Sankalp thi safalta -2 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | સંકલ્પથી સફળતા - 2

Featured Books
Categories
Share

સંકલ્પથી સફળતા - 2

ફાયદાઓ
સંકલ્પના ફાયદાઓ જોઇએ તો એમ કહી શકાય કે જ્યારે તમે સંકલ્પ કરો છો ત્યારે હેતુને પ્રાપ્ત કરવા જરૂરી કાર્યો સમજાવા લાગતા હોય છે, તેને લગતી ગંભીરતા આવવા લાગતી હોય છે, તેને પુરા કરવા માટે નવા નવા માણસોને મળવાનુ થશે, નવા સંબંધો કેળવાશે, તેઓની સાથે વાતચીત કરવાનો, જીંદગીને જોવાનો નવો દ્રષ્ટીકોણ મળશે, વ્યવહારમા ગંભીરતા આવશે, સંબંધોની કીંમત સમજાશે, સાથ સહકારની પ્રવૃત્તીમા વધારો થશે, દીર્ઘદ્રષ્ટીમા વધારો થશે, દરેક ઘટનાને પોતાના હેતુને અનુલક્ષીને મુલ્યાંકન કરતા આવળશે, તમામ શક્તીઓ ધીમે ધીમે વિકસવા લાગશે, ક્યારેય અનુભવાઇ ન હોય તેવી જરુરીયાતો સમજાશે, તમારો સ્વભાવ કેરીંગ બની જશે, દરેક નાની નાની બાબતોની કાળજી લેતા થઇ જશો, મહેનતુ થઈ જશો, એકે એક પળનો ઉપયોગ કરતા શીખી લેશો, તેની કીંમત સમજી માણતા થઇ જશો અને છેવટે જીવી ઉઠશો, તે ઉપરાંત પણ ઘણા ફાયદાઓ છે જે નીચે પ્રમાણે છે.

૧) નિશ્ચય કરવાથી દિશા નક્કી થાય છે, ક્યા જવાનુ છે શું કરવાનુ છે તે બધુ નક્કી થતુ હોય છે. આ રીતે ચોક્કસ દિશા નક્કી થતા વ્યક્તી અનેક બાબતોથી ભ્રમીત થતા બચી જતા હોય છે, દરેક ઘટનાઓને પોતાના હેતુ સાથે સરખાવી તેને અનુરૂપ નિર્ણયો લઇ શકાતા હોય છે.

૨) નિશ્ચય કરવાથી વ્યક્તી પોતાના કાર્ય સાથે લાગણીથી જોડાઇ જતો હોય છે, તે કાર્યને પુર્ણ કરવાનો એટલોતે જુસ્સો અનુભવતા હોય છે કે પછી તેની સામે થાક, આળસ, કંટાળો બીલકુલ નિષ્ક્રિય થઇ જતા હોય છે, પછીતો વ્યક્તી પોતાના કાર્યને એન્જોય કરતા કરતા સતત પ્રયત્નો કરી આરામથી તેને પુર્ણ કરી બતાવતા હોય છે.

૩) નિશ્ચય શબ્દમાજ એટલી બધી ઉર્જા સમાયેલી હોય છે કે જ્યારે જ્યારે તમે તમારા નિશ્ચયને યાદ કરતા હોવ છો ત્યારે ત્યારે તમે ગમે તેટલા થાકી ગયા હોવ, હારી ગયા હોવ તો પણ ફરીથી રીચાર્જ થઇ જતા હોવ છો. તમારામા ફરીથી જુસ્સાના ફુવારાઓ ઉઠવા લાગતા હોય છે અને ફરીથી સ્વસ્થ થઇ બેઠા થઇ કામે લાગી શકાતુ હોય છે.

૪) નિશ્ચયમા અખુટ શક્તી રહેલી છે જે તમને ખુલ્લા આકાશમા ઉડવા માટે તત્પર અને તૈયાર કરતા હોય છે. તમારામા કાર્ય કરવા માટેનુ એવુ થ્રીલ કે પેશન જન્માવતુ હોય છે, જાણેકે તે કાર્ય પુર્ણ કરવુ એજ તમારુ જીવન બની ગયુ હોય. આ રીતે તમે તમારા કાર્યને પ્રેમ કરી શકતા હોવ છો, તેની સાથે લાગણીઓના પુલથી જોડાઇ જતા હોવ છો, તેમજ તેને અનુભવી માણી પણ શકતા હોવ છો.

૫) દ્રઢ નિશ્ચય એ મનોમંથન કરવાની, સતત આગળ વધતા રહેવાની તેમજ બુરાઇઓ, નકારાત્મકતા અને નકામા પરીબળો સામે પ્રતીકાર કરવાની શક્તી આપે છે, આવી શક્તી ધરાવતો વ્યક્તી મનોમંથન દ્વારા તદ્દન નવાજ ઉપાયો શોધી કાઢતા હોય છે અને પોતાનો બેડો પાર કરી બતાવતા હોય છે.

૬) તમે જ્યારે કંઈક કરી બતાવવાનુ નક્કી કરતા હોવ છો ત્યારેજ સમજી શકતા હોવ છો કે તમારામા કેટલી શક્તીઓનો ભંડાર છે, કેટલી હીંમત છે, કેટલો થનગનાટ છે. આ રીતે વચનબદ્ધતા એક સેલ્ફ રીયલાઝીંગ પોઇન્ટ આપતો હોય છે કે જયાં પહોચીને વ્યક્તી પોતાને ઓળખી શકે છે, સમજી શકે છે, તેમજ ખુટતી શક્તીઓ સમજી તેમા વધારો પણ કરી શકતા હોય છે. આવો કીંમતી સમય એક વખત વ્યક્તીના જીવનમા આવી જાય અને તે પ્રમાણે કામ કરતા આવળી જાય તો પછી તેને રંકમાથી રાજા બનતા કોઇજ અટકાવી શકે નહી. પછી તો આવી વ્યક્તીઓ ઉંચે આકાશમા ઉડ્યા વગર રહી શકે નહી કારણ કે તેઓ માટે પોતાનો એક નીર્ધાર એજ જીવનનો આધાર બની જતો હોય છે અને આવા આધારોને કારણે જ તેઓ મોટા રાજા, વેપારી, દેશ સેવક કે સંત મહાત્મા બની બેડો પાર કરી જતા હોય છે.
ટીપ્સ
૧) નિશ્ચય કરવા માટે મહત્વકાંક્ષાની ભુખ જાગૃત કરો, કંઇક નવુ નવુ કરી બતાવાનુ, હાર ન માનવાનુ નક્કી કરો. લોકો તમારી કીંમત હીરાથી પણ વધારે આંકે તેવુ જીવન જીવવાની, ઘર પરીવાર કે સમાજની સેવા કરવાની, તેઓના દુ:ખ દુર કરવાની ઇચ્છા રાખશો તો પોતાના વચનનો છેવટ સુધી સાથ આપી શકશો.

૨) નિશ્ચય કરવા માટે કે કરતી વખતે જોરથી મુઠ્ઠી વાળી, કપાળ ભેગુ કરીને મનમા કાર્યનુ ગૃપ કે ચાર્ટ બનાવી તેની સરળતા સમજી, તેનુ ક્લીયર પીક્ચર બનાવી, એક ઉંડો સ્વાસ લઇ જોરથી બોલો કે મારે આ કામ કરવુજ છે, ગમે તે ભોગે સફળતા મેળવીનેજ રહેવુ છે, તેના માટે હું આકાશ પાતાળ એક કરી દઇશ પણ હાર તો નહીજ માનુ. એવો જુસ્સો જગાવો કે હવે મને મારા કાર્ય સીવાય બીજા કશામા રસ નથી, મારા માટે મારી સફળતાજ સર્વસ્વ છે તેવુ સ્પીરીટ જગાવો. આ દુનિયામા હુ ન કરી શકુ તેવુ કશુજ ન હોય તો પછી શા માટે મારે હાથ પર હાથ રાખીને બેસી રહેવુ પડે ? બસ હવે બહુ થયુ, હવેથી હું રોજે ઓછામા ઓછા ૭ થી ૮ કલાક વાંચીશ કે કામ કરી બતાવીશ અને તેમા ઉત્તરોત્તર વધારો પણ કરતો જઇશ. રોજે નવા નવા રેકોર્ડ સ્થાપીશ અને હુંજ તેને તોડી બતાવીશ, કામ કરવાની તમામ હદો પાર કરી બતાવીશ, લોકો મારા પ્રયત્નોથી અંજાઇ જાય તે હદ સુધી મહેનત કરી બતાવીશ. મે નક્કી કરી લીધુ છે તો પછી હવે મને કોઇ રોકી ન શકે, હવે તો હું ધાર્યુ પરીણામ મેળવીનેજ રહીશ વગેરે. આવા વિચારો જ્યારે તમારા તન મનમા ફેલાઇ જશે ત્યારે સમગ્ર બ્રહ્માંડ તમને સફળ બનાવવા કામે લાગી જશે, દરેક સુખ સફળતા તમારી સાથે રહેવાની કામના કરશે અને તમારી સાથે રહેવાનો ગર્વ પણ અનુભવશે.

૩) પોતાના સમાજ કે દેશમા ફેલાયેલી ગરીબી, અરાજકતા, દુરાચારી, બદ્દીઓ, ભ્રષ્ટાર, લાચારી, બે જવાબદારી, અપંગુતા, બીમારીઓ, દેખાદેખી, દગાખોરી કે લફળાબાજી અને તેના દુષ્ટ પરીણામોનો અભ્યાસ કરશો, તેની તીવ્રતાને અનુભવશો, પોતાના માટે નહી પણ પોતાના પરીવાર, સ્ત્રીઓ, બાળકો કે આવનારી પેઢીઓ શાંતીથી, સુરક્ષીત રીતે જીવી શકે તેવા વાતાવરણની રચના અત્યારથીજ કરવી જોઇએ તેવી ઉચ્ચ સમજ કેળવશો, તેમજ આવી બધી તકલીફો સભ્ય સમાજમાથી દુર થવીજ જોઇએ તેવુ જ્યારે દીલથી અનુભવશો ત્યારે તમને તમારા જીવનનો મકસદ સમજાઇ જશે જે તમને અનેક પ્રકારના નિશ્ચયો કરવા તરફ દોરી જશે. આ રીતે તમે સમજી જશો કે જીવનમા જ્ઞાન કે શીક્ષણ મેળવવુ, રીતિ નીતિ અને શીસ્તથી જીવન જીવવુ, પોતાની જવાબદારીઓ નીભાવવી, દેખાદેખી દગાખોરી, ટાઈમપાસ, લગ્નબાહ્યેતર સંબંધોથી દુર રહેવુ તેમજ શીસ્ત, સંયમ અને સત્યના માર્ગ પર ચાલી સમાજનુ માર્ગદર્શન આપવુ કે તેની સેવા કરવી કેટલી જરુરી છે.

૪) તમે જે કામ કરવાનો સંકલ્પ લીધો છે તે કામમા પુરેપુરો રસ રૂચી દાખવો, તે કામ કરવાનો આનંદ ઉઠાવો. આ રીતે તમે તમારા મનને કોઇ કેન્દ્રબીંદુ પર કેન્દ્રીત કરી પોતાના સંકલ્પને સીદ્ધ કરી શકતા હોવ છો.

૫) આળસ, નિષ્ક્રિયતાને દુર કરવા માટે કઠોર અને પ્રબળ નિર્ણય લેતા શીખો. તમારા માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તેનો કઠોર નિર્ણય લેવાથી સંકલ્પને તુટતા બાચાવી શકાતો હોય છે.

૬) અવ્યવસ્થા, ગુંચવણો અને ખામીઓ આ ત્રણેય બાબતો તમારી દ્રઢતાને નિર્બળ બનાવાનો પ્રયત્ન કરશે, તેમ છતા તમે દ્રઢ મનોબળ રાખી આગળ વધશો તો અવ્યવસ્થા, ગુંચવણો અને ખામીઓ ક્રમશઃ સુવ્યવસ્થા સ્પષ્ટતા અને સામર્થ્યમા ફેરવાઇ જશે.

૭) દ્રઢ નિશ્ચય કરવા માટે કે તેને વળગી રહેવા માટે સૌથી પહેલાતો બધીજ બાબતો, પાસાઓ કે મુદ્દાઓનો વિચાર કરો. જો તમે બધુજ બરોબર સમજતા હશો, સત્ય અને શક્યતાઓ સમજતા હશો તો તેને પ્રબળતાથી વળગી રહી શકશો.

૮) સંકલ્પને વળગી રહેવા માટે બે ઘોળાની સવારી ક્યારેય ન કરો. એટલેકે તમે જે સંકલ્પ કર્યો છે તેને કોઇ પણ વ્યક્તીની વાતમા આવીને બદલી ન નાખો. તેમ કરવાથી તમે ક્યારેય કોઇ મુકામે પહોચી નહી શકો. દા.ત. તમે સિગરેટ છોળવાનો પ્રયત્ન કરતા હોવ પણ તમે તમારા મીત્રોની વાત માની સિગરેટ પણ પી લેતા હોવ તો આ રીતેતો ક્યારેય તમે તેને છોળી શકશો નહી. માટે ગમે તેમ કરીને પોતાના નિશ્ચયને વળગી રહો.

૯) સંકલ્પશક્તી કે આત્મ શક્તીને અત્યંત પ્રબળ બનાવવા માટે પોતાના વિચાર, વાણી અને વર્તનમા પવિત્રતા લાવો કારણકે તમે પોતાને જેટલા પવિત્ર રાખશો, સ્વચ્છ અને નિર્મળ રાખશો તેટલુજ તમારુ આત્મબળ વધી જશે કારણકે તમારા મનમા એવો ભાવ ઉત્પન્ન થશે કે હું સાચો છુ. આમ સાચા હોવાની લાગણીજ તમને પ્રબળતાથી પ્રયત્નો કરવા માટેની અખુટ ઉર્જા પુરી પાડશે. માટે હંમેશા સાફ નિયત અને નેક ઈરાદાથી એટલેકે પવિત્રતાથી કામ કરો.
વ્યક્તીએ કેવા સંકલ્પ કરવા જોઇએ ?

દરેક વ્યક્તીએ જીવનમા નીચે દર્શાવ્યા મુજબના સંકલ્પો અચુક કરવા જોઇએ.
૧) કંઇ પણ થઇ જાય, જીવનમા ગમ્મે તેવી મુશ્કેલીઓ આવે તો પણ હું વિચલીત થયા વગર સતત આગળ વધતો રહીશ, સંઘર્ષ્ કરીતો રહીશ પણ હારતો ક્યરેય નહીજ સ્વીકારુ.

૨) હું મારાજ રેકોર્ડ તોળી બતાવીશ.

૩) હું ક્યારેય નકારાત્મક નહી બનુ. હંમેશા દરેક વાતમાથી સારી, ઉપયોગી બાબત શોધવાનો પ્રયત્ન કરીશ અને તેને જીવનમા ઉતારી બતાવીશ.

૪) હું મારી ખરાબ લાગણીઓ જેવી કે ડર, ચીંતા, ગુસ્સો, અહંકાર, ઇર્ષા અને બદલા લેવાની ભાવના પર કાબુ રાખીશ અને ક્યારેય તેના આવેશમા આવી ખોટુ પગલુ નહી ભરુ.

૫) જીવનની દરેક બાબતો જેમકે સમય, શક્તી, નાણા, સ્વાસ્થ્ય, સંપતી, સંબંધોની કદર કરીશ, તેનુ જતન કરીશ, તેમજ તેનો દુરઉપયોગ ક્યારેય નહી થવા દઉ.

૬) હું હંમેશા આળસ, થાક, નિરાશા, કંટાળા જેવા પરીબળોને મારા સૌથી મોટા શત્રુઓ સમજીશ અને તેને હરાવતો રહીશ.

૭) મારા ભાગે જે કંઇ પણ કામ કરવાના આવશે તેને હું ઇશ્વરનો પ્રસાદ સમજીને રાજી ખુશીથી પુરી તાકાત લગાવીને પુરા કરી બતાવીશ.

૮) હું તમામ પ્રકારના પાસાઓ ચકાસ્યા બાદજ કોઇ નિર્ણય પર પહોચીશ અને ક્યારેય કોઇને પણ મારા દ્વારા અન્યાય નહી થવા દઉ.

૯) હું મારા જીવનની એક પણ ક્ષણ વ્યર્થ નહી જવા દઉ અને તે દરેકનો મહત્તમ ઉપયોગ કરી સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી બતાવીશ.

૧૦) હું નકામી બાબતો, ઝઘડાઓ કે કજીયાઓમા ક્યારેય નહી પડુ, આવી બાબતોથી બચવા માટે હું હંમેશા મોટુ દીલ રાખીને લોકોને માફ કરતો રહીશ.

૧૧) લોકોએ કરેલા સારા કાર્યોની હંમેશા હું પ્રસંશા કરીશ, તેઓને આગળ વધવાનુ પ્રોત્સાહન આપીશ અને મારાથી બનતી તમામ પ્રકારની મદદ તેઓને કરી છુટીશ.

૧૨) હું હંમેશા મારી જાતની કદર કરીશ અને ઇશ્વરનુ શ્રેષ્ઠ સર્જન એટલેકે માણસ હોવા તરીકેનો ગર્વ અનુભવીશ.

૧૩) હું મારા દેશ, પરીવાર, મીત્રો, સંબંધીઓ, સહકર્મચારીઓ, સંસ્થાઓ, કાયદો, બંધારણ, ધર્મ, પર્યાવરણ અને માનવતા પ્રત્યે હંમેશા વફાદાર રહીશ અને તેના પ્રત્યે બનતી મારી તમામ જવાબદારીઓને પુરા ખંતથી નીઃ સ્વાર્થ ભાવે નીભાવી બતાવીશ.

૧૪) હું મને મદદ કરનાર, મારુ ભલુ ઇચ્છનાર કે મારા માટે ભોગ આપનાર વ્યક્તીઓ પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહીશ.

૧૫) કોઇના પર આધાર રાખી જીવવાને બદલે હું સ્વાવલંબી બનીશ, હું મારા કામ જાતેજ કરી બતાવીશ.

૧૬) હું હંમેશા સત્ય, પ્રામાણિકતા, ઇમાનદારી અને અહીંસાના માર્ગ પર ચાલીશ.

૧૭) હું વિશ્વના દરેક સજીવ પ્રત્યે પ્રેમ, દયા, કરૂણા, દાખવીશ અને તેમા ઇશ્વરના દર્શન કરીશ.

૧૮) હું ક્યારેય ચાપલુસીની અપેક્ષા નહી રાખુ અને ચાપલુસ લોકોના બદઇરાદાઓમા ફસાઇશ પણ નહી.

૧૯) હું મારા ટીકાકારો કે વિરોધીઓનુ પણ સમ્માન કરીશ કારણકે તેઓ પણ મને યોગ્ય માર્ગ ચીંધી અમુક પ્રકારની ખામીઓ દૂર કરી સંપુર્ણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

૨૦) હું હંમેશા હેતુ અને દુરદ્રષ્ટી રાખી આયોજનથીજ જીંદગી જીવીશ, તેના આધારેજ નિર્ણયો લઇશ.

૨૧) છેલ્લે ગમ્મે તે થઇ જાય, ગમ્મે તેટલી ખામીઓ હોય, ગમ્મે તેટલા વિરોધ થાય, ગમ્મે તેટલી નીશ્ફળતાઓ મળે, ગમ્મે તેટલો કંટાળો આવે કે ગમ્મે તેવો સમય આવે અને જાય તો પણ હું મારા કામ નીષ્ઠાથી કરતો રહીશ, તેનાથી ક્યારેય ભાગવાનો પ્રયત્ન કરીશ નહી.