વહેલી સવારે ફરી આકાશ કાળા વાદળોથી છવાયું. ભયાનક વરસાદ તૂટી પડયો હતો. મેઘ ગર્જના અને વીજળીના કડાકા ઘરમાં પણ ભયાનક બૉમ્બ વિસ્ફોટ થયો હોય એમ ગુંજતા હતા. ગાડી માટેના પતરાના સેડ ઉપર મોટા છાંટાનો વરસાદ ઝીંકાઈને અવાજ કરતો હતો.
આ બધાય અવાજથી નિધિ જાગી ગઈ. ઘડિયાળમાં જોયું તો સવારના છ ઉપર પંદર મિનિટ થઈ હતી. એ તૈયાર થઈ અને ફોયરમાં આવી. આજે છાપાવાળો આવે એની કોઈ શક્યતા હતી જ નહીં. એટલે એની પાસે ચા પીવા સિવાય કોઈ કામ હતું નહીં.
ઘડીભર હોલની બારી ખોલીને બહારનું વાતાવરણ જોતા જોતા એણીએ ચા પુરી કરી.
બારીની બહાર હજુ અંધારું હતું. એટલે ખાસ કંઈ દેખાતું ન હતું. લાઈટની લાઈન ભારે વરસાદને લીધે બંધ કરી દેવામાં આવી હતી. ઘરમાં થોડું અજવાળું પડે એ માટે હોલનો દરવાજો ખોલવાનું યાદ આવ્યું.
હોલનો દરવાજો ખોલતા થોડો પતરા ઉપર પડતા વરસાદનો અવાજ થોડી ઠંડી હવા અને થોડું અજવાળું આવ્યું. પણ નિધિની નજર દરવાજા બહાર કોઈ ભૂત જોયું હોય તેમ ચોટી ગઈ. દરવાજા બહાર લાકડાના સોટા ઉપર લાલ કલરનો ફ્રોક લટકતો હતો. એની આંખો જાણે ફાટી ગઈ હોય, કોઈ ભૂત જોઈ લીધું હોય એમ એના પગ જડાઈ ગયા.
એ જ લાલ ફ્રોક જેવું એન્જી નાનપણમાં પહેરતી. જાણે એનજીનું નિર્જીવ પૂતળું ઉભું હોય એમ સોટા ઉપર લટકાવેલું વરસાદમાં પલળતું ફ્રોક એ મિનિટો સુધી જોઈ રહી.
થોડીવારે સ્વસ્થ થઈને વરસાદમાં પલળતી એ ઘરની બહાર નીકળી. સોટા ઉપર લટકતા ફ્રોકને ઉતાર્યું અને ભીંજાતી જ ત્યાં ફ્રોકને જોતી ઉભી રહી. એન્જી અને પોતે વરસાદમાં આમ પલળતા, કાગળની હોડી બનાવી ખાબોચિયામાં રમતા એ દ્રશ્યો તેને દેખાયા. માનવ મન ખુબ સંવેદનશીલ હોય છે તે ક્યારેય ભૂતકાળને ભૂલી નથી શકતું. ઠંડા પવનમાં ભીંજાયેલા કપડામાં એનું શરીર ધ્રુજવા લાગ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો પોતે પૂરેપૂરી ભીંજાઈ ગઈ છે. એક ભયાનક મેઘ ગર્જના થઇ અને વિજળી ખવી એટલે એ પુરેપુરી સ્વસ્થ થઇ.
ફ્રોકને હળવેથી ઉતારી લઈને એ દરવાજે આવી. ફ્રોક નિચોવીને સોફા પર મૂક્યું. ટુવાલથી પોતાના વાળ લૂછયા. કપડાં બદલીને એ ફ્રોક સામે જોતી બેસી રહી.
ફૂલ પણ રેડ કલરના મુક્યા હતા અને આ ફ્રોક પણ રેડ કલરનું છે. રેડ ફૂલ એન્જીને ગમતા અને રેડ કપડાં પણ એન્જી પહેરતી. મારો પીછો થવો ગાડીના કાચ તોડવા ફૂલો આવવા અને હવે આ ફ્રોક...! આ બધું જ એન્જીના મૃત્યુ પછી શરૂ થયું છે. તેના મનમાં ગોઠવણ થવા લાગી.
જરૂર કઈક ભેદ એન્જીના જીવનમાં હોવો જોઈએ. છેલ્લા ત્રણેક મહિનાથી એન્જીના ફોન કોલ પણ મારા ઉપર ઓછા આવતા હતા. અને અંતિમ પંદર દિવસોમાં તો લગભગ એક પણ ફોન એન્જીએ કર્યો નથી.
શુ હોઈ શકે? વોટ ઇઝ ધ રિઝન ફોર ધીસ? એન્જીને તો કોઈ નજીકનું મિત્ર પણ નથી હું કોને પૂછું?
નિધિ ભયભીત અને લાચાર બની જડની જેમ ફ્રોક સામે જોતી બેસી રહી. પણ એને હવે ખાતરી થવા લાગી. નો ઇટ્સ નોટ સ્યુસાઇડ. આ આત્મહત્યા ન હોઈ શકે. જરૂર એન્જીના જીવનમાં કઈક રહસ્ય હોવું જોઈએ. હું અહી આવી એ પછી જરૂર કઈક બન્યું હોવું જોઈએ. કેમ કે જ્યાં સુધી સાથે હતા ત્યાં સુધી તો એન્જીની પળેપળની રજે રજ માહિતી મારી પાસે હતી જ. એટલે હું અહી આવી એ પછી જ એન્જીના જીવનમાં કઈક બન્યું છે. કંઈક ભયાનક.
એન્જીના મૃત્યુ પાછળ કોઈ રહસ્ય છે એ તાગ નિધિ મેળવી શકી પણ હજુ એન્જીની ડાયરી વાંચવાની એને યાદ ન આવ્યું....! દસેક પાનામાં ભૂતકાળની મીઠી યાદો લખેલી હતી એ એન્જીની ડાયરીમાં આગળના પાનાઓ ઉપર ઘણું બધું રહસ્ય હતું એ ન નિધિ જાણતી હતી ન તો એન્જી સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ.....!
પણ આજે રાત્રે અહીં એકલા નથી રહેવું. હું જુહીને ત્યાં ચાલી જઈશ એ નિર્ણય તો ફ્રોક જોતા જ નિધીએ કરી લીધો હતો.
*
મનુંને નિધિ રાવળના કેસમાં કઈક છઠ્ઠી ઇન્દ્રિય ઈશારો કરતી હતી. સમથિંગ ટેરિબલ વુડ હેપન. સમથિંગ ટેરિબલ વુડ હેપન. વર્દી પહેરતા પહેરતા મનુના મન ઉપર વિચારોના હથોડા ઝીંકાવા લાગ્યા. આયનામાં તેના દેખાવડા ચહેરા ઉપરથી વિચારોને લીધે સ્મિત ઉડી ગયું. શર્ટ પહેરતા તેણે આયનામાં તેના સિક્સ એબ્સ તરફ જોયું. તેણે એબ્ડોમ્લ્સ ઉપર હાથ મુક્યો અને ધીમેથી તેની વી શેપ, ભરાવદાર અને માંસલ છાતી ઉપર આંગળી અટકાવી. છાતીમાં જમણેથી સહેજ આ તરફ અને હ્રદયથી સહેજ જમણે તરફ એક ઘા હતો. ઘા ઉપર આંગળી અડતા જ તેને આદિત્ય યાદ આવ્યા.
મી. આદિત્યના કોઈ ખબર કેમ નથી? એ ક્યાં ગયા હશે? એક પણ એજન્ટ કોઈ સંદેશો કેમ નથી આપતો? અર્જુન અને શ્રીવાળો કેસ સોલ્વ કર્યો એ પછી એક ટેરેરિસ્ટ ગ્રુપની પાછળ આદિત્ય પડ્યા હતા. વર્ષો સુધી એમના હાથમાં કઈ આવ્યું ન હતું. એજન્ટોના ઘરે ખર્ચ માટે મુકવાના પૈસા પણ ખાલી થવા લાગ્યા હતા. એ પછી ખાસ્સા એજન્ટોને મી. અદિત્યએ થોડાક સમય માટે છુટા કરવા પડ્યા હતા.
મનું વિચારતો રહ્યો અને શર્ટના બટન બંધ કરતો ગયો.
*
સોનિયા કોલેજ જતી ન હતી. સમીરે અને અનુપે પણ કોલેજ જાણે બંધ જ કરી દીધી હતી. અનુપ હમણાંથી સમીર ઉપર નજર રાખતો ન હતો. કારણ સરફરાઝ એ કામ કરી લેશે એવી ખાતરી હતી. જોકે એને બસ એટલું જ જોવાનું હતું કે સમીર સોનિયાને મળીને એને મનાવી ન લે. બાકી સમીરને બધા કોલેજનો સામાન્ય વિદ્યાર્થી જ સમજતા હતાં. અનુપને એમ હતું કે સમીર મારી જેમ કોઈ માટે કામ કરતો માણસ નથી. એ માત્ર કોલેજમાં આવતા ઘણા કરોડપતિ લફંગા છોકરાઓમાંથી એક છે. જેને લફરાં કરવાની, રંગ રેલીયા કરવાની આદત છે. અને અનુપને બસ એટલું જ જોઈતું હતું.
અનુપે આગળના બે ત્રણ કેસ આબાદ સોલ્વ કર્યા પછી બે ત્રણ શિકારને ચાલાકીથી ફસાવ્યા પછી સમીરને અંડરએસ્ટીમેટ કર્યો હતો. અનુપ જાણતો ન હતો કે સમીર કોલેજમાં ભણવા આવેલો કોઈ છોકરો ન હતો. સમીર પણ અનુપની જેમ કોઈ મકસદથી જ કોલેજમાં આવ્યો હતો એવી એક આછી કલ્પના સુદ્ધાં અનુપને આવી ન હતી. એનું કારણ સમીરની ચાલાકી હતી. એણે દરેકે દરેક કામ આબાદ રીતે ગજબ ચાલાકીથી કર્યું હતું.
ગમે તેમ હવે સમીર પણ ઉલજનમાં પડ્યો હતો.
આજે સવારથી જ બપોર સુધી એ વિચારતો રહ્યો. બોસનો હુકમ હતો કે કામ જલ્દી કર. પણ અહીં ઉતાવળ કરી શકાય એમ ન હતી.
સોફામાં બેઠો બંને હાથની મુઠ્ઠીઓ ઉપર હડપચી ટેકવી સામેની બંધ ટીવીના સ્ક્રીન ઉપર જોતો એ વિચારતો હતો. નીમીનો કોઈ પ્રશ્ન રહેતો ન હતો. પણ સોનિયાનો હજુ પ્રશ્ન હતો.
અનુપે પણ સોનિયા ઉપર નજર રાખી હતી. સોનિયા સવારથી સાંજ સુધી હોસ્ટેલમાં પુરાઈ રહેતી અથવા તો ક્યાંક ગાર્ડન કે રિવર ફ્રન્ટ પર જઈને કલાકો એકલી ઉદસસીમાં બેસી રહેતી.
આજે સવારથી જ સોનિયા રિવર ફ્રન્ટ ઉપર નીકળી હતી. રસ્તામાં એણીએ બેફામ સિગારેટ પીધી હતી. રેલવેના ક્રોસિંગ પાસે પહેલા એણીએ બ્રેક કરીને ચા સાથે સિગારેટ પીધી હતી પછી એ રિવર ફ્રન્ટ ઉપર ગઈ હતી.
અનુપે આ બધું નજરે જોઈને હવે દિવસ દૂર નથી એવો અંદાજ લગાવી લીધો. સોનિયાને રિવર ફ્રન્ટ ઉપર એમ જ ઉદાસ જોઈને એ ચાલ્યો ગયો.
*
સરફરાઝ સવારે સમીર પાસે ગયો અને ખુલ્લી ઓફર કરી હતી.
"સમીર જો તું મારી સાથે જોડાય તો આવી સો છોકરીઓને ફસાવીને બ્લેકમેઇલ કરી શકીએ."
"હું વિચારીને કહીશ." એમ કહીને સમીરે એની પાસેથી એક દિવસનો સમય લીધો હતો. જોકે તેને વિચારવાનું એ બાબતે ન હતું પણ બીજી બાબતે તેને ઘણું વિચારવાનું હતું. અને આમ તરત જ પ્રસ્તાવ કબુલ કરવાથી સરફરાઝને પણ વિચિત્ર તો લાગે જ. સરફરાઝ કાઈ મુર્ખ નથી એ સમીર બરાબર જાણી ગયો હતો.
*
બપોર સુધી વિચારી લીધા પછી સમીરે છેલ્લે એક વિચાર કર્યો. શુ સરફરાઝને અનુપ વિશે બધી માહિતી હશે? કે પછી એને માત્ર છોકરીઓ ફસાવવાનું અને કોઈ ઉપર નજર રાખવાનું કામ જ સોંપવામાં આવતું હશે?
જે હોય તે પણ અત્યારે તો સરફરાઝ સાથે હાથ મિલાવીને એ શું જાણે છે એ બધું મારે જાણવું પડશે.
ખાસ્સું મગજ કસીને એક આબાદ પણ ભયાનક પ્લાન સમીરે ઘડ્યો. બે ત્રણ વાર ચા બનાવીને પી લીધી અને ફોન ઉપર સબનમને બધું સમજાવી દીધું.
*
નિધિ આગળની રાત્રે જુહીના ઘરે ચાલી ગઈ હતી. ઓડી હજુ રિપેરીંગમાં હતી એટલે જુહીની જ ગાડીમાં બંને ઓફીસ ગયા હતા.
બપોર સુધી કામમાં કઈ મન લાગતું ન હતું. ઘડીક પેલા ફૂલ તો ઘડીક પેલા ફ્રોકનું દ્રશ્ય એના મગજમાં ઉનાળામાં આવતા વંટોળની માફક ચકરી લેતા હતા! આખરે એ કંટાળી. ઉભી થઇ પર્સ અને જુહીની ગાડીની ચાવી લીધી.
"જુહી હું ઘરે જાઉં છું. તું ઓટોમાં આવી જજે પ્લીઝ."
"ઓકે મેડમ નો પ્રોબ્લેમ." હસીને જુહીએ કહ્યું.
નિધીએ જુહીને એમ જ કહ્યું હતું કે મને ઘરે એકલીને ફાવતું નથી. પેલી ગાડીવાળી વાત જુહીને કહી હતી પણ ફ્રોકવાળી ઘટના કહી ન હતી.
નિધિ નીચે આવી. રોડના ફૂટપાથ પાસે, બે બિલ્ડીંગ વચ્ચે પડતી સાંકડી ગળીમાં પાર્ક કરેલી ગાડીમાં બેઠી. કી ભરાવી અને ઘુમાવી પણ ધર... ધર.... ધરરરરર..... એન્જીનનો બોદો અવાજ આવ્યો અને શાંત થઈ ગયો. બે ત્રણ પ્રયત્નો કર્યા પણ ગાડી ઉપડી નહિ.
કંટાળીને તે બહાર નીકળી. દરવાજો લોક કર્યો અને પર્સ લઈને ચાલવા લાગી. રસ્તા ઉપર વરસાદને લીધે કીચડ થયો હતો. નિધિ ચાલવા લાગી એટલે એની પાછળ બે માણસો પણ ચાલવા લાગ્યા. એક જુવાન હતો. ક્લીન સેવ અને બીજો ભરાવદાર દાઢીવાળો થોડો મોટી ઉમરનો અને શરીરમાં પણ ભારે.
નિધિ નીચે આવી ગાડીમાં બેઠી ફરી નીચે ઉતરી અને ચાલવા લાગી એની પાછળ બે માણસો ચાલવા લાગ્યા એ બધું જ સામેના કોફી હાઉસમાં સિવિલ ડ્રેસમાં બેઠો મનું જોતો હતો.
સાંજના સાત વાગ્યાનો સમય હતો. વાતાવરણમાં વાદળ હતા એટલે અંધારા જેવું થઈ ગયું હતું તે છતાં બિલ્ડીંગો અને રસ્તા પરના થાંભલાને લીધે આવતા પ્રકાશમાં મનુએ એ બધું જોયું.
ટેબલ ઉપર કપ નીચે પૈસા મૂકીને મનું પણ એ તરફ ગયો.
*
નિધીને ખાસ્સી પાંચ મિનિટ પછી કોઈ પીછો કરે છે એ ખ્યાલ આવ્યો. એ થોડી ગભરાઈને ઉતાવળી ચાલવા લાગી. પેલા બંનેએ પણ ઝડપ વધારી અને ચાલ ઉતાવળી કરી.
એકાએક નિધિ બિલ્ડીંગો વચ્ચે પડતી એક ગળીમાં વળી ગઈ. પેલા બે એની પાછળ વળ્યાં. પણ નિધીએ ભુલ કરી હતી. એ ગળીનો આગળનો છેડો બંધ હતો.
બે ત્રણ મિનિટ ચાલીને નિધિ અંધારામાં ઉભી રહી ગઈ. સામે ઊંચી દીવાલ હતી. નિધિના હાથ પગ ધ્રુજવા લાગ્યા. પેલા બે માણસો વધુને વધુ નજીક આવતા ગયા.
પણ એ બંને છેક નજીક આવે એ પહેલાં જ ગળીમાં કોઈ ત્રીજી વ્યક્તિ આવતી દેખાઈ. એ મનું હતો.
મનું નજીક આવ્યો. એ વર્દીમાં ન હતો એટલે પેલા બે ત્યાં જ ઉભા રહ્યા અને સિગારેટ સળગાવી પીવા લાગ્યા.
"હેલો મિસ નીધી." મનુએ હસીને નજીક આવતા કહ્યું પણ નિધીને તો એમ જ લાગ્યું કે આ બે માણસોનો બોસ આ ત્રીજો આવ્યો એ છે. એ મનુને ઓળખતી ન હતી.
"તમે અહીં ગળીમાં એક છોકરીની પાછળ શુ કરો છો?" એકાએક મનુએ પેલા બે ને પૂછ્યું.
"અરે ભાઈ અમે તો અહીં બિયર પીવા આવ્યા હતા. અહીં અંધારામાં કોઈ છોકરી હશે એ અમને શુ ખબર?" પેલા દાઢીવાળાએ તરત જવાબ આપ્યો અને ખિસ્સામાંથી બિયરનું ટીન કાઢ્યું.
“ઓહ એન્જોય.” મનુએ નિધિ તરફ નજર કરીને કહ્યું, "મિસ નિધિ હું તમારી ઓફિસે જ આવતો હતો પણ તમને આ તરફ આવતા જોયા એટલે હું પાછળ આવી ગયો.”
નિધીને તો અપાર રાહત થઈ હતી પણ એ કઈ બોલી શકી નહીં. એટલે મનુએ જ કહ્યું, "તો આગળની વાત ઓફિસે જઈને કરીએ?"
"હ.. હા કેમ નહિ...." કહીને નિધિએ પગ ઉપાડ્યા.
"તમે જાઓ હું ઓફિસે આવું છું." મનુએ કહ્યું અને નિધિ સડસડાટ ગળી બહાર નીકળી ગઈ.
નિધિ ગઈ એટલે મનુએ પેલા બેની તપાસ કરી, "સાચું બોલો કેમ પાછળ પડ્યા હતા? હું ઇન્સ્પેકટર મનુનો માણસ છું."
ઇન્સ્પેકટર શબ્દ સાંભળીને પેલા બે ધ્રુજી ઉઠ્યા.
"અરે સાહેબ આ મોટી સિંગર છે. અમે ચોર છીએ. એના હાથમાં પર્સ તો રોજ હોય છે પણ રોજ એ ગાડીમાં હોય છે. આજે ચાલતી જતી હતી એટલે અમને મોકો મળ્યો."
એક અટક્યો એટલે બીજો બોલવા લાગ્યો, "આવડી મોટી સિંગરના પર્સ કઈ ખાલી તો ન જ હોય ને સાહેબ? "
"ઓકે ઠીક છે હવે પછી ચોરી કરો તો આમ ખૂનીની જેમ નહિ કરવાની. આમ તો કોઈ ગભરાઈ જાય."
"અમને પણ એ ખ્યાલ આવ્યો હતો સાહેબ પણ લાલચમાં...."
"ઠીક છે ભાગો બંને બીજીવાર દેખાતા નહિ." મનુએ કહ્યું એ સાથે જ બંને રીતસરના દોડીને ગળી બહાર નીકળી ગયા.
પેલા માણસે ઓફિસમાં વાત કરવાનું કહ્યું પણ એ ખરેખર ઓફિસે આવવાનો હોય અને મને આવા અંધારામાં ઓફિસથી એટલે છેટે જોઈ હોય એ શક્ય નથી લાગતું. નિધિ ખાતરી કરવા ગળી બહાર ઉભી રહી. મનુ બહાર આવ્યો એટલે એણીએ તરત પૂછ્યું, “કોણ છો તમે?”
“હું ઇન્સ્પેકટર મનુ અને એ બંને ચોર હતા.” મનુએ કહ્યું અને પોતાનું આઈડી બતાવ્યું.
“થેંક યુ સર.” આઈડી જોઇને નીધીએ કહ્યું. પાસેના પોલ પરથી એલઈડી બલ્બનું અજવાળું બંનેના ચહેરા ઉપર રેલાતું હતું. મનુ ઘડીભર એની નિર્દોષ આંખોમાં જોઈ રહ્યો.
નીધીને એ ખ્યાલ આવતા જ કહ્યું, “મેં ફરિયાદ નોધાવી હતી એટલે મારો પીછો કર્યો? ખાતરી કરવા?”
“હા... યસ...” એના સવાલથી મનુની તંદ્રા તૂટી, “પણ આ માણસો તો ચોર હતા. બાય ધ વે આમ પર્સ લઈને એકલા ચાલવું ઠીક નથી. અને આટલો મોટો રોડ હોય તો ગળીમાં શું કામ જવું?”
“હું ગભરાઈ ગઈ એટલે ગળી જોતા જ હું વળી ગઈ.”
“વેલ, આ મારો નંબર છે.” મનુએ કાર્ડ આપ્યું, “કઈ પણ વહેમ જેવું લાગે તો યુ કેન કોલ મી એની ટાઈમ.”
“થેંક્યું સર.” મનુના ચહેરા ઉપર એક નજર કરી એ હસીને ચાલી ગઈ.
મનુ ઘડીભર એને પોલના અજવાળામાં જતી જોઈ રહ્યો પછી જાણે પ્રેમ મહોબ્બત માટે તે બન્યો જ ન હોય તેમ નિધિનો ચહેરો મનમાંથી ખંખેરીને મોબાઈલ નીકાળી નંબર ડાયલ કરવા લાગ્યો.
*
"તો બોલ હવે પહેલી શરૂઆત કઈ કોલેજથી કરવી છે?" સમીરે સરફરાઝ સાથે હાથ મિલાવ્યો એટલે સરફરાઝે સીધી જ કામની વાત કરી.
"કોઈ કોલેજમાં જવાની જરૂર જ નથી યાર." સમીર દાઢમાં હસ્યો.
"એટલે?"
"એટલે મેં ફેસબુક ઉપર જ એક પંખી ફસાવ્યું છે."
"ક્યાં બાત હે? પણ રૂપિયાવાળું તો છે ને? સાલું ઘણીવાર તો મહેનત માથે પડે છે યાર."
"અરે રૂપિયા એટલે કરોડોની માલીક છે યાર." સમીરે મોબાઈલ નીકાળ્યો. અને સબનમના મર્સડીઝ સાથેના ફોટા બતાવ્યા.
"માલ પણ કમ નથી." સબનમના ફોટા જોઈને સરફરાઝ બોલી ઉઠ્યો.
"બસ થોડા દિવસમાં કામ થઈ જશે પછી તો બ્લેકમેઈલ ચાલુ."
"ક્યાં બાત હે મિયા." તે બોલ્યો પણ એકાએક કૌશલ નામ વાંચીને સરફરાઝના ચહેરા ઉપરની રેખાઓ તંગ થઈ ગઈ એ સમીરે નોધ્યું એટલે તરત પૂછ્યું.
"શુ થયું?"
"કઈ નહિ."
"તું બેસ હું કોફી બનાવી આવું." કહીને સમીર કોફી બનાવવા ગયો. કોફી બનાવતા એણે વિચારી લીધું. સબનમની ફેક આઇડી કૌશલ નામથી બનાવીને સરફરાઝના મન ઉપર ધારી અસર ઉપજાવી છે. એમાય એ નામ જોયા વગર બોલ્યો “માલ પણ સારો છે....” પછી કૌશલ નામ જોયું એટલે મનમાં વંટોળ ઉપડ્યો છે.
સરફરાઝ પોતાની કહાની કહી ત્યારે એ એની બહેનનું નામ કૌશલ હતું એમ બોલી ગયો હતો અને સમીરે એ બરાબર યાદ કરી લીધું હતું પણ સરફરાઝને પોતાને એ યાદ ન હતું. કેમ કે ત્યારે એ આવેશમાં અને ભીની આંખે બોલ્યો હતો. એટલે સરફરાઝને આ બધો જોગાનુજોગ જ લાગ્યો.
સમીર કોફી લઈને બહાર આવ્યો. કોફી પિતા પિતા સરફરાઝ એક પણ શબ્દ બોલ્યો નહિ અને પછી એકાએક "હું કાલે મળું છું....." કહીને ચાલ્યો ગયો.
સમીર એની આ મૂંઝવણ જોઈને મનોમન હસ્યો.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky