MUSIBAT in Gujarati Short Stories by Jayesh Soni books and stories PDF | મુસીબત

Featured Books
Categories
Share

મુસીબત

વાર્તા-મુસીબત લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775

સુખદેવભાઈ બસમાં થી ઉતર્યા ત્યારે અંધારું થઇ ગયું હતું.તેમણે ઘડિયાળમાં જોયું.સાત વાગ્યા

હતા.ડિસેમ્બર મહિનાની કાતિલ ઠંડી થથરાવી રહી હતી.શહેર થી ગંગાનગર આવતાં બસમાં બે કલાક નો રસ્તો હતો.તેઓ ત્રણ વાગ્યા ની બસમાં બેઠા હતા એટલે પાંચ વાગ્યે પહોંચી જવાય પણ રસ્તામાં બે વખત બસ બગડી એટલે આવતાં સાત વાગી ગયા.બસ સ્ટોપ હાઇવે ઉપર હતું અને ત્યાંથી ચાલીને ઘરે જતાં એક કલાક થાય.

સુખદેવભાઇ ગંગાનગર પ્રાથમિક શાળા ના શિક્ષક હતા. ગામના અતિ બુદ્ધિશાળી વ્યક્તિ અને શતરંજ કે ખેલાડી હતા.વ્યવસાયે ભલે શિક્ષક હતા પણ કોઇ રાજકારણી ને પણ ભૂ પીવડાવે એવા હતા.પૈસે ટકે સમૃદ્ધ હતા.ખેતીવાડી ની પણ ઘણી આવક હતી.આજે શાળાના કામે શહેરમાં ગયા હતા.પાસે એક લાખ રૂપિયા રોકડા નું જોખમ હતું એટલે તેમને ભય સતાવી રહ્યો હતો.અંધારું થઇ ગયું હતું એટલે હવે ગામ તરફ જવા માટે કોઇ રીક્ષા પણ મળે એમ નહોતું એટલે ચાલીને જવા સિવાય છૂટકો જ નહોતો.કંઇક રસ્તો નીકળશે એવું મનોમન વિચારી રહ્યા હતા.ચાર કિલોમીટર ચાલવાની તેમને આળસ નહોતી પણ અંધારું અને પાછું જોખમ એટલે ડર લાગી રહ્યો હતો.હિંમત એકઠી કરીને તેમણે ગામ તરફ પગ ઉપાડ્યા.

‘કેમ સાહેબ આટલી મોડી રાત્રે ક્યાંથી આવ્યા?’ તેમના ખભે હાથ મુકીને કોઈએ પૂછ્યું.તેમણે પાછું વળીને જોયું તો ગામનો માથાભારે અને રખડેલ દેવજી વાઘેલા બાઈક લઇને ઊભો હતો.સુખદેવભાઇ કંઇક જવાબ આપે તે પહેલાં જ તેણે કહ્યું કે ‘સાહેબ બેસી જાઓ પાછળ ગામ તરફ જ જાઉં છું.’ એક ક્ષણ લાલચ જાગી પણ પાસે જોખમ હતું એટલે સુખદેવભાઇ એ ના પાડીને કહ્યું કે એક જણ ની રાહ જોઉં છું તમે જાઓ.’

‘ઠીક ત્યારે’ કહીને દેવજી એ બાઈક મારી મૂક્યું.

રસ્તો કાપતાં કાપતાં તેમને યાદ આવ્યું કે જમણા હાથે એક અવાવરૂ વાવ છે અને લોકવાયકા પ્રમાણે ત્યાં ચૂડેલ રહેછે.સુખદેવભાઇ આ રસ્તે ઘણીવાર ચાલીને ગયા હતા પણ કોઈ ખરાબ અનુભવ નહોતો થયો પણ અત્યારે અંધારામાં આવું યાદ આવે એટલે ડર લાગવા જ માંડે.તેમણે મોટા અવાજે હનુમાનચાલીસા નો પાઠ ચાલુ કર્યો.

ગામની લાઈટો દેખાવા માંડી એટલે તેમને થોડી હાશ થઇ.એટલામાં સામેથી સાયકલ લઈને કોઇ આવતું હોય એવું લાગ્યું.સાયકલ નજીક આવીને તેમની પાસે આવીને ઊભી રહી.’ અરે સાહેબ આટલા અંધારામાં ચાલતા? ક્યાં જઇ આવ્યા?’ ગામની સ્કૂલ નો પટાવાળો રમેશ હતો.’ ભાઇ,શહેરમાં ગયો હતો અને મોડું થઇ ગયું.’સાહેબે પણ હાશકારો અનુભવ્યો.

‘ ગામની કોઇ નવાજુની સાંભળી સાહેબ? પેલા દેવજી વાઘેલા ને તો તમે ઓળખોછો ને? રમેશે કહ્યું.

‘ઓળખ્યો ભાઇ ગામનો એક નંબરનો ઉતાર.તે શું થયું તેને રમેશ?’ સાહેબ ને પણ જાણવાની તાલાવેલી લાગી.’સાહેબ,એક કલાક પહેલાં જ દેવજી નું બાઈક ગામની પોસ્ટ ઓફિસ આગળ વડના ઝાડ સાથે અથડાયું અને ત્યાં ને ત્યાં જ દેવજી ખલાસ.’ ‘ શું વાત કરેછે રમેશ ખરેખર? પોલીસ આવી?’ સુખદેવભાઇ ને એક કલાક પહેલાં મળેલો દેવજી અકસ્માતમાં મરી ગયો એ જાણીને ખૂબજ નવાઇ લાગી.

‘ હા સાહેબ પોલીસે પંચનામું કર્યું.અને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી.અને સાહેબ અચરજની વાત તો એ હતીકે દેવજી પાસે એક પર્સ હતું તેમાંથી રૂપિયા દસ લાખ રોકડા નીકળ્યા.બે હજારની નોટોના પાંચ બંડલ ‘ આટલું કહીને રમેશ સાયકલ લઈને આગળ વધ્યો.ગંગાનગર ગામની વસ્તી ત્રીસેક હજારની હતી એટલે સરકારી દવાખાનું અને પોલીસ થાણું પણ હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર ત્રિવેદી હજીતો પંચનામા ની કાર્યવાહી પતાવીને ઓફિસે આવ્યા જ હતા ત્યાં તો ફોન રણક્યો ‘ સાહેબ હાઇવે થી ગામમાં આવવાના રસ્તે વાવ થી થોડે આગળ કોઈની લોહીલુહાણ લાશ પડી છે.’

‘તમે કોણ બોલોછો?’ સાહેબે પૂછ્યું.’ સાહેબ મારે નાહકની ઉપાધીમાં પડવું નથી.માહિતી સાચી છે.’ફોન કપાઇ ગયો.સાહેબ જીપ લઇને બે જમાદારો સાથે ઉપડ્યા. વાવ આગળ લોહીલુહાણ હાલતમાં એક વ્યક્તિ પડેલી તેમણે જોઇ.ફટાફટ તેઓ દોડ્યા અને નાડી તપાસી તો વ્યક્તિ જીવતો હતો અને માથાના ભાગે વાગેલું હતું ત્યાં થી લોહી નીકળતું હતું.બેટરી મારીને સાહેબે ચહેરો ધારીને જોયો ત્યાં તો જમાદાર બોલ્યો ‘સાહેબ આ તો સુખદેવભાઇ માસ્તર છે.’ સુખદેવભાઇ ને ઉપાડીને જીપમાં લીધા અને જીપ સરકારી દવાખાને ઉપડી.

ડોકટરે કહ્યું કે માથાના ભાગે ચોટ વાગવાથી બેભાન થઇ ગયા હતા.બીજે ક્યાંય વાગ્યું નથી.પાટાપીંડી કરીને ડોકટરે ઇન્સ્પેક્ટર ને કહ્યું કે હવે તમારે તેમને લઇ જવા હોયતો લઇ જાઓ.ગંભીર ચોટ નથી. સુખદેવભાઇ ને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા.ઈન્સ્પેક્ટરે પૂછ્યું’સાહેબ હવે તમે સ્વસ્થ હોવ તો થોડી પૂછપરછ કરવી છે અને F.I.R.પણ કરવી પડશે’ સુખદેવભાઇ એ હા પાડી એટલે સાહેબે કહ્યું કે તમારી સાથે જે બન્યું હોય તે જણાવો.

‘સાહેબ,આજે શહેરમાંથી આવતાં મારે મોડું થઇ ગયું એટલે હું હાઇવે થી ગામ તરફ આવવા માટે રીક્ષાની રાહ જોઇને ઊભો હતો એટલામાં આપણા ગામનો દેવજી વાઘેલા ગામ તરફ જતો હતો તેણે મને સાથે આવવા કહ્યું પણ મારી પાસે જોખમ હતું એટલે મેં બહાનું બતાવીને ના કહી.પછી હું ચાલતો જ નીકળ્યો.થોડો આગળ વધ્યો ત્યાં તો મેં જોયું કે દેવજી અંધારામાં ઊભો હતો.મને જોઇને પાસે આવ્યો અને હું કંઇ વિચારું એ પહેલાં તો મારા માથા ઉપર કોઇ વસ્તુ નો ઘા કર્યો અને મારા હાથમાં રહેલું પર્સ લઇને ભાગ્યો.બસ પછી તો હું બેભાન થઇ ગયો.’સાહેબે આ બયાન સાંભળીને ત્રિવેદી સાહેબે જમાદાર સામે જોયું.

‘પર્સમાં કેટલા રૂપિયા હતા?’ ‘ સાહેબ દસ લાખ રૂપિયા હતા.બે હજારની નોટોના પાંચ બંડલ.હું તો લૂંટાઈ ગયો સાહેબ.દેવજી ને પકડી લાવો સાહેબ.આતો સારું થયું કે એક લાખ રૂપિયા મારા બંડીના ખિસ્સામાં હતા એ બચી ગયા.’ સુખદેવભાઇ રડવા લાગ્યા.તેમને રડતા જોઇને ત્રિવેદી સાહેબ હસવા લાગ્યા.સુખદેવભાઇ ને આશ્ચર્ય થયું.એકાદ ક્ષણ પછી ત્રિવેદી સાહેબે સુખદેવભાઇ ના ખભે હાથ મુકીને કહ્યું’સાહેબ,તમારી ઈમાનદારીની કમાઇ ની રકમ રૂપિયા દસ લાખ સલામત છે.ચિંતા કરશો નહીં.તમને ખબર નથી તો કહી દઉં કે દેવજી વાઘેલા આજેજ અકસ્માતમાં માર્યો ગયોછે અને તમારા દસ લાખ રૂપિયા અમારી પાસે સલામત છે.કોર્ટ કાર્યવાહી પછી તમને મળી જશે.ભગવાને તમારી પ્રામાણિકતા ની કમાઇ બચાવી દીધી છે.હવે અમારી ગાડી તમને ઘરે મુકી જશે.આરામ કરો.’

સુખદેવભાઇ એ આકાશ સામે નજર કરીને ઈશ્વરનો આભાર માન્યો.