એક બહુ ભીડભાડવાળી હોસ્પિટલ...જે માથેરાનથી સૌથી નજીક કહી શકાય... હોસ્પિટલમાં દોઢસો બેડ પણ ઓછા પડે એવું લાગી રહ્યું છે.... કેટલાય સગા વ્હાલાં કોઈ દુઃખી છે તો એક સારૂં થશે એ આશામાં દર્દીઓની પ્રેમથી સેવા કરી રહ્યા છે.
અન્વય એક રૂમના બેડ પર લીપીની પાસે બેઠો છે અને એના ઉઠવાની રાહ જોઈ રહ્યો છે...એ જાણે પાગલ થઈ ગયો છે શું કરવું સમજાતું નથી...એ રૂમમાં એક જ બેડ છે...પણ કોણ જાણે કેમ એનું મન જાણે શાંત નથી થઈ રહ્યું... ઘરેથી બધાનાં ફોન આવી રહ્યા છે...પરિવારજનોને પણ અહીં સુધી પહોંચવાનો સમય બહુ લાંબો લાગી રહ્યો છે.
ત્યાં જ એક સિસ્ટર આવીને લીપીને એક ઇન્જેક્શન આપે છે અને બહાર નીકળવા જાય છે ત્યાં જ એ સિસ્ટરને રોકે છે....
અન્વય : સિસ્ટર પ્લીઝ, અમને બીજો કોઈ રૂમ મળી શકશે ?? પૈસા વધારે થશે તો આપવા હું તૈયાર છું.
સિસ્ટર : અત્યારે એક પણ જગ્યા ખાલી નથી...અને જનરલ વોર્ડમાં એક બેડ ખાલી છે પણ ત્યાં બધાનું ઇન્ફેક્શન લાગી શકે કારણ કે ત્યાં ઘણા ચેપી રોગો વાળા દર્દીઓ હશે...આજે તો આખી હોસ્પિટલ ફુલ છે...એટલે તો આ રૂમ ખોલવો પડ્યો...બાકી મને આવ્યે અહીં પાંચ વર્ષ થયાં ક્યારેય આ રૂમ ખુલ્યો નથી.
અન્વયે ચિંતિત સ્વરે પુછ્યું , રૂમ આટલા સમયથી કેમ બંધ હતો કંઈ કારણ ??
સિસ્ટર જાણે કંઈક છુપાવી રહી હોય એમ નીચી નજર રાખીને બોલી, એ તો અમને ના ખબર હોય સાહેબ કહીને એક ગુઢ સ્મિત આપીને નીકળી ગઈ...
અન્વયને બે ઘડી તો શું કરવું સમજાયું નહીં...પણ પછી તે એકદમ ઉભો થઈને કોઈ પાસે વાત કરવાનું વિચારી આગળ ધપ્યો ત્યાં જ તેને એ રૂમમાં આવનાર સિસ્ટરનો કોઈ સાથે વાત કરતો અવાજ સંભળાયો....તેણે ધીમેથી અવાજની દિશામાં નજર નાખી તો એ જ સિસ્ટર બીજી કોઈ સિસ્ટર સાથે સાઈડમાં વાત કરી રહી હતી.
અન્વય કાન સળવા કરી સાંભળવા લાગ્યો , "સુનિતા, મને તો એ ભાઈ પર બહુ દયા આવી રહી છે...યાર ન્યુ મેરીડ કપલ છે..જોને એ છોકરીના હાથની તો હજું મહેંદી પણ ગઈ નથી...હવે આ રૂમમાંથી એને બહાર કેમ કાઢવી...તને યાદ છે પાંચ વર્ષ પહેલાં આવી સળંગ છ સાત વાર એક જ સરખી ઘટના બની હતી....તને યાદ છે ?? ને પછી...."
એ કંઈક આગળ બોલવા જાય છે એ પહેલાં જ એક વોર્ડબોય દોડતો આવ્યો, જેક્વેલિન મેડમ પ્લીઝ ચાલો...એક ઈમરજન્સી આવી છે....ને એ સાથે જ એ સિસ્ટર ત્યાં ભાગી અને સુનિતા સિસ્ટર એના કામમાં જતી રહી....
અન્વય હાથ પછાડીને એક નિસાસો નાંખવા લાગ્યો અને લીપી પાસે આવીને તેનો હાથ પકડીને બેસી ગયો...લીપી ઉઠને બકા... પ્લીઝ.આટલુ થોડું કોઈ રિસાઈ જાય ?? તારો અનુ શું કરશે તારા વિના?? એક નાના બાળકની જેમ તે રડી રહયો છે.
હું તને સરપ્રાઈઝ આપીશ પેલી વખતે આપી હતીને ?? તને યાદ નથી ?? ચાલ હું જ તને યાદ કરાવી દઉં...આ વખતે બરાબર સાંભળજે પછી બીજીવાર નહીં કહું, અન્વય તો લીપી સાંભળતી હોય એમ બોલવા લાગ્યો, "હું તારા ઘરે તને મળવા આવ્યો હતો. તું બહું સરસ લાગતી હતી એ રેડ ટોપને નીચે બ્લેક જીન્સમાં...એકદમ ક્યુટ એન્ડ સ્વીટ....જો કે આજે પણ તું એવી જ દેખાય છે. જે પણ હોય હું કંઈ તારા દેખાવનો થોડો મોહ્યો છું ?? હું તો એ તારી નિખાલસતા, સમજશક્તિ, જીવન માણવાની તારી સ્ટાઈલ ને મેઈન તો તારી એ કાતિલ સ્માઈલ મારા દિલને સીધી સ્પર્શી જાય છે એમાં ડુબ્યો છું. મે તને એ દિવસે મમ્મીની સામે જ આઈ લવ યુ કહી દીધું હતું ને તું શરમાઈ ગઈ હતી.
મને તો સૌથી વધારે મજા તને સરપ્રાઈઝ આપવામાં આવી હતી. પણ તું બહુ છુપારૂસ્મત નીકળી. તું આટલું સરસ ગાઈ શકે છે એવું મને પણ ન જણાવ્યું. એ તો સારું થયું પેલા દિવસે તું લેન્ડલાઈન પર ફોન ઉપાડવા ફોન ચાલુ રાખીને ગઈ અને તું કામમાં વ્યસ્ત થઈને ગીત ગાવા લાગી હતી એટલે તો મને ખબર પડી.
એ પછી તો રાત્રે જ તને સરપ્રાઈઝ આપવા માટે મે તારા મમ્મી સાથે વાત કરી તેમની મદદથી જ હું તને સરપ્રાઈઝ આપવામાં સફળ રહ્યો. મોડી રાત સુધી મારા એક સિન્ગર ફ્રેન્ડ સાથે બધી વાત કરી. તારામાં રહેલી આ કળાને ઘરમાં જ બાથરૂમમાં સિંગર તરીકે રાખવા નહોતો માગતો મારે તને સંગીતની દુનિયામાં તારી એક ઓળખ અપાવવી હતી.
સવારે ત્યાં હું એક ફેમસ સિંગિગ ક્લાસ માટે તારૂં એડમિશન કરાવીને એ કન્ફર્મેશન લેટર લઈને આવ્યો હતો....ભલે તારા પપ્પા કેપેબલ હતાં પણ એક મ્યુઝિક માટે જેની ફીઝ બહું ઉંચી હતી જેથી એ માટે મે તારી પરમિશન નહોતી લીધી. એ મારે તને પુછ્યાં વિના કરવું પડ્યું કારણ કે તને પુછત તો તું ક્યારેય હા ના પાડત.
પણ એ જોયા પછી તું કંઈક બની શકીશ સંગીતની દુનિયામાં એ વિચારીને તારા ચહેરા પર આવેલી એ ખુશીને મેં હજુ પણ ચુપકેથી મોબાઈલના કેમેરામાં કેદ કરીને હજુ પણ અકબંધ રીતે સાચવી છે...."
એ આગળ કંઈ બોલવા જાય એ પહેલાં જ તેના ફોનમાં રીંગ વાગે છે, લીપીના મમ્મી પપ્પા આવી ગયા હતા તેમને તે અંદર બોલાવે છે...તે મનમાં બબડ્યો, હવે કંઈક કરવું પડશે...લીપીના પેરેન્ટન્સ હશે એટલે હવે મારે એ સિસ્ટરની વાત પર આગળ જાણવા અવકાશ મળશે....મારી લીપીને હું કંઈ નહીં થવા દઉં.
*. *. *. *. *
અન્વય લીપી પાસે એના મમ્મી પપ્પાને બેસાડીને ડોક્ટરને મળવા ગયો...એમણે કહ્યું, બોમ્બેના એક ફેમસ સુપરસ્પેશિયાલિસ્ટ આવતીકાલે અહીં આવાના છે. મિસીસ લીપી માટે એકવાર એમનો ઓપિનિયન લેવો જરૂરી છે. એમનો વિઝીટ ચાર્જ વધારે છે પણ હોપ શો તમને વાંધો નહીં આવે.
એમના કેસમાં ઈન્જરી સદનસીબે ઓછી છે પણ તે કોન્સિયસ નથી થઈ રહ્યા એ બહું ચિંતાજનક વસ્તુ છે. એમના સીટી સ્કેન અને એમ આર આઈ રિપોર્ટમાં પણ એવી કોઈ ઈન્ટર્નલ ડેમેજ બતાવતું નથી... કોમામા જતાં રહે એ સ્ટેજમાં પણ નથી...લેટ્સ વેઈટ ટીલ હીઝ ઓપિનિયન...વી વીલ ટ્રાય અવર બેસ્ટ...
અન્વય : થેન્કસ ડોક્ટર.
અન્વય ડોક્ટરના કેબિનની બહાર તો આવી ગયો..પણ તે કંઈક વિમાસણમાં છે. આજે તેનું મગજ આજે એકવીસમી સદીના આધુનિક વિચારોને પડતાં મુકીને કંઈક બીજી દિશામાં વિચારી રહ્યું છે.
અન્વય ઝડપથી ચેમ્બર તરફ ગયો. ત્યાં ત્રણ નર્સિંગ સ્ટાફ બેઠેલા હતાં. તેણે બધા સામે નજર દોડાવી. એમાંની બે સિસ્ટર તો એકીટશે અન્વય સામે જ જોઈ રહી...આખરે હતો પણ એવો એકવડો બાંધો, થોડા આગળ આવતાં કાળાં વાળ, સહેજ આછી દાઢી ને ગ્રીન ટીશર્ટ અને બ્લેક જીન્સમાં
તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે...રડવાને કારણે આંખો થોડી રતાશ પડતી થઈ હોવા છતાં તેની પર્સનાલિટી પર જાણે કોઈ ફરક નથી પડી રહ્યો.
અત્યારે કદાચ અન્વય નોર્મલ રીતે હોત તો ચોક્કસ સમજી શકત કે એ તેને સીધા જ લાઈન રહ્યા છે..પણ અત્યારે એને લીપી સિવાય કોઈ દેખાતું નથી એટલે એ કોઈ પણ પ્રકારના ભાવ વિના કહે છે, જેક્વેલિન સિસ્ટર નથી આવ્યા??
બધાં એકબીજા સામે જોવા લાગ્યાને એમાંથી એક બોલ્યું, ખબર નહી સવારે જ એમનો ફોન આવ્યો કે એમની તબિયત સારી નથી તો આજે નહીં આવે.
અન્વય : પેલા બીજા હતાં ને એક સુનંદા સિસ્ટર એ ક્યાં ??
એ તો અમારા એક બીજા સર્જન સાથે બહાર એક હોસ્પિટલ માં ગયા છે. સવારે ડ્યુટી પર આવશે હવે. કંઈ કામ હોય તો અમને કહી શકો છો.
અન્વયને આ લોકો એટલા જુના ન હોય એવું લાગતા એણે સવારે જ સિસ્ટર સાથે વાત કરવાનું વિચાર્યું અને ત્યાંથી થેન્કયુ કહીને નીકળી ગયો....
શું થશે અન્વય અને લીપીની કહાનીમાં ?? સિસ્ટર અન્વયને કોઈ સાચી માહિતી આપી શકશે ?? શું હશે સુપરસ્પેશિયાલિસ્ટનો ઓપિનિયન ?? આખરે શું થયું છે લીપીને ??
જાણો ને માણો અવનવા રોમાં વાંચતા રહો પ્રિત એક પડછાયાની - ૪
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.