મૃત્યુ પછીનું જીવન ૧૭
બધાયનાં ચહેરા ડરેલા, ડઘાયેલા છે, બેનુર થઇ ગયાં.
“પણ કેશુભા શું કામ એવું કરે? ”
“એ જ તો ...! એનાં મનમાં શું છે , એ તો હવે ખબર પડશે.’’
“તને ક્યાંથી ખબર પડી?
એ જ તો કહું છું ક્યારનો .. કાલે રાત્રે પાપા સપનામાં આવ્યાં’તા. અને આ બધું જ સ્પષ્ટ કહેતાં’તા .
રૂમમાં સોપો પડી ગયો. સમીરને આ કોઈ મુવીની સ્ટોરી જેવું લાગી રહ્યું હતું. રીયલ લાઈફમાં આવું બની શકે, એ વાત પર એને વિશ્વાસ નહોતો.
હે ભગવાન...આ બધું શું થઇ રહ્યું છે ? અંશ, મને લાગે છે, ઊંઘ અને થાકને લીધે તને આવી અનુભૂતિઓ થાય છે.
“ભાઈ , કદાચ મેં પણ આવુ જ કંઈ વિચાર્યું હોત, જો ડોક્યુમેન્ટ ગાયબ હોવાનું સત્ય મારી સામે ન હોત તો... કાલે રાત્રે પાપા સપનામાં આવ્યાં હતાં અને એકદમ સ્પષ્ટ વાતો કરતા તા, મારી સાથે.”
સમીરનાં ચહેરા પર અજ્ઞાત ડર દેખાઈ રહ્યો હતો , ગોમતી પણ પાપા ની સપનામાં આવવાની વાતથી એક સેકન્ડ માટે વિચલિત થઇ ગઈ, પણ પછી એ તરત જ શાંત અને સ્વસ્થ થતી દેખાઈ.
“એનો મતલબ , તમારા પાપા અહી જ છે , આપણી આજુબાજુ ..’’
“પણ શું પાપાને પહેલેથી ખબર હશે કે પછી ખબર પડી હશે ? ”
“પણ તમારા પાપા તમને આ બધી માહિતી આપવાં જ અહી ફરતાં હોય એવું પણ બને ...
ભગવાન,શેતાન,ચેતના,આત્મા ...આ બધામાં વિશ્વાસ કરનારી ગોમતીને આ સાંભળી થોડી રાહત થઇ, એનાં પુત્રોનો બાપ આજે પણ એને અને એનાં ફેમિલીને સાચવવાં અહીં ઊભો છે , કાલ સવારથી પસાર થતી બધી ઘટનાઓનાં બોજથી દબાયેલી ગોમતીને શાંતિ અને સુકુનનો અહેસાસ થયો; કોઈ અમારી સાથે છે, અમને સંભાળવાવાળું...! એમ પણ રાઘવનાં ઘર પર હોવાથી હંમેશા ગોમતીને આવો અહેસાસ થતો. હમણાં પણ એનાં હોવાપણાને એ અનુભવી રહી…
“હા, પણ એથી ય મોટો સવાલ છે કેશુભાનો ...એણે આવું કેમ કર્યું હશે? અને એનાં મનમાં કઈ ગેઈમ રમતી હશે? જેને એકેએક કાગળ અને એકએક રૂપિયાનો હિસાબ રહે છે, એ કેશુભાએ ઘરનાં કાગળ આમ ચોરવાની શું જરૂર પડી, તે પણ અડધી રાતે? ”
રૂમમાં સોપો પડી ગયો , પણ ત્રણેય નાં મનમાં આવાં અનેક સવાલોનાં સાપોલિયાં ફરતાં રહ્યાં. અને એમનાં કપાળ પર બદલાતી સિલવટો એનાં નિશાન છોડતી રહી...એક તરફ પાપાનું અણધાર્યું મર્ડર , કોણ હતો એ મર્ડરર , ચારે તરફ ઉડતી અફવાઓ, એમાં કેશુભાનો ઉઘાડો પડેલો બ્રુટ્સ ફેઈસ , પાપાનું સપનામાં આવવું .......આગળ શું થશે , કોણ સાથ આપશે ...બંને ભાઈઓ એક દિવસમાં ૧૦ વર્ષ મોટાં થઇ ગયાં જાણે .. રાઘવ એમનાં દયામણા ચહેરાઓ જોઈ રહ્યો. અને વિચારતો રહ્યો, રાઘવનું લોહી છે એમની રગોમાં, આ લોકો આટલી નાની વાતમાં તૂટી ન શકે...
ફરી દરવાજો ખખડાવ્યો કોકે ...
મમ્મી , ખીચડો થઇ ગયો છે, બધા જમવા પર રાહ જુએ છે ..
સમીર પોતાના ચહેરાની સિલવટોને અંતરમાં છુપાવી, સ્વસ્થ થવાનો અભિનય કરીને ઊભો થયો અને રાત્રે ફરી મળવાનું નક્કી કર્યું.
રાઘવ એની સ્થિતપ્રજ્ઞતાને જોઈ રહ્યો, ‘હું ધારતો હતો ,એનાં કરતાં વધુ મજબુત છે મોટો , કદાચ મેં જ એને ઓછો આંક્યો હતો. એ મારા ફેમિલી ને સાચવી લેશે.’ એને થોડી રાહત થઇ.
‘ફેમિલીને માહિતી પહોચાડી દીધી, બસ હવે એ લોકોએ જ આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે, હવે ભવિષ્ય એમણે જ સંભાળવાનું છે . રાઘવે અનુભવ્યું , અત્યાર સુધી દરેક સમસ્યા જાતે હલ કરનાર રાઘવ હવે છોકરાઓ પર વિશ્વાસ કરતો થઇ ગયો. એક દિવસનાં વૈવિધ્યસભર અનુભવો પછી એને પહેલી વાર અહેસાસ થયો કે દુનિયા કોઈનાં જવાથી અટકતી નથી, પછી એ નેપોલિયન હોય કે રાઘવ ધ ગ્રેટ ; શો મસ્ટ ગો ઓન.....
આખરે એ એની ૫ દિવસની જંગનું બીજુ પગથિયું ચઢી ગયો ....હવે એને પોતાનાં ખૂનીની શોધ કરવાની હતી , રાશીદ પર તો શંકા હતી જ .પણ આ ઘડીએ શંકાની સોય ફરી ફરીને કેશુભા પર ગઈ..અને એણે કેશુભાનો પીછો કરવાનું શરુ કર્યું.
આ બાજુ ત્રણેય જણની ઓફિસરૂમમાં થતી ફેમિલી મીટીંગ જોઇને કેશુભા ડરી ગયો. એણે યેનકેન પ્રકારે મોટાને બહાર બોલાવવાની કોશિશ કરી, પણ અંશે એને સફળ નહીં જ થવા દીધી, જેનાથી કેશુભા વધુ અકળાયા. ઘવાયેલા વાઘની જેમ, રૂમની બહાર આમ થી તેમ ફરતાં રહ્યાં. હંમેશા મીઠું બોલીને કામ કઢાવનાર કેશુભાને અહી પોતાની પહેલી હાર દેખાઈ રહી હતી, સાથે રાઘવના કુંટુંબ પર પોતાનો પ્રભાવ ઓછો થતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. બહાર નીકળતા અંશનો ચહેરો જોઇને એમની શંકા દ્રઢ ગઈ, ઓફિસરૂમમાંથી ગાયબ થયેલ કાગળો વિશે આ લોકોને ખબર તો નથી પડીને ? એમનું દિમાગ ૧૦ ગણું તેજ દોડવા માંડ્યું ...
-અમીષા રાવલ
------------------------------------------------------------------------------------
હવે કેશુભાની આગલી ચાલ શું હશે ? ઘરનાં ડોક્યુમેન્ટ્સ ચોરવા પાછળ એમનો શું ઈરાદો હશે ? શું અંશ અને સમીર એમને હરાવવામાં સફળ થશે ? આ બધાં સવાલોનાં જવાબ મેળવવાં આગળ વાંચતાં રહો ..આપનાં રેટીંગ અને રીવ્યુ આપતાં રહો ...તમને શું લાગે છે, તમારું નોવેલ માટેનું આગળનું પ્રેડીકશન મેસેજ બોક્ષમાં જણાવી શકો છો ...