નવ વાગ્યે સમીરના ફ્લેટના દરવાજે ટકોરા પડ્યા. સમીરે દરવાજો ખાલી જ વાસ્યો હતો.
"કમ ઇન." સમીરે અંદરથી કહ્યું.
સરફરાઝ અંદર દાખલ થયો. સમીરની સામેની ખુરશીમાં ગોઠવાયો. સમીરે ખાવાનું તૈયાર રાખ્યું હતું. ટેબલ ઉપર જાત ભાતની વાનગીઓ મૂકી હતી. પ્લેટ્સ સપુન્સ પાણીની બોટલ ગ્લાસ બધું રેડી હતું. પુલાવ, ટોસ્ટ, બટર, અને બીજું કશુંક નોનવેજ પણ હતું.
સમીરે ટેબલના બેય છેડે ગોઠવેલી ખુશીઓમાંથી એકમાં બેઠક લીધી અને સરફરાઝને અદબભેર આમંત્રણ આપ્યું.
પ્લેટસમાં પુલાવ, એક ડિસમાં ટોસ્ટ લઈને એના ઉપર બટર લગાવી તૈયાર કર્યા. પેલી નોનવેજ આઈટમની પણ પ્લેટો તૈયાર કરી. પછી બંનેએ અલ્લાહ મિયાની બંદગી કરતા હોય એમ આંખો બંધ કરીને ખોલી.
"સરફરાઝ તું આટલો સ્માર્ટ અને ચોકલેટ બોય છે ગર્લફ્રેડનો તો ઢગલો હશે કેમ?" જમતા જમતા વાતો શરૂ થઈ.
"એક સાથે નહિ પણ એક એક કરીને ખરી."
"એટલે?" સમીરે ભોળા ભાવે પ્રશ્ન કર્યો જોકે એનો જવાબ એ જાણતો હતો.
"એટલે મિયા એક સાથે એક જ માસુકા હું રાખું છું, બબ્બે કે ત્રણ ત્રણ નહિ." એ વાત સરફરાઝ ઠાવકાઈથી બોલ્યો અને એની ગણતરી મુજબ જ સામેથી એ જે સાંભળવા માંગતો હતો એવી જ વાત નીકળી.
"મિયા તો તો આ બંદો તારાથી આગળ છે." જરાક શરમાંવાની ઢબે સમીરે કહ્યું અને નીચું જોઈને ઉપરા ઉપર બે ત્રણ ચમચી પુલાવ ચાવી ગયો.
"હું કઈ સમજ્યો નહિ?" સરફરાઝ જાણતો હતો છતાંય એણે પણ ભોળા બનીને પૂછ્યું.
"એટલે એમ કે હું એક જ સમયે બે ગર્લફ્રેન્ડ રાખું છું."
"હે? ક્યાં બાત હે યાર." જાણે કોઈ બહાદુરીનું કે ગર્વ લેવા જેવું કામ કર્યું હોય એમ સરફરાઝે માથું ઝુકાવીને હાથ કપાળે લઇ ગયો અને પછી ઉમેર્યું, "લોચા થતા હશે ને બે ને સંભાળવામાં?"
"થાય છે પણ શું કરું." સમીરે સોનિયા અને નિમિની વાત એને કરી. સરફરાઝ ધ્યાનથી એ સાંભળે છે એ જોઇને પછી ઉમેર્યું, “મેં નિમિને જોઈ એટલે જ સાલી ગમી ગઈ. એની લિજ્જત ન ઉડાવું ત્યાં સુધી ચેન પડે એમ નથી."
"ઓહ એ મોકો જલ્દી મળે એવી દુવા."
"અરે જલ્દી શુ? હાથ વેતમાં જ હવે એ સમય છે. આજનો દિવસ અને રાત વચ્ચે છે બસ."
"વાહ પણ તું એટલો અકળાય છે એ નાચીઝની તસ્વીર તો બતાવ." સરફરાઝ પાણીનો ઘૂંટ ભરીને ઉભો થયો અને સમીર પાસે ગયો.
સમીરે મોબાઈલમાં નિમિના ફોટા એને બતાવ્યા. ત્યારે તો સરફરાઝ આ નાટકના ભાગ રૂપે નહિ પણ સચોસાચ બોલી ઉઠ્યો, "ક્યાં ખૂબસૂરતી હે..."
પણ સમીર ચૂપચાપ ખાતો રહ્યો. સરફરાઝે નિમિના ફોટા અનુપના ફોનમાં જોયા હતા પણ એ રાતના અંધારામાં ચોરી છુપી લીધેલા હતા. જ્યારે સમીરના મોબાઈલમાં સ્વેચ્છાએ દિવસના અજવાળે લીધેલા ફોટા કંઈક ઓર જ ખૂબસૂરતી બતાવતા હતા.
"તારી પાસે તો એનાથી વધારે ખુબસુરત બલાઓ હશે." હાથ ધોઈને તીખા પુલાવ ખાતા ચહેરા ઉપર ઉપસેલા પરસેવાના બિંદુઓ રૂમાલથી લૂછતાં સમીરે કહ્યું.
"અત્યારે તો કોઈ નથી. જોઈએ આ અમદાવાદ શહેરમાં કેવી બલા મળે છે." સરફરાઝ જુનુંનથી એટલું કહ્યું અને પછી કંઈક યાદ આવ્યું હોય એમ ઉમેર્યું, "મારે હવે જવું પડશે જનાબ ફરી મળીશું."
"અરે અરે પણ બે એક સિગારેટ તો થઈ જાય." સમીરે કબાટ ઉપર મુકેલ સિગારેટનું પાકિટ કાઢ્યું. એ સિગારેટ પીતો નહિ પણ રાખતો ખરા. ક્યારે જરૂર પડે એ કઈ નક્કી ન હોય એટલા માટે.
"બાય ધ વે અમદાવાદમાં તું એવી કઈ જગ્યાએ મળશે પેલી છોકરીને. શુ નામ કહ્યું એનું?" સરફરાઝ પણ રોકાવા માંગતો જ હતો. તે બેઠો.
"નિમિ." સમીરે સિગારેટ સળગાવી એને પેકેટ ધર્યું.
"હા નિમિ." હાથ લંબાવીને પેકેટ લઈ એક સિગારેટ સળગાવી ધુમાડા સાથે નિમિનું નામ બહાર કાઢ્યું.
"અહીં એક ડોગ હાઉસ છે આપણા મુસલમાન ભાઈનું જ છે."
"બહોત ખૂબ." અનુપે તેને ડોગ હાઉસ વિશે વાત કરી હતી એટલે એને એ ક્યાં છે એ પૂછવાની જરૂર ન હતી.
"હા કાલે આ સમયે તો નિમિની ખૂબસૂરતી....." સમીરે વાક્ય અધૂરું છોડ્યું.
એ સાંભળી સરફરાઝને ત્રણ ચાર ચહેરા ત્રણ ચાર નગ્ન છોકરીઓ દેખાઈ જેને એણે આમ જ ફસાવીને અંગત પળોના વિડીયો લીધા હતા. અત્યારે સરફરાઝને અનુપે સોંપેલાં કામ કરતા આ સમીરમાં વધારે રસ પડતો હતો કારણ સમીર પણ પોતાના જેવા જ કામ કરતો છોકરો છે. જો એનો સાથ મળે તો આવા હજારો પંખી ફસાવી શકાય. પણ ઉતાવળ કરવી અત્યારે બેહૂદુ લાગ્યું એટલે વાત મનમાં જ દબાવી દીધી અને ઇશારામાં કહ્યું, "આપણી દોસ્તી ખૂબ જચશે સમીર." અને ઉભો થઇ ગયો.
"કાલે સાંજે મળીશું સરફરાઝ ખુદા હાફિઝ." પોતાને જે વાત કહેવી હતી એ વાત સમીરે એને કહી દીધી એટલે હવે એને વધારે સમય રોકવાનો કોઈ અર્થ ન હતો.
"ખુદા હાફિઝ." સરફરાઝે સિગારેટનું ઠૂંઠું બારી પાસે જઈ બહારની દીવાલે હોલવી અને ફેંક્યું. પછી ફ્લેટ બહાર નીકળી ગયો.
ફ્લેટ બહાર નીકળતા જ તારીખ યાદ આવી. હમણાં જ યાદ આવેલો એક ચહેરો દેખાયો. એટલે એણે ફોન કાઢી મેસેજ કર્યો, "આ વખતે તારુ પેમેન્ટ હજુ મળ્યું નથી. મહિને માત્ર બે હજાર રૂપિયા લઉં છું તારા નગ્ન ફોટા સાચવવાના અને એમાંય તું તારીખો લેટ કરે છે? હવે પછી ધ્યાન રાખજે." લખીને મેસેજ હેતલ નામની કોઈ છોકરીને સેન્ડ કરી દીધો.
*
ગાર્ડનમાં મન હળવું કરવા માટે નિધિ આવી. ફૂલોને, ફુવારાના બિંદુઓને, ખીલેલા તાજા ગુલાબને, રમતા બાળકોને એ જોતી હતી. ક્યાંક ક્યાંક કપલ્સ બેઠા હતા. ક્યાંક કોલેજીયન છોકરા છોકરીઓ કમરમાં હાથ નાખીને બેફામ ફરતા હતા.
એક ચક્કર લગાવીને નિધિ બાંકડા ઉપર બેઠી. ત્યાં એની નજર સામેના બાંકડા ઉપર ગઈ. જેવી નિધિ બેઠી કે સામેના ખાલી બાંકડા ઉપર એક માણસ આવીને બેઠો અને નિધીને જોવા લાગ્યો.
નિધીએ નજર ફેરવી લીધી. એ રમતા બાળકોને જોવા લાગી. પણ તેની સ્ત્રી સહજ છઠ્ઠી ઇન્દ્રિય તેને સંદેશો આપવા લાગી. આડી નજરે જોયું તો પેલો એને જ જોઈ રહ્યો હતો. દેખાવમાં ત્રીસ પાંત્રીસ વર્ષનો એ લાગ્યો. ચહેરો કરડાકીવાળો, આંખો નાની અને પાંપણો મોટી, શરીર ભારેખમ. આવડી ઉમરનો વ્યક્તિ આમ દેખે એ અજુગતું લાગયું એટલે નિધિ ઉભી થઈને ચાલવા લાગી.
પાછળ ફરીને નિધીએ જોયું નહિ પણ પેલો માણસ પણ એની પાછળ ચાલવા લાગ્યો છે તેવો અહેસાસ તેના નાભીમાં થતા થડકાર ઉપરથી તેને આવ્યો. સ્ત્રીનું આ એક ખુબ જ રહસ્યમય અંગ છે. સ્ત્રીના કાળજામાં કશુંક ઠીક નથી એવો મેસેજ મળી જાય છે. કદાચ ઈશ્વરે સ્ત્રીની શારીરિક નબળાઈને ધ્યાનમાં લઈને તેને એ શક્તિ આપી હશે...!
ગાર્ડન બહાર નીકળીને નિધી ગાડીમાં બેઠી અને ધ્યાનથી ગેટ તરફ નજર માંડી. પેલો માણસ પણ ગેટ બહાર આવ્યો અને હાથ કરીને ઓટો રોકી.
નિધીએ એના તરફ વધારે ધ્યાન આપ્યા વગર ગાડી સ્ટાર્ટ કરી અને ઘર તરફ લીધી. વચ્ચે વચ્ચે એ જોતી રહી પેલી રીક્ષા એની પાછળ જ આવતી હતી. પણ મારી પાછળ આવીને એ શું કરી લેવાનો? એમ વિચારી નિધિ ગભરાયા વગર જ ગાડી હંકારતી ગઈ.
દસેક મિનિટમાં ઘર આગળ ગાડી ઉભી રાખી અને એ નીચે ઉતરી. થોડીવાર ગાડી પાસે જ ખાતરી કરવા ઉભી રહી. બરાબર બે મિનિટ પછી પેલી રિક્ષા ઘર આગળથી પસાર થઈ. નિધીએ આડી નજરે ફોન પર વાત કરતી હોય એમ મોબાઈલ કાને ધરીને જોયું તો પેલો માણસ રિક્ષામાંથી એની સામે તાકી રહ્યો હતો.
રિક્ષા ગઈ પણ હવે નિધીને એ માણસ રહસ્યમય અને વિચક્ષણ લાગ્યો. થોડીક ગભરાહટ થવા લાગી. એ કેમ મારો પીછો કરીને અહીં સુધી આવ્યો હશે? ક્યારથી મારો પીછો કરે છે? કેમ કરે છે? શું એ અહીં સુધી મારુ ઘર ક્યાં છે એ જોવા આવ્યો હશે? પણ એ તો મને ખબર ન પડે એ રીતે પણ પીછો કરી શકે ને? આમ ધારી ધારીને મને દેખતો શુ કામ રહ્યો? શુ એ ચાહતો હશે કે મને ખબર પડે કોઈ મારો પીછો કરે છે? અનેક સવાલો તેના મનમાં ઉઠવા લાગ્યા.
એકાએક નિધિના મનમાં ચમકારો થયો. વાજા. કદાચ એ વાજાનો માણસ હશે. એને ફોન ઉપર મેં ચોપડાવી એટલે મને ડરાવવા મારી પાછળ માણસ મુક્યો હશે. વાજાનો માણસ હશે એ જાણીને એને રાહત થઈ કેમ કે વાજાથી એ ડરતી ન હતી. શક્ય તેટલી માથાકૂટ એ ટાળતી પણ વાજા હદ વટાવી ગયો હતો એટલે એને સંભળાવી દેવું પણ જરૂરી હતું.
ગાડીનો ડોર બંધ કરીને એ ઘરમાં ગઈ. ગરમી ખાસ્સી વધી હતી. વરસાદ પછીનો તાપ અને બફારો ઘરમાં લાગતો હતો. પોતાના રિડીગ રૂમમાં જઈને એણીએ એસી ઓન કર્યું.
થોડીવારે ગરમી ઓછી થઈ. રૂમમાં ઠંડક પ્રસરી એટલે એકાએક એને એન્જીની ડાયરી યાદ આવી. રિડીગ રૂમમાં ટેબલ લેમ્પ પાસે મુકેલા આલબમ્બ પરથી એન્જીની ડાયરી લીધી.
ડાયરી લઈને એ બેડ ઉપર બેઠી. ભીતનો ટેકો લઈને એસી ધીમું કર્યું અને ડાયરીના પાના ઉથલાવવા લાગી.
"મારા જીવનમાં કંઈજ રહસ્ય નથી. હું એન્જલિના. મોમ ડેડની એન્જી. નિધિ પણ મને એન્જી કહે છે. નિધિ મારી ખાસ ફ્રેન્ડ કમ સિસ્ટર. નાનપણમાં એ મોટી હતી પણ હવે સ્લીમ ફિટ છે. અને ટૂંક સમયમાં એ બહુ ફેમસ સિંગર બનવાની છે. મને ખાતરી છે અલકા યાજ્ઞિક જેમ નિધિ રાવળ એક દિવસ ગુજરાતી ગીતોમાંથી બૉલીવુડ ફિલ્મોમાં ગાશે."
પોતાના માટે આવા સપના એન્જીએ જોયા હતા એ વાંચી નિધિની આંખમાં એસીની ઠંડી હવામાં ગરમ આંસુ ઉપસી આવ્યા.
એ આગળ વાંચતી રહી...
*
સવારે વહેલા ઉઠીને સમીરે બારી પાસે જઈ પરદો જરાક ખસેડીને સરફ્રઝના ફ્લેટની બારી ઉપર નજર માંડી. લાઈટો બંધ હતી.
ઓહ તો રાત્રે જ બધી ડિટેઇલ્સ અનુપને આપીને એ આરામથી ઊંઘયો છે એમ ને? મનોમન બબડી એણે એક હાથ ઉંચો કરી આળસ મરડી.
એક હાથે પકડેલો પરદો છોડીને એ કિચનમાં ગયો. ચા બનાવી અને ટોસ્ટ સાથે ચા લીધી. સ્નાન કરીને એણે જીન્સ અને પ્લેન વ્હાઈટ શર્ટ પહેર્યા. ત્યાં તેના દરવાજે ટકોરા પડ્યા.
અત્યારે સરફરાઝ હશે? તેણે મનોમન વિચાર્યું અને માથું ધુણાવી દીધું. ઇટ્સ નોટ પોસીબલ. તેણે ઝડપથી કિચનના નીચલા મોટા ડ્રોઅરમાં રાખેલો બેઝબોલનો ધોકો લીધો.
“કોણ?” દરવાજે જઈને તેણે પૂછ્યું.
“હું હેમંત...” બહારથી અવાજ આવ્યો. તેણે ફરી તેવી જ ઝડપે ધોકો દરવાજા પાછળ સંતાડ્યો અને દરવાજો ખોલ્યો. હેમંત તેના સામેના ફ્લેટમાં રહેતો હતો.
“બોલો હેમંતભાઈ.”
“સમીરભાઈ...” હેમંત ખચકાતો હતો. તેના ચહેરા ઉપર ઉદાસી ઘેરાઈ હતી તે કાચી સેકંડમાં જ સમીરે પારખી લીધું.
“અરે બોલોને શું થયું?”
“મારે થોડા પૈસાની જરૂર.... આપણે ખાસ ઓળખાણ તો નથી પણ મારી મા બીમાર છે અને હજુ પગાર થવાને....”
“અરે એમાં એટલા શરમાઓ શું કામ છો. આવો અંદર કેટલા રૂપિયા જોઇશે?”
“ચાર પાંચ હજારની જરૂર હતી...” હેમંત બોલ્યો અને પછી સમીર ના પાડી દે એ બીકે સુધાર્યું, “જરૂર ચાર પાંચ હજારની છે પણ તમે પંદરસો બે હજાર કરી આપો તો બીજા હું....”
“અરે પણ બીજે જવાની જરૂર જ નથી..” તરત જ સમીરે બેગમાંથી સાત હજાર કાઢીને આપ્યા.
“બાય ધ વે થયું છે શું?”
“બે દિવસથી તાવ આવતો હતો, પણ પૈસાના લોભે એ દવાખાને જવા તૈયાર ન થઇ હવે બાટલા ચડાવવા પડશે ડોકટરે અઠવાડિયું ભરતી રાખવાનું કહ્યું છે.”
“ઠીક છે, ધ્યાન રાખજો અને પૈસા પાછા આપવાની કોઈ ચિંતા ન કરતા.” સમીરે તેના ખભા ઉપર હળવો ધબ્બો માર્યો અને હિમત આપી, “ઇન્સાલ્લાહ, બધું ઠીક થઈ જશે.”
“થેંક્યું સમીરભાઈ થેંક્યું...” કહીને તે ગયો.
હેમંત ગયો એટલે સમીરે તેની ખાસ બેગ લીધી. બેગની વસ્તુઓ તપાસી લઈને ખભે ભરાવી. બાઇકની ચાવી લીધી. દરવાજો લોક કરીને દાદર ઉતર્યો.
પાર્કિંગમાંથી બાઈક લઈને ડોગ હાઉસ તરફ નીકળી પડ્યો.
*
અનુપ પણ સવારે સૂરજ સાથે ઉઠ્યો હતો. એ દિવસે વાતાવરણ ચોખ્ખું હતું. વરસાદના કોઈ એંધાણ હતા નહિ. પણ એને કોઈ ઉતાવળ ન હતી. લંકેશ રાત્રે જ નીકળી ગયો હતો. હવે એને આઠ વાગ્યે કામ કરવાનું હતું.
આરામથી આઠ વાગ્યા સુધી એણે કામ પતાવ્યું. પછી તૈયાર થઇને ગાડી લઈ પેટ્રોલ પંપ જઈને ટાંકી ફૂલ કરાવી લીધી.
પેટ્રોલ પંપથી હાઇવે તરફ ગાડી હંકારતા ઘડિયાળ જોઈ. સવા આઠ થવા આવ્યા હતાં. ગાડી હાઇવે ઉપર ઉભી રાખી. ખિસ્સામાંથી સિગારેટનું પાકિટ કાઢ્યું. સિગારેટ સળગાવી ઘડીભર લાઈટરની જ્યોતને ખુલ્લી હવામાં ફડફળતી જોઈ રહ્યો.
બે ત્રણ ઊંડા કસ લેતા એણે જે ગણતરીઓ કરી હતી એ ફરી મનમાં તાજી કરી પછી મોબાઈલ નીકાળી સોનિયાને ફોન જોડ્યો.
ખાસ્સી પળો રિંગ વાગતી રહી. પછી સામેથી ફોન લેવાયો.
"હેલો સોનુ."
"બોલ અનુપ." ઊંઘમાંથી ઉઠી હોય એવો સોનિયાનો અવાજ સંભળાયો એટલે અનુપે ગણતરી કરી કે ચોક્કસ એ રાત્રે સમીરને ગાળો દેતી મોડા સુધી જાગી હશે. એ ટ્રોમાંમાં આવી ગઈ છે.
"સમીરનો બચ્ચો રંગે હાથે પકડાય એમ છે."
"ક્યાં? ક્યારે?" જાણે ઊંઘમાંથી ઉઠેલી સોનિયા સફાળી બેઠી થઈ ગઈ હોય એવા એના પ્રત્યાઘાત હતા.
"આજે અત્યારે જ."
"આજે?"
"હા આજે જ યાર. એની પાછળ હું અને લંકેશ બંને હતા એટલે જલ્દી ઝડપાઇ ગયો. તું જલ્દી તૈયાર થઈને હાઇવે પર આવી જા. હું તારી રાહ જોઉં છું."
"હા હું તરત જ આવું છું."
"પણ હા જલ્દી આવજે આપણે સમીરના બચ્ચાંની પેલી બગલબચ્ચીની પાછળ જવાનું છે." કહીને અનુપે ફોન મૂકી દીધો.
સોનિયાની સમીરને રંગે હાથ પકડવાની અધીરાઈ અનુપને ગજબની ઠંડક આપવા લાગી. એક વાર સોનિયાનું દિલ તૂટી જાય તો પછી બસ પોતાનું કામ આસાન. પોતાનો રસ્તો સાફ.....!
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky