marubhumi ni mahobbat - 20 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમી ની મહોબ્બત - ૨૦

Featured Books
Categories
Share

મરુભૂમી ની મહોબ્બત - ૨૦

" પ્રકરણ : ૨૦ "

"હીના..આઈ એમ સોરી.."

મેં આ શબ્દો કહ્યા ત્યારે હીના બાળમેર જેસલમેર હાઈવે પર ગાડી ચલાવી રહી હતી.એ ડ્રાઈવિંગ સીટ પર હતી.હુ એની બાજુની સીટ પર હતો.

મારા એ શબ્દોથી એને કશો ફેર પડ્યો નહોતો.એ બને તેટલું જોરથી એકસીલેટર દબાવીને બેસી ગઈ હતી.

આ હાઈવે પર આટલી ઝડપે ગાડી ચલાવી શકો એનું કારણ એક જ હતું કે ટ્રકો અને વોલ્વો સિવાય બીજાં કોઈ વાહનો સામેથી આવતા દેખાતાં નહીં.વધુમા વધુ તમને આર્મીની ગાડીઓ મલે..એ સિવાય રસ્તાની બેય બાજુ ઉડતી ધૂળની ડમરીઓ તેમજ છુટાછવાયા ગામડાં... અથવા તો દુર દુર દેખાતી પવનચક્કીઓ..


" હીના..મને એમ કે તને ખોટું લાગશે...બાકી તારાથી કોઈ વાત હું છુપાવુ ખરો... પ્લીઝ.."

હું બને તેટલી કોશિશ કરતો હતો કે કેમ કરીને હીના માની જાય...એનો ગુસ્સો ઠંડો થાય.

પરંતુ,એ અલગ માટીની ઔરત હતી.મારા એ શબ્દોથી એણે મારી સામે કડવી નજરે જોયું..એની આંખમાં દેખાતો તણખો મને દઝાડી ગયો.મે નજર નીચી ઢાળી દીધી.

" તારે શાંતિથી જેસલમેર આવવું છે ને...કે અહીં જ ઉતારી દઉ...મારી સામે સફાઈ ના ઠોક.." એ દાંત કચકચાવીને બોલી.

" પણ..મેં સોરી કહ્યું ને..યાર "

મારા શબ્દો સાંભળી એણે ફટ દેતાંક બ્રેક પર પગ દબાવ્યો.રસ્તા પર ટાયર ઘસડાવાનો અવાજ આવ્યો.મારુ માથું સામે ટકરાયુ..

" શું કરે છે..? " મેં ચીસ પાડી.

હીનાએ ઓચિંતી જ ગાડીને બ્રેક મારી હતી.જેવી ગાડી ઉભી રહી કે તરત જ એ નીચે ઉતરી.પોતાના જીન્સ સાથે એટેચ રિવોલ્વર બહાર કાઢીને એ ઘુંટણ પર બેસી ગઈ.

હું દરવાજો ખોલીને નીચે ઉતર્યો.મને સમજાયું નહીં કે એ શું કરે છે એટલે એની સામે જોઈ રહ્યો.

અમે જ્યાં ઊભા હતા ત્યાં દુર દુર આગમાં શેકાતી સિવાય બીજું કશું જ નહોતું.

હું શોક પામુ એ રીતે હીનાએ રિવોલ્વર જમીન પર રાખીને ધાય..ધાય..ધાય..એમ ત્રણ વાર ફાયરીંગ કર્યું.

એ મારી દોસ્ત હતી.એનો ગુસ્સો હું બરાબર સમજી શકતો હતો.

ટ્રેનિગમા એના તીખાં સ્વભાવથી સૌ ડરતાં . બોલવામાં એ પાવરફુલ હતી.ભલભલાનુ મોઢું સીવી નાખતી..એવે વખતે પણ આરામથી મારી બાજુમાં આવીને બેસતી.અમે સૌ સાથે જમતાં..મારી કાળજી રાખતી.અમે અલગ થયાં પછી પણ એ ફોનમાં સતત મારી કેર કરતી.જયારે હું બીમાર હોઉં ત્યારે મને રાત્રે મોડે સુધી ફોનમાં અવનવી આરોગ્યની સલાહ આપતી.મને ખબર હતી કે આ યુવતીના હદયમાં મારા પ્રત્યે કેટલી લાગણી છે..?

અને આજે એ યુવતીનું હ્દય મેં દુભાવ્યું હતું.. ફક્ત,મારવાડની એક શ્યામલ છોકરીને લીધે...મારી એ પ્રિય દોસ્તને મેં દુઃખી કરી હતી..

ડિમોટીવ થવું એ હીનાના સ્વભાવમાં નહોતું.એનુ ઘડતર જ એવું થયું હતું કે એક ઘા ને બે કટકા જેવી ભાષામાં એ વાત કરતી.તડ ને ફડ જેવું એનું વર્તન રહેતું.ગમે તેમ તોય એ એ.ટી.એસ ની કાબેલ ઓફિસર હતી પરંતુ, કહેવાય છે કે દરેક મજબૂત વ્યકિતની એક કમજોર કડી હોય છે એ ન્યાયે હું હીનાની જિંદગીની દુઃખતી નસ હતો.એ મને ચાહતી.દોસ્ત તરીકે જ નહીં,દિલથી ચાહતી.મને એની ખબર હતી.મને પણ હીના પર લાગણી હતી.

પરંતુ, અચાનક જ જીવનમાં વાવાઝોડું ફૂંકાયું ને લાગણીના એ તમામ વૃક્ષો જડમુળથી ઉખડી ગયા.મહેકનો પ્રવેશ મારી જિંદગીમાં એ રીતે થયેલો.

હું હીનાની નજીક ગયો.

એ નીચું મોઢું રાખીને બેઠી હતી.

એનાં હાથમાં રહેલી રિવોલ્વરને એણે પોતાના કપાળ પર રાખી હતી.. બીજાં હાથે પોતાની બેય આંખોને દબાવી રહી હતી.

" હીના..હીના..હીના.." મેં એનો ખભો પકડીને હલબલાવી.

" તે મને હરાવી દીધી.. સ્મિત.." એની બેય આંખમાં આંસુંની ધાર છૂટી.

પછી, અચાનક જ એ આંસુ હીબકાંમા પરિણમ્યા..એ જોરશોરથી રડવા લાગી.મે એનું માથું મારી છાતીમાં છુપાવી દીધું.

એ રડતી નહોતી.. એનાં પ્રેમનો એકરાર કરતી હતી.મને ખબર હતી કે જે એ આજ સુધી કહી ન શકી એ કહી રહી હતી.

એનાં આંસુ અને હીબકાં એટલાં ગરમાગરમ હતાં કે મારી છાતી ભીની થઇ ગઈ.

એ.ટી.એસ ની ટેલેન્ટેડ ઓફિસર હીના નાના બાળકની માફક રડતી હતી.

" સોરી હીના..આઈ લવ યુ..હીના..તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે..મને ખબર છે કે તારા જેટલો પ્રેમ મને કોઈ નહીં કરી શકે.." મેં એને સાંત્વના આપવાની કોશિશ કરી.

થોડીવાર પછી એ શાંત પડી.

" આર યુ ઓકે..? લે..પાણી પી લે.." મેં ગાડીમાંથી પાણીની બોટલ કાઢીને એને પાણી પીવડાવ્યું.

એણે ચાવી મને આપી.

હું ડ્રાઈવિંગ સીટ પર બેઠો.

રડવાને લીધે હીનાનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો.એનુ ટી શર્ટ પણ પલળી ગયું હતું.એના વાળનો આગળનો જથ્થો વીખરાયેલો જણાતો હતો.એનુ પલળેલુ નાક એ રુમાલથી વારંવાર સાફ કરતી હતી.

ગાડી જેસલમેર હાઈવે પર ચાલતી હતી.હુ વારેઘડીએ હીનાની સામે જોઈ રહેતો હતો.

હીના વિચારોમાં લીન હતી.

જેસલમેર આવ્યું ત્યાં સુધી એ એવી જ સ્થિતિમાં રહી.. પરંતુ, જેવાં અમે શહેરમાં પ્રવેશ્યા કે એણે ફટાફટ પાણીથી મોઢું ધોઈ નાખ્યું.વાળ કસીને બાંધી દીધા.ચહેરા પર મકકમતા લાવીને એ ફ્રેશ થઈ ગઈ.

જ્યારે અમે જેસલમેર હોટેલમાં શ્રીવાસ્તવ સાહેબને મળ્યા ત્યારની હીના અલગ જ હતી.

ખુબ જ સ્થિર બનીને એણે ચીફને આ મિશનના રિપોર્ટ આપ્યા.

શ્રીવાસ્તવ સાહેબે અમારી કામગીરીની પ્રસંશા કરીને અમને એક અગત્યની ઇન્ફર્મેશન આપી.

વિક્રમસિંહ રાઠોડ..કે જેઓ ભીખારીના વેશે રાજકુમારી મુમલની મેડી આસપાસ પડ્યા રહ્યા હતા તેઓએ અગત્યની માહિતી મેળવી હતી.

લોદ્રવા રાજકુમારી મુમલની મેડીની આસપાસ રાત દરમિયાન બે ત્રણ માણસોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી..તેઓ કશું કરે એ પહેલાં તો પેલા છટકી ગયા હતા પરંતુ,એ મેડીની અંદર કોઈ એવી જગ્યા ચોક્કસ હતી કે જ્યાંથી આવનજાવન થઈ શકે.

એટલે, વિક્રમસિંહે બીજાં જ દિવસે પુરાતત્વ ખાતાની પરમિશન લઈને એ મેડીની અંદર ખોદકામ શરું કરાવ્યું હતું ને એમનાં આશ્ચર્ય વચ્ચે એક સુરંગ નીકળી હતી..

રાજાશાહી યુગમાં આવી સુરંગો દુશ્મનો હુમલો કરે ત્યારે છુપાઈને નીકળી જવા માટે બનાવાતી.. પરંતુ,આ સુરંગ ખુબ જ વ્યવસ્થિત ઢબે બનાવાઈ હતી ને સૌથી મહત્વની કડી એ હતી કે આ જ સુરંગ વાટે આતંકવાદીઓ પ્રવેશ્યા હતા એવું અનુમાન પણ લગાવાયું હતું..

તો શું એ સુરંગ પાકિસ્તાન સુધી નીકળતી હતી...?

અમારે એ સુરંગની ભીતરમાં ઘુસવાનુ હતું..જે એક જબરદસ્ત સાહસ હતું..

અમે બધી તૈયારી કરી લીધી.

હીનાએ મારી અપેક્ષા મુજબ જ મારી કામગીરીના સારા રિપોર્ટ અમારા ચીફને આપ્યા હતા..જો કે એનો ખટકો તો દુર થયો નહોતો પરંતુ,મને વિશ્વાસ હતો કે મારી એ દોસ્તને હું ગમે તે ભોગે મનાવી લઈશ..

એ વખતે પણ મારી અંદર તો મરુભૂમીની મહોબ્બત જ સવાર હતી.. હું ઈચ્છતો હતો કે આ કામ પતે એટલે મહેકની મુલાકાત કરવી..પણ,એ મુલાકાત મારી જિંદગીની સૌથી મોટી ભુલ બની ગઈ...જેને લીધે આજે હું મારું સર્વસ્વ ગુમાવી બેઠો છું