સુખનો પાસવર્ડ
આશુ પટેલ
કોઈ એક શ્રીમંત માણસનો એક સારો વિચાર ઘણા ગરીબોનું જીવન બદલી શકે
એક વેપારીએ દીકરીના લગ્ન પાછળ પૈસા વેડફવાને બદલે એનો અનોખો ઉપયોગ કર્યો!
2016માં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના લાસરના વતની અજય મુનોતે તેમની દીકરીનાં લગ્ન એ રીતે કર્યા કે લાસર અને આસપાસના વિસ્તારના લોકોને એ લગ્ન યાદ રહી ગયાં.
ના, અજય મુનોતે તેમની દીકરી શ્રેયાનાં લગ્ન ધામધૂમથી નહોતા કર્યા. ન તો તેમણે દીકરીને કરોડો રૂપિયાની ભેટસોગાદો આપી હતી. એને બદલે તેમણે કાંઈક જુદું જ કર્યું હતું.
અજય મુનોતે દીકરીનાં લગ્ન અગાઉ બાર ફૂટ બાય વીસ ફૂટના એક રૂમ, રસોડાવાળા નેવું મકાન બનાવ્યાં. સવા લાખ રૂપિયાની કિંમતનું એક એવા નેવું મકાન બનાવીને તેમણે અત્યંત ગરીબ લોકોને ભેટ આપી દીધાં!
અજય મુનોત લાસરમાં કાપડ અને અનાજનો વેપાર કરે છે અને તેમની ૬૦ એકર જમીન પણ છે. તેમની દીકરીના લગ્ન વખતે તેઓ ધામધૂમ કરશે અને બધાને આંજી નાખશે એવું બધાને સ્વાભાવિક રીતે લાગતું હતું, પણ તેમણે એને બદલે જુદું જ કરીને બધાને ચોંકાવી દીધા.
અજય મુનોતે દીકરી સાથે વાત કરી કે તારા લગ્નમાં બહુ બધો ખર્ચ કરવાને બદલે ગરીબોને ઘર ભેટ આપવાનો મારો વિચાર છે ત્યારે તેમની દીકરી શ્રેયાએ પણ તેમની વાત વધાવી લીધી હતી. તેણે કહ્યું હતું કે મારી પાછળ ખર્ચ કરવાને બદલે સમાજ પાછળ ખર્ચ કરશો તો મને વધુ આનંદ થશે.
મુનોત પરિવારે ગરીબ પરિવારોને ઘરની ભેટ આપતા અગાઉ બહુ ચકાસણી કરી હતી. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ એવા લોકોને જ ઘરની ભેટ આપશે જે અત્યંત ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય અને કોઈ પણ પ્રકારનો નશો ન કરતા હોય.
લાસુરના વેપારી અજય મુનોતે દીકરીનાં લગ્નમાં ખોટો ખર્ચ કરવાને બદલે નેવું ગરીબ કુટુંબોની જિંદગી સુખમય બનાવી.
દરેક શ્રીમંતો આ રીતે વિચારતા થઈ જાય તો ગરીબોની જિંદગીમાં સુખ આવી શકે. કોઈ એક શ્રીમંત માણસનો એક સારો વિચાર ઘણા ગરીબોનું જીવન બદલી શકે.