Koobo Sneh no - 19 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 19

Featured Books
Categories
Share

કૂબો સ્નેહનો - 19

🌺આરતીસોની🌺
પ્રકરણ : 19

વિરાજ અને દિક્ષાએ કૉર્ટમાં લગ્ન કરી લીધાંની જાણ થતાં જ એની મમ્મીએ હોંશેહોંશે બંનેને વધાવી લીધાં હતાં પણ દિક્ષાના પપ્પાને આ લગ્ન નામંજૂર હતાં. આગળ સઘડી સંધર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

લગ્ન પછી સારસ પંખીઓની જોડીની ફૂટું ફૂટું થઈ રહેલી યુવા જવાની એકમેકને માણવા અધીરી થઈ ગઈ હતી. હૈયાથી હૈયા મળ્યા સાથે દેહ પણ એક થઈ રહ્યાં હતાં. દ્રશ્ય નિરખીને કુદરત હરખાઈ રહ્યું હતું અને દૂર ક્ષિતિજની આંખ પણ ક્ષણભર મલકાઈ ઉઠી હતી. પ્રેમની આ જ તો કમાલ છે, સાચા પ્રેમીઓને જોઈને કોની આંખ ન ઠરે? પ્રેમ કરનારને અને જોનારને બેઉંને ન્યાલ કરી દે છે.

એકબીજાના આલિંગનમાં બેઉં જણ ઓગળી રહ્યાં હતાં અને મગન થઈને પ્રેમરસ પિયાલો પી રહ્યાં હતાં. આ તબક્કે એકબીજાની આંખો પણ જાણે આંખો નહોતી રહી, સુરાલય થઈને મદમસ્ત થઈ ગઈ હતી. પરસ્પરની કાયાનો સ્પર્શ અને આલિંગન થતાં જ બંને જણ રોમ રોમ બાગની કયારી બનીને ખીલી ઊઠ્યાં, ખુશબૂ બંનેની ધ્રાણેન્દ્રિયોને તરબતર કરતી અનૂભૂતિ થઈ ઉઠી હતી, જ્યાં ચાર હોઠ અને બે કાયા એક થયાં અને હૈયાના પાંદડાઓ મસ્તીના લયમાં આનંદથી લહેરવા માંડ્યા. વિરાજ અને દિક્ષા પ્રણયના તબક્કાઓ એક પછી એક વટાવી રહ્યાં હતાં.

આવો લાંબો લચ્ચ આલિંગનનો કેફ જ નિરાળો અને પ્રભાવશાળી હોય છે. અહીં પ્રેમના નશાનો અહેસાસ તંતોતંત અલગ જ બાહોશીથી ભરાયેલો થઈ પડ્યો હતો. આવે વખતે તો ત્યાં મૌન જ બોલે છે, લહેરાય છે અને મૌન જ ગાય છે. આવાં અનૂઠા મિલન સમયે જેમ એકમેકને આલિંગીને ભાવકના ચિત્તતંત્રને લગરિક પણ ખટકે નહીં એવું આલિંગન કાવ્ય કવિયત્રીના કલમને સ્પર્શવા મળે તો સહજ આનંદની નિર્ઝરણી ફૂટી નીકળે એ સ્વાભાવિક છે!!

મૌનમાં જ બોલું છું.
મૌનમાં જ મલકું છું,

આંખના ઈશારાથી
મૌનમાં જ તલસું છું,

હોઠનાે થતો ફફડાટ
મૌનમાં જ ચાહું છું,

છે વ્યથા દિલે તેથી
મૌનમાં જ ચાલું છું.

આજ વાચા ફૂટી છે
મૌન ગાથા જાણું છું.

-આરતીસોની©રુહાના!


ફૂલને નવજીવન આપી જેમ ઝાકળને ઉષ્માહીન થઈ દડી જવાનું હોય છે, એમ જ ઝ્મ ઝ્મ અંધારું વરસાવતી રાતને પણ પ્રેમી યુગલને તરબતર કરી સૂર્યના કિરણો વહેતાં જ અદ્રશ્યમાન થઈ ચાલી નીકળે છે.

ઊગમણી સવારે સૂર્યોદય ડોકિયાં કરી કરીને અજવાળું પાથરી રહ્યો હતો. વિરાજ અને દિક્ષાની આંખોમાં રાત્રીનો કેફ હજુ ઉતર્યો નહોતો. સૂર્ય કઠોર થઈને દિવસને આકરો કરવામાં લાગી ગયો હતો, પણ એમની બેઉંની આંખોમાંથી આજે નશો ઉતરવાના કોઈ એંધાણ વર્તાઈ નહોતાં રહ્યાં.

રાતભર યુવાનીના મહાસાગરમાં ડૂબકીઓ મારી મારીને થાકી ગયેલા અને એકબીજામાં એકાકાર થઈને વિંટળાયેલા સારસ પંખીડા અમૃતનો ઓડકાર લઈને, ન ચાહવા છતાં બંને છૂટાં પડ્યાં.

આમ નવા પરણેલા સારસ પંખીડા પોતાના જીવનને રોજેરોજ અઢળક માણી રહ્યાં હતાં. દિક્ષા એક સુશીલ અને ઘરરખ્ખુ વહુ થઈને ઘર સંભાળતી અને વિરાજ ઑફિસના કાર્યો દ્વારા પોતાની જાતને સાબિત કરવામાં જાત નીચોવી રહ્યો હતો. સમય અને સંજોગોનો સૂર્યપ્રકાશ ડોકાચિયાં કરી કરીને જાણે લીલાછમ્મ સંબંધનો ઉઘાડ પણ નીતારી રહ્યો હતો.

આમ સમય વિતતો ચાલ્યો. વિરાજ ખાસ યાદ રાખી ને દર એક-બે દિવસે અમ્મા સાથે વાત કરી લેતો. બંને વચ્ચે અલકમલકની વાતો ચાલતી. લગ્ન કરી લીધાથી લઈને પોતાની રજેરજ માહિતી અમ્માને આપતો હતો. અમુક સમયાંતરે અમ્મા સાથે વાત ન કરે તો એને ચેન નહોતું પડતું. ઘણી વખત વિરાજને એનું જીવન જાણે અમ્મા પર આધારિત હોય એવું વહાલું લાગતું!! કેમકે એ આધાર એને ટકી રહેવાની હૂંફ આપતું હતું. હા પણ વિરાજ અમ્માને ફોન કરવામાં એકાદ-બે દિવસ મોડો પડે તો અમ્માનો જીવ ભારે ઉચાટ અનુભવતો.

દર મહિનાની એકથી પાંચ તારીખની વચ્ચે અમ્માના હાથમાં મનીઓર્ડર દ્વારા રૂપિયા મળી જતાં હતાં. જેમાંથી એમણે લીધેલી નાની-મોટી રકમ ધીમે ધીમે પૂર્ણ થતી રહેતી હતી. અમ્માની સ્કૂલમાં નોકરી પણ ચાલુ જ હતી, જેમાંથી એમનો ઘણો ખરો ખર્ચો નીકળી જતો હતો અને ગામડાંના ખર્ચા પ્રમાણમાં ઓછાં હોવાથી અમ્માને એ પછી સારી એવી બચત પણ થવા લાગી હતી.

સમય જતાં વિરાજના કાર્યથી પ્રભાવિત થઈને કંપની તરફથી વિરાજને અમેરિકા જવા માટેની ઑફર કરવામાં આવી. આઇ.ટી. ના એડવાન્સ કોર્સ સાથે ટ્રેનિંગ પ્રોગ્રામ બાદ ત્યાંજ જૉબ કરવાની હતી. સ્પોન્સર વિઝા અને રહેવા હાઉસ સાથે વર્ષે લાખ ડૉલરના પગારની ઑફર કરવામાં આવી હતી.

અમેરિકાના માયામી શહેરમાં રહેવા સાથેની આટલી સારી તક જતી કરવી યોગ્ય ન લાગતાં, વિરાજે ઑફર સ્વિકારી લીધી હતી. દિક્ષા પણ અમેરિકા જવાની વાતથી ઘણી ખુશ હતી. પરંતુ લગ્નના છ મહિના પછી પણ હજુ સુધી પોતાના પપ્પાની નારાજગી દૂર ન કરી શકવાનું અઢળક દુઃખ થયાં કરતું હતું. એની મમ્મીને મળે એટલી વખત પોતાના પપ્પાને યાદ કરીને રડ્યાં કરતી.©

ક્રમશઃ વધુ આગળ પ્રકરણ : 20 માં.. વિરાજ, દિક્ષા સાથે પહેલી વખત અમ્માને મળવા ગામડે જાય છે.

-આરતીસોની ©