lander Vikramne patra in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!

Featured Books
Categories
Share

Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!

Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!

(નોંધ : આ લેખ પણ આ જ શ્રેણીના અગાઉના લેખની જેમ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. ચીનમાં શોધાયેલી પત્રકારોના બદલે મેટર લખી આપતી ટેકનોલોજી દ્વારા લખાયેલો છે. તુષાર દવે નામના કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ નથી. માટે જો આ લેખ વાંચીને કોઈ ભૂવા-ભારાડીઓની ધાર્મિક કે જાતિય લાગણીઓ ‘દુ’ભાય તો મંતર, તંતર, મૂઠ, સૂંઠ કે હાથીની સૂંઢ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મારવી. દેશનું કંઈક ભલું થશે. તમારી શક્તિઓને દેશભક્તિમાં લગાવો. હોવ…હમ્બો…હમ્બો…!)

નાગપુરમાં કમાલ થઈ ગઈ. ના, આ કમાલ સંઘ કે ભાજપે નથી કરી. નાગપુરનું નામ પડતા જ તમે નાગપુરી સંતરા જેવો ભળતો જ રંગ ધરાવતા ભાજપ કે સંઘ વિશે કંઈક વિચારતા થઈ જાવ એ પહેલા સ્પષ્ટતા કરી દઉં કે આ કમાલ નાગપુર ટ્રાફિક પોલીસે કરી છે. અલબત્ત, નાગપુર પોલીસનું ટ્વિટર હેન્ડલ સંભાળતા તાહાઉદ્દિન નામના 20 વર્ષના મુસ્લિમ છોકરાએ. આમ પણ પ્રયોગશાળાઓની મેગા પ્રયોગશાળા નાગપુરમાં કોઈ મુસ્લિમ કંઈક કમાલ કરી જાય એ પણ એક કલમા, ઉપ્સ કમાલની વાત નથી?

ખેર, નાગપુરનું નામ પડતાં જ ભાજપ-સંઘ અને હિન્દુ-મુસ્લિમવેળા કરવાની છી ન્યૂઝવૃત્તિથી ઉપર ઉઠીને મુદ્દાની વાત કરીએ તો તાહાઉદ્દિને નાગપુર ટ્રાફિક પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરી છે. જે ચંદ્ર પર ક્યાંક ‘આડા પડેલા’ લેન્ડર વિક્રમને સંબોધીને લખાઈ છે કે, ‘ડિયર વિક્રમ, મહેરબાની કરીને જવાબ આપ. સિગ્નલ તોડવા બદલ અમે તને કોઈ દંડ નહીં કરીએ.’ બે દિવસ પહેલાં થયેલી આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. આ ટ્વિટને 18 હજાર કરતાં વધારે લોકોએ રિ-ટ્વિટ અને 67 હજાર કરતાં વધારે લોકોએ લાઈક કરી છે અને 2 હજાર કરતાં વધુ લોકોએ એના પર કોમેન્ટ કરી છે. ઘણાં ટોચના રાજકારણીઓએ પણ આ ટ્વિટને રિટ્વિટ આપી છે.

આ છોકરાની ટ્વિટ પરથી મને ય આઈડિયા આવ્યો કે જો આપણે વિક્રમના અછોવાના કરવા પેલી અખબારોમાં આવે છે તેવી ‘પાછો આવી જા, તને કોઈ કાંઈ નહીં કહે’ કે ‘અમારા કહ્યાંમાં નથી’ ટાઈપની જાહેરાત આલવાની થાય તો? એ વિચાર આવતા અમે ય વિક્રમને પાછા આવી જવાની અલબત્ત સિગ્નલો મોકલવાની વિનવણી કરવાનો પત્ર લખી જ કાઢ્યો.

વાંચો –

આ પત્ર વિક્રમને મળે…! મુ.પો. : ચંદ્ર

ડિયર વિક્રમ, સોરી વ્હાલા વિક્રમ, મારા વીર વિક્રમ, વિક્રમ વીરા, ચંદ્રાધિપતિ, ગગનાધિપતિ, વિક્રમ વીરાદિત્ય,

તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા. મતલબ કે હોંકારો ભણ. તને કોઈ કંઈ નહીં કહે. તારા વિના મોટા બાપા સિવનસાહેબ રડી રડીને અડધા-પોણા થઈ ગયા છે. મોદીસાહેબની હાલત પણ ભારતના અર્થતંત્ર જેવી થઈ ગઈ છે! તેઓ પણ બાપડાં કેટલાય દિવસથી ‘આજ રડું કે કાલ? મોડ’માં ફર્યા કરે છે!

કહેનારાઓ તો ત્યાં સુધી કહે છે કે સિવન સાહેબે તો કાળજું કઠ્ઠણ રાખેલું, પણ મોદી સાહેબે જ એમની શાંતિ જાળવવા ઉશ્કેરણી કરી અને તેઓ રડી પડ્યાં. એમનો યે બાપડાંનો ભાર તો હળવો થાય. જો તું ત્યાંથી હોંકારો ભણે તો મોદીસાહેબે તો ‘મેરે સવાસો કરોડ દેશવાસીઓ ઓર મેરે પ્યારે વિક્રમ…’ જેવી સ્પીચ પણ રેડી કરી રાખી છે. એમની સ્પીચની તો લાજ રાખ વ્હાલીડા. તારું તો ઠીક એમની સ્પીચનો આત્મા અવગતે જશે. જો તું સિગ્નલ આલે તો મોદી બાપાએ તારા નામ પર ખાસ ‘મન કી બાત’ કરવાનું વચન પણ આપ્યું છે.

બોલિવૂડમાંથી અક્કી કાકા કહેવડાવે છે કે સ્ક્રિપ્ટમાં તું ટેન્શન ભલે ક્રિએટ કર, પણ ગમે તે થઈ જાય ફિલ્મમાં મારે ‘હેપ્પી એન્ડિંગ’ જ જોઈશે. એ લોકો તો રહ્યાં ફિલમવાળાં, તું ચંદ્રના અંધારામાંથી કોઈ દિ’ યે નહીં બરકે (જવાબ આપે) તો યે ગમે તેમ કરીને પોતાની ફિલમુમાં અજવાળા પાથરી જ લેવાના, પણ બેટા, તારા ભરોસે કરોડો દેશવાસીઓની આંખોમાં પ્રગટેલા આશાદિપકોનો તો વિચાર કર હેં… ઈસરોએ કરેલા કામો એ માત્ર કોઈ વૈજ્ઞાનિક સિદ્ધિઓ માત્ર નથી, પણ હિન્દુસ્તાનને આજે પણ મદારીઓ અને જાદુગરોનો દેશ માનતી અને અહીં આવીને ઈસરો કે સાયન્સ સિટી નહીં, પણ ઈન્ડિયન રોપ ટ્રીક જોવાની ઈચ્છા વ્યક્ત કરતી, પોતાને સુપિરિયર માનતી ગોરી પ્રજાતિના મોં પર સણસણતી થપ્પડો છે એ યાદ રાખજે.

જોકે, એ ગોરીયાઓ પણ સાવ ખોટા તો નથી જ હોં. 2019માં પણ આપણે ત્યાં પરજા ઢબુડી માઓના નામના રાસડાં લેતી હોય અને લાડુડી-પાડુળીની બબાલો આદરતી હોય તો વિશ્વમાં આપણા દેશની એવી જ છાપ જાય ને? પણ એ છાપનો કાઉન્ટરએટેક તું છે બાપ, એટલું યાદ રાખજે. તને ભારતમાં ખૂણે ને ખાંચરે ખદબદી રહેલી ને ગલી ને ગોખલે ગાંડી થયેલી અંધશ્રદ્ધાની આણ છે હોં…!

બોલિવૂડના ગીતકારોએ ચંદ્રને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી લખેલાં સળંગ પાથરીએ તો મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ચંદ્રની ઓરબિટ સુધી લાંબા થાય એટલા ગીતોના સમ છે તને. હા, એમાંથી મોટાભાગના થોડા ઓવરરેટેડ છે અને તને નહીં ગમતાં હોય એ સ્વીકારીએ છીએ. પણ, આ તો ભારત છે બકા, ચાલે બધું થોડું થોડું આવું. ભારત પરથી યાદ આવ્યું કે અક્ષય કાકા નહીં તો મોટા કાકા ભારત કુમાર ઉર્ફે મનોજ કુમારનું તો માની જા. એમને ય તારા વિના નથી હોરવતું. ચાંદ પરના ગીતોથી યાદ આવ્યું કે તને સંપૂર્ણસિંહ કાલરા ઉર્ફે ગુલઝાર દાદાના સમ. એમને કંઈક થઈ જશે તો તું ચંદ્ર પર અને એમનો ‘થોડો સામાન’ અહીં પડ્યો રહી જવાનો બાપા…! તને એમના પેલા ‘કુછ સામાન’ના સમ છે. તે એ ગીત નથી સાંભળ્યું? તું એક વાર સિગ્નલ મોકલી દે. અમે વળતા સિગ્નલે તને ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ…’ સોંગ મોકલીશું.

જો વ્હાલીડા, જો તું જવાબ આલે તો નાની બેન કિંજલબેનીએ પણ પેલા ચાર ચાર બંગડીવાળા સોંગમાં ‘મારા વિરલ વીરા’ની બદલે ‘મારા વિક્રમ વીરા’ કરી આલવાની લાલચ આપી છે. જાણીને કદાચ તને આઘાત લાગશે, પણ ઢીંચાક એવી પુજાએ પણ તારા પર ‘દિલો કા બ્લેન્ડર, હૈ મેરા લેન્ડર’ સોંગ બનાવવાની જાહેરાત કરી છે. ભલે તને ન ગમે, પણ આ દરેક ભારતવાસીનો તારા પ્રત્યેનો પ્રેમ છે બક્કા...!

જત જણાવવાનું કે, આઈ મિન વધુમાં જણાવવાનું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાજુ તો કેટલાંક ભૂવાઓ, સોરી શક્તિના ઉપાસકો ત્રણ ત્રણ દિ’ થી ઊંધે માથે થિયાં છે કે વિક્રમને ચોટલી યેથી ઝાલવો. એમને બાપડાંને ક્યાંથી ખબર હોય કે તારે તો ચોટલી જ નથી તો ઝાલશે ક્યાંથી અને શું ઝાલશે? મારા જેવો કોઈ દોઢો થાવા ગયો કે, ‘ભૂવા આતા, વિક્રમને તો ચોટલી જ નથી!’ તો વળતુ હંભરાયવું કે, ‘અમારી શક્તિયુંને તું ઓછી આંયક મા… ચોટલી નહીં હોય તો ચોટલી ઉગાડીને ચોટલીએથી ઝાલીશું. તું વહેતી નો થા નહીં તો તને ય લોહીની ઉલટી કરાવી દેહું.’ હવે તું જ વિચાર કે ઈસરોવાળાઓએ તને મહામહેનતે બનાવ્યો હોય અને તને ‘ચંદુને માથે ચોટી’ની જેમ ચોટલી ઉગે તો કેવું વહરું લાગે હેં? ને અહીં કોઈને લોહીની ઊલટીઓ થાય એ સારું લાગે ભઈલા?

સાઉથવાળાઓએ ‘વિક્રમવેધા’ બનાવી નાંખી ને તારા માથે ચોટલી ઉગાડવાવાળા એ ભૂવાઓ હજુ વિક્રમ વેતાળની વાર્તાઓના યુગમાં જ જીવે છે…બોલ…! એમને અને એમની આગામી પેઢીઓને ત્યાંથી એકવીસમી સદીમાં ખેંચી લાવવા તારું ત્યાંથી બરકવું બહુ જરૂરી છે. તને આવનારી પેઢીઓના સમ છે ભઇલું.

ભૂવા પરથી યાદ આવ્યું. ગયા ચોમાસે અહીં ગજબ થયેલો. અમદાવાદ બાજું કોઈ બોલ્યું કે, ‘ભૂવા પઈડા.’ એ સાંભળીને ગુજરાત સરકારના બે બે મંત્રીઓ ચિત્કારી ઉઠ્યા કે, ‘અરરર…કેમ કરતાં? કોઈ ઊભા કરો એ શક્તિના ઉપાસકો ને…’ આ તો મારા જેવા કોઈએ ધ્યાન દોર્યું કે એ ધૂણવાવાળા નહીં, તમારી સરકારના પાપે દર વર્ષે રોડ પર પડે છે એ ભૂવા પડ્યાં. તમે હેઠા બેહો ને ડોહા…! આ ભૂવા-ભારાડીઓના લફડામાં જ તમે આવનારી પેઢીની દઈ નાંઈખી…હોવ…

પેલા વિક્રમ વેતાળ પરથી યાદ આવ્યું કે આર.બાલ્કી મામાએ કહેવડાવ્યું છે કે જે રીતે તેમણે ‘મિશન મંગલ’ની વાર્તામાં સાયન્સને લોકભોગ્ય બનાવવા પુરીઓ તળી, આઈ મીન વણી લીધી એવી જ રીતે તારા પરની વાર્તામાં તેઓ ‘વિક્રમ વેતાળ’ને વણી લેવાના છે. જોકે, એ સાંભળીને લોકોનું ભલું થતું હોય તો પરદુઃખભંજન રાજા વિક્રમ તો સ્વર્ગમાંથી યે તૈયાર થઈ ગયાં, પણ વેતાળ ભયભીત છે એ વાત અલગ છે. કેટલીક ગુજરાતી અને હિન્દી ફિલ્મો જોઈને એને પોતાની બધી વાર્તાઓ ભૂલાઈ ગઈ છે. દેખો ગુજરાતી કે સાથ હિન્દી (ફિલ્મો) લિખ કે સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટાઈલ મેં એસે કેસા વાળ લિયા…?

વિક્રમ વીરા, તને છેલ્લે એટલું પૂછવાનું કે અહીં એક ચેનલવાલી બાઈ બતાવતી હતી કે – ‘ચાંદ પે હોગા…મોદી…મોદી…’ તો ત્યાં એ ન્યૂઝ ચેનલના બતાવ્યા મુજબ ‘મોદી…મોદી…’ થાય છે કે નહીં? જો ન થતું હોય તો અમિત શાહના ઈશારે ત્યાં પણ ‘મોદી મોદી’ કરવા અહીંથી છકડો ભરીને, સોરી વળતા જીએસએલવીએ ભગતો મોકલી આપીએ. અહીં વધી પડ્યાં છે. ને તને થોડું ભાન આવે ત્યારે થઈ જાજે ભાયડો ને એકાદું સિગ્નલિયું પેલી ચેનલવાળી બાઈને પણ મોકલી આપજે કે તું ન્યાં સાયન્સના કામે ગ્યો’તો, ‘મોદી…મોદી કે ગોદી…ગોદી…’ કરવા નહીં. આવા સાયન્સના કામો મોદી નહોતા ત્યારે પણ થતાં હતા અને મોદી નહીં હોય ત્યારે પણ થતાં જ રહેશે, તમે મીડિયાવાળા આમ ભાવિ પેઢીના માનસ સાથે રમત ન કરો. એ તમારું કામ નથી. એ રમત રમવા દેશમાં રાજકીય પક્ષો પૂરતાં છે.

ઝાઝું લખ્યું છે તું થોડું સમજજે. જે ચંદ્રનારાયણ બાપા…!

ફ્રી હિટ:

He : કહે છે કે ઈંગ્લેન્ડમાં સેક્સના પીર થઈ ગયાં!

She : ધીમે બોલ ગાંગડા. સેક્સના પીર નૈ સેક્સપીયર.