Hu raahi tu raah mari - 28 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 28

Featured Books
Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 28

હરેશભાઈ તેમના પત્ની જોડે ચર્ચા શિવમ અને ચેતનભાઈ વિષે ચર્ચા કરી ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા.
“ વંદના,મને હવે ખૂબ જ ચિંતા થાય છે.પેલો કોઈ શુભમ નામનો લેખક છે તે મને વારે વારે મળવા માટે ફોન કરે છે.તેને વર્ષો પહેલા ચેતન અને શિવરાજ સાથે થયેલી ઘટના વિષે જાણવું છે.પરેશાન કરીને રાખી દીધો છે મને તો. તેનો ફોન ફરીથી મને આવેલો.મને કહે છે કે છેલ્લી વખત મને મળવા માંગે છે.હું તેને વારે વારે એક જ વાત કહું છું તો પણ.. મને કહે છે કે, “વાત ગુપ્ત જ રહેશે અને તેને તેની વાર્તા માટે માત્ર આ વાત જાણવી છે.” હું તેને કહી કહીને થાકી ગયો કે આવી કોઈ વાત છે જ નહીં જે વાર્તાને અનુરૂપ હોય.”હરેશભાઈ.
“પણ તમે તેને મળો છો જ શું કામ? ના કહી દો જો ન મળવું હોય તો..” વંદનાબહેન.
“હું તેને ક્યારેય મળવા માટે હા કહેતો જ નથી.તે જાતે જ આવી જાય છે.ક્યારેક ઘરે ત્તો ક્યારેક દુકાન પર. હવે ગ્રાહકોની અને દુકાનના માણસોની હાજરીમાં મારે તેના પર ગુસ્સો પણ કેમ કરવો?”હરેશભાઈ.
“તમે તેને ફોનમાં પણ કહી શકો ને કે તે તમને મળવાનું બંધ કરે.”વંદનાબહેન.
“હું તેની સામે ગુસ્સો કરું તો તેને નક્કી થઈ જાય કે નક્કી કોઈ વાત છે જ.માટે હું તેને કોઈ પ્રતીભાવ જ નથી આપતો.તેને એમ ન લાગવું જોઈએ કે મને તેની કરેલી વાતોની ખબર છે અને તેની વાતોની મારા પર અસર થઈ છે.”હરેશભાઈ.
“તમારી વાત પણ સાચી છે.પણ આ વાતને ઘણો સમય થઈ ગયો છે.તો મારા ખ્યાલથી તમારે ચેતનભાઈને જાણ કરી દેવી જોઈએ.”વંદનાબહેન.
“ના, ચેતનને મારે કોઈ ખોટી ચિંતા નથી કરવા દેવી.તેના બાળકો મોટા થઈ ગયા છે.કદાચ તેમના સુધી વાત પહોચશે તો અનર્થ થઈ જશે.મારે આ વિષે કોઈ વાત જ નથી કરવી.મને તે વાતના વિચારથી પણ ખૂબ ડર લાગે છે.”હરેશભાઈ.
************************
“હું કોઈને ચાહું છું.”શિવમ.
રાહી એક જ નજરે શિવમને જોઈ રહી.તેના શ્વાચોશ્વાસ અટકી ગયા હોય તેવું તેને જણાતું હતું.તેણે શું પ્રતીભાવ આપવો તે સમજાતું નહતું. રાહીને થયું બસ એક જ સેકંડ અને શિવમ હમણાં જ તેનું નામ લેશે.પોતે પણ તેને ઘણા સમયથી ચાહે છે તે અત્યારે જ સ્વીકારી લેશે.
“તું કઈ બોલતી કેમ નથી? તને આ જાણીને ખુશી ન થઈ કે ...... અચ્છા તું એમ વિચારતી હોઈશ કે હમણાં જ બ્રેક-અપ અને ફરી કોઈને પ્રેમ?હું પણ આ વાતમાં ચકિત છું પણ શું કરું? હવે જે હકીકત છે તે તો છે જ...હું તેને ખરા હદયથી ચાહું છું.કેમ તે ખૂબ જ સારી છે.તે છોકરીને જોઈને મને મારા પર હસવું આવે છે કે મે વિધિ જેવી છોકરીની લાગણીને પ્રેમનું નામ આપી દીધું.પણ આ છોકરી અત્યંત લાગણીશીલ છે.”શિવમ.
“પણ તે છે કોણ?”રાહીએ ઉત્સુકતાથી પૂછ્યું.
“ તે હું તને અત્યારે નહીં કહી શકું.સોરી ડિયર.કેમ કે હું પણ નથી જાણતો કે તે મને ચાહે છે કે નહીં?જો તેનો જવાબ હા હશે તો પહેલા તને ખબર કરીશ અને તને મળાવીશ પણ.”શિવમ.
શિવમની વાત સાંભળી રાહી એકદમ ઉદાસ થઈ ગઈ.તેને હતું કે શિવમ તેનું નામ લેશે પણ શિવમ તો કોઈ બીજી જ છોકરીને ચાહે છે તે સાંભળી રાહી એકદમ રડું રડું થઈ ગઈ.બસ તેની આંખમાં આંશું આવવા જ બાકી રહી ગયા હતા.શિવમ રાહીના ચહેરા સામે જોઈ રહ્યો.જે રીતે રાહી દુખી થઈ ગઈ આ વાત સાંભળી શિવમને નક્કી થઈ ગયું કે રાહી પણ તેને ખૂબ જ ચાહે છે.બસ હવે તેને તેના મોઢેથી બોલવાની વાર હતી.પણ રાહી કશું જ બોલી નહોતી રહી.થોડીવાર બંને ચૂપ રહ્યા.પછી શિવમ બોલ્યો.
“કેમ તું આમ ચૂપ થઈ ગઈ?તને આ સમાચાર સાંભળી ખુશી ન થઈ?”શિવમ.
રાહીને શિવમને પકડીને રડવાનું મન થતું હતું પણ અત્યારે તે સમય નહોતો.તેને લાગ્યું કે તેના ચહેરાના ભાવ શિવમ વાંચી લે પહેલા ઠીક કરવો જોશે માટે રાહીએ પરાણે પોતાના ચહેરાના હાવભાવ ઠીક કરવાની કોશિશ કરી પણ તે હસી તો ન જ શકી.
“શિવમ હું ખુશ જ છું. તું ખુશ તો હું પણ ખુશ..પણ મને તારી છેલ્લી વખતની હાલત જોઈને વિચાર આવે છે માટે થોડી ચિંતિત છું.બાકી બીજું કઈ નથી.જે કર તે સમજી વિચારીને કરજે. આમ પણ તારા ઘરે તારા લગ્નની વાત ચાલે છે.”રાહી.
“તારી ચિંતા સાચી છે.પણ આ વખતે આવું કઈ જ નહીં થાય.તે છોકરી મારી ખૂબ સારી મિત્ર છે.મે તેની સાથે ઘણો સમય વિતાવ્યો છે.અને હું તને તેની સાથે મલાવીશ તો તું પણ તેમ કહીશ કે મારી પસંદ ખરેખર ખૂબ સરસ છે.રહી વાત લગ્નની તો જો તેની હા હશે તો હું મમ્મી-પપ્પાને જાણ કરી તેના ઘરે વાત કરવા કહીશ.મને વિશ્વાસ છે કે તે મને ના નહીં જ કહે.”શિવમ.
લગ્નની વાત સાંભળીને રાહી એકદમ ઠંડી પડી ગઈ.તેની અંદર રહી સહી હિંમત પણ ભાંગી ગઈ.હવે તેને પોતાની જાતની સંભાળવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી. તેને એમ લાગતું હતું કે શિવમ સાથે તે હવે વધારે સમય રહેશે તો તેનાથી રડ્યા વગર નહીં રહેવાય.તે બસ ચૂપ જ રહી.
“કેમ રાહી તું અચાનક જ ચૂપ-ચૂપ થઈ ગઈ કઈ બોલતી જ નથી.મે તને આ વાત કહી ત્યારના તારા હાવભાવ બદલાય ગયા છે.”શિવમ.
રાહી કઈ જ ન બોલી.પછી શિવમને અંદાજો આવ્યો કે તે સમજે છે તેમ જો રાહી પણ તેના પ્રેમમાં છે તો તે કેટલી દુખી થતી હશે કે તે જેને પ્રેમ કરે છે તે બીજા કોઈને પ્રેમ કરતો હોવાની વાત કરે છે.પછી બિચારીના મોઢામાંથી શું શબ્દો નીકળે? તેને તેના ખુદ પર જ રાહીને તકલીફ આપવા બદલ ગુસ્સો આવી ગયો.
“હું ચૂપ નથી બસ તારા માટે થોડી ચિંતિત છું. જે કર તે સંભાળીને કરજે. અને હવે ખૂબ મોડુ થઈ ગયું છે તું મને ઘરે છોડી દે.” રાહી.
“હા ચોક્કસ.” શિવમ.
આખે રસ્તે રાહી એકપણ શબ્દ ન બોલી.૧૦ મિનિટમાં શિવમે રાહીને તેના ઘરની બહાર ઉતારી દીધી.રાહી ગૂડ નાઇટ કહ્યા વગર જ ગાડીમાંથી ઉતરી ગઈ. તેને પાછળ વળીને પણ ન જોયું.શિવમને પોતાના પર હજુ રાહીને દુખી કરવા બદલ ગુસ્સો આવતો હતો. તેણે તરત જ તેના મમ્મીને ફોન લગાવ્યો.રાહી અને તેની વચ્ચે જે વાત થઈ તે જણાવી.
“તું ચાહે છે તો પછી બિચાળી ને કેમ આમ દુખી કરી?”દિવ્યાબહેન.
“મમ્મી મારી પાસે તેને પ્રપોસ કરવા માટેની કોઈ તૈયારી નહોતી.હું ચોક્કસ પણ નહોતો કે તે મને ચાહે છે કે નહીં? પણ હવે ચોક્કસ થઈ ગયો કે મને મારાથી પણ વધારે ચાહે છે.મમ્મી પણ તે ખૂબ જ દુખી થઈ ગઈ.”શિવમ.
“તો થાય જ ને..તે વાત જ એવી કરી.નક્કી તે રોતી હશે અત્યારે..હું જાણું છું.છોકરીઓ ખૂબ જ લાગણીશીલ હોય છે.અને તેમાં તારી વાત તેને રડાવી દે તેવી જ હતી.”દિવ્યાબહેન.
“ તે સાચે રડતી હશે?”શિવમ.
“હા તો ..ચોક્કસ.”દિવ્યાબહેન.
“હું તેને ફોન કરું?”શિવમ.
“ના તેવી ભૂલ હવે ન કરતો અને બની શકે ત્યાં સુધી તેને લગ્ન માટે વાત ન કર ત્યાં સુધી તેની સાથે ઓછી જ વાત કરજે.” દિવ્યાબહેન.
“પણ કેમ?”શિવમ.
“કેમ કે તે તારી સામે રડી પણ નહીં શકે અને પોતાની જાતને રોકી પણ નહીં શકે.રાહી ખૂબ સારી છે તે જ કીધું હતું ને?હવે તે તારી ખુશી માટે તે પણ તને ચાહે છે તે વાત ક્યારેય નહીં કરે.મહેરબાની કરીને હવે તેને દુખી નહીં કરીશ.જ્યારે કોઈ પ્રેમમાં હોય તે વ્યક્તિ જાણે કે તે જેને ચાહે છે તે કોઈ બીજાને ચાહે છે ત્યારે તે પોતાના પ્રેમને ખાતર ચૂપ તો રહે છે પણ તેના માટે આ વાત ગળે ઉતારવી ખૂબ જ મુશ્કેલ બની રહે છે.હું સમજી શકું છું કે અત્યારે રાહીની શું હાલત થતી હશે?માટે હવે જલ્દીથી તેને જણાવી દે સાચી વાત..”દિવ્યાબહેન.
“હા મમ્મી તારી વાત સાચી છે તે ખૂબ દુખી થઈ હશે મારે હવે તેને દુખી નથી કરવી.તું જલ્દીથી આવી જા પપ્પાને લઈને.હું રાહીને લગ્નની વાત કરીશ અને તમે તેના મમ્મી-પપ્પાને.” શિવમ.
“ઠીક છે બેટા.ઉતરાયણ નજીક જ છે.અમે બધા ત્યાં આવીએ છીએ ઉતરાયણ કરવા માટે. ત્યારે જ તેના મમ્મી-પપ્પાને મળીને બધી વાત નક્કી કરી તમારો સંબંધ પાક્કો કરી દઇશું.”દિવ્યાબહેન.
શિવમ તેની મમ્મીની વાતથી ખુશ થઈ ગયો.આ જ અઠવાડિયામાં ઉતરાયણ હતી.બસ હવે થોડા જ દિવસોમાં રાહીને તે લગ્ન્ન કરવા માટે જણાવી દેશે.
********************
રાહીએ ઘરે જઈ તરત જ પોતાના ખાસ મિત્ર ખંજનને ફોન કર્યો અને તેની સામે ફોનમાં ખૂબ જ રડી.રાહી જ્યારે દુખી હોય ત્યારે ખંજનને ફોન કરી ખૂબ જ રડતી.આજ પણ આવું જ કઈક થયું હશે તેમ માની ખંજને રાહીને કઈ જ બોલ્યા વગર રડવા દીધી. ૩૦ મિનિટ સુધી રાહી રડ્યા પછી બોલી કે શિવમ કોઈ બીજી છોકરીને ચાહે છે માટે રાહી રડે છે. જ્યારથી શિવમ જોડે તેને પ્રેમ થયો ત્યારથી બધી વાતો તે ખંજનને ફોન કરીને જણાવતી હતી.પણ રાહીએ જ્યારે કહ્યું કે શિવમ બીજા કોઈને..ત્યારે ખંજન પણ દુખી થયો.તે રાહીને સાંત્વના આપવા સિવાય કઈ જ ન બોલી શક્યો.તેને ખબર હતી રાહી પોતાની જાતે જ થોડા દિવસોમાં ઠીક થઇ જશે.
********************
બીજા દિવસે શિવમ મોરબી જવા માટે નીકળ્યો.તેને ખબર હતી કે આ વખતે પણ હરેશકાકા મગનું નામ મરી નહીં જ પાડે. તો પણ એક આશા સાથે શિવમ નીકળ્યો.શિવમને રાહી સાથે વાત કરવાની ખૂબ જ ઈચ્છા થતી હતી પણ મમ્મીના કહેવા મુજબ તે ફોન કરી રાહીને દુખી કરવા માંગતો નહોતો.શિવમ હરેશકાકાના ઘર પાસે પહોચવા આવ્યો.દર વખતેની જેમ જ તેણે પોતાની કાર હરેશકાકાના ઘરથી દૂર એક મંદિર પાસે રાખી ત્યાં જવા નીકળ્યો.ત્યાં જ તેણે મંદિરની અંદર હેમ મા ને જોયા.શિવમને થયું કે કદાચ તેને હેમ મા પાસેથી કઈક જાણવા મળી જશે.માટે તે મંદિરની અંદર હેમ મા પાસે ગયો.
તેણે હેમ મા ના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, “બા હું શુભમ.તમારા ઘરે આવું છું ને..!! યાદ આવ્યું?” શિવમ.
હેમ મા શિવમ સામે જોઈ રહ્યા.પછી તેણે શિવમને કહ્યું, “ તું શુભમ નથી.તું શિવમ છો ને?” હેમ મા...
*************************
હેપ્પી ઉતરાયણ વાંચક મિત્રો...તમે બધા જે રીતે મારી વાર્તા વાંચી સારા પ્રતિભાવો આપો છો અને મને મારી વાર્તાના ભાગને સ્ટાર આપી મને આગળ લખવા માટે પ્રેરિત કરો છો માટે તમારો ખૂબ ખૂબ આભાર.આગળ પણ હું તમારા માટે આમ જ લખતી રહું માટે તમારો સહકાર ખૂબ જ જરૂરી છે.તો મને આમ જ આગળ સહકાર આપવા વિનંતી અને ફરી એક વખત વાંચકમિત્રોને આભાર.