Shikar - 14 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 14

Featured Books
Categories
Share

શિકાર : પ્રકરણ 14

સરફરાઝ રાહ જોઈ જોઇને કંટાળ્યો હતો. બે ત્રણ વાર જોઈ આવ્યો પણ સમીર હજુ આવ્યો નહોતો. ઉત્સાહમાં એણે બે વાર સિગારેટ સળગાવી. ચોથી વાર બારીમાં જઈને જોયું. આ વખતે સમીરના ફ્લેટની લાઈટ બળતી હતી.

સમીર આવી ગયો હશે.

હવે સરફરાઝની અધીરાઈ વધવા લાગી. મારે આ માણસને મારી સાથે જોડી લેવો જોઈએ. આખરે બંનેના કામ તો એકસરખા જ છે ને.

મનોમન તે બબડ્યો. એણે જલ્દી નાઈટ કપડાં પહેરી લીધા. અને ફ્લેટની લાઇટ્સ અને દરવાજો બંધ કરીને સમીરના ફ્લેટ તરફ જવા લાગ્યો.

સમીરના ફ્લેટના દરવાજે પહોંચી એણે ટકોરા માર્યા. થોડીવારે સમીરે દરવાજો ખોલ્યો.

“કેસે હો મિયા?”

"આવ સરફરાઝ આવ." કહી એણે આવકાર્યો.

"દોસ્તની યાદ આવી અને આવી ગયો." હસીને સરફરાઝ અંદર આવ્યો ચેર ખસેડીને બેઠો.

"બહોત અચ્છે. દોસ્તને યાદ કરે એ જ ખરો દોસ્ત બાકી માસુકાઓ તો ક્યાં યાદ કરે જ છે!" સમીરે સોફામાં બેઠક લીધી અને હળવેથી એ વાત કરી જે અનુપ સુધી પહોંચાડવી હતી.

"માસુકા પરથી યાદ આવ્યું કેવી રહી નિમિ સાથે બેડરૂમ સંગત?" આંખ મારીને સરફરાઝ બોલ્યો.

"નહિ દોસ્ત સંગતમાં અંગતે આવીને ઉપાધિ કરી નાખી. બધો ખેલ બગડી ગયો." સમીરનો ચહેરો એકાએક બદલાઈ ગયો. સરફરાઝને તો એમ જ લાગ્યું કે સાચેસાચ આને હાથમાંથી પંખી ગયું એનું દુઃખ છે પણ સમીરે તો સરફરાઝ સાથે આગળ શું વાત કરવી એની તૈયારી કરવાના વિચારમાં ચહેરાના ભાવ બદલ્યા હતા.

"એટલે? કોણ અંગત?"

"ખબર નહિ કયાકથી મારી બીજી માસુકા આવી ચડી અને આખોય ભાંડો ફૂટી ગયો."

સરફરાઝને હાશ થઈ કે અનુપ માટેનું પોતાનું કામ પાર પડ્યું છે. પણ એણે હજુ થોડું નાટક ચલાવી લેવાનું હતું.

"ગોળ ગોળ નહિ બોલ દોસ્ત."

બે ચાર પળ સમીર સરફરાઝના ભોળા ચહેરા સામે જોઈ રહ્યો. એણે મનમાં જ બબડાટ કર્યો તું બધું જાણે છે અને મને બનાવે છે પણ તમને કોઈને ક્યાં ખબર છે કે તમારા જ ખેલમાં હું તમને બનાવી રહ્યો છું. પછી એણે સરફરાઝને બધું કઈ રીતે બન્યું એ કહી સંભળાવ્યું.

સરફરાઝ બધું ધ્યાનથી સાંભળતો હોય એમ ડોળ કરતો રહ્યો પણ ખરેખર તો એ આગળની વાતચીત વિશે યોજના કરતો હતો.

"ઓહ સીટ યાર! મેં કહ્યું હતું ને તને કે એક સાથે બેમાં નહિ પડવાનું."

"પણ હું પડ્યો ત્યારે તું ક્યાં મળ્યો હતો મને?" આછેરી પ્રશંસા કરીને તેણે સરફરાઝને થોડો ચગાવવા પ્રયત્ન કર્યો અને સાચે જ સરફરાઝ ચગ્યો હોય એમ એને લાગ્યું.

"દોસ્ત મેં લગભગ દસ બાર છોકરીઓને ફસાવી છે અને એમાંથી ત્રણ ચાર હજુય મને બ્લેકમેઇલના રેનસમ મની આપે છે. એના ઉપર જ તો હું ભણવાનું અને રહેવાનું ખર્ચ કાઢું છું." સરફરાઝે ધીમે ધીમે પોતાની વાત કહેવી શરૂ કરી પણ પોતે વિદ્યાર્થી નથી એ વાત હજુય ઉઘાડી પાડી નહિ.

"માય ગોડ તું તો સાલા દેખાય છે ભોળો અને અંદરથી શેતાન છે."

"નહિ શેતાન નહિ..." હવે સરફરાઝને પોતાની અસલ વાત કહેવાનો મોકો મળ્યો અને એણે એ ઝડપી લીધો. જેથી સમીર પોતાની દોસ્તીનો હાથ સ્વીકારીને પોતાની સાથે જોડાઈ જાય.

"દોસ્ત હું પઠાણ છુ. મારા ઘરમાં સંસ્કાર હતા. મારા અબ્બા શિક્ષક હતા......"

“હતા એટલે?” સમીરે અજાણતા જ તેની દુખતી રગ દબાવી દીધી.

સરફરાઝ મીનીટો સુધી દીવાલને તાકી રહ્યો. પછી પોતાના પરિવાર સાથે થયેલી દુર્ઘટનાઓ અન્યાય કહેવા માંડ્યો. અને એના ભોળા ચહેરા ઉપર દુઃખદ રેખાઓ છવાતી ગઈ. આખરે બહેનની લાશ મળી એ વાત કહેતા તો જાણે વીજળી પડી હોય એવો સન્નાટો સમીરના એ ફ્લેટમાં છવાઈ ગયો.

*

અનુપે રાત્રે દસ વાગ્યે સોનિયાને વોટ્સએપ મેસેજ કર્યો પણ કલાક સુધી એનો જવાબ આવ્યો નહિ એટલે પોતાનો ખેલ ઊંધો પડ્યો કે શું? શિકાર છટકી તો નથી ગયો ને? એ સવાલોમાં સિગારેટનું આખું પાકિટ એણે ખાલી કરી નાખ્યું. લંકેશ હોય તો એને કંપની મળે પણ લંકેશ અત્યારે નહોતો. એના રૂમ ઉપર એ એકલો હતો અને જ્યાં સુધી સોનિયાનો મેસેજ ન આવે ત્યાં સુધી એને સિગારેટ સિવાય કોઈ કંપની મળે તેમ નહોતી.

પણ આખરે અગિયારેક વાગ્યે સોનિયાનો મેસેજ આવ્યો.

"હાય અનુપ...."

"આર યુ ઓકે?" અનુપે વળતો મેસેજ કર્યો.

"યસ." સોનિયાનો રીપ્લાય આવ્યો પણ એને જે રીતે જવાબ આપવામાં સમય લાગતો હતો એ જોઈને અનુપને ખાતરી થઈ ગઈ કે એ ઊંડા આઘાતમાં પડી છે.

"તને સ્ટ્રેસ હોય ડિપ્રેશન હોય તો કોઈ સારા આર્ટિકલ્સ વાંચી લે."

"આર્ટિકલ્સ? કેવા આર્ટિકલ્સ?"

"એવા આર્ટિકલ્સ જે માણસને નેગેટિવ વિચારથી દૂર રાખે. મેન્ટલ ટ્રોમાંમાંથી રાહત મળે એવા આર્ટીકલ્સ."

"ઓકે હું સર્ચ કરીશ."

"પણ ધ્યાન રાખજે ગૂગલમાં તો ઘણા એવાય આર્ટિકલ્સ હોય છે જે લોકોને નેગેટિવિટી તરફ દોરી જાય છે."

"એટલે?"

"એટલે... વેલ મેં એવા કિસ્સા સાંભળ્યા છે જેમાં ઘણી ટોપ લેવલની અભિનેત્રીઓ પણ ડિપ્રેશનનો ભોગ બનીને ઊંધા અવળું કરી લે છે. એક રિસર્ચ એવી છે કે ગૂગલમાં 70 % નેગેટિવ આર્ટિકલ્સ હોય છે. દિવસે હજારો લોકો સ્યુસાઇડ કઈ રીતે કરવી એની સર્ચ કરતા હોય છે."

એ મેસેજ મુક્યા પછી સોનિયાનો કોઈ રીપ્લાય આવ્યો નહિ. અનુપ સમજી ગયો કે પોતાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. એણે નેટ ઓફ કરીને રાહતનો શ્વાસ લીધો કેમ કે હવે જે થવાનું હતું તેમાં એને કોઈ મહેનત કરવાની ન હતી.

*

બીજા દિવસે સવારે નિધિ જાગી ત્યારે એનું માથું દુખતું હતું. રાત્રે મોડા સુધી એ માણસ કોણ હશે? પેલા ફૂલ કોણે મોકલ્યા હશે? એ સવાલોના જવાબ મેળવવા એ મથી હતી. એના મગજની નશો ફાટી જાય એટલા વ્યર્થ પ્રયત્નો એણીએ કર્યા હતા. પણ એને કઈ સમજાતું ન હતું.

એ વિચારોમાં જ સુઈ ગઈ હતી પણ સવારે જાગી ત્યારે એનું માથું દુખતું હતું. ડ્રોઅરમાંથી ટેબ્લેટ લઈને એણીએ ચા બનાવી. ચા પીને બાથરૂમમાં ઠંડા પાણીએ નહાઈ લીધા પછી એને થોડી રાહત થઈ પણ એ રાહત વધુ સમય ટકે એમ ન હતી.

છાપું લેવા એ દરવાજે ગઈ. દરવાજો ખોલીને બહાર જોયું તો દરવાજે કાચના ટુકડા પડ્યા હતા. ઓડીના કાચ કોઈએ ફોડી નાખ્યા હતા. ઘર આગળ મુકેલા ફૂલોના કુંડા છુટા છવાયા પડ્યા હતા.

છાપું લઈને એ તરત ઘરમાં ગઈ. આ બધું કોણે કર્યું હશે? કેમ કર્યું હશે? શુ વાજાએ આ બધું? પણ વાજા આટલી હદે જઇ શકે ખરો? એને પોલીસની બીક ન હોય શુ?

તો શું આ બધું કુમાર અને માધવીએ? ઓહ નો! માધવી તો કદાચ આ બધું કરી શકે પણ કુમાર? કુમાર તો સીધો સાદો અને સરળ છે. એ આવી હરકતો ન કરી શકે.

આઈ કાંટ બિલિવ ઇટ..... આઈ કાંટ ! એ બરાડી ઉઠી.....!

કુમાર અને માધવી બંને સિંગર હતા. નિધિ પછી આવતા સિંગરોમાં એ બંનેનું નામ લેવાતું. કુમાર માધવીને ચાહતો હતો અને માધવીને એણે જ સિંગર બનાવી હતી એમ કહીએ તો ખોટું નથી. અવાજ એની પાસે પોતાનો હતો પણ પબ્લિક અને ચાહકો બધા કુમારની મહેનતે ઉભા કરેલા હતા.

કુમારે એને પહેલી જ વાર એક ગઝલમાં પોતાની સાથે કો-સિંગર તરીકે લઈને એને પબ્લિક આગળ રજૂ કરી હતી. હજારો સિંગર ગઝલ કે ગીતમાં પહોંચવા માટે બ બે ત્રણ ત્રણ વર્ષ મહેનત કરે છે અને છતાંય કોઈ ચાન્સ મળતા નથી. ત્યાં માધવીને કુમારે એકાએક સિંગર બનાવી દીધી હતી. પણ માધવી મહત્વકાંક્ષી હતી. એને નિધિથી ઈર્ષા થતી. બે એક પાર્ટીમાં બંને વચ્ચે બોલા બોલી પણ થયેલી. ત્યારે માધવીનું વિકરાળ સ્વરૂપ નિધીએ જોયું હતું એટલે કદાચ આ બધું માધવીએ કર્યું હોય એવું એને લાગ્યું પણ તે છતાં એક છોકરી આવું કામ કરાવી શકે એ એના માન્યામાં આવતું ન હતું.

નિધિ ઉભી થઇ અને જુહીને ફોન કર્યો.

"હેલો જુહી તું ગાડી લઈને ઘરે આવ."

આદત મુજબ જ કોઈ સવાલ કર્યા વગર જુહીએ ઓકે મેડમ કહીને ફોન મૂકી દીધો. નિધિ પણ એને ફોન પર કઈ કહેવા માંગતી ન હતી.

જુહીની રાહમાં પંદર વીસ મિનિટ એણીએ માંડ વિતાવી અને એના મનમાં વિચારોનો વંટોળ ઉપડ્યો.

"વોટ ધ હેલ ઇઝ ધીસ? કોણે કર્યું આ બધું?" ખુલ્લા દરવાજામાં દાખલ થતાં જ જુહી બરાડી ઉઠી. તેના ચશ્માંમાંથી તેની આંખો મોટી થઇ ગઈ હોય તેમ દેખાયું.

"એ માટે જ મેં તને કોલ કર્યો છે." નિધીએ ઠંડા અવાજે જ કહ્યું. જુહીને ફોન કર્યા પછી એણીએ ઘણું વિચાર્યું હતું એટલે એનો ઉકળાટ સમી ગયો હતો.

"પણ આ બધું કર્યું કોણે?" નંબરના ચશ્મા ઠીક કરતી જુહી એની પાસે આવીને ગોઠવાઈ. "આર યુ ઓકે મેડમ?"

"યસ આઈ એમ. અને કોણે કર્યું છે એ તો ઈશ્વર જાણે પણ એક માણસ મારો પીછો કરે છે." કહીને પેલા અજાણ્યા વિચિત્ર માણસની વાત અને એનું વર્ણન કરીને જુહીને સમજાવ્યું.

"માય ગોડ મેડમ તમારે હવે સાવધાન રહેવું જોઈએ. ઇટ્સ નોટ એ સ્મોલ મેટર. સમથિંગ હોરીબલ...." બંને હાથ ઊંચા કરીને એ બે ત્રણ વાર બોલી ઉઠી "ઇટ્સ રિયલી સ્ટ્રેન્જ ઇટ્સ રિયલી હોરીબલ.....!" જુહીના ચશ્માં પાછળની બંને આંખોમાં ભયનો ઓથાર સ્પસ્ટ દેખાતો હતો.

"ઓકે, ઓકે, જુહી મેં તને અહીં મને વધુ ડરાવવા નથી બોલાવી." હસીને નિધીએ વાતાવરણ હળવું કરવા પ્રયત્ન કર્યો.

થોડીવારે જુહીને કળ વળી એટલે નિધીએ ફરી ચા બનાવી. ચા પુરી કરીને જુહીને થોડીક સૂચનાઓ આપી.

"તું આ ગાડીને શોરૂમ ભેગી કર. મેં એના ફોટા લઈ લીધા છે. અને તારી ગાડી મને આપી જા. મારે આજે ઓફીસ જવું પડશે."

"ઓકે મેડમ." જુહીએ પોતાની ગાડીની ચાવી નિધીને આપી. જોકે એ ગાડી પણ નિધિની જ હતી પણ નિધીએ ઓફિસે આવવા જવા માટે સરળતા રહે તે માટે જુહીને આપી હતી. ઑફકોર્સ એનો ડીઝલ અને સર્વિસ ખર્ચ પણ નિધિના ખાતે જ થતો.

જુહી ઓડી લઈને ગઈ પછી નિધીએ છાપું જોયું. પહેલા જ પાને એક સમાચાર હતા. અંબાજીના પર્વતોમાંથી એક લાશ મળી આવી છે. મહિલા ડેડ બોડીની કોઈ ઓળખ મળી નથી. નીચે ફોટો હતો. એ મૃતક મહિલાનો ફોટો જોતા નિધીને થયું આ ઓરતને ક્યાંક જોઈ છે. જીન્સ સને ટીશર્ટમાં ડેડબોડીનો ફોટો સ્પષ્ટ તો નહોતો દેખાતો પણ ખાસ્સો ક્લીન હતો. છતાં નિધીએ એવી હજારો છોકરીઓ, ઓરતો કલ્બમાં પાર્ટીઓમાં પ્રોગ્રામ્સમાં જોઈ હતી. એને યાદ ન આવ્યુ કે કયા જોઈ છે.!

છાપું દૂર ફંગોળી એણીએ થોડીવાર વિચાર સાથે આરામ કર્યો. લગભગ દસેક વાગ્યે એ ઓફિસે જવા રવાના થઈ.

*

સરફરાઝનું જીવન કરુણ હતું. એની દુઃખદ દસ્તાન સાંભળ્યા પછી રાત્રે મોડા સુધી સમીર પોતે પણ વિચાર કરતો રહ્યો. તેની સાથે ઠીક નહોતું થયું પણ એવા અનેક હિંદુઓ હતા જેમણે મોતનું જોખમ લઈને મુસ્લિમોને બચાવ્યા હતા. તેને પોતાને જ છએક વર્ષ પહેલા એક સાવ અજાણ્યા માણસે બચાવ્યો હતો. તેને એ ઘટના યાદ આવી.

એ દિવસે તે બાઈક લઈને નીકળ્યો હતો. અમદાવાદમાં છાસવારે હિંદુ મુસ્લિમ ઝઘડા થતા. તેમાં એ દિવસે સમીર હિંદુ એરિયામાં ફસાયો હતો. છ સાત લોકોએ તેને ઘેર્યો હતો. એકાએક જ તેને એક માણસે બચાવ્યો હતો.

“અરે ભાઈઓ આ તો સી.બી.આઈ. એજન્ટ છે. માત્ર મુસ્લિમ બનીને અહી રહે છે અને છુપાયેલા આતંકવાદીઓને પકડવા એક મિશન ઉપર છે.” એકાએક આવેલા એ માણસે તેના ખિસ્સામાંથી છ સાત આઈ.ડી. કાઢીને ટોળાને બતાવ્યા હતા, “દેખો આવા જ અલગ અલગ આઈ.ડી. આની પાસે પણ છે પણ એ અત્યારે સાથે લઈને નથી નીકળ્યો.”

ટોળાના લોકો ખુશ થઈને માની ગયા હતા અને પોતે બચી ગયો હતો. ગભરાહટમાં તે આવનાર માણસને જોવાનું પણ ભૂલી ગયો હતો. ટોળું ગયું એટલે તેણે આગંતુકનો ચહેરો અને ગળામાં લટકતું ડબલ એ (AA) નું લોકેટ જોયું હતું.

તે ઘટના, તે લોકેટ, તે ચહેરો યાદ આવતા સમીર મલક્યો. આખરે તે સરફરાઝની દુઃખદ વાત મનમાંથી ખંખેરીને ઊંઘી ગયો હતો.

સવારે એ મોડો જાગ્યો. ઘડિયાળમાં જોયું ત્યારે કાંટા સવારના બે કલાક ફરી ચુક્યા હતા. સૂરજ બે કલાક ગરમ થઇ ચુક્યો હતો. આઠ વાગ્યે એ જાગ્યો હતો.

તૈયાર થઈને એણે એ જ સફેદ વસ્ત્રો અને ટોપી ચડાવી. તેને અત્યારે કોલેજ જવાનું ન હતું કારણ કોલેજમાં રજાઓ હતી. ચા નાસ્તો લેતો એ વિચારવા લાગ્યો.

નહિ સરફરાઝ અવળે માર્ગે ફંટાયેલો માણસ છે. એ છોકરો વાત કરવામાં સામેવાળાને ઈમ્પ્રેસ કરવામાં કાબીલ છે. જો સારા માર્ગે વળ્યો હોત તો જરૂર એ મરહુમ મા બાપનું નામ રોશન કરોત.

નાસ્તો પૂરો કરીને એણે તાજા સમાચાર જોવા માટે છાપું ખોલ્યું. પહેલા જ પાને પેલા અંબાજીમાં લાશ મળી આવી એ સમાચાર વાંચ્યા. પણ કઈ સમજાયું નહીં. આગળ બે ત્રણ પેજ રાજકારણના હતા. એ પછી એક ભયાનક સમાચાર હતા. નાના નાના ત્રણ બાળકોના ડેડ બોડીના ફોટા હતા. ટાઈટલમાં બ્લુ અક્ષરોમાં લખ્યું હતું 'બ્લુ વ્હેલ ગેમથી વધુ ત્રણ બાળકોના મોત...'

નિર્દોષ બાળકોની ડેડબોડી જોઈને સમીર હચમચી ગયો. કોણ હરામખોરે આ ગેમ બનાવીને દુનિયામાં તબાહી મચાવી હશે? એનું મગજ ફરેલું હશે? એ કોઈ ભણેલો પાગલ સાયન્ટિસ્ટ હશે? અને આ હરામખોર સરકાર આમ તો ટેક્સ ભર્યા વગરના કે લાઇસન્સ વગર બાઈક ચલાવતા માણસોને બે મિનિટમાં પકડી પાડે છે તો આ ગેમ બેન ન કરી શકે શુ? અને અમેરિકા! અમેરિકા તો મોટી મોટી વાતો કરે છે પણ એ શું જખ મારતું હશે?

અને એ પછીના પાનામાં અમેરિકાના મોટા નામને નાનું કરતા કરુણ સમાચાર હતા. માનસીક સ્ટ્રેસ અને માનસિક સંતુલન ગુમાવી બેઠેલા કોલેજના એક વિદ્યાર્થીએ મશીન ગનથી કોલેજમાં અંધાધૂંધ ગોળીઓ ચલાવી. કુલ બાવીસ મૃતકોમાંથી નવ છોકરીઓ અને બાકીના છોકરા હતા. બત્રીસ વિદ્યાર્થીઓ ઘાયલ. જોકે પોલીસ મિનિટોમાં જ આવી હતી. પણ એક્સપર્ટસના કહેવા મુજબ સંતુલન ગુમાવેલ વિદ્યાર્થી માત્ર મારવા જ નહીં મરવા આવ્યો હતો. મશીન ગનની એમયુનિશન પુરી થતા જ એણે પિસ્તોલ કાઢીને કોલેજના ગ્રાઉન્ડમાં પોતાનું જ માથું હસતા હસતા ઉડાવી દીધું!

સમીરના શરીરમાંથી આછી પણ ભયાનક ભયની ધ્રુજારી છૂટી ગઈ. જેના ઘરે મશીન ગન અને પિસ્તોલ હોય એ વિદ્યાર્થીને શુ દુઃખ હોઈ શકે? શુ એમના મગજ ધોઈ દેવામાં આવતા હશે? માઈન્ડ વોર્સ ખરેખર થઈ શકે? આઈ કાન્ટ બિલિવ ઇટ! તેના દાંત ભીંસાઈ જડબા તંગ થઇ ગયા.

છાપુ પછાડીને એ ઉભો થઇ ગયો. ત્રણ મહિનાથી બાળકોના ગાયબ થવાના, અત્મ્હત્યાઓ થવાના અને રેપના કિસ્સાઓ છાપામાં વાંચીને તેનું શાંત મગજ પાણીમાં પથ્થર મારતા જેમ પાણી ખળભળી ઉઠે તેમ હચમચી ગયું હતું. રૂમમાં ત્રણ ચાર ચક્કર લગાવી દીધા. શુ ટેરેરિસ્ટ લોકો એ લોકોના મગજ વોર્સ કરતા હશે? કે પછી એ લોકો જન્મથી જ આવા વિકૃત હોતા હશે?

મારુ તો કોઈ મગજ વોસ ન કરી શકે. એ મનોમન બબડયો. પછી એને તરત જ વિચાર આવ્યો. જેમ મારી અંદર દેશ ભક્તિ છે. દયા છે. લોકોના જીવ બચાવવાનો રોગ છે એમ એ લોકોને બીજા લોકોને મારી નાંખવના રોગ લાગતા હશે તો કોને ખબર?

એ તો ઠીક પણ આ બ્લુ વ્હેલ ગેમ? અને એના જેવી કેટલીયે ગેમ્સ જે આત્મહત્યા કરવા મજબુર કરે છે એ શું? માત્ર બાળકો જ નહીં ઘણીવાર તો આ ગેમના લીધે તરુણ અને યુવાનો પણ મર્યા છે એના દાખલા ક્યાં નથી?

સમીર ધુવાપુવા થઈ ગયો. એની આંખોમાં લાલ નશો ઉપસી આવી. ઝડબા તંગ થવા લાગ્યા. પણ કશોય ઉકેલ મળતો ન હતો. મગજ શાંત કરવા પાણીની આખી બોટલ ગટગટાવી લીધી. સિગારેટની આદત ન હોવા છતા પણ સિગારેટ સળગાવી. સોફામાં બેઠો.

સરફરાઝ...... ફરી એને સરફરાઝ યાદ આવ્યો. તો શું એ છોકરાને ડાયવર્ટ ન કરી શકાય? મૂળ એની અંદર સંસ્કાર તો છે જ ને? તો શું એને ઇમોશનલ ડાય વરઝન્ટ ન આપી શકાય?

અને સમીરના મનમાં સબનમનો ચહેરો ફરવા લાગ્યો. પણ સબનમને અહી લાવવી કઈ રીતે? બોસને શું કહેવાનું?

મારે ગમે તેમ કરીને બોસને કહેવું પડશે અહીં સબનમને મોકલે. હું કહિશ મારે જરૂર છે. પછી બોસને સમજાવી લઈશ. આ વિચાર પર કઈક પ્લાન કરીને એણે બોસને ફોન જોડ્યો અને આતુરતાથી સામેના છેડે જવાબ મળે એની રાહ જોતો રહ્યો.....!

*

સરફરાઝે અલગ જ ગણતરી કરી હતી. એક તો સમીર જોડે ગાઢ દોસ્તી થઈ જાય તો એને પણ પોતાના ધંધામાં જમાવી દેવો. અને સમીરના કોન્ટેક્ટમાં હોય એવી જ છોકરીઓ શુ કામ ન ફસાવવી?

પણ તેને ઉતાવળ કરવાનું પાલવે તેમ ન હતું. એ આખોય ધંધો માઈન્ડ એન્ડ ગેમનો હતો. તેણે ઉતાવળ ન કરવાનું નક્કી કર્યું કારણ એ કામમાં સમીર જેવો ચાલાક માણસ મળવો અશક્ય હતો. તેણે સમીરનો અભ્યાસ કર્યો હતો. તેની બોલવાની છટા અને છોકરીઓને ફસાવવાનું કરતબ ગજબ છે એ તો તેને ચોક્કસ ખ્યાલ આવ્યો જ હતો પણ સરફરાઝે તેને ઓળખવામાં થાપ ખાધી હતી. ગમે તેમ અત્યારે તો સરફરાઝના મનમાં સમીરને પોતાનો પાર્ટનર બનાવવાના સપના જાગતા હતા. અને સમીર પણ તેનો પાર્ટનર બનવા માંગતો હતો.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky