ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે...
શાસકના મનમાં પ્રજાનું હિત હોવું જોઈએ
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
ગોંડલના મહારાજા ભગવતસિંહજી પ્રજાપ્રેમી શાસક હતા. પોતાના રાજ્યમાં બધું બરાબર અને નિયમ પ્રમાણે ચાલે એ માટે તેઓ જાતે તપાસ કરવા નીકળી પડતા અને ક્યારેક બીજા કોઈ કામથી પણ બહાર નીકળવાનું થાય ત્યારે પણ તેમની નજર બધી બાજુ ફરતી રહેતી.
એક વાર તેઓ આ રીતે ગોંડલના એક રસ્તા પર નીકળ્યા. એ રસ્તા પરથી પસાર થતી વખતે તેમની નજર એક વાસણના વેપારીની દુકાન પર પડી એટલે તેમણે તરત જ પોતાની બગી ઊભી રખાવી.
એ કંસારાએ (વાસણના વેપારીએ) પોતાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો મૂક્યો હતો. એ કોથળાને કારણે ફૂટપાથ પર ચાલી રહેલા રાહદારીઓને અવરોધ અનુભવવો પડતો હતો એ વખતે વાહનો તો બહુ હતા નહીં, પણ મહારાજા ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યની પ્રજા માટે ખાસ ફૂટપાથ બનાવી હતી, જેથી પગે ચાલીને જનારાઓને અનુકૂળતા રહે.
પેલા કંસારાએ વાસણોનો કોથળો ફૂટપાથ પર મૂક્યો હતો એ જોઈને ભગવતસિંહજીએ તેને ચાર આનાનો દંડ ફટકાર્યો.
કંસારાએ કહ્યું, ‘મહારાજ મારી ભૂલ થઈ ગઈ. હવે ફરી આ રીતે ક્યારેય વાસણનો કોથળો ફૂટપાથ પર નહીં મૂકું.’
જોકે ભગવતસિંહજીએ તે વેપારી પાસેથી ચાર આનાનો દંડ વસૂલ કર્યો.
મુંબઈ અને દેશના મોટા ભાગના અન્ય શહેરોમાં કેટલાય વિસ્તારોમાં આખી ને આખી ફૂટપાથો જ ગાયબ થયેલી નજરે પડે છે ત્યારે મહારાજા ભગવતસિંહજી યાદ આવી જાય છે.
શાસકો અને અધિકારીઓ મેલી મથરાવટીના ન હોય તો પ્રજાને સુખી કરી શકે.