Angat Diary - Ravivaar in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - રવિવાર

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

અંગત ડાયરી - રવિવાર

અંગત ડાયરી
==============
શીર્ષક:- રવિવાર
લેખક: - કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


રવિવાર એટલે રાહતવાર, શાંતિ વાર, મિલનવાર અને જમણવાર. છ દિવસના એક સરખા રુક્ષ બની ગયેલા રુટિન બાદ આવતો રવિવાર પ્રિયપાત્રના મોહક સ્મિત જેવો તરોતાજા, રોમાંચક લાગે છે. કેટલાક લોકોને રવિવારની સવાર છેક બાર વાગ્યે પડે છે, તો કેટલાક માટે સાતેય વાર સરખા હોય છે.

જીવનના દાયકાઓ મુજબ રવિવારોને યાદ કરું તો બાળપણના રવિવારની સવાર પપ્પા સાથે જામનગરના બર્ધનચોકમાં મીઠી મધુરી લસ્સી પીતાં, ફૂલવાડી, ચંપક, ચક્રમ (જે પછીથી ચંદન નામે છપાયું વગેરે) જેવા બાલ સામયિકો ખરીદવામાં જતી. ઘેર આવી જમ્યા બાદ આખી બપોર વાર્તાઓ વાંચવામાં જતી. રવિવારના જમણમાં રોજિંદા શાક રોટલીને બદલે વિશેષ વાનગીઓ જેમકે શીખંડ, પૂરી, રસ, ઉંધીયું, દૂધપાક, ખમણ કે બંગાળી મીઠાઈ જમવી એ દરેક ગુજરાતીનો વણલખ્યો રિવાજ છે.

કિશોર અવસ્થામાં હતા ત્યારના રવિવાર સવાર સાંજ અમારા ગાંધીનગર વિસ્તારમાં આવેલા ખળના લીલા મેદાનમાં ખૂબ ક્રિકેટ રમતા. ટીવી પર સવારે રામાયણ સીરિયલ તો સાંજના સમયે દુરદર્શન પર ફિલ્મ જોતા.

યુવા અવસ્થાના શરુઆતના એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ના ગંભીર વર્ષોના રવિવારોની સવારો ટ્યૂશનમાં ટેસ્ટ આપતા ગંભીર ગઈ તો કોલેજ કાળના રવિવારની સવારો એમ.પી.શાહ કોલેજના કેમ્પસમાં એન.સી.સી.ની પરેડ્સ કરતા જુસ્સા સભર અને લોથપોથ કરી નાખનારી હતી. કોલેજ કાળના રવિવારોની સાંજ મોટા ભાગે મિત્રોની મહેફિલમાં બહારનું ખાવા પીવામાં અને મોડી રાત સુધી રખડપટ્ટી કરતા વિતી.

એ પછીના વર્ષો કરિયરના હતા. એક તરફ નોકરી ધંધાના છ દિવસના ટાઈટ શેડયૂલ તો બીજી તરફ સંસ્કાર અને સંસ્કૃતિનું સહજ સિંચન કરાવતા સ્વાધ્યાય પરિવારના વિચારો. એ સમયના ઘણાં રવિવાર કાલાવડના ગામડાંઓમાં ભાવભક્તિ ભર્યા વીત્યા.

લગ્નની વાત ચાલી ત્યારથી કદાચ જ એકાદ રવિવાર એવો રહ્યો હશે કે ક્યાંય જોવા જવાનું ન હોય કે મહેમાન ઘરે આવવાના ન હોય. એ પરીક્ષાના રવિવારો પણ રોમાંચક વીત્યા.

લગ્ન પછીના કેટલાક રવિવાર હરવા-ફરવામાં તો કેટલાક સગા,સ્નેહી, મિત્રો, પરિચિતોને ઘેર આવવા-જવામાં વીત્યા. કેટલાક વિવિધ થિયેટરમાં ફિલ્મો જોવામાં તો કેટલાક એકમેકનો હાથ પકડીને દરિયાકાંઠે બેસી રહેવામાં વીત્યા.

બાળકો સાથેના કેટલાય રવિવાર ગાર્ડનમાં કે રાઈડ્સ માં કે તેમની પિકનીકમાં વીત્યા. એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ, પરેન્ટ્સ મિટીંગ, એન્યુઅલ ફંકશન વગેરે બાળકોના તમામ કાર્યક્રમો રવિવારે જ રહેતા ને!

ઓફિસમાંથી માંડ રવિવારની છૂટ્ટી મળે તો ઘરના વડીલોની સાર સંભાળ, તેમને દવાખાને લઇ જવા કે ઘરની સાફસફાઇ માં મદદરૂપ થવાના ફરજરૂપ કાર્યો પણ રવિવારે જ કરવા પડતાં હોય છે.

૭૦ વર્ષનું સરેરાશ આયુષ્ય ગણો તો કુલ ૨૫૫૫૦ દિવસોમાંથી માત્ર ૩૬૪૦ રવિવારો જ જીવન હોય એવું લાગ્યા વિના રહેતું નથી. માત્ર ૩૬૪૦ રવિવારો..

મોટાભાગના ઘરોમાં જીવનના મહત્વના બનાવો રવિવાર ઉપર ઠેલવવામાં કે ગોઠવવામાં આવતાં હોય છે. પછી એ સત્યનારાયણની કથા હોય કે રાંદલના લોટા. દીકરા - દીકરી માટે ઠેકાણા જોવા જવાનું કે સગાઈ જેવી રસમ ગોઠવવાની, કે પછી રિસાયેલી પત્નીને પિયરેથી તેડવા જવાનું કે પછી સગાઈ પછીના ગોલ્ડન દિવસોમાં સજી ધજીને બાઈક પર ફરવા જવાનું. કંઈ કેટલાય રવિવારો આવા પ્રસંગોને સાચવીને બેઠા છે.

કયો વાર હશે આપણા મૃત્યુનો દિવસ? સોમવાર કે શનિવાર? ક્યાંક એ પણ રવિવાર તો નહીં હોય ને?

ખૈર આજનો રવિવાર તો આપણે જીવતાં જ છીએ તો ભરપૂર જીવી લઈએ. હેપી સન્ડે.. આવજો મિત્રો.. અમે તમારી કમેન્ટ નો આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં..

આવી બીજી કેટલીક પોસ્ટ વાંચવા માટે જુઓ અંગત ડાયરીના આગળના કટલાક પાના..

મારી સામાજિક, રહસ્યમય નવલકથા, જેને માતૃભારતી પર વાચકોએ મનભરીને વધાવી છે તેના તમામ પ્રકરણ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરી શકો છો.
https://www.matrubharti.com/kamleshjoshi2098