Letest Mobile in Gujarati Short Stories by Niyati Kapadia books and stories PDF | લેટેસ્ટ મોબાઈલ

Featured Books
Categories
Share

લેટેસ્ટ મોબાઈલ


લકી કેટલાય દિવસોથી જીદ કરી રહ્યો હતો, એક નવા મોબાઈલ ફૉન માટે. એના પપ્પા એને સમજાવી રહ્યા હતા કે થોડા દિવસ જૂના ફૉનથી કામ ચલાવી લે પછી એ નવો અપાવશે, પણ લકી હવે જીદે ચઢ્યો હતો.
"પપ્પા આ સારી વાત નથી. તમે મારી સાથે ચિટિંગ કરો છો!" લકીએ નાકના ભૂંગળા ફુલાવી ફરિયાદ કરી, "તમે જ પ્રોમિસ કરેલું કે આ વખતની યુનિટ ટેસ્ટમાં હું નેવું પ્લસ ટકા લાવું તો તમે મને નવો લેટેસ્ટ ફૉન લાવી આપશો, હું પંચાણુ ટકા લાવ્યો હવે તમારે ફૉન ખરીદવો જ પડશે."
"લઈ આપીશ બેટા, હું ક્યાં ના કહું છું, પણ મારી ડીલ તો પાકી થવા દે. પાર્ટી મને પેમેન્ટ કરી દે એટલે તારો ફૉન પાક્કો. લકીના પપ્પા અનિલભાઈએ દીકરાને સમજાવ્યો.
થોડા દિવસો બાદ ફરીથી લકીએ એના પપ્પાને લેટેસ્ટ ફૉન યાદ દેવડાવ્યો.
"હું શું કહું છું બેટા, આપણે તને જે જોઈએ છે એ ફીચર્સ વાળો કોઈ ચાલું કંપનીનો ફૉન લઈએ તો? રૂપિયા બચશે અને વરસ બે વરસ પછી તું ફરીથી નવો ફૉન લઈ શકીશ." અનિલભાઈએ શાંતિથી સમજાવતા કહ્યું.
"તમારે મને ફૉન લઈ આપવો જ નથી, એટલે જ આ બધા બહાના છે! મારા બધા મિત્રો પાસે મોંઘા ફૉન છે અને તમે પ્રોમિશ કરેલું... હવે ફરી જાઓ એવું ના ચાલે." ગુસ્સામાં આટલું કહીને લકી એના મિત્રને ઘરે જવા નીકળી ગયેલો. લકીને ખબર હતી કે એના મમ્મી-પપ્પાનો એ લાડકવાયો દીકરો છે અને થોડી "હા","ના", કર્યા બાદ એ લોકો નવો ફૉન લાવી જ આપશે.
એ દિવસે લકી સીધો એના દોસ્ત દેવના ઘરે ગયેલો, એની સાથે કોમ્પ્યુટર પર થોડી ગેમ રમીને એ એના ઘરથી દૂર આવેલા પાર્કમાં ફરી આવેલો અને અંધારું થવા આવ્યું ત્યારે ઘરે પાછો જવા નીકળેલો. એ ઘરે પહોંચ્યો ત્યારે એની નવાઈ વચ્ચે આખું ઘર ખાલી હતું, ઘરમાં એના મમ્મી પપ્પા કોઈ હાજર નહતા. દરવાજો ફક્ત આડો જ કરેલો હતો, જેને હળવો ધક્કો મારીને એ અંદર પ્રવેશ્યો. એનો મૂડ હજી ખરાબ હતો એ સીધો એના રૂમમાં ગયો, ત્યાં ટેબલ ઉપર એક કાળું બૉક્સ પડેલું હતું. લકીએ આશ્ચર્યથી એ ઉઠાવ્યું અને ખોલીને જોયું, એની આંખો પહોળી થઈ ગઈ એમાં તો લેટેસ્ટ મોબાઈલ ફૉન હતો, બિલકુલ એવો જ જેવો એને જોઈતો હતો. એક પળ એને થયું કે આ તો ખાસો મોંઘો હશે પપ્પાએ આટલા બધા રૂપિયા ક્યાંથી મેળવ્યા હશે? પછી તરત યાદ આવ્યું એમને કોઈ જ્ગ્યાએથી પેમેન્ટ આવવાનું હતું એ આવી ગયું હશે.
એ રાત્રે લકીની આંખોમાંથી ઊંઘ ઊડી ગઈ, મોડી રાત સુધી જાગીને એ બેઠો બેઠો ફૉન જ મચેડતો રહ્યો. યુઝર મેન્યુઅલમાં જોઈને એણે બધી જ વિગતો સમજી લીધી અને પછી એ સૂઈ ગયો.
વહેલી સવારે એના ફોનનું અલાર્મ વાગ્યું. ઊંઘમાં જ સહેજ આંખ ઉઘાડી એણે અલાર્મ બંધ કર્યું અને ફરી સુવા લાગ્યો, ત્રીસ સેકન્ડ રહીને ફરીથી અલાર્મ વાગ્યું, આ વખતે અવાજ વધારે તેજ હતો, લકીએ ફરી અલાર્મ બંધ કર્યું પણ અવાજ બંધ ના થયો. લકીની રહી સહી ઊંઘ ઊડી ગઈ અને એણે બેઠા થઈને ફોનને લોક કર્યો. એનો સ્કૂલ જવાનો સમય થઈ ગયો હતો એટલે એ ઉઠી ગયો અને તૈયાર થવા લાગ્યો, એક નજર એણે ફૉન ઉપર નાખેલી એ ચૂપ હતો!
લકી રોજ સાયકલ લઈને સ્કૂલ જતો, ફૉન સાયલંટ મોડ પર સેટ કરી, એને બેગમાં છુપાવી એ સાયકલ પર જઇ રહ્યો હતો. આજે પહેલો ક્લાસ પીટીનો હતો અને લકીને કસરત કરવાનો કંટાળો આવતો એટલે એણે વહેલા સ્કૂલ જવાને બદલે બહાર રખડવા જવાનું નક્કી કર્યું. સ્કૂલથી થોડેક આગળ જતાં ઝાડીઓ વચ્ચે એક તળાવ હતું, ત્યાં જઈને માછલી પકડવાની કોશિષ કરવી લકીને ગમતું. આજે પણ એના મનમાં એ જ વિચાર આવેલો અને એ ઝાડીના રસ્તે વળી ગયો. જેવો એ તળાવ પાસે પહોંચ્યો જ હતો કે એના ફોનની રિંગ વાગી, પહેલા તો લકી હેબતાઈ ગયો પછી તરત બેગમાંથી ફૉન કાઢીને નંબર જોયો, કોઈ નંબર ના દેખાયો, એણે કૉલ લીધો અને ફૉન કાને મૂક્યો, તરત જ એક થોડો કર્કશ કહી શકાય એવો અવાજ આવ્યો,
"આ તારો સ્કૂલે જવાનો સમય છે અને તું અહિયાં શું કરે છે?"
"તમે કોણ બોલો છો?" સ્કૂલમાંથી તો ફૉન નથી આવ્યો એમ વિચારી લકીએ કહ્યું.
"હું તારો ફૉન બોલું છું. તારે લેટેસ્ટ ટેક્નોલોજી વાળો ફૉન જોઈતો હતો ને, મારી ટેક્નોલોજી મુજબ હું ફક્ત તારા આદેશ જ નહીં માનું પણ જરૂર પડે જો તું ખોટો હોય તો હું તને સીધો પણ કરીશ. બાળકોને સ્કૂલ જવું જરૂરી છે, આજે તારો પીટીનો ક્લાસ છે ચલ સ્કૂલમાં." ફોનમાંથી આવતો કર્કશ અવાજ કહી રહ્યો હતો.
"તું મારો ફૉન છે હું તને કહું એ પ્રમાણે તારે કરવાનું છે મારે નહીં! હું તો અત્યારે અહીં જ બેઠા બેઠા માછલી પકડવાનો છું." લકીએ પણ જીદમાં આવીને કહી દીધું અને ફોનને બંધ કરીને બેગમાં મૂકી બેગ ખભે લટકાવી. પાંચેક મિનિટ થવા આવી હશે અને લકીએ જ્યાં બેગ લટકાવેલી ત્યાં બળવા લાગ્યું, લકીએ તરત બેગ ખભા પરથી નીચે ઉતારી, એના આશ્ચર્ય વચ્ચે બેગમાંથી ધુમાડો આવી રહ્યો હતો, લકીએ બેગની ચેન ખોલી નાખી અને અને એને ઊંધી કરી બધું નીચે ઠાલવ્યું. ફોનમાંથી જ ધુમાડો આવી રહ્યો હતો. લકીએ ફોનને ઉઠાવવા જેવો હાથ અડાડ્યો કે એનો હાથ દાઝી ગયો, સખત ગરમ હતો.
ફોનમાથી કોઈક સ્ત્રીનો હસવાનો અવાજ આવ્યો, "સ્કૂલ પહોંચી જા બચ્ચા નહીંતર હું તારી બૂરી વલે કરીશ."
અચાનક ધુમાડો બંધ થઈ ગયો, લકીએ ફોનને હાથ અડાડ્યો, એ ઠંડો જ હતો. એ દિવસે લકી સ્કૂલમાં ગયો.
ઘરે જઈને એણે જમવાને બદલે કોમ્પ્યુટર પર ગેમ કરવાનું ચાલુ કર્યું કે તરત ફોનમાથી પેલો કર્કશ અવાજ આવ્યો,
"પહેલા જમવાનું પતાવી લે, ગેમ રમવાનો સમય ચારથી પાંચ જ છે."
"તને કેવી રીતે ખબર?" લકીએ આશ્ચર્યથી પુછ્યું.
"તારા એક ફ્રેન્ડને તે કેટલા વાગે શું કરવાનું એ દર્શાવતું ટાઈમ ટેબલ મોકલ્યું હતું એ મેં જોઈ લીધું છે. તારા ઓનલાઈન થયેલા કોઈ પણ કામની રજે રજ માહિતી છે મારી પાસે."
"અને હું તારી વાત ના માનું તો તું શું કરી લેવાનો?" લકીએ કંટાળીને પૂછી જ લીધું.
"સવારે તારો હાથ દાઝી ગયેલો એ ભૂલી ગયો? તારા વીજળીથી ચાલતા કોઈ પણ ઉપકરણ ઉપર હું મારો કબજો કરી શકું છું, તારા નામે કોઈને પણ મેસેજ, કૉલ કરી શકું છું, તારા ટીવી જોવાના સમયે હું લાઇટ ગુલ કરી શકું છું... પણ મારી વાત માને તો મારી સાથે પંગો લેવાનું રહેવા દે અને મારી સૂચના મુજબ કામ કરતો જા!"
એ વાતચીત બાદ લકીને એના નવા લેટેસ્ટ ફોનથી સહેજ ડર લાગી ગયો. જે એ કહી રહ્યો હતો એવું એ ખરેખર કરી પણ શકે. કોને બનાવ્યો આટલો બધો એડવાન્સ ફોન જે માણસોને પણ ડરાવી શકે? લકી વિચારી રહ્યો. બે દિવસ એણે ફોન જે કહે એ બધું જ કરવાનું રાખ્યું, સમયસર ઉઠી જવું, સ્કૂલ જવું, ઘરે આવીને કપડાં બદલી જમી લેવું, પછી હોમવર્ક, બપોરે અડધો કલાક ફરજિયાત સૂઈ જવાનું અને સાંજે એક કલાક મિત્રો સાથે રમીને ઘરે પાછા આવી જવાનું, ડિનર કરવાનું અને વહેલા સૂઈ જવાનું!
બે દિવસમાં તો લકીનું જીવન જાણે જેલમાં પુરાયેલો કોઈ કેદી હોય એવું થઈ ગયું. એને સવારે અલાર્મ વાગે એની દસ મિનિટ પછી ઉઠવાની ટેવ હતી પણ, અહિયાં તો પહેલું અલાર્મ જ નોર્મલ હોતું એની ત્રીસ સેકન્ડ પછી કાન ફાડી નાખે એવો અવાજ એ ઉઠી ના જાય ત્યાં સુધી ચાલું જ રહેતો! એકાદ પિરિયડ બંક કરવાનું એ વિચારતો કે તરત એને ગરમ લાહ્ય થઈ ધુમાડા કાઢતો મોબાઈલ ફૉન યાદ આવી જતો. ઘરે આવીને એ સમયસર જમે નહીં તો એના ટીવી જોવાના સમયે ટીવીમાં એક પણ ચેનલ દેખાતી જ નહીં! સાંજે એના મિત્રને ઘરે રમવા ગયો હોય ત્યારે કલાક પૂરો થતાં જ એ ફૉન વારંવાર એને ઘરે પાછા જવાની સૂચનાઓ આપ્યા કરતો અને એ એને કેવી કેવી રીતે પરેશાન કરી શકે છે એ જણાવતો.
બે દિવસના ત્રાસ બાદ લકીએ હવે ફોનને છેતરવાનું નક્કી કરી લીધું હતું. ગમે તેમ તો પણ એ એક ઉપકરણ હતું, એક ગેજેટ જ કહી લો અને એને છેતરવાનું મુશકેલ હતું પણ અશક્ય નહીં જ, એણે ફોનને જ્યારે જરૂર ના હોય ત્યારે કબાટમાં લોક કરવાનું વિચાર્યું. એ રાત્રે એણે પહેલાથી જ અલાર્મ કેન્સલ કરી નાખ્યું અને ફોનને કબાટમાં મૂકીને સૂઈ ગયો. બે દિવસ બાદ આજે લકીને સરખી ઊંઘ આવેલી, સવારે કોઈ અલાર્મ નહીં જ વાગે એમ વિચારી નિશ્ચિંત થઈને સૂઈ રહેલો લકી સવારે ફરી કાન ફાડી નાખે એવો અવાજ સાંભળીને જાગી ગયેલો. અવાજ કબાટમાંથી આવી રહ્યો હતો. લકીએ ઊભા થવું જ પડ્યું અને કબાટ ખોલીને ફૉન બહાર કાઢી એણે અલાર્મ બંધ કર્યું. એ સાથે જ લકીને નવો આઇડિયા આવ્યો, ફોનને ચાર્જ જ નહીં કરવાનો! બેટરી વગર એ કેટલું ચાલી શકવાનો! પોતાની બુધ્ધિ પર ગર્વ અનુભવતો લકી વારે ઘડીએ ફોનની બેટરી ચેક કરી રહ્યો હતો. છેલ્લું ટાવર આવી ગયું હતું હવે થોડાક જ સમયમાં ફોનની બેટરી સાવ ખાલી અને એ સ્વિચ ઑફ થઈ જવાનો પછી ક્યારેય એને ચાર્જ જ નહીં કરું.
જેવું લકીએ વિચારેલું એવું જ થયું, છેલ્લું ટાવર આવી ગયું અને થોડો સમય રહીને બેટરી પૂરી... કર્કશ અવાજ આવતો રહ્યો, “મને ચાર્જિંગમાં મૂક... મને ચાર્જિંગમાં મૂક” લકી હસતો રહ્યો પણ ફૉન ચાર્જ ના જ કર્યો અને ફૉન સ્વિચ ઑફ થઈ ગયો. લકીના મોંઢામાંથી એક વ્હિસલ વાગી વાગી ગઈ! ત્રીસ જ સેકન્ડ થઈ હશે અને ફોન એની મેળે રિસ્ટાર્ટ થઈ ગયો! લકી આંખો ફાડીને એની બેટરીના લેવલને જોઈ રહ્યો... એક, બે, ત્રણ અને ચાર ટાવર ચમકી ઉઠ્યા, ફરીથી ફૉન ફૂલ ચાર્જ થઈ ગયેલો! પણ, આ કેવી રીતે શક્ય છે?
“હું લેટેસ્ટ ટેક્નોલૉજી યુક્ત છું, જ્યારે મારી બધી જ બેટરી પૂરી થઈ જાય ત્યારે હું મારી જાતે એને ફૂલ ચાર્જ કરી શકું છું, દિવસના સમયે સુરજમાંથી એનર્જી મેળવી એને મારી અંદર હું સ્ટોર કરી શકું છું જે જરૂરતનાં સમયે કામ લાગે છે, પણ તારે આવું નહતું કરવું જોઈતું દોસ્ત! તે મારી શક્તિ પડાવી લેવાનું નાટક કર્યું, તને સજા મળશે... અને એ સાથે જ લકીએ કોમ્પ્યુટરમાં તૈયાર કરેલા એના એક પ્રોજેક્ટની ફાઇલ ડિલીટ થઈ ગઈ. લકી શોધી શોધીને થાક્યો પણ એ ફાઇલ કશે મળી જ નહીં. લકીએ આખરે ફોનને વિનંતી કરી, માફી માંગી અને એની પ્રોજેકટ ફાઇલ આપી દેવા વિનંતી કરી. આ વખતે ફોનમાંથી કોઈ જ જવાબ ના આવ્યો, એ એની મરજી હોય ત્યારે જ લકી સાથે વાત કરતો!
ફોનની આ સજાથી લકી ઘણો નારાજ થઈ ગયો. ગમે તે રીતે હવે પોતે આ ફોનથી છૂટકારો મેળવીને જ રહેશે એવું એણે મનોમન નક્કી કરી લીધું. એ દિવસે એણે ઘરે જતી વખતે રસ્તામાં આવતા તળાવમાં ફૉન ફેંકી દેવાનું નક્કી કર્યું અને એવું કર્યું પણ ખરું. તળાવ કિનારે ઊભા રહી, બેગમાંથી મોબાઈલ ફૉન બહાર નિકાળી તરત જ એનો તળાવમાં છૂટો ઘા કરી દીધો, મોટી આફતથી છૂટકારો મેળવ્યો હોય એવી રાહત સાથે એ ઘરે પહોંચેલો. આજે ઘણા દિવસો બાદ એણે જમ્યા પહેલા ટીવી જોયું, બપોરે ઊંઘવાને બદલે કોમ્પ્યુટરમાં ગેમ રમી અને સાંજે વહેલો જ એ એના દોસ્તો સાથે રમવા ઉપડી ગયો.
લગભગ અડધો કલાક એ એના દોસ્તો સાથે ક્રિકેટ રમ્યો હશે ત્યારે સામેથી ચાલી આવતા રુદ્રએ લકીનો હાથ પકડી એને બોલિંગ કરતો રોકી લીધો, “શું છે યાર? બૉલ નાખવા દે,”
લકીનું બાકીનું વાક્ય એના મોઢામાં જ રહી ગયું, રુદ્રના હાથમાં પેલો લેટેસ્ટ મોબાઈલ હતો અને એ એનો હાથ હલાવી લકીને એ બતાવી રહ્યો હતો, “ક્યાં ભૂલી આવેલો આને? મને તળાવના કિનારેથી મળ્યો. એ તો સારું છે કે એમાંથી કોઈ વોઇસ મેસેજ આવી રહ્યો હતો અને મારું એ તરફ ધ્યાન ગયું. એ સતત તારું નામ અને એડ્રેસ બોલી રહ્યો હતો.”
લકીએ માંડ થૂંક ગળા નીચે ઉતાર્યું અને ફૉન હાથમાં લીધો. હવે એનો રમવાનો મૂડ જરાય નહતો. આજે પાછી એને સજા મળશે, આ વખતે આ લેટેસ્ટ ટેક્નોલૉજીવાળો ફૉન એની શું વલે કરશે એ વિચારીને જ એના હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. ઘરે પહોંચ્યા પહેલા જ આ ફોનથી છૂટકારો મેળવવો જરૂરી હતો, પણ કેવી રીતે? એ વિચારી રહ્યો હતો. પાણીમાં તો એ ખરાબ ના થયો ઉપરથી એની જાતે છેક કિનારે આવી ગયો, એવી તો કેવી ટેક્નોલૉજી હશે એનામાં? કદાચ એ પાણી ઉપર તરી શકતો હશે, એ જે હોય તે હવે શું કરું? કોઈક ને આપી દઉં? માટીમાં ઊંડો ખાડો ખોદીને દાટી દઉં કે પછી સળગાવી નાખું? હા... આ મને પહેલા કેમ યાદ ના આવ્યું, હું આ ફોનને આગમાં ફેંકી દઉં...એ સળગી જશે, આગમાં ઓગળી જશે અને પછી શાંતિ, હંમેશા માટે એનાથી છૂટકારો મળી જશે! પછી પપ્પાને કહી દઈશ મારે કોઈ લેટેસ્ટ ફૉન નથી જોઈતો, ફૉન જ નથી જોઈતો!
“ક્યારનોય શું લવારી કરે છે, ચાલ ઉઠી જા હવે સ્કૂલે જવાનું મોડું થાય છે.” લકીની મમ્મીએ એને માથે હાથ ફેરવતા કહ્યું અને લકીએ આંખો ખોલી, એ એના રૂમમાં સૂતો હતો અને એની મમ્મી એની પાસે બેસીને કહી રહી હતી, “એ વખતે તારા પપ્પાના હાથ પર રૂપિયા નહતા, કાલે જ એ તારા માટે એક્દમ લેટેસ્ટ મોડલનો ફૉન લઈ આવ્યા છે, તારા ટેબલ ઉપર રાખ્યો છે જોઈ લેજે.”
ઓહ! એ બધું એક સપનું હતું...! એમ વિચારતો, આંખો ચોળતો લકી બેઠો થયો અને એની નજર ટેબલ ઉપર ગઈ ત્યાં ટેબલ ઉપર એક કાળા રંગનું બૉક્સ પડેલું દેખાઈ રહ્યું હતું...
-નિયતી કાપડિયા