આજે સ્કૂલમાં આખર તારીખ હોવાથી વહેલા છૂટવાના હતા. મેં મારા વ્હાલા દીકરાને વહેલા વહેલા આવી જવાનું પ્રોમિસ આપ્યું હતું. ફ્લેટના દરવાજાની બંધ ગ્રીલ પકડીને એ મારી રાહ જોતો હશે.
કારણ કે એની પ્રિય કેડબરી લઈને હું જવાની હતી.
"મમ્મી, માલી સાટું કેડબલી લેતી આવજે હો ને " એ મારો પાલવ પકડીને મને કહેતો. હું મારા વિચારોમાં ઘણીવાર ખોવાઈ જાઉં છું ત્યારે જવાબ નથી આપતી.
"મમ્મી હો પાલ ને, હો પાલ ને" એ મારો પાલવ ખેંચીને મને સજાગ કરતો. હું તરત જ વિચારોમાંથી બહાર આવી જતી અને "હો બેટા, હું ચોક્કસ કેડબરી લાવીશ હો ને ? તું બા પાસે રહેજે અને બા ને કનડતો નહિ હો ને "
એ "હો" પાડતો. અઢી વરસનો મારો એ લાડલો દરેક માં ની જેમ મને પણ જીવથી વ્હાલો હતો.
પણ આજે કોણ જાણે કેમ મારા ક્લાસના વિદ્યાર્થીઓનું રજીસ્ટર મારી સામું પડ્યું હતું. મહિનાના અંતે મેળવાતી હાજરીનો ઉભો અને આડો સરવાળો સરખો આવતો જ નહોતો. પાંચ વખત મેં કોશિશ કરી, દરેક વિદ્યાર્થીની ગેરહાજરી પણ ગણી. પણ મેળ જ નહોતો પડતો. મારો જીવ તો ક્યારનો ઘેર પહોંચી ગયો હતો અને એટલે જ આ હાજરીનો સરવાળો મળતો નહોતો.
આચાર્ય સાહેબ ખૂબ જ કડક અને એક પણ ભૂલ ચલાવી લેતા નહોતા.એટલે રજીસ્ટર કમ્પ્લીટ કર્યા વગર જવાય તેમ નહોતું.
ખૂબ જ મહેનત કરવા છતાં ક્લિયર ન થતાં આખરે મેં કંટાળીને પડતું મૂક્યું. બધા જ ટીચરોનું કામ પતી ગયું હતું અને મારે ક્યારેય ભૂલ પડતી નહોતી.આજે પહેલી જ કાર હોવાથી સરે મને કાલે કરી નાખવાનું કહીને જવાની રજા આપી. હું ફટાફટ મારા લોકરમાં રજીસ્ટર મુકીને નીકળી.રસ્તામાં આવતી બેકરીમાંથી મારા લાડલા માટે મોટી કેડબરી લઈને પર્સમાં નાખીને જેવો મેં રોડ ક્રોસ કર્યો ત્યાં લોકોનું ટોળું જમા થયેલું મેં જોયું. શહેરના રસ્તાઓ પર આ કંઈ નવું નહોતું, પણ એ ટોળામાંથી એક જણ મને ઓળખી ગયું અને એણે સાદ પાડ્યો,
"અરે, ઓ સુનિતાબેન અહીં આવો, તમારા હસબન્ડ અહીં પડ્યા છે.."
મને ધ્રાસકો પડ્યો.મહેશની કાયમ માટેની આ મગજમારી હતી. દારૂ પી ને એ લથડીયા ખાતો ખાતો ઘેર આવીને ઢળી પડતો. ઘણીવાર મારપીટ પણ કરતો. આજે ઘેર પહોંચતા પહેલા જ રોડ પર વહેતી ખુલ્લી ગટર પાસે ગંદકીમાં એ પડ્યો હતો.અને જોર જોરથી બરાડા પાડીને ગાળો બોલતો હોવાથી લોકોએ એને બરાબરનો ધોયો હતો. એના વાળ અને કપડાં વેરવિખેર હતા.ભિખારી કરતા'ય બદતર એનો દેખાવ હતો.
મારે ના છૂટકે ત્યાં જવું પડ્યું.મને જોઈને લોકોનું ટોળું ખસી ગયું.
"હાલતીની થઈ જા, ઓય.."મને જોઈને એ બેઠો થઈને બરાડ્યો.
"આમ રસ્તા પર પડ્યા છો, ચાલો ઘેર..." હું શરમથી મરતા મરતા માંડ બોલી.
"આ બેન, આ લબડીયાના પત્ની છે ? સાલો દારૂડિયો, સાવ બેશરમ છે, કેવી ગાળો બોલે છે,મારો સાલાને.."
મેં બે હાથ જોડ્યા.તો પણ એક બે જણાએ મહેશને પાટું તો માર્યું જ.
લોકો મારી પર દયા ખાતા ખાતા જવા લાગ્યા.પેલો ભાઈ કે જે મને ઓળખતો હતો એ અમારા એપાર્ટમેન્ટની બાજુની સોસાયટીમાં જ રહેતો હતો એણે મહેશને ઉભો કરવામાં મારી મદદ કરી.હજુ પણ મહેશના લવારા ચાલુ હતા.
"એ'ય હવે એક પણ શબ્દ બોલતો નહી, નકર આ ખુલ્લી ગટરમાં નાખી દઈશ હાળા મવાલ્લી" એ ભાઈએ ધમકી આપીને મહેશને ચૂપ કર્યો. અમે બન્નેએ એને ઉભો કર્યો.અને લથડીયા ખાતો ખાતો એ મારી આગળ ચાલવા લાગ્યો. ઘર સુધી એ ભાઈ સાથે આવ્યા.
"ઘરે જઈને તારો વારો પાડું છું. સાલ્લી. તારી માંને...." હજુ પણ એ ગાળ બોલવા જતો હતો ત્યાં જ પેલા ભાઈએ એક તમાચો મારીને એને ચૂપ કર્યો.
"પોતાના પતિને આમ જાહેર રસ્તા પરથી આવી હાલતમાં કોઈ પત્નીએ ઘેર નહી લાવવો પડ્યો હોય. કોઈ માર મારતું હોય અને એ ગાળો બોલતો હોય. હે ભગવાન તેં મને ક્યાં ગુન્હાની સજા રૂપે આવું જીવન આપ્યું છે." હું રડતી રડતી વિચારતી રહી.
અમારો ફ્લેટ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોર પર જ છે એટલે એ ભાઈ તો અમને ત્યાં સુધી મૂકીને ચાલ્યા ગયા.
ફ્લેટની ગ્રીલ પકડીને મારો લાલ મારી રાહ જોઈ રહ્યો હતો. "મમ્મી આવી, કેદબલી લાવી.." એણે મને જોઈને ખુશીથી બૂમ પાડી. પણ એની ખુશી પવનની એક ઝાપટથી દીવો ઓલવાઈ જાય તેમ તરત જ ઓલવાઈ ગઈ. મહેશને જોઈને એણે ડરીને ચીસ પાડી.મેં તરત જ દોડીને ગ્રીલનું લોક ખોલ્યું.અને એને તેડીને અંદર ચાલી ગઈ.મારી છાતીમાં મોં છુપાવીને એ હીબકાં ભરતો હતો.મેં એના માથાથી પગ સુધી હાથ ફેરવીને શાંત પાડ્યો.અને પર્સમાંથી કેડબરી આપી.પણ મહેશની હાજરીને કારણે એ કેડબરી પકડીને મારી સામું જોઈ રહ્યો, "મમ્મી આપલને પપ્પા માલશે ? તું આ કેડબલી પપ્પાને આપી દે.તો એ નઈ માલે.."
"ના, બેટા. તું ના ડર" કહીને મેં એને બેડ પર બેસાડ્યો.
હજુ એ પાર્કિંગમાં જ બાંકડા પર બેઠો હતો.આગળના રૂમમાં મારા સાસુ કે જે પેરાલીલીસને કારણે પથારીવશ હતા અને એમની સેવા મારી અનેક મુશ્કેલીઓમાંની એક હતી.એમને સૂતાં સૂતાં બધો ખેલ જોવો પડતો.અવારનવાર મહેશ દારૂ પીને ઘરે આવતો અને અભદ્ર વ્યવહાર કરતો. સવારે એનો નશો ઉતરી જતો અને ચૂપચાપ કામ પર ચાલ્યો જતો.જે કંઈ કમાતો એ બધું જ પી જતો.એ જીવતો હતો એટલે મારા નામની આગળ હું "શ્રીમતી" શબ્દ લખી શકતી. બસ, આ સિવાય મને એણે જિંદગીમાં કોઈ જ સુખ આપ્યું નહોતું.
મેં રસોઈ બનાવીને એની થાળી પીરસી. સાસુમાને કોળીએ કોળીએ ખવડાવ્યું. મારી જિંદગીની બદતર દશા એમનાથી જોવાતી નહી એટલે એ લાચાર અને રડતી આંખે મને જોઈ રહેતા. ભગવાને એમની વાચા પણ હરી લીધી હતી.મહેશની આવારગીને કારણે જ એમને પેરેલીસીસનો હુમલો આવ્યો હતો.એમની જિંદગીમાં એમણે ખૂબ જ ગરીબી વેઠીને મહેશ અને માલતીને ઉછેર્યા હતા. મારા સસરા આ બન્નેને એકદમ નાના મૂકીને સ્વર્ગે સિધાવી ગયા હતા એટલે ભરજુવાનીમાં વિધવા થઈને બે બાળકોની સાર સંભાળ લઈને આ જમાના સાથે બાથ ભીડીને તેઓ જીવ્યા હતા. હું પરણીને આવી ત્યારથી પથારીવશ થયા ત્યાં સુધી સગી માં જેટલો પ્રેમ એમણે મને આપ્યો હતો અને હવે હું મારા આ સાસુની માં બની ગઈ હતી.
મહેશ હજુ પણ બબડતો હતો. આજુબાજુમાં રહેતા અમારા પડોશીઓ માત્ર મારી અને મારા સાસુની દયા ખાઈને આ બધું ચલાવી લીધું હતું..ઘણા લોકોએ એને ખૂબ સમજાવ્યો હોવા છતાં એ સુધરતો નહોતો એટલે હવે અમે બધાએ એને સ્વીકારી લીધો હતો. ક્યારેક એનું વર્તન મર્યાદા છોડી દે ત્યારે બાજુવાળા મોહનમાસા આવીને મહેશને સારો એવો મેથીપાક આપી જતા. માર ખાઈને એ શાંત થઈ જતો.એને માર પડતો જોઈને મારા સાસુનો જીવ કળીએ કળીએ કપાતો.અને એમની આંખો ચોધાર વરસી પડતી. હું મારા આંસુ રોકીને એમના આંસુ લૂછતી ત્યારે એ મને વળગીને પોક મુકતા. મારો લાલ એની નાની નાની કીકીઓ વડે આ બધું જોતો. અને ડરનો માર્યો બારણાં પાછળ છુપાઈ જતો.
આજે પણ એ બેડરૂમના દરવાજામાંથી જરાક મોં બહાર કાઢીને બહારની પરિસ્થિતિ જોઇ રહ્યો હતો. મહેશ જમતા જમતા એને જોતો ત્યારે એ પોતાનું મોં અંદર લઈ લેતો. વળી થોડીવારે એ સહેજ ડોકાતો. અને ધીરેથી "મમ્મી.." કહીને મને બોલાવતો હતો.
મારા સાસુને જમાડીને હું મારી થાળી લઈને અંદર ગઈ ત્યારે એ મને વળગી પડ્યો.એને ખોળામાં બેસારીને મેં એને જમાડયો અને હું પણ માંડ માંડ ગળે કોળીયા ઉતારીને જીવવા માટે જમી.
જમીને એ બહારની રૂમમાં જ મારા સાસુના ખાટલા પાસે નીચે જ રોજ ની જેમ ઢળી પડ્યો. હવે સવાર સુધી એની બીક નહોતી.મેં વાસણ કુસણ વગેરે પતાવીને મારા સાસુને દવા આપી અને કસરત કરાવી. એમની આંખોમાંથી મારા ઉપર અમૃત ઢોળાઈ રહ્યું હતું.
રાત્રે રોજની જેમ જ હું મારા નાનકડા મિતુંને લઈને બેડરૂમમાં સૂતી સૂતી મારા નસીબને કોસતી રહી.અને ભૂતકાળમાં સરી પડી.
★ ★ ★ ★ ★
નવમાં ધોરણનું મારુ પરિણામ આવ્યું. દર વર્ષની જેમ હું સ્કૂલ ફર્સ્ટ હતી. સ્કૂલના આચાર્ય સાહેબથી લઈને પટ્ટાવાળા માસી સુધીના દરેકે મને અભિનંદન આપ્યા.પણ મને જરા'ય આનંદ થતો નહોતો. ગયા વર્ષે આઠમાં ધોરણમાં હું પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ હોવાથી પ્રાથમિક વિભાગમાં આઠમાં ધોરણમાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓની નામાવલીમાં મારું નામ લખવામાં આવ્યું હતું. રોજ એ નામ હું વાંચીને મનમાં ને મનમાં ફૂલી નહોતી સમાતી. એ બોર્ડની બાજુમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 10 અને 12માં શાળાના પ્રથમ ક્રમાંકના વિદ્યાર્થીઓની નમાવલીના બોર્ડ ચમકતાં હતા.એ યાદીમાં મારું જ નામ હું લખાવવાની હતી એમાં કોઈ જ શંકા નહોતી. પણ ગઈ રાતે મેં મારા પપ્પાએ મારી મમ્મીને કહેલી વાત સાંભળી હતી.
"હવે, સુનીને ઉઠાડી લેવી છે.એ ભણી ગણીને આગળ જશે તો નિલેશનો મેળ નહી પડે. આવતા વરસે આ છોડી દહમાં ધોરણમાં આવશે એટલે એની નિશાળની અને ટુશનની ફી ભરવી પડે. નિલેશના ટુશનની ફી તો ભરવી જ પડે એટલે બધે નો પુગાય" મારા પપ્પા મને સુની જ કહેતા.પણ એમને મારા ભાઈને ભણાવી ગણાવીને આગળ લાવવો હતો, એને પાંચમા ધોરણથી ટ્યુશનમાં મોકલતા હતા. અમારા ઘરની નજીકમાં કોઈ સરકારી સ્કૂલ નહી હોવાથી મને એમણે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવી પડતી હતી. હું ભણવામાં અવલ્લ હોવાથી અને પ્રથમ નંબરે આવતી હોવાથી મારી સ્કૂલની ફી માફ કરવામાં આવતી.
"પણ એ બિચારી ક્યાં ટ્યુશનમાં જવાનું કેય સે. ભલેને ભણતી.એની નિશાળવાળા એને ટુશનમાં પણ મફત ભણાવશે,તમારી ઉપર ઇ બીસાડી ક્યાં કોઈ દી બોજ બની સે તે તમારે ઈને ઉઠાડી લેવી સે " મારી માં જાણતી હતી કે મને ભણવું કેટલું ગમે છે.એણે મારો બચાવ કર્યો.
" તું બવ ડાપણ કર્યા વગર બેહને. ઈને ઉઠાડી લઉં તો ઘરમાં મશીન ઉપર બેહીને કઈક સિલાઈનું કામ કરશે તો ઈને કામ આવશે.અને બે પૈસા આવશે તો નિલેશની ટુશન ફી અને બીજા ખરચમાં કામ લાગશે. છોડીને ભણાવીને તારે શુ કામ સે ?"
"પણ ઈને બિચારીને .."
"હવે ડાપણ મુક.મેં કીધું ઇ ફાઇનલ સે, આ વરહ ભલે પૂરું કરે"
મારા પિતાના આ નિર્ણયને કારણે સ્કૂલમાં મારા શિક્ષકો સહિત બધાને ખૂબ આઘાત લાગ્યો. શાળાના ટ્રસ્ટીએ મારા પપ્પાને સ્કૂલમાં બોલાવીને સ્કૂલ અને ટ્યુશન બન્નેની ફી માફ કરવાની અને જરૂર પડ્યે તમામ વધારાનો પુસ્તકો અને નવા યુનિફોર્મ સુધ્ધાંનો ખર્ચ આપવાની તૈયારી બતાવી ત્યારે હું દસમુ ભણી શકી. સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ આવીને મેં મારી શાળા અને મારા પપ્પાનું નામ રોશન કર્યું. શહેરની અનેક સંસ્થાઓએ મારા મમ્મી પપ્પાનું જાહેરમાં સન્માન કર્યું જેના હકદાર મારા પપ્પા બિલકુલ નહોતા.કારણ કે એ મને આગળ ભણાવવા માગતા જ નહોતા.મારા કારણે શહેરના છાપાઓમાં એમનો ફોટો છપાયો હતો તો પણ ગૌરવ લેવાને બદલે એમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી.
નાનપણથી જ મારે દરેક બાબતે મારા ભાઈ માટે જતું કરવું પડતું. મારો ભાઈ મને ખુબ જ વ્હાલો હતો.પણ હું જે રમકડાથી રમતી હોઉં એ જ એને જોઈતું.અને પપ્પા તરત જ મારા હાથમાંથી આંચકીને મારા ભાઈને આપી દેતા. મારો ભાઈ મને અંગુઠો બતાવીને ખીજવતો. હું રડીને મારી માં પાસે એ રમકડું પાછું મેળવવા ધા નાખતી. પણ હમેંશા એ મને માથે હાથ મૂકીને શાંત કરતી,"બેટા, ભાઈને રમવું હોય તો આપવું જ પડે ને, તું તો હવે મોટી કહેવાય"
મારી દરેક વસ્તુઓ ક્યારેય મારી નહોતી. મારો ભાઈ મારુ દફતર, મારી ચિત્રની ચોપડી, મારો કંપાસ, મારી પેન અને પેન્સિલ રબર સુધ્ધાં એને મન પડે ત્યારે લઈ જતો.ક્યારેક મને દાઝ ચડતી ત્યારે હું એને મારી બેસતી.અને પપ્પા મને એ ભયંકર ગુન્હાની સજા રૂપે મને ખુબ મારતા અને મારા ભાઈ પાસે પણ માર મરાવતાં. મારો ભાઈ પપ્પાની આડમાં મારી સાથે બદલો લેતો અને હું રડતાં રડતાં મારી માં પાસે દોડી જતી. મારી માં મને લુખ્ખું આશ્વાસન આપીને એવું સમજાવતી કે મોટી બહેન થઈને ભઈલા ને તારાથી ન મરાય.
બાળપણથી ભાઈ માટે આપવામાં કે અપાવવામાં આવતા આવા અનેક બલિદાનોને કારણે ભાઈ પ્રત્યેના અપાર સ્નેહનો બંધ મારા દિલમાંથી તુટી પડ્યો.અને રાત્રીના સમયે આંસુ સ્વરૂપે એ સ્નેહ નીર બનીને વહી ગયો. મારા પપ્પા અને ભાઈ માટે મારા કોમળ મન અને હૃદયમાં નફરતના બીજ રોપાઇ ગયા.અને આજ હું આટલી તેજસ્વી અને હોનહાર વિદ્યાર્થી તરીકેનું બિરુદ પામી હોવા છતાં મારા પપ્પાને મારો ભાઈ ભણવામાં ખૂબ જ નબળો હોવાનો અફસોસ થતો હતો. હું છોકરી ને બદલે છોકરો હોત તો કેવું સારું હતું એવી વ્યર્થ અપેક્ષા એમને મારા ગૌરવપૂર્ણ પરિણામનો આનંદ એમના ચહેરા પર આવવા દેતી નહોતી.
મને હવે આગળ ન ભણવા દેવાની એમની ઈચ્છા ઉપર મારા આ સર્વ શ્રેષ્ઠ પરિણામને કારણે પાણી ફરી વળ્યું હતું. અમારા કુટુંબ અને સગા વ્હાલાઓ ઉપરાંત સામાજિક નેતાઓએ મારા પપ્પા ઉપર ખૂબ જ દબાણ કર્યું તો પણ મને સાયન્સમાં ભણવા ન જ મૂકી.
એમની આ ઉપેક્ષાને કારણે મને ખુબ જ આઘાત લાગ્યો. મારે ડોકટર બનવાની ખૂબ જ ઈચ્છા હતી પણ મારા માર્ગમાં અંતરાય નહીં પણ અંત હતો.
મેં હિંમત કરીને એક દિવસ મારા પપ્પાને મારી આવી ઉપેક્ષાનું કારણ પૂછ્યું હતું અને એમના જવાબથી મારુ તત્કાલ માનસિક મૃત્યુ થયું હતું.
"તારે સાંભળવું જ હોય તો સાંભળી લે, તું સાયન્સમાં ભણ એટલે મારે તને કોક ભણેલા ગણેલા છોકરા હારે જ પરણાવવી પડે, અને ઇ છોકરાને બેન નો હોય તો મારો નિલેશ કુંવારો રહી જાય.અને ઈને કદાસ બેન હોય તો ઇ ભણેલી હોય, કદાસ ઇ તારા ભાઈ હારે લગ્ન નો કરે તો ? તને તો મેં સામ સામું કરવા હાટુ રાખી સે, તને ભણાવું તો પછી નિલેશને પરણાવવા મારે સામી છોકરી ક્યાંથી લાવવી,એટલે તારે તારા ભાઈનો વિસાર પણ કરવો પડે હમજી, સાવ સ્વાર્થી નથી થઈ જાવાનું" કહીને એ માવો ચોળતા ચોળતા ચાલ્યા ગયા.
અમારી જેવા ગરીબ કુટુંબોમાં કોઈ પોતાની છોકરી આપવા તૈયાર થતું નહી. અમારી સરખામણીમાં અમારા કરતા પણ ગરીબ માબાપ પણ. એટલે એક છોકરો અને એક છોકરી ધરાવતા આવા કુટુંબો છોકરી આપીને છોકરી લેતા હોવાનો આ રિવાજ "સામ સામું " પ્રથા તરીકે સમાજમાં ઊગી નકળ્યો છે અને એમાં મારા જેવી અનેક છોકરીઓને પોતાના ભાઈનો સંસાર વસાવવા પોતાનો ભોગ આપવા તૈયાર રહેવું પડે છે. મને પણ મારા ભાઈ માટે મારા પપ્પાએ ''રાખી" હતી ! ભૂતકાળમાં દીકરીઓને દહેજ પ્રથાને કારણે દુધપીતી કરવામાં આવતી. આજે , "સામસામું" નામની કડાઈમાં ડુબાડવા માટે જીવાડવામાં આવે છે !
મને સમજાયું હતું કે મને મારી રીતે જીવવાનો કોઈ અધિકાર નથી.કારણ કે મારે ભાઈની પત્ની બનનાર બીજી કોઈ મારા જેવી જ છોકરીના ભાઈની પત્ની ફરજીયાત બનવાનું છે, હવે ભણવાનો કે જીવવાનો કોઈ જ અર્થ નહોતો.પણ મારે જીવવું ફરજિયાત હતું કારણ કે હું મારા ભાઈ માટે રાખવામાં આવેલી અમાનત હતી. પણ ભણવાની હવે કોઈ જ જરૂર નહોતી.કોના માટે હું ભણું ? મને જ્યાં મારા જીવનનો કોઇ અધિકાર જ પ્રાપ્ય નહોતો, અરે હું કોઈ જીવ નહીં માત્ર એક વસ્તુ હતી તો હવે હું શું કામ ભણું ?
ચોતરફથી મારા ઉપર પણ આગળ ભણવા માટેનું દબાણ આવ્યું. પણ મારી અંદર જીવતી એ અરમાન ભરી હોનહાર અને તેજસ્વી છોકરી મરી પરવારી હતી. હવે હું એક જીવતી લાશ હતી. મને કહેવામાં આવે એટલું જ કામ હું કરતી. ઘરમાં કંઈ જ બોલ્યા વગર હું ચૂપચાપ સિલાઈ મશીન ઉપર આખો દિવસ સિવ્યા કરતી, રસોઈ કરતી,કપડાં ,વાસણ, કચરા પોતાં વગેરે બધું જ કામ મેં મારી માં પાસેથી લઈ લીધું હતી.મેં હસવા બોલવાનું પણ સાવ બંધ કરી દીધું હતું.એક મશીનની જેમ- એક આજ્ઞાંકિત રોબોટની જેમ હું બસ કામ કામ અને કામ જ કર્યા કરતી અને થાકીને ઘસઘસાટ ઊંઘી જતી.
મારુ આ વર્તન મને ભણવા ન દીધી એટલે રિસાઈ હોવાનું માની લેવામાં આવ્યું. મને લાગેલા આઘાતને કારણે ઘવાયેલી લાગણીઓ જોઈ શકે એવું મારા ઘરમાં કોઈ નહોતું.
"ભલે નો બોલે તો કંઈ નહીં, એવા લાડ નથી કરવાના.ભણવું હોય તો બારમાં સુધી કોમર્સમાં કોઇ ના નથી પાડતું. છોડી કે ઇમ નથી કરવાનું. ઓલ્યો ભણવામાં સાવ ડફોળ સે એટલે ઇ કાંઈ આગળ ભણવાનો નથી. પછી બધો વિચાર કરવો જોવે" મારા પપ્પાને મેં ભણવાનું છોડી દીધું એ ખૂબ જ ગમ્યું હતું.કારણ કે એમણે આગળનો બધો જ વિચાર કરી લીધો હતો.
* * * * * * * *
ભાઈ દસમા ધોરણમાં હતો, સ્કૂલે જતો ,ટ્યૂશનમાં જતો અને એના દોસ્તો સાથે રખડતો રહેતો.એના માટે એ કહે ત્યારે અને જે કહે તે નાસ્તા સહિત બધુ જ મારે તૈયાર રાખવું એ મારી ફરજ હતી.
દસમાં ધોરણમાં નાપાસ થઈને એ હીરા ઘસવા બેસી ગયો.બાળ મજૂરીના કાયદાના કોઈ રક્ષકો પણ મારા પપ્પાને આડા ઉતર્યા નહી.પાંચ છ વરસમાં એ પ્રમાણમાં સારો કહી શકાય તેવો કારીગર બની ગયો.હું દેખાવે ખૂબ જ સુંદર અને ઘરના દરેક કામમાં અભ્યાસની જેમ જ ખૂબ જ હોશિયાર હતી.એટલે સારા સારા ઘરના માગા મારા માટે આવવા લાગ્યા.પણ એ માગું નાખનાર પોતાની દીકરી સામી આપવા તૈયાર નહોતું.કારણ કે ભાડે રહેતા અને હીરા ઘસતા એક સામાન્ય રત્ન કલાકારને જમાઈ તરીકે સ્વીકારવા એ લોકો તૈયાર નહોતા.સગાવહાલામાં લગ્ન પ્રસંગોમાં મને "ખુબ" તૈયાર થવાની મનાઈ હતી.કારણ કે મને જોનારા વયસ્ક પુત્રોના પિતાઓ મારા પપ્પાને પોતાના ઘરમાં દીકરી આપવા દબાણ કરતા.અને પછી મારા ભાઈ માટે કોઈક બીજી છોકરી શોધવામાં માત્ર મદદ કરવાનું પ્રોમિસ આપતા.પણ મારા પપ્પા છેતરાય એવા નહોતા. કારણ કે હું કમનસીબ જો હતી !
આખરે આ મહેશ અને માલતીની ભાઈબહેનની જોડીનું અમારી સુનિતા અને નિલેશની જોડી સાથે સામ સામું ગોઠવી નાખવામાં આવ્યું. અને મારું દોઝખ જેવું જીવન શરૂ થયું.જેની ઝલક મેં શરૂઆતમાં વર્ણવી છે.મારે મારા ભાઈનો સંસાર ન તૂટે એ માટે આ સળગતી ચિત્તા જેવા સંસારમાં જીવનભર સળગવાનું છે. શરૂઆતમાં હું પિયર ચાલી જતી રિસાઈને, કારણ કે મારાથી માર સહન થતો નહોતો.મારા પપ્પાએ ભલે મને એક ચીજવસ્તુની જેમ રાખી હતી પણ ક્યારેય મને મારી નહોતી. એટલા પૂરતો એ માણસ મારો પિતા હતો ખરો.
મને ઘેર આવેલી જોઈને મારી નણંદ (અને ભાભી પણ) મારી સામે ડોળા કાઢીને જાણે ધમકી આપતી કે જ્યાંથી આવ્યા છો ત્યાં જ પાછા જતા રહો નહિતર હું ચાલી જઈશ તો તમારો ભાઈ વહુ વગરનો વાંઢો
થઈ જશે !
મને સમજાવી બુજાવીને પાછી ધકેલવામાં આવતી. મહેશ ખાસ કમાતો નહી. અને મોટાભાગના અપલક્ષણો એનામાં હાજર હતા.એક પતી તરીકે આપી શકાય એ બધા જ ત્રાસ એ મને આપતો.કારણ કે એને પણ મારી સાથે પરાણે લગ્ન કરવા પડ્યા હતા.એ એક છોકરીને ચાહતો હતો.પણ એ છોકરીના માબાપ આવા ગરીબ ઘરમાં પોતાની દીકરી શુ કામ આપે ? મહેશે એ છોકરીને મેળવવાના પ્રયત્નો કરેલા એના બદલામાં એને સારો એવો માર પડેલો.અને છેડતીના કેસમાં પોલીસ પણ ઉપાડી ગયેલી.એટલે ના છૂટકે મારી સાથે બહેનને ખાતર જિંદગી જોડવી પડી. એટલે એ પણ માણસ મટીને હેવાન થઈ ગયો હતો.
પોતાના પ્રેમને ન પામી શકેલો એ પ્રેમી એની પ્રેમિકાના વિરહમાં પાગલ જેવો થઈને મારી ઉપર તૂટી પડતો. પ્રેમને ભૂલવા એ દારૂની લતે ચડી ગયો અને ત્યારબાદ મારા સાસુની પણ શરમ લાગતી એને બંધ થઈ ગઈ.પોતાના સંસ્કાર લજવતા દીકરાનું વર્તન સહી શકવાની એમની ક્ષમતાએ જવાબ આપી દીધો અને ભયંકર પેરેલીસીસનો ભોગ બનીને પથારી વશ થઈ ગયા. જે કંઈ મૂડી એમણે બચાવી હતી એ એમની સારવાર પાછળ ચાલી ગઈ. એક આશ્વાસન હતું કે મારા સસરા મરતા પહેલા આ એક નાનકડો વન બેડરૂમ કીચનનો ફ્લેટ કમાયા હતા.
હું મિતુને લઈને આવી પછી બે જ મહિનામાં આ બન્યું હતું. પણ મહેશના અત્યાચાર સામે એ ઢાલ બનીને ઉભા રહેતા મારી સાસુ પ્રત્યેની પારાવાર અનુકંપા અને મારા વહાલસોયા મિતું માટે હું જીવી રહી છું.અને આવા સામસામા ગોઠવાયેલા અમારા સંસારમાંથી છૂટવા ઇચ્છતી હોવા છતાં, ન છૂટી શકતી ચાર ગાંઠો જેવી ચાર જીંદગીઓનો ભાર લઈને હું જીવી રહી છું.
હું લાચાર અબળા આનાથી વિશેષ કંઈ કરી પણ શું શકું ?
કારણ કે હું તો છું, જન્મીને તરત જ દહેજના રાક્ષસી પંજામાંથી બાપને બચાવવા દૂધમાં ડૂબીને થઈ ગયેલી દુધપીતી.
અને યુવાનીમાં વિધવા બનીને માં બાપની ખોખલી ઈજ્જતને બચાવવા જીવતેજીવ ચિત્તા પર ચડીને ભડ ભડ સળગી જનારી સતી પણ હું જ છું.
ક્યારેક પતિના અવસાન પછી સતી ન થઈ હોઉં તો માથે મુંડન કરીને કાળો સાડલો પહેરીને માત્ર એક ખૂણામાં આખું જીવન ખૂણો પાળનારી યુવાન વિધવા હું છું..
ગરીબ બાપના પેટનો ખાડો પુરવા વેચાઈ ગયેલી અનેક દીકરીઓ જેવી એક નિર્બળ અબળા છું હું.
અને છેલ્લે હવે "સામ સામું" ના ખપ્પરમાં ભાઈના સંસારને સજાવવા પોતાની આશા અને અરમાનને હસતા હસતા હોમી દેનારી એક બેનડી પણ હું જ છું.
સદીઓથી મને ધરતીમાંથી મૂળ સહિત ઉખેડી નાખવામાં આવી છે. કલ કલ વહેતા ઝરણાં જેવી મને આડી પાળ બાંધીને વહેતી અટકાવવામાં આવી છે. અનંત આકાશમાં ઉડનારી મારી પાંખોને માત્ર પોતાના બે ઘડી આનંદ માટે એક જ એક જ ઝાટકે કાપી નાખવામાં આવી છે.અનેક હાથોએ મને પીંખી છે, વારંવાર મને ઓલવી છે તોય હું મારી જાત જલાવીને દુનિયાના આંગણામાં પ્રકાશ પાથરુ છું.અને અનંતના આ અંધારાને હું જ ઉલેચુ છું, કારણ કે આખરે હું કોઈની માં છું, બહેન છું, દીકરી છું, પત્ની છું. અને કદી ન ખૂટનારી સહનશક્તિ છું.