મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
છાપામાં આ હેડલાઈન નહીં છપાય
કે કે સિંગ એટલેકે કૃષ્ણ કનૈયા સિંગ તન અને મન બંનેથી ખાલી થઇ ગયા છે. ધન તો ગરીબના ડબ્બામાં રહેલા લોટ જેટલું જ હતું જે હવે છેલ્લી રોટલી પુરતું બાકી રહી ગયું હતું. છેલ્લા એક મહિનાથી જળોની જેમ તેમને તાવ ચોંટી ગયો છે.
ખાટલા પર સુતા સુતા કે કે સિંગનું મન પાછળ ને પાછળ જઈ રહ્યું છે. પાંચ વર્ષ પહેલા જ્યારે તે એક ગામડામાંથી આ શહેરમાં આવ્યો ત્યારે તે ભૂરા ઘોડા પર સવાર હતો. ભારત સરકારમાં મોટો અધિકારી બનવું છે... માતાપિતાને તો બસ એટલીજ ખબર હતી કે દીકરાએ ગામડામાં સહુથી ઉંચી શિક્ષા પ્રાપ્ત કરી લીધી છે એટલે હવે તો એ જરૂર અધિકારી બનીને જ રહેશે. એ પણ તેમનું અને પોતાનું સ્વપ્નું પૂર્ણ કરવા માટે આ મહાનગરમાં આવીને આઇએએસની તૈયારીમાં લાગી પડ્યો હતો. બાળકોના ટ્યુશન અને મોડી રાત્રી સુધી મગજને થકવી નાખતું ભણતર, પણ એ પોતે થાક્યો ન હતો. એક જીદ હતી જે તેને સતત આગળ વધારી રહી હતી. એ કોચિંગ સેન્ટરમાં પણ બધા એના જેવા જ તો હતા જે સપનાઓની પાછળ પાછળ દોડી રહ્યા હતા. કેટલાકની હિંમત તૂટી ગઈ હતી અને કેટલાક એની જેમ જ હિંમતને બચાવી રાખીને સંઘર્ષમાં રત રહ્યા હતા. જો કે કોચિંગ સેન્ટરોએ તેનો સમગ્ર જીવનરસ ચૂસી લીધો હતો. એ હજી પણ હાર ન માનત પણ જ્યારે ફી ન ભરી શકવાને કારણે કોચિંગ સેન્ટરે તેને બહારનો રસ્તો દેખાડી દીધો ત્યારે તે તૂટી ગયો.
સાંજના પાંચ વાગી રહ્યા છે. કે કે સિંગ પોતાના તાવથી ધગધગતા શરીર સાથે મહાનગરના ચોકમાં ઉભો છે. એના ખિસ્સામાં એની છેલ્લી બચત પાંચસો રૂપિયાની નોટ છે. બસ હવે એક ક્ષણની જ વાર્તા બાકી રહી ગઈ છે, એ ક્ષણ જ્યાં જીવન અને મૃત્યુનો નિર્ણય કરવામાં આવતો હોય છે.
ખૂબ મનોમંથન બાદ કે કે સિંગે એ ક્ષણને જીતી લીધી છે. કે કે સિંગ ઉર્ફે કૃષ્ણ કનૈયા સિંગ ફરીથી એ જ રેલગાડીમાં સવાર થઇ ચૂક્યો છે જેણે પાંચ વર્ષ પહેલા તેને ગામડાથી મહાનગર લઈને આવી હતી.
હવે કાલના છાપાંમાં આ હેડલાઈન નહીં છપાય કે એક નવયુવાને જિંદગીની લડાઈમાં પોતાનો પરાજય સ્વીકાર કરીને બંધ ઓરડામાં ફાંસી લગાવી લીધી.
***