અર્ધ અસત્ય.
પ્રકરણ-૬૨
પ્રવીણ પીઠડીયા
“જબાન સંભાળ છોકરાં, નહિંતર ધડ ઉપર તારું માથું નહી રહે.” વિષ્ણુંબાપુથી પોતાનું અપમાન સહન થયું નહી અને ભયંકર ક્રોધથી તેઓ ધગી ઉઠયાં. તેમના શરીરમાં કંપન ઉદભવ્યું અને આંખોમાં લાલાશ તરી આવી. આ સમયે ખરેખર જો તેમના હાથમાં કોઇ હથીયાર હોત તો તેનો સીધો જ પ્રહાર તેમણે અભય ઉપર કરી દીધો હોત એટલો કાળઝાળ ક્રોધ તેમના દિમાગ ઉપર હાવી થઇ ચૂકયો હતો.
“એ તો સમય જ બતાવશે કે કોનાં ઘડ ઉપર માથું રહે છે અને કોનું માથું વધેરાય છે. પણ આજે અનંત ક્યાં છે એ જણાવ્યાં વગર તમારો છૂટકો નથી. ક્યાં સંતાડયો છે તમે તેને?” અભય પણ ગાંજ્યો જાય તેમ નહોતો. આજે તે ફેંસલો કરીને આવ્યો હતો કે ગમે તે થાય પરંતુ અનંતનો પત્તો મેળવીને જ જંપશે. હવે મોડું કરવામાં બાજી હાથમાંથી સરકી જવાની બીક હતી એટલે તેણે બાપુનાં મર્મસ્થાન ઉપર સીધો જ પ્રહાર કર્યો હતો. તેણે બાપુને ઉશ્કેર્યા હતા. આ તેની જૂની રીત હતી, જે મોટેભાગે કારગત જ નીવડતી હતી કારણ કે ઉશ્કેરાટમાં માણસ પોતે પણ નથી જાણતો હોતો કે તે શું કરી રહ્યો છે.
બાપુ કંઇ બોલ્યાં નહી. ઘડીકવાર માટે ફાડી ખાતી નજરોથી તેઓ અભયને તાકતાં રહ્યાં. તેમના મનમાં ધમાસાણ મચ્યું હતું. તેઓ ખરેખર ગૂંચવાઇ ઉઠયા હતા કે અભય એકાએક ક્યાંથી પ્રગટ થયો હતો અને કોણે તેને હવેલીનું સરનામું દીધું હતું! અરે તે જીવિત હતો એ જ સૌથી મોટી તાજ્જૂબીની વાત હતી કારણ કે તેમણે દેવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇપણ ભોગે અભય જીવતો રહેવો જોઇએ નહી. તો શું દેવો ફેઇલ ગયો હશે? નહી, એ શક્યતા ઉપર તેમને વિશ્વાસ નહોતો કારણ કે દેવો ક્યારેય ફેઇલ જાય જ નહી એવી તેમને ખાત્રી હતી. છતાં તેમને એ વાત કંન્ફર્મ કરવી જરૂરી લાગી. ઝટકા સાથે તેઓ પોતાના પલંગ તરફ આગળ વધ્યાં અને પલંગના સાઈડ ટેબલ ઉપર મુકેલો મોબાઇલ ફોન હાથમાં લઈ દેવાનો નંબર ડાયલ કર્યો.
“એ નંબર નહી લાગે બાપું.” અભય ભયંકર ઠંડકથી બોલ્યો. પછી તેણે ઉપહાસ ભર્યું હાસ્ય વેર્યું. એ હાસ્યમાં બાપુનો પરાજય છૂપાયેલો હતો. બાપુ કોને ફોન કરતાં હતા એ અંદાજ તેને આવી ગયો હતો. બાપુનાં ચહેરા ઉપર અસમંજસનાં ભાવો ઉભર્યા. એ દરમ્યાન દેવાનો ફોન આઉટ ઓફ કવરેજ એરિયા બતાવતો હતો. “મેં કહ્યુંને, એ ફોન નહી લાગે.” અભયે તેના શબ્દો દોહરાવ્યાં. બાપુએ ભારે હેરાનગીથી ફોન પાછો સાઈડ ટેબલ ઉપર મૂકયો અને કંઇક વિચારીને ઝડપથી ટેબલનું ડ્રોવર ખોલ્યું. તેમને અભયનાં શબ્દોનો મર્મ સમજાઇ ગયો હતો. મતલબ કે દેવો ફેઇલ ગયો હતો. અભયે જરૂર દેવાને પરાસ્ત કર્યો હોવો જોઇએ. તેમણે નીચા નમીને ડ્રોવરમાં હાથ નાંખ્યો અને બીજી જ સેકન્ડે તેમના હાથમાં રિવોલ્વર ચળકવા લાગી હતી. તેઓ અભય તરફ ફર્યા અને તેની છાતીનું નીશાન લઇને ઉભા રહ્યાં.
“છોકરાં, તું બહું હોશીયાર નીકળ્યો. પણ હજું તું મને જાણતો નથી. બોલ, દેવો ક્યાં છે? શું કર્યું તેં એનું?” બાપુંનો અવાજ આખા બેડરૂમમાં પડઘાયો અને ખતરનાક ઇરાદાઓ સાથે તેઓ અભય તરફ આગળ વધ્યાં. અભય એકાએક જ સતર્ક બન્યો. બાપુનાં હાથમાં એક ક્લાસિક કોલ્ટ રિવોલ્વર હતી. તેનો એક ફાયર કોઇની પણ છાતીમાં મોટું જબરું ભગદળું પાડવા સક્ષમ હતો. તે બે ડગલાં પાછળ હટી ગયો. રિવોલ્વર તો તેની પાસે પણ હતી પરંતુ એ બરાબર કામ કરશે કે નહી એની તેને શંકા હતી કારણ કે જંગલમાં તેણે બે વખત નદી ઓળંગી હતી ત્યારે એ રિવોલ્વર પણ પાણીમાં પલળી હતી. એવું જ તેના મોબાઇલનું હતું. એ પણ નકામો બનીને તેના ખિસ્સામાં પડયો હતો. જો કે તે રિવોલ્વર કાઢીને બાપું સામે તાકે એ પહેલા બાપુ તેને ઉડાડી દે એ વાત પણ પાક્કી હતી. આ પરિસ્થિતિ વિશે તેણે વિચાર્યું જ નહોતું. તેણે તો બસ, લગભગ આંધળૂકિયા જ કરતો હોય એમ ભારે જનૂન પૂર્વક દાદરો ચઢીને બાપુને લલકાર્યા હતા. હવે શું કરવું? તેનું દિમાગ તેજીથી વિચારતું હતું.
@@@
બધું એટલી ઝડપથી બની રહ્યું હતું કે કોઇને વિચારવાનો સહેજે સમય મળ્યો નહોતો. ઉપર બાપુનાં બેડરૂમમાં અજબ ટેબ્લો પડયો હતો. બાપુની ગન પોઇન્ટે અભયનો જીવ અટકયો હતો. બરાબર એ જ સમયે નીચે દિવાનખંડમાં કંઇક અલગ દ્રશ્ય ભજવાતું હતું. પેલો નોકર બા-સાહેબને બોલાવી લાવ્યો હતો. વિષ્ણુંબાપુના ધરમપત્ની કુસુમદેવી રસોડામાંથી દિવાનખંડમાં પ્રવેશ્યાં એ સાથે જ આભા બનીને ઉભા રહી ગયા હતા. તેમને પોતાની નણંદ, એટલે કે વૈદેહીસિંહને અહી જોવાની સહેજે ઉમ્મિદ નહોતી. તેમને અપાર આનંદ સાથે સુખદ આશ્વર્ય ઉદભવ્યું હતું. સાથોસાથ જહેનમાં એક પ્રશ્ન પણ ઉદભવ્યો કે ક્યારેય નહીને આજે કેમ વૈદેહીએ આ હવેલીમાં પગ મૂકયો હશે! તેઓ ઝડપથી ચાલીને વૈદેહીની પાસે પહોંચ્યાં હતા અને તેની સાવ નજીક જઇને ઊભા રહ્યાં.
“વૈદેહી, મને વિશ્વાસ નથી આવતો કે આ તું જ છે!” તેઓ બોલ્યાં.
“ભાભી, વિશ્વાસ તો મને પણ નથી થતો કે હું આ હવેલીમાં આવીને ઉભી છું.” વૈદેહીસિંહને કુસુમદેવી જેવો કોઇ ઉમળકો જાગ્યો નહોતો. તેમને તો અહી ઘૂટન મહેસૂસ થતી હતી. જો અભયે તેમને ઉશ્કેર્યા ન હોત તો તેઓ ક્યારેય અહી આવ્યાં જ ન હોત.
“શું વાત છે વૈદેહી? તું કેમ આમ બોલે છે?” કુદુમદેવીનાં અવાજમાં એકાએક થડકો ભળ્યો હતો અને કશુંક અમંગળ બનવાની આશંકા તેમને ઘેરી વળી. વૈદેહીસિંહે કંઇક કહેવા મોઢું ખોલ્યું જ હશે કે બરાબર એ સમયે જ એકાએક ઉપરથી એક ધમાકાનો અવાજ આવ્યો. એક ફાયર થયો હતો અને એ સાથે જ કોઇક પડયું હોય, ફર્શ પર જોરથી કોઈ પટકાયું હોય એવું લાગ્યું. એ અવાજ સાંભળીને બન્ને ઔરતો એક સાથે જ ચોંકી ઉઠી હતી. વૈદેહીસિંહે તો પળવારની પણ રાહ જોયા વગર ઉપર તરફ રીતસરની દોટ જ મૂકી દીધી હતી કારણ કે તેમને ખબર હતી કે અભય હમણાં જ ઉપર ગયો છે. તેમને અભયની જબરી ચિંતા થઇ આવી હતી. તેમને વિષ્ણુંસિંહની તાકત અને તેની ખતરનાક ફિતરતની ખબર હતી. જરૂર તેણે અભયને કંઇક કર્યું હશે એવો ધ્રાસ્કો તેમના દિલમાં પડયો હતો અને ધમાધમ કરતાં તેઓ દાદર ચડીને વિષ્ણુંબાપુના કમરાનાં દરવાજે આવી પહોંચ્યાં હતા.
દરવાજો ખૂલ્લો જ હતો. તેમની નજરો તરફ ફરી વળી અને એકાએક જ તેઓ સ્તબ્ધ બની ગયા. તેમના પગ દરવાજે જ ખોડાઇ ગયા. અંદર ફર્શ ઉપર અભય ચત્તોપાટ પડયો હતો. તેનો ડાબો ખભો સંપૂર્ણપણે લોહી-લૂહાણ થયેલો દેખાતો હતો. તે પડયો હતો એટલામાં આખી ફર્શ લોહીથી ખરડાઇ ગઇ હતી. અભયનો ચહેરો તેને થતી બેતહાશા પીડાથી તરડાયો હતો અને તે કરાહતો હતો. વૈદેહીસિંહની આંખો ફાટી પડી. તેમના જીગરમાં વંટોળ ઉમટયો. તેમને એવું જ લાગ્યું કે અભય હવે બચશે નહી. તેમને જેનો ડર હતો એવું જ થયું હતું. તેમની આંખો એકાએક છલકાઇ પડી અને તેઓ ત્યાં બારસાખમાં જ ફસડાઇ પડયાં હતા.
બરાબર એ સમયે જ કુસુમદેવી તેની પાછળ આવી પહોંચ્યાં હતા. તેમણે વૈદેહીને દરવાજા પાસે જ ફસડાઈ પડતી જોઇ અને ક્ષણના ચોથાભાગમાં તેઓ સમજી ગયા કે જરૂર બાપુએ જ ફરી પાછો કોઇ કાંડ કર્યો હશે. તેમણે દરવાજેથી જ અંદર ઝાંકીને જોયું અને એ સાથે તેમની પણ આંખો પહોળી થઇ ગઇ. અંદરનું દ્રશ્ય ડરાવનારું હતું. તેમના હદયમાં ખળભળાટ મચ્યો. એકાએક તેઓ ક્રોધે ભરાયા અને બાપુ જ્યાં ઉભા હતા એ તરફ રીતસરનાં તેઓ ધસી ગયાં. પણ… તેમણે એવું નહોતું કરવા જેવું. એ તેમની અંતિમ ઘડી સાબિત થવાની હતી.
@@@
સમયનું ચક્ર બહું તેજીથી ફર્યું હતું. અભય કંઇ વિચારે એ પહેલા તો બાપુએ ફાયર ઓપન કરી દીધો હતો. કોણ જાણે કેટલાય લાંબા સમયથી કોલ્ટ રિવોલ્વરમાં સંઘરાઇને જામ થઇ ચૂકેલી બુલેટમાં એકાએક જામગરી ચંપાઇ હતી. તેનો ભયાનક ભડોકો થયો હતો અને જોરદાર અવાજ સાથે બુલેટ રિવોલ્વરમાંથી નીકળીને હવામાં ઉડી હતી. અભય પોતાના બચાવમાં કોઇ પ્રતિક્રિયા કરે એ પહેલા તો બુલેટ તેના ડાબા ખભામાં ધૂસી ગઇ હતી. રૂમમાં ગન પાઉડરની તીવ્ર ગંધ ફેલાઇ અને અભય તેની જગ્યાએથી રીતસરનો ઉછળ્યો હતો. ગોળીનાં ધક્કાથી અને વધારે તો આધાત લાગવાથી તેના પગ આપોઆપ પાછળ તરફ ધકેલાયા હતા અને તે નીચે ફર્શ ઉપર પીઠના બળે ખાબકયો હતો. બાપુ આવું કંઇ કરશે એનો સહેજપણ અંદેશો તેને નહોતો. તેને એમ જ હતું કે બાપુએ માત્ર ડરાવવાં ખાતર જ રિલોલ્વર કાઢી છે. તે એટલે જ અસાવધ બન્યો હતો અને એની સજા તેણે ભોગવવી પડી હતી. ગોળી ખભામાં ક્યાંક અટવાઇ પડી હતી. ગોળીનાં ઘાવમાંથી લોહી વહેવા લાગ્યું હતું. અનાયાસે જ તેનો જમણો હાથ ઘાવ વાળી જગ્યાએ દબાયો હતો અને તેણે વહેતા લોહીને રોકવાની વ્યર્થ કોશિશ આરંભી હતી. પણ એ નકામું હતું.
બાપુ હજું પણ તેની તરફ જ રિવોલ્વરનું નાળચું તાકીને ઉભા હતા. અભયની આંખો સમક્ષ અંધારા છવાતાં હતા. તે ઉભો થવા માંગતો હતો, બાપુનો પ્રતિકાર કરવા માંગતો હતો, પરંતુ એવું કશું કરવાની તાકાત તેનામાં નહોતી. નીચે પડયા-પડયા જ તેણે બાપુ સામું જોયું. બાપુની આંખોમાં પાશવી ચમક ઉભરી આવી હતી. લોહી જોઇને કોઇ હિંસક રાની પશુંની આંખોમાં ઉભરે એવી એ અમાનવિય ચમક હતી.
આજે ઘણાં લાંબા સમયનાં અંતરાળ બાદ તેમણે કોઇનું લોહી જોયું હતું. તેમણે કોઇનો શિકાર કર્યો હતો. તેમનો રિવોલ્વર પકડેલો હાથ થરથર ધ્રૂજતો હતો. તેમના દાંત અજીબ રીતે ભિંસાયાં હતા. તેમના દિદાર જોતા લાગતું હતું કે અચાનક તેમના શરીરમાં કોઇ હૈવાન પ્રવેશી ગયો છે. કોઇ શૈતાની શક્તિએ તેમના ઉપર કબજો જમાવી દીધો છે. તેમના ચહેરા ઉપર ડરામણાં અને અજીબ પ્રકારનાં ભાવો ઉભરતાં હતા. વર્ષો જૂના કોઇ ભૂલાવી દીધેલાં કબ્રસ્તાનમાંથી એકાએક જાગી ઉઠેલા ખવિસ જેવો તેમનો દેદાર થયો હતો. તેમને જાણે લોહીની તબલ ઉદભવી હોય એમ તેમણે ફરીથી રિવોલ્વરનાં ટ્રીગર ઉપર આગળીની ભિંસ વધારી હતી કે… બરાબર એ સમયે જ વૈદેહીસિંહ બેડરૂમનાં દરવાજે આવ્યાં હતા. વૈદેહીને અહીં, પોતાની હવેલીમાં, અને એ પણ પોતાના બેડરૂમની બારસાખે ઉભેલી જોઇને બાપુને જબરજસ્ત ઝટકો લાગ્યો. એકાએક તેઓ અટકયા હતા અને ક્ષણનાં ચોથાભાગમાં તેમને સમજાઇ ગયું હતું કે આ છોકરો અભય અચાનક અહી કેમ કરતાં આવી ચડયો હતો. તેને અહી સુધી કોણ દોરી લાવ્યું હતું. તેને પોતાની જ સગ્ગી બહેન ઉપર કાળઝાળ ક્રોધ ઉપજયો હતો. તેમના દાંત ઔર સખ્તાઇથી ભિંસાયાં હતા.
વૈદેહીસિંહની નજરો સૌથી પહેલા અભય ઉપર પડી હતી અને તેનું વહેતું લોહી જોઇને તેઓ ત્યાં જ ફસડાઇ પડયા હતા. એ દરમ્યાન કુસુમદેવી પણ ત્યાં આવી પહોંચ્યાં હતા. તેમણે કમરામાં ભજવાયેલો ભયાવહ ખેલ જોયો અને તેમનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેઓ કંઇ જ વિચાર્યાં વગર બાપુ તરફ ધસી ગયાં. અરે એ પણ ન જોયું કે બાપુનાં હાથમાં ભરેલી રિવોલ્વર છે જે દરવાજા તરફ જ તકાયેલી હતી. ભયંકર ક્રોધથી તેઓ કાંપતા હતા અને એ હાલતમાં જ તેઓ બાપુની નજીક પહોંચ્યાં. પણ… બાપુ આજે પોતાનાં જ કાબુમાં નહોતા રહ્યાં. કુસુમદેવીને પોતાની તરફ ધસી આવતાં જોઇને તેમણે રિવોલ્વરનું ટ્રીગર દબાવી દીધું હતું.
(ક્રમશઃ)