના પડઘા...મૌન...મૌન....મૌન...!
સાંજે ભગાબાપાની ડેલીએ ગામ આખું કનારે વળગ્યું..!
*******