Ardh Asatya - 61 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 61

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અર્ધ અસત્ય. - 61

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૧

પ્રવીણ પીઠડીયા

રમણ જોષીનું હદય ભયંકર ઉચાટથી સતત ફફડતું રહ્યું હતું. આખી રાત વિતી ગઇ અને પરોઢનું આગમન થયું છતાં પુલ ઉપરથી વહેતું પાણી ઓસરવાનું નામ લેતું નહોતું. તે અને તેની સાથે ઉભેલો રાજસંગ સંપૂર્ણ રાત્રી ફોન ઘૂમડતાં રહ્યાં હતા છતાં કોઇનો પણ ફોન લાગતો નહોતો. એટલી કમબખ્તી ઓછી હોય એમ ફરીથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ધાડેધાડા ઉમડવા લાગ્યાં હતા અને ફરીથી જોરદાર વરસાદ વરસવો શરૂ થયો હતો. જોષી લાચાર નજરે બધું જોઇ રહ્યો હતો. કુદરત આગળ માણસ કેટલો બેબસ છે, કેટલો વામણો છે, એનો અહેસાસ આજે તેને થતો હતો. ખાલી એક વરસાદી નાળું વટવાનું હતું છતાં એટલું પણ તે કરી શકવા અસમર્થ હતો એ અહેસાસ તેને પજવતો હતો. તે અને રાજસંગ તેમની તમામ શક્તિઓ કામે લગાવીને સામે કાંઠે પહોંચવાનો જૂગાડ કરવામાં પરોવાયા હતા.

@@@

“એય છોકરી… છીછ… છીછ…. એય… તને કહું છું. સંભળાય છે?” અનંત ક્યારનો બૂમો પાડી પાડીને તેની સામેની ખુરશીમાં બંધાયેલી યુવતીને પોકારી રહ્યો હતો. પરંતુ એ યુવતી જ્યારથી તેને ઈન્જેકશન અપાયું હતું ત્યારથી એક વખત પણ હલી સુધ્ધા નહોતી. તેનું માથું તેની જ છાતી ઉપર ઢળેલું હતું અને તેના જથ્થાબંધ કાળા વાળ વિખેરાઈને તેના જ ચહેરા ઉપર પથરાયેલા હતા. અનંત જાણવા માંગતો હતો કે તે કોણ છે, તેને અહી શું કામ લાવવામાં આવી છે? તેણે પોતાની ખુરશીને એ તરફ ઘસડવાની કોશિશ કરી, જેથી તે એ યુવતીની નજીક પહોંચી શકે. પરંતુ એ કામ એટલું આસાન નહોતું કારણ કે એક તો ખુરશી બહું ભારે વજનની હતી. ઉપરાંત તે પોતે પણ બંધાયેલો હતો અને અધમૂઈ હાલતમાં હતો એટલે વધું બળ કરી શકવાની હાલતમાં નહોતો. છતાં તેણે પોતાનાથી બનતી બધી કોશિશો આરંભી હતી.

@@@

હજું તો સૂર્યનાં કિરણો રાજગઢના આકાશમાં પોતાનો પગપસેરો કરે એ પહેલાં જ ઘટાટોપ વાદળોના સમુહે સૂર્યને પોતાની આડાશમાં ઢાંકી દીધો હતો અને થોડીવારમાં જ ઘનઘોર છવાયેલાં વાદળો એકાએક ધોધમાર રીતે વરસવા લાગ્યાં હતા. અભય અને વૈદેહીસિંહ હવેલીનાં પોર્ચમાં આવીને અટકયા હતા અને તેમની નજરો અનરાધાર ખાબકતાં વરસાદ ઉપર મંડાઇ હતી. પાછલાં છેલ્લાં એક અઠવાડિયાથી અનરાધાર વરસતો વરસાદ આજે તેના અસલી રંગમાં આવ્યો હોય એવું લાગતું હતું.

અભયે વૈદેહીબા તરફ એક નજર નાંખી. આખીનો રાતનો ઉજાગરો અને ભયાવહ ભૂતકાળની યાદોનાં સંભારણાઓએ તેમને થકવી નાંખ્યાં હોય એવું જણાતું હતું. તેમ છતાં તેઓ અભયની સાથે આવવા તૈયાર થયા હતા એ કોઇ નાનીસૂની વાત નહોતી. આટલાં વર્ષોનાં વહાણા વિતી ગયા બાદ એકાએક તેમનામાં એક અજબ પ્રકારનો આત્મવિશ્વાસ પ્રગટયો હતો અને તેમની આંખોમાં કંઇક કરી નાંખવાનું ઝનૂન છલકાયું હતું. એ આત્મવિશ્વાસ પ્રગટાવવામાં અભયે બહું મોટો ભાગ ભજવ્યો હતો. એ છોકરાએ તેમને યાદ દેવરાવ્યું હતું કે તેઓ આ રાજગઢનાં રાજવીની દિકરી છે. તેમની રગોમાં પણ ઠાકોર પરિવારનું લોહી વહે છે. જ્યારે તેમણે કંઇ કર્યું જ નથી તો હવે કોઇનાથી દબાઇને જીવવાની જરૂર શું છે! તેમણે આટલા વર્ષો જે રહસ્યને પોતાની છાતીમાં ધરબી રાખ્યું હતું, જે જધન્ય ક્રૃત્યની સચ્ચાઇ પોતાની ભીતર દબાવી રાખી હતી, તેની ઉપરથી હવે પરદો ઉઠાવવાનો સમય આવી ગયો હતો. તેઓએ મન મક્કમ કર્યું હતું અને સચ્ચાઈની ખોજમાં અભય સાથે ચાલી નીકળ્યાં હતા.

આકાશમાં એકાએક વીજળીનો જોરદાર કડાકો થયો અને તેની તુરંત બાદ એક ભયંકર ગડગડાહટનો અવાજ આવ્યો. એ સાથે જ તે બન્નેને જાણે અંદરથી કોઇએ ધક્કો માર્યો હોય એમ તેઓ સજાગ થઇ ઉઠયાં. વિષ્ણુંસિંહની હવેલી અહીથી દૂર નહોતી પરંતુ ત્યાં પહોંચવામાં સંપૂર્ણપણે પલળી જવાની ભિતી હતી.

“એક મિનિટ તું ઉભો રહે, હું હમણાં આવું છું.” વૈદેહીસિંહ બોલ્યા અને હવેલીની અંદર દોડી ગયા. થોડીવારમાં તેઓ પાછાં ફર્યા. તેમના હાથમાં એક ચાવી હતી. “ચાલ.” તેઓ બોલ્યા અને આગળ વધીને હવેલીના પાર્કિંગ એરિયામાં આવ્યાં. ત્યાં એક રોલ્સ-રોયસ સિલ્વર સ્પર કાર પડી હતી. જે તેમના પિતા, એટલે કે પૃથ્વીસિંહે તેમના એકવીસમાં જન્મદિવસે ભેંટમાં આપી હતી. તેઓ ઝડપથી તેનો દરવાજો ખોલીને ડ્રાઇવિંગ સીટ ઉપર સવાર થયાં અને અભયને પણ બેસી જવા કહ્યું. અભય ક્ષણની ય વાર લગાવ્યાં વગર કારમાં ગોઠવાયો હતો અને સિલ્વર સ્પર વિષ્ણુંસિંહની હવેલીની દિશામાં ભાગી હતી. હવેલીઓની સામે બનેલા સુંદરતમ બગિચાની સમાંતર બનેલા રોડ ઉપર પાણી ઉડાડતી સિલ્વર સ્પર ઘડિકવારમાં વિષ્ણુંસિંહની હવેલીના કંમ્પાઉન્ડમાં ઘૂસી અને તેના વિશાળ પોર્ચમાં આવીને ઉભી રહી. ધડાધડ કરતાં તેઓ નીચે ઉતર્યા હતા અને હવેલીના બંધ દરવાજા આગળ આવીને ઉભા રહ્યાં. તેમના હદય એ સમયે બમણાં જોરથી ધડકતાં હતા. દરવાજો ખૂલતાં જ જો બાપુનો સામનો થયો તો શું કહેવું અને વાતની શરૂઆત ક્યાંથી કરવી એ શબ્દો તેમને જડતા નહોતાં. પરંતુ હવે અભય રોકાવા માંગતો નહોતો. તે રાજગઢની કિસ્મતનો ફેંસલો આજે કરીને જ જંપવાનો હતો. ભલે એ માટે પછી તેણે કોઇનું લોહી પણ વહેવડાવવું પડે.

@@@

હવેલીનો ભારેખમ દરવાજો ખૂલ્યો અને એક નોકરે દર્શન દીધા. તેણે દરવાજા બહાર સૌથી પહેલા અભયને ઉભેલો જોયો. તેના માથે સળ પડયા. આ યુવાન એક વખત આ પહેલાં પણ અહી આવ્યો હતો અને એ સમયે તે તેને અનંતસિંહ બાપુની હવેલીએ લઇ ગયો હતો એ તેને યાદ આવ્યું. પરંતુ આવા ગાંડાંતૂર બનીને વરસતા વરસાદમાં આટલી વહેલી સવારે તે અહી શું કામ આવ્યો હશે એ ન સમજાયું. પછી અચાનક તેણે અભયની પાછળ ઉભેલા વૈદેહીબાને જોયા અને તેનું આશ્વર્ય બેવડાઇ ગયું. એકાએક તે દરવાજેથી હટયો હતો અને બન્નેને અંદર આવવાનો માર્ગ કરી આપ્યો હતો.

“વિષ્ણુંબાપુ ક્યાં છે?” અભયે અંદર પ્રવેશીને નોકરને સીધું જ પૂછયું.

“બાપુ તો એમનાં કમરામાં સૂતા હશે. પણ બા નીચે રસોડામાં આવી ગયાં છે. તમે કહો એમને બોલાવી લાવું?” નોકર ભારે અદબથી પૂછયું. તે અભયને બદલે વૈદેહીબા તરફ જોઇને બોલ્યો હતો. આટલા વર્ષોમાં ક્યારેય તેણે વૈદેહીબાને બાપુની હવેલીમાં આવતાં જોયા ન હતાં એટલે એકાએક તેમને અહી જોઇને તે અચંબિત બની ગયો હતો. તેને લાગ્યું કે જરૂર કોઇ ખૂબ જ અગત્યનું કામ હશે, તો જ બા અહી આવ્યાં હશે નહિતર તેઓ ક્યારેય આવે નહી.

“એની જરૂર નથી. અમે જ ઉપર બાપુનાં કમરામાં જઈએ છીએ.” અભય બોલ્યો અને દિવાનખંડમાંથી ઉપલાં મઝલે જવાનાં દાદર તરફ આગળ વધ્યો. તેની એ ચેષ્ટા નીહાળીને નોકરને પહેલા તો કંઇ સમજ ન પડી પણ ક્ષણવાર બાદ એકદમ જ અભયની સામે આવીને આડો ઉભો રહી ગયો.

“આ બાપુનો સુવાનો સમય છે. તમે દખલ દેશો તો બાપુ મને જ વઢશે. ઘડીક ઉભા રહો, હું હમણાં જ બા ને બોલાવી લાવું છું. બા કહે તો બેફિકર ઉપર જજો.” તેણે અભયને સમજાવાની કોશિશ કરી અને પછી તેના જવાબની રાહ જોયા વગર રસોડા તરફ ચાલ્યો ગયો. તેને એમ હતું કે વૈદેહીબા સાહેબ સાથે છે એટલે અભય તેમની આમન્યા જાળવશે અને દિવાનખંડમાં જ ઉભો રહેશે. પરંતુ અભય અત્યારે કંઇક અલગ જ મૂડમાં હતો. તેણે એક નજર વૈદેહીબા તરફ નાંખી, એ નજરમાં પરવાનગી માંગવાની ચેષ્ટા હતી. વૈદેહીબાએ મસ્તક નમાવીને હામી ભરી, એટલે પછી અભય દોટ મૂકતો હોય એમ દાદર તરફ ધસ્યો હતો. અને તે સડસડાટ ઉપર પહોંચી ગયો હતો. ઉપર જમણી તરફ બે કમરા હતા અને ડાબી તરફ પણ બે કમરા હતા. તેમાથી ક્યો કમરો વિષ્ણુંબાપુનો હશે એ તેને ખબર નહોતી.

“ડાબી તરફનો પહેલો કમરો ભાઈનો હશે.” અભયને અટવાતો જોઇને વૈદેહીસિંહે નીચેથી જ બૂમ પાડી તેનું ધ્યાન દોર્યું. તેઓ આ હવેલીમાં ક્યારેય આવ્યાં નહોતા છતાં એક અંદાજ તેમણે લગાવ્યો હતો. અભય એ કમરાની સામે જઇને ઉભો રહ્યો અને પછી કમરાનું બારણું ખટખટાવ્યું. કમરાની અંદર સુધી એ ખટખટાહટનો અવાજ પડઘાયો હતો. અભય તેના શ્વાસ રોકીને દરવાજો ખુલવાની રાહ જોતો ઉભો રહ્યો.

અને… એક ધીમા ઝટકા સાથે દરવાજો ખૂલ્યો. અભય જોઇ રહ્યો. કમરાની બારસાખની અંદર, દરવાજો ખોલીને ઉંઘ ભરેલી આંખોએ વિષ્ણુંબાપુ ઉભા હતા. તેમણે એકદમ આછા કેસરી રંગનો સિલ્કનો નાઈટગાઉન પહેર્યો હતો. જેમાં તેમની છ ફૂટ ઉંચી કાયા કોઇ પહાડી સાધુ સંત જેવી દેખાતી હતી. પરંતુ એ કોઇ સંત નહોતો એ અભય બહું સારી રીતે જાણતો હતો. બાપુની નજરો અભય ઉપર પડી. હજું તેમનું મસ્તિષ્ક બરાબર જાગ્યું નહોતું એટલે પહેલા તો તેમના બેડરૂમનાં દરવાજે કોણ આવીને ઉભું છે એ સમજાયું જ નહી. તેમણે આંખો ચોળી અને… એકાએક જ ભયંકર આશ્વર્યથી તેમનું મોં પહોળું થયું. ઘડીભરમાં તો તેમની બધી ઉંઘ ગાયબ થઇ ગઇ હોય, અને દુનિયાની આઠમી અજાયબી પોતાની નજરો સામે જોઇ રહ્યાં હોય એમ તેઓ આંખો ફાડીને ભયાનક વિસ્મયથી અભયના ચહેરા સામું જોઇ રહ્યા.

“અભય, તું?” બાપુ એકાએક જ બારણું છોડીને આપોઆપ અંદર તરફ ધકેલાયાં હતા. ખરેખર તો તેમનાથી ખસી જવાયું હતું. સાત જન્મારે બેસીને પણ વિચાર્યું હોતને, તો પણ આવો ખ્યાલ તેમને ક્યારેય આવ્યો ન હોત કે વહેલી સવારનાં છ વાગ્યે અભય તેમના બેડરૂમનાં દ્વારે આવીને ઉભો રહેશે.

“અનંત ક્યાં છે બાપુ?” અભયે સીધો જ પ્રશ્ન કર્યો અને બે ડગલા આગળ વધીને તે બાપુની એકદમ લગોલગ જઇને ઉભો રહ્યો. તે હવે બાપુને કોઇ તક આપવા માંગતો નહોતો. અચાનક તેની આંખોમાં અંગારા ધધકવા લાગ્યાં હતા અને અવાજમાં તિક્ષ્ણ ધાર ભળી હતી. અનંત… તેનો નાનપણનો ભેરુબંધ, તેનો પરમ સખા, લંગોટિયો દોસ્ત, પાછલા બે દિવસથી ગુમ હતો. અને તેને પાક્કી ખાતરી હતી કે વિષ્ણુંબાપુએ જ તેને ગુમ કરાવ્યો છે. ખુદ પોતાના સગ્ગા ભત્રિજાને ગાયબ કરાવનાર એક નરાધમ કાકો તેની સામે ઉભો હતો એ સચ્ચાઇ તેના ક્રોધને ઓર વધારતી હતી.

“અનંત ક્યાં છે મતલબ? આ પ્રશ્ન તું મને શું કામ પૂછે છે? અને તું મારાં ઘરમાં દાખલ થયો કેવી રીતે, આ કોઇ મેનર્સ છે?” બાપુ ધૂંઆફૂંઆ થઇ ઉઠયા. તેઓ એકાએક પોતાના અસલી રંગમાં અવી ગયા હતા. તેમનાં મનમાં ખતરાની ઘંટડીઓ વાગવાં લાગી હતી. જરૂર ક્યાંક કાચું કપાયાની લાગણી તેમને ઘેરી વળી.

“મેનર્સ, એ વળી કઇ બલા છે? તમારાં મોઢે આ શબ્દો શોભતા નથી વિષ્ણુંસિંહ.” અભય ગરજ્યો. બાપુનાં અંગેઅંગમાં ઝાળ લાગી. એક બે બદામનો છોકરો તેમને તેમના નામે બોલાવી રહ્યો હતો એ તેમનાથી સહન થયું નહી. એકાએક તેમની તમામ સૂસ્તી ગાયબ થઇ ગઇ હતી અને ભયાનક ક્રોધથી તેઓ તપી ઉઠયા હતા.

“જબાન સંભાળ છોકરાં. નહિંતર આહી જ તારું માથું ધડથી અલગ પડયું હશે.” તેમણે ત્રાડ નાંખી.

(ક્રમશઃ)