મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
પત્નીનું સ્મિત
જાન્યુઆરીની સવારનો સૂરજ આળસુ થઇ ગયો હોય એવું લાગી રહ્યું છે. ચાદર છોડીને બહાર નીકળવાનું મારું બિલકુલ મન નથી થઇ રહ્યું. ઉમરની સાથે સાથે શરીરમાં પણ આળસ વધી ગયું છે. સિત્તેર વર્ષની ઉમરમાં પાર્કમાં જઈને સવારની લટાર મારવાનો વિચાર આવવાની સાથેજ શરીરમાંથી એક લખલખું પસાર થઇ જાય છે.
“ચાલો, ચા પી લ્યો. સવારના નવ વાગ્યા છે અને તમે હજીપણ રજાઈ સાથે ચોંટેલા છો?” પત્નીના હાથમાં ચા નો પ્યાલો છે અને તે તેના મીઠા અવાજથી મને જગાડી રહી છે.
“તને ખબર તો છે જ કે હું સવારની ચા ક્યારેય એકલો નથી પીતો.” તેના મીઠા અવાજનો જવાબ હું વધુ મીઠાશથી આપું છું.
“તમે પણ શું! આ ઉંમરે તો આ બધું છોડો?” એ કોઈ નવોઢાની માફક શરમાઈ રહી હતી.
“વૃદ્ધાવસ્થામાં રોમાંસ કરવાની કોઈ અલગ જ મજા છે, ડીયર.” મારા આમ કહેવાની સાથેજ શરમાઈને રૂમમાંથી બહાર જતી રહે છે.
“નરેશ અને સુધા તો કામ પર જતા રહ્યા હશે નહીં?” એ ચા નો પ્યાલો લઈને ફરીથી આવી એટલે મેં તેને પૂછ્યું.
“હા, એ લોકોને ગયે તો એક કલાક થઇ ગયો.” એ મારા પલંગની બદલે સામે મુકેલી ખુરશી પર બેસી ગઈ છે.
“અને નવનીત...? એ તો હજી રજાઈમાં જ હશે.”
“ના રે ના. એ તો ન્હાઈ ધોઈને ક્યારનોય મહાદેવના મંદિરે જતો રહ્યો.”
પત્નીએ મને જાણેકે એક મોટો ઝાટકો આપ્યો.
“નવનીત અને મંદિર?”
“ખબર છે કેમ?”
“કેમ?” હું હવે એ ઝાટકામાંથી બહાર આવવા માંગતો હતો.
“એને કોઈ સાથે પ્રેમ થઇ ગયો છે.”
“શું?” લાગે છે કે એ મને આ ઉંમરે એક પછી એક ઝાટકા આપવા માટે જ તૈયાર થઈને બેઠી છે.
“હા, હું સાવ સાચું કહું છું.” એના અવાજમાં વિશ્વાસ અને ચહેરા પર હાસ્ય હતું.
“તું આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છે? શું એણે તને આ બાબતે કશું કહ્યું છે?” હું ઝટકાઓથી હજીપણ બહાર નહોતો આવી રહ્યો.
“પચાસ વર્ષ પાછળ જઈને જુઓ ડાર્લિંગ! મારી સાથે પ્રેમ થયો એ દિવસોમાં તમે મહાદેવના મંદિરમાં નહોતા જવા લાગ્યા?” પત્નીએ ખાલી પ્યાલો ટેબલ પર મૂકી દીધો.
“હા, પણ એ તો મેં તને કહ્યું હતું.” મેં પણ મારો પ્યાલો ટેબલ પર મુકેલા એના પ્યાલાને બરોબર અડીને મૂકી દીધો.
“હર દિલ જો પ્યાર...” હું ગણગણી રહ્યો છું, પત્નીનું સ્મિત મારા ગીતનું સમર્થન કરી રહી છે.
***